ઝાલાવાડના ઈતિહાસમાં એક લટાર
22:33
ઓપન માઈન્ડ
અચાનક કોઈક ઈતિહાસનું પાનું તમારી સમક્ષ ખુલીને ઊભું રહે ત્યારે સ્તબ્ધ થઈ જવાય
મુંબઈમાં જન્મ અને ઉછેર એટલે સૌરાષ્ટ્ર વિશે કોઈ જ ખબર નહોતી. ધીમે ધીમે સૌરાષ્ટ્રે સાથે નાતો બંધાતો ગયો. કાઠિયાવાડમાં એક દી ભૂલો પડ ભગવાન ….એ સાંભળ્યું હતું પણ જ્યારે અનાયાસે ઝાલાવાડ જવાનું બન્યું અને વઢવાણની ઓળખ થઈ ત્યારે ભવ્ય ભૂતકાળની શેરીઓમાં ખોવાઈ જવાનું ગમ્યું. સુરેન્દ્રનગર ગુજરાતના અન્ય શહેરો જેવું જ વિકસિત શહેર છે. મોલ અને મોબાઈલની જાહેરાતોના બોર્ડ તમને શહેરની આગવી ઓળખથી અછૂતા રાખે. આ આખોય પંથક ઝાલાવાડ તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગરથી ત્રણેક કિલોમીટર જતાં ભોગાવો નદી આવે અને આબોહવા બદલાતી હોવાનો ભાસ થાય. વઢવાણની હદ શરૂ થવાની શાખ પૂરતી કમાન આધુનિક હોવા છતાં વઢવાણનો ઈતિહાસ ચુંબકની જેમ તેના તરફ ખેંચીને અમને લઈ ગયો. સુરેન્દ્રનગરમાં રિક્ષાવાળાઓએ કહ્યું કે ત્યાં રાણકદેવી સતી થયેલા તેનું મંદિર છે અને માધાવાવ છે તે જોવા જેવા છે. સતી શબ્દ સાંભળીને સતીપ્રથા અને રાજસ્થાનના રુપકુંવરની કથા યાદ આવી. એ સાથે જ જૂનાગઢ અને રાણકદેવીની કથા પણ યાદ આવી.
ભોગાવો નદી પરના પુલ પરથી પસાર થતાં એક તરફ પાણી અને બીજી તરફ સૂકી જેવી લાગતી નદીનો પટ જોઈ રિક્ષાવાળાને પૂછ્યું તો કહે આ નદી આવી જ રહે છે. એને કદાચ કોઈ શ્રાપ છે એ સિવાય બીજી કશી જ ખબર નથી. પુલ પસાર કરીને જમણી બાજુ વળ્યા તો ડાબી તરફ ગઢની દિવાલ પોતાના જર્જરિત પથ્થરોમાં સદીઓનો ઈતિહાસ સાચવીને બેસી હશે પણ તેની પાસે આપણને સમજાય એવી ભાષા નથી. જે રિક્ષામાં બેઠા હતા ચાલકે ક્યારેય રાણકદેવી વિશે સાંભળ્યું નહોતું અને કોઈ ઈતિહાસ ભણ્યો નહોતો. પૂછતાં પૂછતાં ગઢના એક દરવાજે ઊભા રહ્યા. રિક્ષાવાળાએ કહ્યું કે બસ રિક્ષા અહીં સુધી જશે તમારે પગથિયા ચઢીને ગામમાં જઈને મંદિર શોધવું પડશે. રિક્ષામાંથી ઊતરીને ગઢની લાંબી દિવાલને જોઈ અંચબિત થયા. ગામની ફરતે ગઢ હોય તેવો ઈતિહાસ ભણ્યા હતા પણ પહેલીવાર ગઢમાં પ્રવેશીને ગામ જોયું. ગઢની બારીની અંદર પગ મૂકતાં જ સમય બદલાઈ ગયો. શાંત શેરીઓ અને શહેરીજનોને સુસ્ત લાગે તેવું ગામ નજરે પડ્યું. રોમાંચનું એક લખલખું અનુભવતાં ડાબી તરફ ગઢની દિવાલ અને જમણી તરફના ગામની નિસ્તબ્ધતા ઘેરી વળી. શેરીમાં ઓટલા ઉપર કે રસ્તા પર ખુરશી નાખીને શિયાળાની ટાઢમાં કેટલાંક માણસો તડકો ઓઢીને બેઠાં હતાં. ચાલુ દિવસ હોવા છતાં તેમને કોઈ જ ઉતાવળ નહોતી કશે પણ જવાની. સામે એક જર્જરિત દરવાજો દર્શાવીને કહે ત્યાં અંદર રાણકદેવીનું મંદિર છે. એક બોલકા પુરુષે જાણતો હતો એ બધો જ ઈતિહાસ ઉત્સાહ સાથે કહેવા માંડ્યો. ભોગાવો નદી અહીં આપણે ઊભા છીએ ત્યાં સુધી હતી પણ રાણકદેવી અહીં સતી થયા ત્યારબાદ શ્રાપ લાગ્યો. ત્યારથી ભોગાવોમાં પુર આવે તો પણ પાણી જાઝુ રહેતું નથી. થોડાક જ વરસ પહેલાં પુરમાં આખું ગામ ડૂબી ગયું હતું પણ તરત જ પાણી ઉતરી ગયા નહીં તો અમે કોઈ જ ન હોત વગેરે વગેરે… આમ અધકચરો ઈતિહાસ સાંભળતા ડેલીમાંથી અંદર પ્રવેશ્યા કે જમણી તરફ પુરાતત્ત્વ ખાતાનું જર્જરિત બોર્ડ જોયું તેના પર આ હેરિટેજ સ્મારક હોવાનું જાણવા મળ્યું.
સામે જ વિશાળ ખુલ્લી જગ્યા તેમાં વડવાઈ ફેલાવીને પ્રસરેલો મોટો વડ તરત જ ધ્યાન ખેંચે. ડાબી તરફ જર્જરિત હાલતમાં રાણકદેવીનું મંદિર હતું. અંદર ગામની જ કદાચ માંડ બે ચાર વ્યક્તિઓ હતી જે બહાર નીકળી રહી હતી. તેમણે જોયું કે અમે ઉત્સાહી પ્રવાસીઓ છીએ તો કહેવા લાગ્યા કે અહીં જ રાણકદેવી રાખેંગારના માથા સાથે સતી થયેલા. તેમણે ભોગાવોને કાંઠે આવીને સિધ્ધરાજ જયસિંહ જે રાણકદેવીના મોહમાં અંધ હતો તે જૂનાગઢથી પોતાની સાથે લઈ જતો હતો તેને કહ્યું કે મારે તમારી સાથે નથી આવવું પણ અહીં સતી થવું છે. રાણકદેવીએ ગામના લોકો પાસે અગ્નિ માગી પણ કોઈએ આપી નહીં તેથી પોતાના સતથી પગના અંગુઠામાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો અને સતી થયા. ગામમાં માધાવાવ અને હવા મહેલ છે તે પણ જોજો કહીને તેઓ બહાર નીકળી ગયા અને ઈતિહાસને સાચવીને બેસેલી ખુલ્લી જગ્યામાં નિરવ શાંતિ અનુભવાઈ.
ગઢની દિવાલો, વડ, રાણકદેવીનું મંદિર ઉપરાંત ત્યાં પાળિયાઓ હતા તેમ જ એક ખૂણામાં સુંદર દેરીઓનો સમૂહનો પાછલો ભાગ દેખાઈ રહ્યો હતો. આખીય જમીનને અડીને આધુનિક વઢવાણના મકાનો હતા પણ વાતાવરણમાં સુંદરતા અને શાંતિનું સામ્રાજ્ય હતું. અનેક શૂરવીરોના પાળિયાઓ દિવાલોની ધારે હતા તેમાંથી કેટલાક ઉપર ચોકથી નામ હતા અને ધીંગાણામાં વીર થયા તેવું આછું લખાણ હતું. મંદિરોનો સમૂહતો અદભૂત હતો. તેમાં કેટલીક જ્ઞાતિઓના કુળદેવી હતા તો અનેક શિવની દેરીઓ હતી. આ મંદિરોના ઈતિહાસ વિશે કોઈ જ માહિતિ કશે જ લખેલી નથી કે ન તો પરિસરને હેરિટેજ તરીકે જળવાતું હતું. આપણી પાસે ભવ્ય ઈતિહાસ હોવા છતાં તેને જાળવવાનો વિવેક આપણે ચૂકી રહ્યા છીએ તે અહીં પણ દેખાય. બરડાના ડુંગરાઓમાં આવેલું ઘૂમલીનું મંદિર યાદ આવ્યું એક સમયે તે પણ ભવ્ય હશે પણ સચવાયું નથી. તો લીમડી પાસે આવેલા પંચાળ પંથકના ગામડાઓમાં પણ વેરવિખેર સ્મારકોને જોયા હતા તે યાદ આવ્યા.
ગામમાં માધાવાવ જેના પરથી વણઝારી વાવ ચિત્રપટ બન્યું હતું તેની દુર્દશા જોઈને પણ દુખ થયું. માધાવાવની વાતને લોકગીતમાં ય વણી લેવાયું છે. આનંદ ફક્ત એટલો થયો કે ગઢની અંદર આવેલું વઢવાણ ગામ હજી આધુનિક ઉપકરણોના જાહેરાતોના બોર્ડ અને શોપિંગ મોલની ચઢાઈથી બચી શક્યું છે. ગઢની અંદરની સાંકળી પોળ અને બહારના તેના પહોળા રસ્તાઓ જોઈને કોચીન અને દિવ જેવા શહેરોની યાદ આવી ગઈ. ગ્રીસ અને યુરોપના ગામડાઓમાં ગુજરાતીઓ ખાસ ફરવા જાય. ત્યાંના લોકો તેમના બાંધકામની સુંદરતાને જાળવીને પ્રવાસીઓને આકર્ષે છે. જ્યારે આપણે તો ગામડાંઓને પણ શહેરની જેમ કુરૂપ બનાવવાની હોડ લગાવીએ છીએ. ઝાલાવાડના વઢવાણ ગામને આગવું સૌંદર્ય અને ઈતિહાસ છે તેને જાળવ્યો હોય તો વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવી શકે. આખુંય સૌરાષ્ટ્ર સૂકું હોવા છતાં સુંદર અને ભવ્ય ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. તેને જાળવવાનો પ્રયાસ ક્યારેય થયો જ નથી.
ગોંડલના ભગવતસિંહ બાપુના મહેલો હવે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે પણ ગોંડલ ગામના મોટા રસ્તાઓ પર રાજના જમાનાના લાઈટના થાંભલાઓની હાર ખોવાઈ ગઈ છે. તેની સુંદરતા જોયાનું સ્મરણ છે. ખંભાલીડાની ગુફાઓને હેરિટેજમાં સ્થાન અપાયું અને હવે તેને સરકાર જાળવી રહી છે પણ વરસો પહેલાં ત્યાં ગયા ત્યારે અવાવરું ગુફાઓ જર્જરિત થઈ જ ગઈ હતી અને તેના શિલ્પો નષ્ટ પામ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં આવેલું ધરમપુર વિકાસના નામે તેમ જ ધર્મના નામે આધુનિક પહેરવેશને કારણે પોતાની આગવી ઓળખ ખોઈ ચૂક્યું છે. આપણે હવે ગ્રીસ અને યુરોપ જઈને ત્યાંના ગામડાંઓના ફોટા જ પાડવામાં ધ્યાન આપીએ છીએ. ઘર આંગણે આગવી ઓળખ ધરાવતાં ગામડાંઓને બહેરમીથી નષ્ટ કરીએ છીએ. વઢવાણમાં દાજીરાજજી બાપુએ વિક્ટોરિયાની રાણીના ઉતારા માટે ધર્મ તળાવને કાંઠે હવા મહેલ બાંધવાની શરૂઆત કરી હતી પણ તેમનું મૃત્યુ થતાં એ અધૂરો હવા મહેલની સુંદરતા જોનારને મંત્ર મુગ્ધ કરી દઈ શકે છે. વઢવાણી મરચાંની જેમ વઢવાણના ઈતિહાસને જાળવવાનું કામ થઈ શક્યું હોત કે પછી અધૂરાં હવા મહેલની જેમ વાંઝણું જ રહેશે એવું લાગે છે. વઢવાણમાં સ્વામીનારાયણ મંદિર સહિત અનેક સ્મારકો છે જે કાળના ગર્ભને સાચવીને બેઠાં છે. તેમની ગાથાઓ ગૌરવભેર ગાવાની જરૂર છે.
0 comments