અમારી વાત લખાતી નથી

21:48







 સતત અપમાનો અને અવહેલના વચ્ચે જીવતા લોકો વિશે પણ વાત થવી જોઈએ. 




આખું વરસ બેલેન્સ ફોર બેટર માટે ઉજવવામાં  આવનાર છે. સમાનતાની વાત કરવામાં પણ કેટલી સ્ત્રીઓને તદ્દન વિસારીને વાત કરીએ છીએ. સમાજમાં શોષિત નારીઓની વાત કરતી સમયે પણ અવાજ દરેક નારી માટે બુલંદ નથી કરવામાં આવતો કે તેમના માટે કોઈ મીણબત્તી લઈને રસ્તા પર નથી ઉતરી આવતું. નિર્ભયા કેસ થયા બાદ આખોય દેશ તેની પડખે ઊભો રહ્યો હતો. નિર્ભયા બળાત્કાર ૧૬ ડિસેમ્બર ૨૦૧૨માં થયો તે પહેલાં ૨૨  દલિત સ્ત્રીઓ પર બેરહેમીથી બળાત્કાર થયા અને મારી પણ નાખવામાં આવી ક્યારેય કોઈ મીણબત્તીમાર્ચ થયાનું યાદ છે ખરું? ત્યારબાદ પણ દલિત સ્ત્રીઓ પર ક્રૂર રીતે બળાત્કાર થતાં રહ્યા છે પણ ત્યારેય દિલ્હી કે મુંબઈના રસ્તા પર કોઈ ઉતરી નથી આવ્યું. 
નારીવાદના સેમિનારમાં બાવીસ વરસની છોકરી દિવ્યા કુન્દુકરી પોતાનો નંબર કોઈને આપતી નથી. તેની સાથે સંપર્ક કરવો હોય તો મેઈલ દ્વારા થઈ શકે છે. ત્રીસેક વરસની મનીષા મશાલનો સીધો સવાલ આવે છે તમારે ખરેખર અમારા વિશે લખવું છે? તરત કહેવાઈ ગયું હા કેમ નહીં? પછી વિચાર કરતાં જણાયું કે છેલ્લા સત્યાવીસ વરસના પત્રકારત્વમાં અનેક સફળ સ્ત્રીઓની મુલાકાત લીધી છે અને લખ્યું છે પણ ક્યારેય દલિત મહિલાઓની મુલાકાત નથી લીધી કે નથી જોઈ છપાયેલી મોટા ફોટા સાથે. બે ઘડી વિચાર કરતા લાગ્યું કે ક્યાંકને ક્યાંક હું પણ અન્યાય કરતી આવી છું. અત્યાર સુધી સફળ સ્ત્રીઓ કે સમાજના માળખા સામે લડતી અનેક સ્ત્રીઓને શોધીને ઈન્ટરવ્યુ લીધા છે પણ દલિત સમાજ જાણે કે મારા માટે હતો નહીં. સ્ત્રી તરફી અન્યાય વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે અનેકવાર દલિત સ્ત્રીઓ પર થતાં અત્યાચારો વિશે ચુપ રહેતા સમાજ અને મીડિયાની ટીકા કરી હોવા છતાં એક ભવરીદેવી સિવાય ક્યારેય આવી મહિલાઓનો ઈન્ટરવ્યુ નહોતો લીધો, જાણે અજાણે તેના માટે સભાન પણ નહોતી થઈ. નારીવાદના સેમિનારમાં બે યુવતીઓનો આક્રોશ હાજર દરેકને સ્પર્શી ગયો હતો. 
યુવતીઓ બીજી દરેક સામાન્ય યુવતીઓ જેવી દેખાતી હતી પણ જ્યારે તેમણે પોતાની વાત કરી અને કામ વિશે સ્પષ્ટતા કરી તો લાગ્યું કે યુવતીઓ અસામાન્ય છે. શોષિત સમાજ અને તેમાંય સ્ત્રી તરીકે બેવડા શોષણનો ભોગ બનતી યુવતીઓએ અન્યાય સહન કરવાની પહેલ કરી એટલું નહીં તેમણે પોતાના સમાજને થઈ રહેલા અન્યાય વિશે લડવાનું પણ નક્કી કર્યું. પ્રિવિલેજ એટલે કે જેમને દરેક સુખસગવડ મળે છે તેવી સ્ત્રીઓને કદાચ દલિત સ્ત્રીઓની તકલીફનો અહેસાસ પણ થઈ શકે તે સ્વાભાવિક છે. 
મનીષા મશાલ એવા રાજ્યમાં જન્મી છે કે જ્યાં આજે પણ સ્ત્રી ભૃણ હત્યા સામાન્ય છે. આજે પણ છોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે. હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારના એક ગામડામાં જન્મેલી મનીષાના પિતાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર ભાઈ બહેનો સાથે સફાઈકામ કરી તેની માતાએ બાળકો ઉછેર્યા. સારી વાત હતી કે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતાં તેના ભાઈએ ભણવાનું છોડીને બહેનોનો અભ્યાસ ચાલુ રખાવ્યો. તેમના કુટુંબમાં નહીં સમાજમાં માસ્ટર્સ થનારી મનીષા પહેલી છોકરી છે. તેણે આર્ટસ તેમજ વિમેન્સ સ્ટડીમાં  એમએ કર્યું. ત્યારબાદ તેણે એલએલબી પણ કર્યું. મનીષા કહે છે કે દલિત સ્ત્રીઓના બળાત્કારનો કેસ કોઈ વકિલને લડવો નથી હોતો કારણ કે તેમાં પૈસા નથી મળતા. દલિત પર થતાં અત્યાચાર અને બળાત્કાર વિરુદ્ધ કેસ મફતમાં લડવા માટે મેં વકિલ થવાનું નક્કી કર્યું હતું. 
મનીષા મશાલ કહે છે કે શોષિત રહેવું સહેલું નથી પણ લડવું ઓર પણ અઘરું છે. કારણ કે લડવાનું છે તમારે આખાય સમાજ સામે કે જેમાં તમારા અસ્તિત્વનો સ્વીકાર નથી. કોઈ જાતિ પસંદ કરીને નથી જન્મ લેતું કે તો કોઈ બાળકને ખબર હોય છે કે તે દલિત છે કે બ્રાહ્મણ છે જ્યાં સુધી તેને કહેવામાં આવે. હું ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારે મારી સાથે શાળામાં ભેદભાવ અનુભવ્યો હતો. ખૂબ ગુસ્સો આવ્યો હતો તે ગુસ્સો હજી શમ્યો નથી. બીજીવાર બારમાં ધોરણમાં હતી ત્યારે હું કોલેજ જતી હતી તો ઉચ્ચજ્ઞાતિના છોકરાઓ મારી મજાક ઊડાડતા હતા કે દેખો યે બનેગી મેડમ, અમારા ભણવા સામે પણ તેમનો વાંધો હતો તે સમયે મેં તેમને ઈંટ મારી હતી. બસ લડત ત્યારથી શરૂ થઈ હતી અન્યાય વિરુદ્ધ, અધિકાર માટે પણ. આજે જ્યારે જોઉં છું કે શહેરોની સ્ત્રીઓ અધિકારની વાત કરે છે ત્યારે લાગે છે કે અધિકાર શું  હોય તે એમને ખબર નથી. અધિકાર શબ્દ પણ ફેશન બની ગયેલો દેખાય છે. નારીવાદીઓ પણ અમને હાંસિયામાં રાખે છે, અમને નેતૃત્વ સોંપતા નથી. ગુલામી,અપમાન અને અવહેલના જે દલિત સ્ત્રી સહન કરે છે તેનો અનુભવ લીધા સિવાય તે વિશે બોલવું કે લખવું સહેલું નથી. સ્ત્રી શિક્ષણની વાતો થાય છે પણ દલિત સ્ત્રીઓના શિક્ષણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જીવવા માટે મજૂરી કરવી એટલું જરૂરી હોય છે કે તેઓ શાળા સુધી પહોંચી શકતી નથી, અને જે પહોંચે છે તેમના માટે ભેદભાવ અને અન્યાય સાથે ભણતર પૂરું કરવું સહેલું હોતું નથી. દલિત છોકરીઓ માટેની શાળા કેટલી બાંધવામાં આવે છે? હું તો દલિત સ્ત્રીઓને પણ કહીશ કે તમે જીવો છો તેની સાબિતિ માટે પણ બોલતા શીખો, લડતા શીખો. બાકી ભણતરથી પણ કોઈ ફરક નથી પડતો જો તમે ગ્રાસરૂટ લેવલ પર કામ નથી કરતા. 
શુદ્ધ હિન્દીમાં સ્પષ્ટ વાત કરતી મનીષાએ ૨૦૦૬ની સાલમાં સ્વાભિમાન સંસ્થા અન્ય દલિત સ્ત્રીઓ સાથે મળીને શરૂ કરી. મનીષા કહે છે કે અન્યાય વિરુદ્ધ અવાજ તો ઉઠાવવો છે સાથે નેતૃત્વ ઊભું કરવું છે. તમે જોશો કે નેતાઓ પણ મંચ પરથી સ્ત્રી સશક્તિકરણની વાતો કરશે પણ તેમની બહેન કે પત્ની કે દીકરીને મંચ પર નહીં લાવે. તેમાં પણ દલિત સ્ત્રીને કોણ મંચ આપે? નારીવાદી સંસ્થાઓ કામ કરે છે ખરી પણ હજી ગ્રાસરૂટ પર ઘણું કામ કરવાનું બાકી છે. 
દક્ષિણ ભારતમાં રહેતી દિવ્યા કુન્દુકરીને માનસિક હતાશાનો રોગ થયો હતો એટલે તેણે કોલેજ છોડી દીધી હતી. ડિપ્રેશનમાંથી તે ડોકટર અને મિત્રોની મદદથી બહારતો આવી પણ તેણે જોયું કે માનસિક રોગ વિશે એક તો આપણા સમાજમાં જાણકારીનો અભાવ છે અને તેમાં પણ તમે દલિત સમાજમાંથી હો તો સરકારી હોસ્પિટલોમાં પણ તમારા તરફ ભેદભાવ થાય છે. માનસિક રોગ માટેની સારવાર કેટલી સહાનુભૂતિ માગી લેતી હોય છે પણ તેમાં તમે ગરીબ હો, દલિત હો તો સહાનુભૂતિને બદલે તમારું વધુ અપમાન થતું હોય છે. તમને એવા તોડી પાડવામાં આવે કે તમે ક્યારેય સ્વસ્થ થઈ શકો. અંગ્રેજીમાં વાતચીત કરતી દિવ્યા કુન્દુકરીએ ફેસબુક પર એકાઉન્ટ બંધ કરી દીધું છે કારણ કે તેને ટ્રોલ કરવામાં આવતી હતી. તેણે બ્લ્યુ ડાઉન નામે સંસ્થા શરૂ કરી છે ખાસ દલિત અને ક્વીઅર વ્યક્તિઓ માટે. તેમને માનસિક સહાનુભૂતિ તેમજ યોગ્ય માર્ગદર્શનની ખૂબ જરૂર હોવાનું દિવ્યાએ અનુભવ્યું છે.  ક્વીઅરનો ડિક્શનરી અર્થ છે વિચિત્ર. પણ ક્વીઅર એટલે જેઓ સામાન્ય છે પણ સામાન્ય સમાજના નિયમોમાં બંધ નથી બેસતા એવો અર્થ હું કરું છું. દિવ્યા બહુજન સમાજ ચળવળમાં પણ જોડાયેલી છે પણ તે ખાસ કરીને માનસિક સપોર્ટની વાત કરે છે. દિવ્યા પોતાની વાત એટલી સ્પષ્ટ રીતે કહે છે કે લોકોને તે વીંધી નાખે છે. તે ટ્વીટર પર સક્રિય છે અને કેટલાક ન્યુઝપેપર માટે તે આર્ટિકલ પણ લખે છે. દિવ્યા આક્રોશપૂર્વક કહે છે કે સતત તમને કોઈ દરેક જગ્યાએ અપમાનિત કરે, તમારી સાથે જુદો વ્યવહાર કરે તો માનસિક રીતે તમને તોડી નાખનારું હોય છે. માનસિક રોગ તેમાંથી જન્મે તો નવાઈ.માનસિક રોગ વિશે આજે લોકો વાત કરતા થયા છે પણ ચોક્કસ સમાજમાંથી આવતા લોકોને રોગ વધુ તકલીફ આપે છે તેના વિશે કોઈ વાત કરતું નથી કે વિચારતું નથી. 
દિવ્યા અને મનીષા જેવી સ્ત્રીઓ માથે કફન બાંધીને અધિકાર અને સમાનતાની વાત નથી કરતી પણ ગ્રાસરૂટ લેવલ પર સતત કામ કરતી રહે છે. તેમને સલામ  





You Might Also Like

0 comments