વિકાસ ખોવાઈ ગયો છે તેને શોધીએ (pulished in Saanj Samachar)
20:31વરસેક પહેલાં વિકાસના નામની માળા જપાતી હતી હવે ચોકીદાર ચર્ચામાં છે પણ વિકાસ ખરેખર ક્યાં છે?
ગામના ચોરે બેસેલા ભાભાને પૂછો તો કહેશે કે વિકાસ કઈ બલાનું નામ છે હે ભાઈ? અમારા જમાનામાં એક પાઈનું અઢળક ધાન મળતું. પાઈ પછી પૈસો પણ ચાલતો. આજે તો દહ રૂપિયાની પણ કિંમત નથી. કોલેજમાં જતા ગગાને દહ રૂપિયા આપો તો કેહ કે બાપા સો રૂપિયા આપવા હોય તો આપો દહ રૂપિયા નહીં જોઈતા લ્યે બોલો. આને તમે વિકાસ ક્યો છો? આવો વિકાસ હુ કામનો હે… ભાભાની સાચી છે ય ખરી અને નથી પણ. દેશનો વિકાસ તો જ થાય જો દરેક વ્યક્તિનો વિકાસ થાય. વિકાસ શબ્દ સાપેક્ષ છે. તેને કયા અર્થમાં વાપરીએ છીએ તે મહત્ત્વનું છે. વિકાસને સમજવો સહેલો નથી જ તેમાંય એની થિયરીઓ તો ભાભાની કરચલીઓ જેટલી ઊંડી અને ખરબચડી છે. આખી દુનિયા ડેવ્હલપમેન્ટની એટલે કે વિકાસની વાતો કરે છે ફક્ત આપણે નથી કરતા. ડેવ્હલપ અને અન્ડરડેવ્હલપ દેશો એમ બે ભાગમાં દુનિયા વહેંચાયેલી છે. પણ સરળ ભાષામાં વિકાસની સમજ જોઈએ તો ભાભા પાસે જવું પડશે.
ભાભા કહેશે કે અમારા જમાનામાં આજે લોકો પાસે છે એટલા રૂપિયા નહોતા, સગવડો નહોતી પણ સંતોષ અને આનંદ જરૂર હતો. પાણી પીને આવતો ઓડકાર પણ મીઠો હતો. ભાભાની આ વાત ફિલોસોફિકલ લાગશે પણ સો વરસ પહેલાં સૌરાષ્ટ્રમાં જન્મેલો ગાંધી પણ એ જ વાત કહેતો હતો. તેને સમજાતું હતી વિકાસની ફિલોસોફી. તેને દેખાતી હતી આવનારો યુગ જે વિકાસના નામે માનવીય મૂલ્યોને વિસારી દેશે. આજે ગાંધી નથી પણ ગાંધીની ફિલોસોફી આપણી પાસે છે. એ પહેલાં સામાન્ય રીતે આપણે ડેવ્હલપમેન્ટ કોને કહીએ અને સમજીએ છીએ તે જોઈએ. દરેક વ્યક્તિ પોતે પણ જીવનમાં વિકસવા ઈચ્છે છે. વિકસવું એટલે દરેક વસ્તુનું વધવું, સંપત્તિ અને સગવડોનું વધવું એ સમજ અભિપ્રેત છે. સફળતાની જે વાતો કરીએ છીએ તે વિકાસની જ વાત છે. વ્યક્તિ ભણવા શા માટે ઈચ્છે છે કે તે વધુ કમાઈ શકે. ઘર અને ઘરવખરી ખરીદી શકે. દરેક ભાષાના પોતાના અર્થ હોય છે કારણ કે તે ભાષા જે તે સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. ભાભા શબ્દને આપણે અંગ્રેજીમાં શું કહી શકીએ? ગ્રાન્ડ ગ્રાન્ડ પેરેન્ટસ એટલે કે પપ્પાના દાદા પણ ગામના દરેક વૃદ્ધ વડિલ આપણા ભાભા હોઈ શકે. ભાભા કે બાપા એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો શબ્દ છે. તેને બીજી ભાષામાં અનુવાદ કરી ન શકાય. એ જ રીતે વિકાસના અર્થ દરેક સંસ્કૃતિમાં જુદો હોઈ શકે છે. અંગ્રેજીમાં ડેવ્હલપમેન્ટ તે પશ્ચિમની મૂલ્યો અને સંસ્કૃતિની વાત કરે છે. એને જો ગામડામાં લઈ આવ્યા તો ગામ ખાલી થઈ ગયા. કારણ કે એ ડેવ્હલપમેન્ટ માટે શહેરી સંસ્કૃતિની જરૂર છે. ગ્રામ્ય મૂલ્યો ત્યાં નહીં ચાલે. ગામના વિકાસની વાત કરીએ તો ત્યાંના રસ્તા, પાણી, શાળા, બિયારણ અને ગામને જીવંત રાખતા વ્યવસાયની વાત કરવી પડશે. તેમાં કુંભાર, મોચી, દરજી, સુથાર,ગુરુજી વગેરે અનેકની વાત કરવી પડે. કુંભારની વાત અમેરિકાના શહેરોમાં થઈ શકે જ નહીં. માટલાના ગોળાનું પાણી ગરમીમાં કેટલું ઉપકારક છે તે એમને કેવી રીતે સમજાવી શકાય.
વિકાસ અને ડેવ્હલપમેન્ટના ભલે એક જ શબ્દ ગણાય પણ તે બન્નેના અર્થોની ફિલોસોફી જુદી છે. વિકાસની મજાક આપણે સૌએ ઉડાવી વરસેક પહેલાં પણ વિકાસની વાત આપણે સતત કરતા રહ્યા છીએ. દરેક વ્યક્તિઓ સરકારને આજે એ જ સવાલ પૂછે છે કે અમારો વિકાસ ક્યારે થશે? દરેકને વિકાસ જોઈએ છે પણ તે માટે સરકારની જરૂર છે. આમ જોઈએ તો આપણો વિકાસ આપણે જાતે જ કરી શકીએ પણ ક્વોટા સિસ્ટમ, ભણતર, નોકરી સિવાય આપણો વિકાસ થઈ શકતો નથી એવી બૂમો પાડીએ છીએ. આખીય વ્યવસ્થા આપણે એવી ઊભી કરી કે નોકરી સિવાય અને ખૂબ બધા પૈસા કમાવ્યા સિવાય આપણો વિકાસ થઈ શકતો નથી. ગરીબમાં ગરીબ માણસને પૂછો કે તેમને શું જોઈએ છે તો કહેશે કે બે ટંક પૂરું ખાવા અને પહેરવા બે કપડાં તેમ જ રહેવા એક નાનું ઘર જોઈએ છે. તો પછી મોંઘુ શિક્ષણ, ગાડીઓ, મોબાઈલ, સુવિધાઓ કોને જોઈએ છીએ તો વિશે વિચારીશું તો સમજાશે કે જેમની પાસે મેકડોનાલ્ડમાં જઈને બર્ગર અને કોફી શોપની કોફી પીવાની સગવડ છે તેને જોઈએ છે. સરકાર કોઈપણ આવે મૂળભૂત જરૂરિયાત વિના લાખો લોકો ભૂખ્યા સૂએ છે, ઘર વિના ઠંડી, ગરમીમાં હજારો લોકો રસ્તા પર સૂએ છે. બાળકો શાળામાં જવાને બદલે આપણે ઊભા કરેલાં કચરાંના ડુંગરોમાંથી કચરો વીણીને બે ટંક ભોજન મેળવવાનો પ્રયત્ન કરે છે. બજેટમાં મોબાઈલ, ટીવી વગેરે ઉપકરણો સસ્તા થયા કે નહીં, ટેક્સમાં બચત થાય છે કે નહીં તેની ચિંતા થતી હોય છે. તેના પર સરકારના ટકવા ન ટકવાની અટકળો થાય છે. પણ કેટલાં બાળકોને કચરાંમાંથી ભોજન શોધવાની જરૂર ન પડી તેના આંકડાઓનું બજેટ નથી હોતું. સરકારી શાળાઓ બંધ થાય છે તેના કારણોમાં કોઈને રસ નથી. સરકાર દ્વારા ચાલતા અનાથાશ્રમમાં બાળકોનું અને મહિલાઓનું શોષણ થાય છે તે અટક્યું કે નહીં તેના વિશે વાત નહીં થાય પણ મોદી કે પ્રિયંકાએ આજે શું કહ્યું તેના વિશે ચર્ચાઓ ચાલશે.
વિકાસમાં છેક છેવાડાનો માણસ પણ આવે છે. વિકાસ શબ્દ ભારતમાં મોટેભાગે આધ્યાત્મિક અને વ્યક્તિત્વ વિકાસના સંદર્ભે વપરાતો હતો.
ડેવ્હલપમેન્ટ શબ્દનો ઉપયોગ કરવો આજે ફેશનમાં છે. જો કે બસો વરસથી આ શબ્દ ઉપયોગમાં આવ્યો છે. અભ્યાસીઓ પણ કહે છે કે આ શબ્દના અનેક સ્તર છે. તેને સમજવું જરૂરી છે. ૧૮૦૦ની સાલમાં સેલ્ફ ડેવ્હલમેન્ટ શબ્દ ફેશનમાં હતો. પરિસ્થિતમાં સુધારો થાય એટલે વિકાસ એટલે કે ડેવ્હલપમેન્ટ થયું ગણાય. કાર્લ માર્ક્સે પણ તેનો ઉપયોગ સામાજિક ઉન્નતિના સંદર્ભે કર્યો હતો. ૧૯૦૦ની સાલ સુધીમાં દુનિયામાં ડેવ્હલપમેન્ટ શબ્દને એટલા સંદર્ભો સાથે વાપરવામાં આવ્યો કે તેને એક સંદર્ભે સમજાવી શકાય એવી શક્યતા આજે રહી જ નથી. વીસમી સદીની શરૂઆત થતાં તો ડેવ્હલપમેન્ટ એ શહેરીકરણના સંદર્ભે જ વપરાવા લાગ્યો છે. શહેરનો વિકાસ કે શહેરીકરણ કરવું એને જ વિકાસ સમજવા લાગતા જ્યારે પણ વિકાસ શબ્દ વપરાય કે આપણા મનમાં રોડ, વીજળી, મકાનો, ગાડીઓ, સુખસગવડો જ દેખાય છે. સામે તમે સવાલ કરી શકો કે તો શું આ બધું જરૂરી નથી? છે પણ સૌ પહેલાં જરૂર છે દરેક વ્યક્તિને અન્ન મળે, કપડાં અને છત મળે. પણ શબ્દની વાત કરીએ ફરી તો કોઈપણ શબ્દ તેના અર્થ સાથે જ આપણા મનમાં રોપાય છે. તેને અર્થ મળે છે આસપાસના વાતાવરણમાંથી. કાકી એટલે કોણ તે આપણને સમજાવું નથી પડતું. મામા, નાના એટલે કોણ એ બાળકને સમજાવવામાં નથી આવતું તેને બસ ખબર છે કે આ વ્યક્તિને કાકા અને પેલી વ્યક્તિને મામા કહેવાની છે કારણ કે એવું એણે જોયું છે અને શીખવાડવામાં આવ્યું છે.
વિકસિત દેશ અને વિકાસશીલ દેશોની વ્યાખ્યા સૌ પહેલાં ૧૯૪૯માં અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેને કરી હતી. તેમણે કંઈક આ મતલબનું કહ્યુ હતું કે આપણી વૈજ્ઞાનિક શોધ અને ઈન્ડસ્ટ્રિઅલ વિકાસનો લાભ અન્ડર ડેવ્હલેપડ દેશોને મળવો જોઈએ. જૂની રાજકિય ધારણાઓ છે કે ફક્ત પોતાના ફાયદા માટે જ બીજાનો ઉપયોગ કરવો તે આપણું માપદંડ ન હોવું જોઈએ. લોકશાહી ઢબે આપણે વિકાસના કાર્યક્રમો કરવાના છે. (૨૦ જાન્યુઆરી, ૧૯૪૯) એ દિવસે દુનિયાના બે ભાગ પડ્યા એવું કહી શકાય. એક કે જેમણે વિકાસ સાધ્યો છે અને બીજો ભાગ જે વિકાસશીલ છે, જેમણે વિકાસ કરવાની જરૂર છે. સાથે જ વૈજ્ઞાનિક શોધ અને ઈન્ડસ્ટ્રિઅલ વિકાસને જ વિકાસ કહી શકાય એવી ધારણા પણ બંધાઈ એવું કહી શકાય. આજે દરેક બાબતને માર્કેટિંગના સંદર્ભે જોઈને વિકાસનો અડસટ્ટો બાંધવામાં આવે છે એવું પણ કહી શકાય. એટલે જ જ્યારે આપણે ચૂંટણીમાં કોઈ નેતા વિકાસની વાત કરે કે આપણે પોતે પણ વિકાસની વાત કરીએ ત્યારે તેનો યોગ્ય સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. માર્કેટિંગના માળખામાં આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, સગવડો સ્થાયી થયા છે ત્યારે ભાભાની કરચલીઓમાં ખોવાઈ ગયેલા સંતોષને શોધવાની જરૂર છે. ગાંધીના વિકાસના માળખાની વાત આવતા લેખમાં
0 comments