ચાલો થઈ જાય ઓથેન્ટિક સિંધી સ્વાદની ઉજાણી

22:38










પંજાબી, ચાઈનીઝ, મોગલાઈ, કેરાલાઈટ, સાઉથ ઈન્ડિયન, કોન્ટિનેન્ટલ વગેરે અનેક જાતના સ્વાદ આપણને દરેક વિસ્તારમાં મળી રહે છે, પણ ગુજરાતી કચ્છી જેવી બોલી બોલતા અને સિંધ પ્રાંતથી આવેલા સિંધીઓના ઘરે બનતું સિંધી ભોજન ખાવા ખાર વેસ્ટમાં જવું પડે.  ખાર સ્ટેશનની નજીક આવેલી જસ્સ બાય સિંધફુલ નામની નાનકડી છતાં રૂપકડી રેસ્ટોરાં આવેલી છે. કોઈપણ રેસ્ટોરાંના ખાવાનો સ્વાદ આપણે સૌથી છેલ્લે અનુભવતા હોઈએ છીએ. પહેલાં તો બહારનું અને અંદરનું વાતાવરણ તમને અડતું હોય છે.  પછી વાનગીનું પ્રેઝન્ટેશન તમને લલચાવે અને છેલ્લે સ્વાદ મોઢામાં અને પેટમાં રસ ઢોળે.  એવું કંઈક સિંધફુલનો અનુભવ રહ્યો. એક ગાળાની રેસ્ટોરાંના કાચનો દરવાજો ખોલતા તમને સ્મિત દ્વારા આવકાર મળે. માંડ પચ્ચીસ-ત્રીસ લોકો બેસી શકે એટલી નાની રેસ્ટોરાં પણ તેની સજાવટ આંખોને અને મનને આનંદ આપે. ડાબી બાજુ પિત્તળ અને કાંસાની નાની મોટી ડીશોને દીવાલ પર સજાવી છે અને તેમાં કેટલાક સિંધી શબ્દો લખ્યા છે.  ક્રિમ, પીળો અને લીલા રંગનો ઉપયોગ કરીને રેસ્ટોરાંને શાંત લુક આપ્યો છે. ફર્નિચર પણ સાદું, સિમ્પલ પણ રચનાત્મકતા દરેક ખૂણાથી ઝલકાય.  દીવાલ પર મુંબઈના ચિત્રોનું રેખાંકન ધ્યાન ખેંચે. 
મેનુ કાર્ડ પર પણ રચનાત્મકતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિંધી શબ્દો અહીં પણ દરેક વિભાગ પર લખ્યા છે.  તેમની રેસ્ટોરાંનું નામ જસ્સ બાય સિંધફુલ છે, જસ્ટ બાય નહીં. જસ્સનો અર્થ મેનુની શરૂઆતમાં સમજાવ્યો છે. જસ્સ છે જસ્ટ નથી.  જસ્સ એટલે નેચરલ, ઓથેન્ટિક, મેજીક અને લવ. રેસ્ટોરાં દીકરાએ માની મદદથી શરૂ કરી છે. કંચન અને સનત આહુજા. કંચન પોતે શેફ છે અને પહેલાં ઘરેથી સિંધી ટિફિન સપ્લાય કરતા હતા. દીકરા સનતે મોટા થઈને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યું પણ મજા આવતા તેને સિંધી રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર આવ્યો અને આમ મુંબઈની પહેલી ઓથેન્ટિક સિંધી રેસ્ટોરાં શરૂ થઈ. હા તેમાં આજના જમાનાને અનુરૂપ કન્ટેમ્પરરી ટચ જરૂર આપવાનો પ્રયત્ન કર્યો છે પણ સ્વાદ સિંધી જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 
યુવાન સનત આહુજા જે રેસ્ટોરાં ચલાવે છે તેને પૂછો તો સિંધી વાનગીઓ અને શબ્દોનો અર્થ  સમજાવે છે. સનત હોય તો તેના પિતા પણ ખૂબ પ્રેમથી તમને સિંધી વાનગીઓની ઓળખ કરાવી આપે. આટલી નાની રેસ્ટોરાં હોવા છતાં વાતાવરણને લીધે તમને શાંતિ લાગે છે, ગૂંગળામણનો અનુભવ નથી કરાવતી.  ચલો હવે સિંધી ખાણીપીણી વાત કરીએ. સિંધી ચાટ વાંચીને સવાલ થયો કે પાણીપુરી અને સેવ પુરીમાં સિંધી વળી શું હોય?  સિંધી પાણી-પુરી આમ તો નોર્મલ બહાર મળતી પાણીપુરી જેવી લાગે  પણ થોડોક ફરક ધ્યાન ખેંચે. પુરી મેંદાની હોય, રવાની નહીં. અહીંનું પાણી અને ચટણી ટેસ્ટી છે. પુરીના બદલાવને કારણે પણ સ્વાદમાં ફરક પડે. મિરચી ભજીયા ચાટ વાંચતા તીખાશથી મારી જેમ ડરી ગયા હો તો કુઅઅઅલ…. મરચાં તીખા નથી હોતા. ભજીયા પર ચટણી અને દહીં  તેમજ મમરાનો ચેવડો નાખીને પીરસાય. સ્વાદિષ્ટ તો ખરું . સિંધી પકવાન સેવપુરી. અગેઈન મેંદાના પકવાન અને તેના પર છોલે, ચટણી અને દહીં નાખીને પીરસાય. દરેક વાનગીને સરસ રીતે પ્રેઝન્ટેબલ રીતે પીરસાય અને સ્વાદમાં સિંધીપણું અનુભવાય. 
મેંદો અને તળેલું ખાવું  હોય તો મગની ભેળ પણ છે. તે છતાં જો સિંધી ખાવું હોય તો તળેલું અને મેંદો ખાવાની તૈયારી પણ રાખજો. મેનુમાં નાસ્તો, ખાધો, નમકીન, ઈઓભી અને મીઠો વિભાગ છે. નાસ્તોમાં ભીયાન જી ટિક્કી, સોયા કબાબ, અરબી ટુક, આલુ ટુક, ભી પકોડા, સના પકોડા, ચુરા પકવાન ચાટ બધું પ્યોર સિંધી સ્વાદ ધરાવે છે. ભી એટલે કમળની દાંડી. કમળની દાંડીની કટલેસ કે ભજીયા અનોખા તો ખરા પણ ટુક તો ચાખવી પડી. આલુ ટુક ઓથેન્ટિક સિંધી ભજીયું છે એમ કહી શકાય. બાફેલાં બટટાને દાબીને તેને તળીને એના પર સૂકો મસાલો નાખીને ફુદીના અને કોથમીરની ચટણી સાથે પીરસાય. અરબીની પણ ટુક અહીં ચાખવા જેવી છે.  ટુક સિવાય ટીકરા સિંધી આયટમ છે. સ્ટાર્ટર તરીકે મસ્ત ટાઈમ પાસ.  રોટલીને તળીને ક્રિસ્પી બનાવાય અને સાથે ચટપટી ચટણી. નાચોઝનો દેશી અવતાર કહી શકાય.
 આમ તો આટલામાં પેટ ભરાઈ જાય એટલે મિત્રો સાથે જજો. કારણ કે હજી ભાણું તો બાકી. અહીં સિંધી થાળી પણ મળે છે. તે છતાં કંઈક જુદું ખાવું હોય  અને   પહેલાં સિંધી ખાધું હોય તો  દાલ-પકવાન  તેમ સિંધી કોકી વીથ દહીં પાપડ અને અચારનો ઓર્ડર આપી શકાય. તળેલી મેંદાની પુરી અને ચણાની દાળ દાલ-પકવાન. સિંધી કોકી એટલે પરાઠા. ઘઉંના લોટમાં કાંદા, કોથમીર અને લીલા મરચાં નાખીને તેના પરાંઠા બનાવાય તેની સાથે ગાઢું દહીં પીરસાય. ખાધું તો થાળી ખાવા બીજીવાર જવું પડે.  થાળીમાં આલુ ટુક, સિંધી કઢી, ભી આલુ સબ્જી, પીલી દાલ, ભાત,ભુગા ચાવલ  બુંદી રાયતા, એક સ્વીટ અને પુરી-રોટલી પીરસાય. લગભગ ચારસો રૂપિયાની થાળી છે.  સિવાય સિંધી ભાજી, સોયા કિમા પાઉ, ગ્રીન સિયાલ પાઉં.પનીર મખ્ખની પણ મળે છે. સાથે પીણું જોઈએ તો મસાલા છાશ, ઠંડાઈ, પાન મિલ્કશેક, મેંગો લસ્સી અને કાલા ખટ્ટા પણ મળે છે. છેલ્લે કુછ મીઠો ખાવું હોય તો સ્પેશિયલ સિંધી મીઠા લોલા, યમ્મુ એટલે કે ગુલાબ જાંબુ, સિંઘર જી મિઠાઈ અને કુલ્ફી ફાલુદા છે. મીઠા લોલા એટલે ઘઉંની મીઠી ભાખરી જે ધીમા તાપે ચૂલા પર પકાવી હોય. સિંઘર જી મિઠાઈ એટલે ટિપિકલ સિંધી રીતે બનાવેલી માવો નાખીને બનાવેલી સેવ. ગુલાબ જાંબુનો સ્વાદ પણ અહીં છે. ખૂબ સોફ્ટ કે મોઁઢામાં મૂકતા ઓગળી જાય. સિંઘરની મિઠાઈનો સ્વાદ અદભૂત છે. 
 બે વ્યક્તિ અહીં જમે કે નાસ્તો કરે તો હજારથી દોઢ હજાર રૂપિયા બીલ આવી શકે. જો તમે ખાવાના શોખીન હો તો એકવાર ઓથેન્ટિક સિઁધી ખાવાનું માણવા જેવું છે. 

You Might Also Like

1 comments

  1. આજે વાંચ્યું. મજા પડી.

    ReplyDelete