ચૌપાટી જાયેંગે, ખીર-પૂરી ખાયેંગે
17:00
સાદું અને સસ્તું ભોજન એટલે ક્રિસ્ટલ
મુંબઈની ગિરગાંવ ચોપાટી પોતાના પટમાં અનેક ઈતિહાસ સાચવીને બેઠી છે. મુંબઈકર હોય કે બહારગામથી આવેલ પ્રવાસી હોય તે એક વખત મુંબઈ ગિરગાંવ ચોપાટી જરૂર જોવા જશે. જ્યાં ક્વીન્સ નેકલેસ પૂરો થાય ત્યાંથી ગિરગાંવ ચોપાટી શરૂ થાય છે અને ચોપાટી પૂરી થાય ત્યાંથી મલબાર હીલનો ડુંગર શરૂ થાય છે. એક જમાનામાં આ સ્થળ ખૂબ રળિયામણું હશે તેની કલ્પના ચોક્કસ થઈ શકે. આજે તો અર્ધ ગોળાકારમાં દરિયાની ફરતે સિમેન્ટ કોન્ક્રિંટનું જંગલ રચાઈ ગયું છે. ચોપાટી પર લોકમાન્ય ટિળકની પ્રતિમા છે ત્યાં જ ૧૯૨૦માં તેમના અગ્નિ સંસ્કાર થયા હતા. આ ચોપાટી પર અનેકવાર સ્વતંત્રતાસેનાનીઓએ સભાઓ ગજવી છે. નવરાત્રીમાં અહીં દર વરસે રામલીલા થાય છે અને દસમાં દશેરાને દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. મુંબઈના મોટાભાગના ગણપતિ (લાલબાગના રાજા સહિત) અહીં જ પધરાવાય છે. એ ચોપાટીની સામે વિલ્સન કોલેજની જમણી બાજુના કોર્નર પર નાનકડી રેસ્ટોરાં આવેલી છે.
છેલ્લા પચાસ વરસથી ક્રિસ્ટલ નામની નાનકડી રેસ્ટોરાં મધ્યમવર્ગીય લોકોમાં અને કોલેજિયનોમાં પ્રખ્યાત છે. ક્રિસ્ટલ પ્રખ્યાત વિલસન કોલેજની બાજુમાં અને ચોપાટીની બરાબર સામેની તરફ છે. મૂળ પંજાબી માલિક કે કે ખન્નાની આ દુકાનમાં પહેલાં તો પંજાબી નાસ્તો અને ચા જ મળતા હતા. તેમાં ય અહીંના સમોસા પ્રખ્યાત હતા. પરંતુ છેલ્લા વીસેક વરસથી હવે અહીં લંચ અને ડિનર જ મળે છે. ખન્નાજી હવે ઉંમર અને તબિયતને લીધે આવતા નથી પણ તેમની દીકરી હવે રેસ્ટોરાંનો વહેવાર જુએ છે. સવારે ૧૦થી ૩ અને સાંજના ૭થી ૧૦ વાગ્યા સુધી અહીં તમને ભોજન મળી શકે. છેલ્લા પચાસ વરસથી આ રેસ્ટોરાંના દેખાવમાં ખાસ કશો જ ફરક નથી આવ્યો એવું આ લખનારે અનુભવ્યું છે. ચાર પાંચ ટેબલ નીચે અને પાંચેક ટેબલ ઉપર માળિયા જેવા માળ પર રાખવામાં આવ્યા છે.
મેનુ કદાચ મુંબઈની રેસ્ટોરાંનું સૌથી નાનુ હશે. થોડા શાકભાજી , પરોઠા , દાલ, રાઈસ અને ખીર જે અહીંની પ્રખ્યાત છે તે ખાવી જ રહીં. એક સમય હતો જ્યારે બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે જાઓ તો તમને ક્રિસ્ટલની બહાર એક મોટા તપેલામાં દૂધ અને ચોખા રંધાતા જોવા મળતા પણ હવે તેઓ ખીર અંદર રસોડામાં જ ઉકાળે છે. સતત ચારેક કલાક ઊકાળીને બનાવાતી ખીરમાં દૂધ,ચોખા અને સાકર જ હોય છે. પણ તેનો સ્વાદ દાંઢે વળગે એવો હોય છે. સતત ઊકળીને દૂધમાં કસ્ટર્ડનો સ્વાદ આવવા લાગે છે. આ ખીરને આઇસ કુલ ઠંડી કરીને સ્ટીલના આઇસ્ક્રિમના કપમાં તમને પીરસવામાં આવે …. ૬૫રુપિયાની આ ખીર બારે મહિના અહીં મળે છે. ખીર એક એવું ડેઝર્ટ અથવા કહો કે મિઠી વાનગી છે કે તમને નુકસાન નથી કરતી. તમને ડાયાબિટિશ હોય તો વાત અલગ છે પણ તે પચવામાં હળવી અને પિત્તહરનારી છે. એટલે જ સારી ખીર ખાવાથી તૃપ્તિનો ઓડકાર આવે છે. હા,યાદ રાખજો કે સોમવારે આ રેસ્ટોરાં બંધ હોય છે.
શાકમાં પણ સુખી સબ્જીમાં તમને દરરોજ જુદું જુદું મળે. ક્યારેક ભીંડા હોય તો ક્યારેક કોબી કે પછી બીજું કંઈ. એ સિવાય બીજી કેટલીક સબ્જીઓ હોય જે પંજાબી સ્ટાઈલમાં બનાવેલી હોય પણ અગેઇન મદ્રાસી હોટલમાં મળતી પંજાબી વાનગીઓ જેવી નહીં. ઘરનું બનાવેલું ખાવાનું ખાતા હોઇએ તેવું લાગે. ગુજરાતીઘર જેવું નહીં પણ પંજાબી પરંપરિત ઘર જેવી વાનગીઓ જેમાં શાકભાજીનો અને કઠોળનો મૂળ સ્વાદ જળવાઈ રહે એટલો જ મસાલો નાખવામાં આવે. ૮૫ રુપિયાથી લઈને ૧૧૫ રુપિયા સુધીમાં શાક, રોટી ફક્ત આઠ રુપિયા, પરાઠા ૩૫થી લઈને સ્ટફ પરાઠા ૭૦ રુપિયા સુધી. ફક્ત અઢીસો થી ત્રણસો રુપિયામાં બે વ્યક્તિ પેટભરીને ખાઇ શકે. અહીં થાળી પણ મળે છે. તેને વેજ કોમ્બો અને ડિલક્સ કોમ્બો મીલ કહે છે. ફક્ત ૨૦૫ રૂપિયામાં મળતું ડિલક્સ કોમ્બો મીલ ખાવા જેવું છે. તેમાં બે શાક એક પનીરનું અને બીજું વેજિટેબલ, સાથે દાલ મખ્ખની કે દાલ ફ્રાય કે રાજમા એમ અલગ અલગ કોમ્બિનેશન રોજ જ હોય. સાથે ત્રણેક રોટલી, છાશ,, પાપડ તેમ જ ડેઝર્ટ પણ હોય. બુધ, શુક્ર અને રવિવારે ખીર મળે તેમ જ બાકીના ત્રણ દિવસ ફ્રુટ ક્રિમ હોય. આ બન્ને ડેઝર્ટનો સ્વાદ ક્રિસ્ટલનો પોતાનો આગવો છે. કેટલાક લોકો ફક્ત આ ડેઝર્ટ ખાવા પણ પહોંચી જતા હોય છે. રાજમા અને દાલ મખ્ખનીમાં ખરેખર કઠોળનો ક્રિમી સ્વાદ અનુભવી શકાય. જેમને સાદું છતાં સ્વાદિષ્ટ જમવાનું ગમતું હોય તો અહીં ચોક્કસ જ જવું જોઈએ. અહીં કશું જ ફેન્સી નથી. બધું જ કાળના કોઈ સમયખંડમાં જેમનું તેમ સચવાઈ રહ્યું છે, ફક્ત ભોજન અહીં રોજ તાજું બને છે. હા, તેના મેનુમાં પણ કોઈ ફરક નથી. જમવાનું પીરસનારા મોટેભાગે વરસોથી અહીં કામ કરે છે. મૂછોવાળા મોહનસિંહને અમે વરસોથી અહીં જોતા આવ્યા છીએ. તેના કહ્યા મુજબ ૩૫ વરસથી તે અહીં કામ કરે છે. મેનુની જેમ અહીં પીરસવાની રીત પણ જૂની છે. સ્ટીલના વાસણો- ડિશ, વાડકી, ગ્લાસ અને ચમચા. ઘરમાં જ પીરસાતું હોય તેવો અહેસાસ થાય. સાથે લીલાં મરચાંની વાડકી.
કોમ્બોમાં જો ખીર હોય તો ખાસ ઓર્ડર કરીને ફ્રુટ ક્રિમ પણ ચાખવા જેવું છે. તાજા મળતા પાંચેક ફ્રુટને બારીક સમારીને ક્રિમમાં મિક્સ કરીને ફ્રિજ કરી રાખવામાં આવે છે. તેનો સ્વાદ અમમમમમમમમમમમમમમ.... બોલી શકાય એવો છે જ નહી. આ લખતા લખતા અને તમને વાંચતા જ મોંમા પાણી આવી જાય. એકવાર ચોપાટી જાઓ તો ભેલપુરી ખાવાને બદલે નોન એસી ક્રિસ્ટલમાં જમવા જેવું છે. શક્ય છે બપોરે કે રાત્રે પીક અવરમાં તમારે ટેબલ ખાલી થાય ત્યાં સુધી રાહ જોવી પડે. પરંતુ, ઓથેન્ટિક સરસ ભોજન કરવા માટે રાહ જોવાનું ખિસ્સાને ય પરવડે એવું છે. વળી વધુ ચોઇસ ન હોવાથી શું જમવું તે ડિસાઈડ કરવું અઘરું નહી લાગે. અહીં સૌથી વધુ કોલેજિયનો આવે છે. જેઓ હોસ્ટેલમાં રહીને ભણતા હોય. અને ચાલુ દિવસોમાં આસપાસની ઓફિસના ઓફિસરો પણ અહીં જ જમે છે. સાદી સિમ્પલ છતાં સ્વાદિષ્ટ પૈસા વસૂલ ભોજન માટે ક્રિસ્ટલ અમારી ફેવરિટ છે. હા, રાત્રે અહીં પાઉંભાજી પણ મળે છે. જો કે પાઉંભાજી ખાનારા કરતાં ભરપેટ ભોજન કરનારા જ અહીં વધુ આવે છે. જમ્યા પછી પાન ખાવાની ઈચ્છા હોય તો ક્રિસ્ટલની બહાર નીકળતાં જ પાનની દુકાન છે અને બીજી અનેક પાનની દુકાનો એ વિસ્તારમાં ટહેલતાં મળી રહેશે. ગિરગાંવ ચોપાટી અને ક્વીન્સ નેકલેસ રચાય છે એ મરિન ડ્રાઈવ પર લટાર મારીને ક્રિસ્ટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવી જ શકાય. અનેક ફાઈન ડાઈનિંગ અને ફેન્સી રેસ્ટોરાંઓની સામે આ સસ્તી અને સાદી રેસ્ટોરાંમાં કેટલાય પ્રૌઢો નોસ્ટાલજીઆ ફીલ કરવા આવે છે. કોલેજમાં ભણતી વખતે અવારનવાર અહીં આવ્યા હોય અને તે જૂની યાદો તાજી કરતા બેઠા હોય તેવું દૃશ્ય જોવા મળી શકે. એવું કહી શકાય કે ચોપાટી પર મળતી વાનગીઓ કરતાં અહીં પેટ જ નહીં મન પણ ભરાઈ શકે અને ખિસ્સુ પણ હળવું નહીં થાય.
0 comments