પુરણપોળીનો આઈસ્ક્રિમ મળે છે, એ ખબર છે તમને?
01:08
દાદર એટલે મરાઠીઓનું હબ એમ કહી શકાય. તેમાં પણ સેનાભવન એટલે શિવશાહી રાજકીય થાણું. બરાબર તેની સામે આસ્વાદ નામની એક મહારાષ્ટ્રીઅન રેસ્ટોરાં હતી. હતી એટલે કે હવે તેણે થોડો સમય માટે જગ્યા બદલી છે. સેના ભવનની લાઈનમાં જ પોર્ટુગીઝ ચર્ચ તરફ આગળ જઈએ કે ચર્ચ આવે તે પહેલાં જ ડાબી તરફ ધ્યાનથી જોતાં જવું પડે કારણ કે નહીં તો આસ્વાદ ચુકાઈ જઈ શકે છે. જો કે હવે ગુગલ મેપ દ્વારા સ્થળ શોધવું સહેલું છે. એક મકાનના કમ્પાઉન્ડમાં દાખલ થઈને આસ્વાદ સુધી પહોંચાય છે. મરાઠી રેસ્ટોરાંની સાદી ઓળખ થી જુદી કુશાંદે વાતાવરણ તમારું સ્વાગત કરે. કુશાંદે એટલે કે એસીવાળું ઠંડુ વાતાવરણ. પીળી લાઈટ અને નકલી પણ લીલા પાન અને સુંદર ફુલોની સજાવટ વાતાવરણ સુંદર બનાવે છે. લગભગ સિત્તેરએક જણાં બેસી શકે. બેઠક રચનાઓ દરેકને અનુકૂળ આવે તે રીતે બે, ચાર અને આઠની સંખ્યામાં છે. જગ્યાનો ઓપ્ટીમમ ઉપયોગ.
હાલમાં શિવસેના રાજકીય ચર્ચામાં હોવાને કારણે નહીં પણ મરાઠી વાનગીઓ માટે જ અમે આસ્વાદ પહોંચ્યા, પણ જાણવું જરૂરી છે કે આ રેસ્ટોરાંનું ઉદધાટન સ્વ. બાળાસાહેબ ઠાકરેએ કર્યું હતું ૧૯૮૬માં. સેના ભવનની સામે જે જગ્યાએ મૂળ આસ્વાદ હતું એ જગ્યા રિડેવ્હલપમેન્ટમાં હોવાને કારણે તત્પુરતું આ ઠેકાણું છે. રેસ્ટોરાંના કર્તાહર્તા સૂર્યકાન્ત સરજોશી કહે છે બસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમે મૂળ જગ્યાએ પહોંચી જઈશું. ૧૯૬૮માં શ્રીકૃષ્ણ ગણેશ સરજોશીએ મુંબઈ આવીને અન્ય હોટલોમાં કામ કર્યા બાદ શુદ્ધ મરાઠી વાનગીઓ પીરસતી પોતાની હોટલ આસ્વાદની શરૂઆત કરી હતી. ૧૯૯૯ની સાલમાં તેમના પુત્ર સૂર્યકાન્ત સરજોશીએ કારભાર સંભાળ્યો અને ધીમે ધીમે તેને આધુનિક હોટલનું રૂપ આપ્યું. જો કે મરાઠી સંસ્કૃતિની જાળવણી કરવાનું છોડ્યું નથી.
મરાઠી ખાણાવળ હોવા છતાં અહીં ઉડીપી હોટલમાં મળતી દરેક વાનગી અહીં મળે છે. એટલું જ નહીં ભેલ, પાણીપુરી જેવા ચાટ પણ ખરા અને પિત્ઝા પણ મેનુમાં જોઈ શકાય છે. તે છતાં આસ્વાદમાં જઈને મરાઠી વાનગીઓ જ ખાવી જોઈએ. બીજી બધી વાનગીઓ પણ સારી જ મળતી હશે પણ અમે સ્ટ્રીકટલી મરાઠી વાનગીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. વનગીઓની વાત કરતાં પહેલાં જણાવી દઈએ કે પોષ મહિનામાં અહીં ધુંધુર માસ ઉજવાય ત્યારે એડવાન્સમાં રિઝર્વેશન કરાવવું જરૂરી છે. એ દિવસોમાં સવારના સાતથી નવ દરમિયાન ખાસ નાસ્તો પિરસાય જે કોંકણની સંસ્કૃતિ છે. આ પ્રથા અહીં બે વરસથી ચાલુ છે. જેમાં બાજરીનું થાલીપીઠ, મેથકુટ અને સટોરી હોય એવું જણાવતાં સૂર્યકાન્તજી કહે છે કે મુંબઈમાં આ ભૂલાઈ ગયેલી પ્રથા મારે લોકોને યાદ દેવડાવવી છે. એમાં ખરેખર શું હોય તે જાણવા તમારે પોષ મહિનામાં આવવું રહ્યું.
જૈનો માટે ખાસ ખબર કે અહીં ખાસ જુદું જૈન મેનુ પણ છે. તેમાં મરાઠી વાનગીઓ પણ જૈનોને અનુકૂળ આવે તે રીતે બનાવાય છે. થાળીપીઠ અને કોંથબીર વડી ખાસ જૈન મંગાવ્યા તો સ્વાદ અહાહાહા. કાંદા, લસણ યાદ ન આવે. થાળીપીઠનો સ્વાદ અન્ય મહારાષ્ટ્રિયન હોટલ કરતાં થોડો જુદો લાગ્યો. સૂર્યકાન્તભાઈ કહે છે કે ખાસ મારી દાદીની રેસિપી છે. અમે કોંકણમાં જે રીતે ઘરમાં વાનગીઓ બનાવીએ તેને વફાદાર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કે તેને વધુ પ્રેઝન્ટેબલ અને સ્વાદને વધુ એન્હાસ કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. સૂર્યકાન્તજીની વાત સાથે સહમત થવું જ પડે. મરાઠી રેસ્ટોરાં અને મિસળ ન હોય તેવું તો બને જ નહીં. કાંદા અને લસણની સૂકી ચટણી સાથેનું મિસળ અહીં ઓછું તેલ અને ઓછું તીખું હોય. ડાળિંબ મિસળ એટલે કે નાના વાલનું મિસળ સ્વાદમાં ખરેખર સ્વાદિષ્ટ છે. પિઠલે ભાજી ભાકરી નામની ડિશમાં ફક્ત પિતલુ એટલે ઝુણકા જ નહીં પણ સાથે રીંગણનું મરાઠી સ્ટાઈલનું શાક અને સાથે માખણ, લાલ મરચાંનું ઠેચા(ચટણી) સાથે એકદમ ઓથેન્ટિક કોંકણી એક વાનગી ડાંગર પીરસવામાં આવે છે. આ કંઈક નવું જ છે જે મુંબઈની કોઈ હોટલમાં નથી મળતું. અડદને શેકીને, પલાળીને વાટીને કાંદાનાખીને પકાવ્યા વિના બનાવવામાં આવે. સાથે જવારની ભાકર અને ચોખાની રોટલી. ડાંગર ખાવા માટે સ્વાદ કેળવવો પડે. જો કે એક જ ડીશમાં પેટ ભરાઈ જાય. અને એક જ વસ્તુ ખાવાનો કંટાળો ન આવે. આવી જ બીજી વાનગી છે, સ્પેશિયલ પોળા ઉસળ. ચોખાનો ઢોસા જેવી રોટલી તેની સાથે ચણાનું ઉસળ અને દૂધમાં ગોળ અને એલચી નાખીને સાથે પીરસાય. બે રોટલી હોય તેમાંથી એક રોટલી ઉસળ સાથે અને એક રોટલી દૂધ સાથે લોકો ખાતા હોય છે. પણ એવું જરૂરી નથી કે તમે પણ એ જ રીતે ખાવ. મસાલા ભાતની સાથે રસાદાર મિક્સ શાક અને મહારાષ્ટ્રિઅન સ્ટાઈલની કઢી કે જેમાં ગળપણ ન હોય. તમારે સાદું સિમ્પલ ખાવું હોય તો વરણ-ભાત જરૂર ટ્રાય કરજો. વરણ એટલે દાળ જેમાં ફક્તને ફક્ત હળદર અને મીઠું નાખેલું હોય. થાળીમાં કરંજી એટલે કે ઘુઘરો અને ચોખાની તળેલી સેવ પણ પીરસાય. વળી નાની વાટકીઓમાં શુદ્ધ ઘી અને પંચામૃત( આમલી, ગોળ, શીંગ, કાજુ અને કોપરું નાખેલી કરી જેવું) ઘી નાખીને દાળ-ભાતનો કોળિયો મોંમા મૂકતાં જ અસલી સ્વાદ જરૂર દાઢમાં રહી જશે. ચક્ક… મહારાષ્ટ્રિયન થાળી કહી શકાય આ વરણ-ભાતને. વરણ-ભાતની થાળીમાં કડબું મસાલા મિરચી હોય. તીખું ન ખાતા હોય કે મરચું ન ખાઈ શકતા હોય તેમણે પણ ડર્યા વિના ખાવું. સૂકા મસાલાઓનો સ્વાદ તળેલા મરચા સાથે કંઈક જુદો જ અનુભવ કરાવે.
છેલ્લે આવે પુરણપોળીનો આઈસક્રિમ જે તમને ક્લિન બોલ્ડ કરી મૂકશે. પુરણપોળીના આઈસ્ક્રિમમાં હવા ન હોવાને કારણે મોંમા મૂકતાં ઠંડક તમને વાગતી નથી ને સ્વાદ તમને બીજી ચમચી તરફ દોરી જશે. આઈસક્રિમની સાથે પુરણનો સોસ પણ પીરસાય. આઈસક્રિમમાં પુરણપોળીને ક્રશ કરીને નાખવામાં આવે છે પણ તમને ખાવામાં નડતી નથી ઉપરથી સ્વાદ વધારે છે. આ આઈસ્ક્રિમ આસ્વાદનો યુએસપી છે એવું કહી શકાય. આ સ્વાદને આસ્વાદે જ શોધ્યો છે. મુખ્યમંત્રી અને બીજા અનેક સેલિબ્રિટિઓ પણ આસ્વાદની વાનગીઓ ઘરે મંગાવે છે પણ આઈસક્રિમના ઓર્ડર તો ગુજરાતથી પણ આવે છે. ઉતરાણના દિવસોમાં તલસાંકળીનો આઈસ્ક્રિમ પણ મળે છે અને ઉનાળામાં કેરીની દાળ (આંબા દાળ) અને આઈસ્ક્રિમ, રસ તો મળે જ. તે છતાં તમે ખૂબ જ હેલ્થ કોન્સિયન્સ હો તો તમારા માટે અહીં સાત્વિક ડાયેટ થાળી છે. ટેસ્ટી વેજીટેબલ સલાડ તેમાં ઘી તેમ જ અન્ય મસાલા હોય, દહીં સલાડ અને ફણગાવેલા કઠોળનું સલાડ, પપૈયા, કલિંગર સરસ રીતે કાપેલા, બે ખાખરા અને મસાલા નાખેલું ગરમ પાણી. આ થાળી પણ સુંદર રીતે પીરસાય. આ થાળી એક ગ્રાહકની ફરમાઈશ હતી જે રોજ અહીં જમવા આવતા. રોજ આવતા ગ્રાહક માટે બનાવાતી આ થાળી બીજા લોકોને પણ આકર્ષક લાગતા હવે કાયમી મેનુમાં સ્થાન જમાવી બેસી ગઈ છે. અહીં મહારાષ્ટ્રિયન વાનગીઓમાં વિગન માટે ચોઈસ નથી. હા વરણ ભાત ઘી નાખ્યા વિના ખાઈ શકાય.
એટલું ચોક્કસ છે કે આસ્વાદમાં એકવાર જઈને બધી વાનગી નહીં જ ખાઈ શકો તે માટે વારંવાર જવું પડશે.
0 comments