લોખંડી મહિલા આઈરોમ છેનુ શર્મિલાને સલામ 12/12/11
07:21
અન્ના હજારેનું નામ દરેક લોકો જાણતા હશે પરંતુ,
આસામના મણિપુરમાં છેલ્લા 12 વરસથી અન્યાય સામે ઉપવાસ કરી રહેલી શર્મિલા આઈરોમને
બહુ ઓછા લોકો ઓળખે છે. આસામમાં 2 નવેમ્બર 2000ની સાલમાં લશ્કરના જુવાનોએ બસ સ્ટોપ
પર રાહ જોઈ રહેલી દશ નિર્દોષ વ્યક્તિઓને વીંધી નાખ્યાના બે દિવસ બાદ આઈરોમ
શર્મિલાએ આસામમાં અમલી લશ્કરી કાયદાની સામે એકલે હાથે જંગ છેડી. આસામમાં આર્મ્ડ
ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ (1958)નો કાયદો મણિપુર અને મોટાભાગના આસામમાં 1980ની
સાલથી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ લશ્કર કોઈપણ જાતના વોરંટ વગર ફક્ત શકની બીના
પર કોઈપણ વ્યક્તિની તલાશી, ધરપકડ કે ગોળીએ
વીંધી શકે. અને આ બાબતે લશ્કરની કોઈપણ વ્યક્તિ પર કેન્દ્ર સરકારની અનુમતિ વગર કોઈ
કાર્યવાહી કે તપાસ કરી શકાય નહી. આમ, આસામમાં લશ્કરી જવાનો ધ્વારા થતાં અત્યાચારો
વિરુધ્ધ અનેક વિરોધો નોંધાયા છે. તેમાં મહિલાઓ પર બળાત્કાર અને નિર્દોષ વ્યક્તિઓને
રહેંસી નાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. છેવટે જ્યારે 2000ની સાલમાં સંવેદનશીલ
કવિયેત્રી શર્મિલાથી નિર્દોષોની હત્યાની વાત સાંભળી ન રહેવાયું ત્યારે પોતાની
માતાના આર્શિવાદ લઈ તેણે આસામમાંથી લશ્કરી
કાયદો દૂર કરવાની માગ સાથે આમરણાંત ઉપવાસ શરુ કર્યા. ત્રણેક દિવસ બાદ આસામની
પોલીસે આપઘાત કરવાના પ્રયત્નના ગુનાસર ધરપકડ કરી. અને તેને જબરદસ્તીથી નળી ધ્વારા
ભોજન આપીને જીવંત રાખવામાં આવી. આજે બાર વરસના વહાણા વિતી ગયા તેની વારંવાર ધરપકડ
કરવામાં આવે છે. પણ આસામમાંથી લશ્કરી કાયદાને દૂર કરવાના ખાસ પ્રયત્નો થતા નથી.
ઉપવાસ શરુ કર્યા ત્યારે શર્મિલા 28 વરસની હતી આજે ચાલીસની થવા આવી... તેના નાકમાં
સતત પ્લાસ્ટિકની નળી લગાવેલી હોય છે જેના ધ્વારા પોલીસો સતત તેને જીવંત રાખવાના
પ્રયાસ કરે છે. આઈરોમ શર્મિલાને
સેલિબ્રિટીઓનો સપોર્ટ ન મળ્યો કે મિડિયાએ અન્ના જેટલું તેને મહત્ત્વ ન આપ્યું તે
છતાંયે તેની લડત સતત ચાલુ છે અને તેને હ્યુમન રાઈટ્સ તથા કેટલીય ક્રાંતિકારી ભારતીય અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓનો સપોર્ટ
મળ્યો છે. 2005માં તેનું નામ નોબેલ પીસ
પ્રાઈઝ માટે પણ સુચવવામાં આવ્યું હતું. સરકારે પ્રેશરમાં આવીને 2004માં સુપ્રિમ
કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રેડ્ડીની આગેવાની હેઠળ પાંચ વ્યક્તિઓની સમિતિને
કાયદાનો રિવ્યુ કરવા માટે કહ્યું હતું. તે સમિતિએ સરકારને રિપોર્ટ ફાઈલ કર્યો હતો
કે આ લશ્કરી કાયદાને વધુ માનવીય બનાવો અથવા તેને બદલી નાખો. પરંતુ, હજી સુધી સરકાર
ધ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને આ લખાય છે ત્યાં સુધી આર્યન લેડી આઈરોમ
શર્મિલાના ઉપવાસ ચાલુ જ છે. અન્ના લોકપાલ બીલ માટે ત્રીજીવાર ઉપવાસ પર બેસશે તો
તેમની સાથે ફક્ત જનતા જ નહીં પરંતુ, વિરોધી પક્ષોનો પણ સપોર્ટ હશે. પણ જ્યાં
વ્યક્તિઓની પોતાની કોઈ સ્વતંત્રતા ન હોય તેવા આપણા જ દેશના એક રાજ્યમાં એક મહિલા
બાર બાર વરસથી ઉપવાસ કરી રહી છે અને છતાંય તેને સપોર્ટ કરનારાની સંખ્યા એટલી ઓછી
છે કે સરકારને આસામની તકલીફોનો નીવેડો લાવવાની ફુરસદ નથી. આ બધું છતાંય આઈરોમ શર્મિલાએ હાર નથી માની તે
માટે તેને સલામ...
0 comments