પ્રવાસ પેલે પારનો

03:01


મનનો સ્વભાવ અનાવશ્યક વસ્તુને અનિવાર્ય માની લેવાનો છે. મન કૃત્રિમ જરુરિયાતો ઊભી કરે છે અને એના વિના જીવી નહીં શકીએ એમ ધારી લે છે. આ રીતે આપણે આખું જીવન વળગણોનો એક તોતિંગ બોજો ઊઠાવતાં રહીએ છીએ. .. બોજો હટે નહીં ત્યાં સુધી એ કેટલું વજનદાર હોય છે એ આપણે સમજી શકતા નથી. જો કે આપણે અંતરનો આનંદ અનુભવતા થઈ જઈએ તો આપણે અનંત જટિલતાઓથી મુક્ત થઇને સરળ જીવન જીવી શકીએ.
ઊપરોક્ત વાક્યોમાં અનુભવાતી અનુભૂતિ વહેલે મોડે દરેકને થતી હોય છે. પરંતુ તેને જીવનનો સ્વભાવ બનાવવાની હિંમત ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકતી હોય છે.આ વાક્યો  શિકાગો શહેરમાં જન્મેલા રિચર્ડને દિલ્હીમાં તેની એકમાત્ર મૂડી આધ્યાત્મિક પુસ્તકો ચોરાઈ ગયા બાદ અનુભવાઈ.  પ્રવાસ પેલે પારનો  પુસ્તકના લેખકે પોતાની  આંતરિક યાત્રા રિચર્ડ સ્લેવિનમાંથી રાધાનાથ સ્વામી બનવા સુધીના અને શિકાગોથી વૃદાવન સુધીની  બાહ્ય યાત્રામાં થયેલા અનુભવો અદભૂત રસાળ રીતે આલેખ્યા છે. આ યાત્રા વાંચતા આપણી અંદર પણ એક યાત્રા આરંભાય છે. રિચાર્ડ સ્લેવિનનો જન્મ અને ઊછેર  1950ની સાલમાં શિકાગોમાં થયો. યહુદી માતાપિતાને ત્યાં જન્મેલા રિચર્ડને અઢાર વરસનીં ઊંમરે પહોચતા સુધીમાં ખાતરી થઈ ગઈ  કે પોતે આ પશ્ચિમી સંસ્કૃતિમાં ક્યાંય ગોઠવાઈ શકે તેમ નથી. પરંતુ, બીજે ક્યાં તેનું ઘર હોઈ શકે તે વિશેનું કોઈ જ્ઞાન નથી. હિપ્પી સમુદાયમાં જોડાઇને સમાજની સામે વિદ્રોહ કરવાનો કિશોરાવસ્થાનો આનંદ પણ મેળવ્યો, પરંતુ, તરત જ સમજાયું કે  સેક્સ, ડ્રગ અને રોકસંગીતના નશામાં ભાન ભૂલીને વિદ્રોહના નામે ભૌતિક સુખમાં રચ્યાપચ્યા રહેવું તેનું જીવન ન બની શકે.
 ગેરી લીસ નામના તેના બાળપણના મિત્ર સાથે  અઢારમાં વરસે  જ યુરોપના દેશોનો લગભગ વગર પૈસે પ્રવાસ શરુ થાય છે. ફક્ત વેકેશન પુરતા પ્રવાસની માતાપિતા પાસેથી મંજુરી લઈને નીકળેલો રિચાર્ડ વેકેશન પુરુ થતાં પાછો નથી ફરતો પણ યુરોપથી તેનો પ્રવાસ ભારત સુધી લંબાય છે. માર્ગમાં  મળે તે વાહનમાં કે પગપાળા મુસાફરી કરવી, લોકો જે આપે તે ખાઈ લેવું અને જ્યાં રાત પડે ત્યાં સુઈ રહેવું આવું સાધુજીવન જીવવાની શરુઆત અજાણતાં જ થઈ. આવા કઠોર પ્રવાસમાં આવતી અનેક શારિરીક, માનસિક અડચણો છતાં ઘરે પાછા ફરવાનો વિચાર ન આવ્યો. ઘર છોડ્યું હતું ત્યારે ફક્ત એક શોધ હતી જીવનને  અર્થને પામવાની. સુવિધાઓ અને સરળતા જીવન નથી તેનો અહેસાસ થયો હતો એટલે જ પ્રવાસમાં પડેલી પારાવાર યાતનાઓ પણ રિચાર્ડને ભારત સુધી પહોંચતા રોકી ન શકી. મિત્ર ગેરી ભારતના પ્રવાસમાં સાથે નથી જતો. એટલે એકલો  અઢાર વરસનો રિચાર્ડ ગ્રીસ, ઇસ્તનબુલ, અફઘાનિસ્તાન,પાકિસ્તાન થઈને રોડ માર્ગે જ્યારે રિચાર્ડ ભારત પહોંચે છે ત્યારે ભારત  ગરિબો,ભિખારી અને ગારુડીઓનો દેશ છે એટલી જ માહિતી હતી. પણ જીવનના સાચા અર્થની શોધ તેને આધ્યાત્મિક પ્રવાસ માટે ભારતમાં ખેંચી લાવે છે. ભારતમાં પણ તે નદીકિનારે કે ઝાડની નીચે રાતવાસો કરે છે અને જે મળે તે ખાઈ લે છે. પરંતુ, ભારતમાં પ્રવેશતાંજ તેનો આધ્યાત્મિક પ્રવાસ સહજતાથી શરુ થાય છે. દિલ્હીમાં તેને વિશ્વ યોગ સંમેલનમાં ભારતના અનેક સાચા ખરા સંતોને સાંભળવાનો મળવાનો મોકો મળે છે. શ્રી કૃષ્ણમૂર્તિને સાંભળ્યા અને સ્વામી રામના યોગના પ્રયોગો નિહાળ્યા. તો બૌધ્ધ ભિખ્ખુનો પણ સત્સંગ કર્યો.  દરેક આધ્યાત્મિક પ્રવાસીની જેમ તેણે પણ હિમાલયમાં જઈને સાધના કરી પ્રભુને પામવાની ધગશ સાથે ઋષિકેશમાં પહેલો પડાવ કર્યો. ગંગા નદીના તીરે પહોંચતા જ તેને આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ. ગંગા નદીએ માતાની જેમ રિચાર્ડનું આધ્યાત્મિક પ્રવાસમાં સંવર્ધન કર્યુ. ગંગાનદીની નજીક આવેલા જંગલમાં એક ગુફામાં રહેવાનું અને નદીની વચ્ચોવચ્ચ આવેલ એક પથ્થર પર બેસીને સતત ધ્યાન અને પ્રાર્થના કરી અધ્યાત્મના કેટલાક જરુરી પાઠ તે ભણ્યો. નદીમાં એક સાધુના કહેવાથી પોતાના જીન્સ અને ટિશર્ટ વહાવીને સીવ્યા વિનાના વસ્ત્ર પહેરીને તે ખરા અર્થમાં સાધુ થયો. ગંગા નદીએ તેને  અધ્યાત્મ જીવનના વહેણને સમજતા શીખવ્યું. રિચાર્ડે નોંધ્યું કે  આપણા જીવનના બધા અંતરાય નદીનાં વહેણમાં આવતા આ ખડકો જેવા છે. આપણે કદી હિંમત ન હારતાં એની આજુબાજુમાંથી વહેતાં શીખવું જોઈએ. ભગવાનની સહાયથી હંમેશા માર્ગ નીકળી આવે છે. રિચાર્ડે પોતાની સાથે રહ્યા સહ્યા વળગણો , મમત્વને નદીમાં વહાવી દીધાને હળવો થઈને હિમાલયના અંતરાળ વિભાગમાં અને પછી ભારતભરમાં ભ્રમણ કર્યું. એકાંતમાં રહેવું, સાધુસંતોનો સંગ અને ભગવાન જ્યાં જેમ રાખે તેમ રહેતા અધ્યાત્મ બોધનું ભાથું બંધાવતો ગયો. એકવાર પ્રયાગમાં ગંગાનદીને કિનારે તેણે બાજ પંખીને નિર્ભય રીતે પાણીમાં તરી રહેલી માછલીને પકડીને લઈ જતાં જોયું અને નોંધ્યું કે આપણે જીવન એવી રીતે જીવીએ છીએ કે આપણી સાથે ક્યારેય અકસ્માત કે મૃત્યુ જેવું  કંઇ જ અઘટિત થવાનું  નથી. નિષ્કાળજી ભરી ભૌતિક જરુરિયાતોમાં સમાધાની જીવન સામે સાવચેત રહેવુ અને આધ્યાત્મિક જરુરિયાતોને પ્રાધાન્ય આપવું. ભગવાન સાથેનો આંતરિક સંબંધ બાંધીને જીવશું તો તો આપણી આંતરચેતનાને એવા ઉન્નત સ્તરે પહોંચાડશે કે જ્યાંથી આપણે અકળ પ્રારબ્ધનના પરિણામોનો સ્થિર અને અનાસક્ત મનથી સામનો કરીશું. આ બોધ રિચાર્ડે સૌપ્રથમ પોતાના જીવનમાં સાંગોપાંગ ઊતાર્યો હતો. એટલે જ અનેક વખત મૃત્યુનો સામનો કરવાનો આવ્યો ત્યારે ભગવાનને બચાવની આજીજી નહીં પણ  સમર્પણની પ્રાર્થના તે કરી શક્યો હતો.
  તેના આધ્યાત્મિક પ્રવાસમાં  આનંદમયી મા, ટાટવાલા બાબા,નાગાબાવા,  નીમકરોલી બાબા, દલાઈલામા, મધર ટેરેસા, ગોએન્કાજી જેવા અનેક સંતોનો સીધો સ્પર્શ પામતો પોતાના પ્રભુ અને ગુરુની શોધમાં તે છેવટે વૃદાવન પહોંચીને ઘરે પહોંચ્યાનો અનુભૂવે છે. વૃંદાવનમાં તેને પ્રભુ કૃષ્ણ અને રાધાનો પહેલીવાર પરિચય થતાં લાંબો સમય ત્યાં રોકાય છે. અને ત્યાં જ ગુરુ એ.સી.ભક્તિવેદાંત સ્વામીને સમર્પિત થાય છે અને છેવટે સંન્યાસ લઈને  રિચાર્ડની યાત્રા પુરીથાય છે અને રાધાનાથ સ્વામી તરીકેની તેની યાત્રા શરુ થાય છે. આ પ્રવાસમાં તેના જીવનમાં અનેક ચમત્કારો સર્જાય છે પણ ચમત્કારોની પળ બે પળની ચમત્કૃતિના લોભમાં તે અટવાતો નથી એટલે જ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે.
રાધાનાથ સ્વામી બનીને તેમણે કૃષ્ણના  ચૈતન્યસ્વરુપની ભક્તિ સ્વીકારી. પોતાની અધ્યાત્મયાત્રાને પુસ્તકરુપે લખવાનું વિચાર્યુ નહોતું. પરંતુ, તેમના મિત્ર ભક્તિતીર્થ સ્વામીએ કેન્સરના મહારોગમાં  મૃત્યુ પામતા પહેલાં 2005માં તેમની પાસેથી પુસ્તક માટે વચન લીધું હતું એટલે તે પૂર્ણ કરવા પોતાના પ્રવાસની વાત લખી. આ પુસ્તક વાંચતા આધ્યાત્મિક પ્રવાસ કર્યાની અનુભૂતિ વાચકને પણ ચોક્કસ થાય. (નવનીત સમર્પણ)

You Might Also Like

0 comments