હું બકાને અનુભવી શકુ છું --- અતુલ ડોડિયા oct 2011
07:33
મુંબઈની કેમોલ્ડ
આર્ટ ગેલેરીમાં જાણે નિશાળની યાદો તાજી થઈ ગઈ હોય તેવો માહોલ છે. કારણ કે બ્લેકબોર્ડ પર ચોક વડે લખાયેલું હોય તેમ
આપણા જાણીતા કવિ લાભશંકર ઠાકરના ગદ્યખંડો “બકો છે કલ્પો “
આલેખાયેલા છે. શાળામાં હોય તેવા કબાટો છે અને તેમાં જીતેલા
શિલ્પો , અનેક અનન્ય વસ્તુઓની સાથે ફોટોગ્રાફરુપે કેટલાક વ્યક્તિત્વો પણ છે . હકિકતે આ કબાટના પાત્રોનો સંદર્ભ અતુલ ડોડિયાનો પોતાનો
છે. તેમના નિશાળના, સર્જન પ્રક્રિયા અનુભવો અને સ્મૃતિઓને પણ આ ચિત્રો સાથે સંકળાયેલા છે. કેમોલ્ડ આર્ટ ગેલેરીમાં 20 ઓક્ટોબર સુધી “ બકો એક્સિટ્સ ઈમેજીન “ પેઇંન્ટિગનું પ્રદર્શન ચાલી રહ્યુ છે ત્યારે
બ્લેકબોર્ડ, લાભશંકર ઠાકર અને ગાંધીજીની સાક્ષીએ
અતુલ ડોડિયાની સાથે તેમના વિશે
અને તેમના ચિત્રકામ વિશે કેટલીક વાતો થઈ.
અતુલ ડોડિયા
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર છે. તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં
ઘાટકોપરની એક ચાલમાં , તેમનું મૂળ વતન ગોંડળ. તેઓ નખશિખ ગુજરાતી હોવાનો ગર્વભેર
સ્વીકાર કરે છે. અતુલ ડોડિયાએ 1982માં જે જે સ્કુલ
ઓફ આર્ટ માંથી ફાઈન આર્ટસ કર્યા બાદ ચિત્રકળાની આરાધના શરુ કરી. તેમની પ્રતિભા જોઈ
1991માં ફ્રાન્સ સરકારની શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યુ અને એક વરસ પેરિસમાં રહ્યા
તે સમયે તેમણે ગ્રેટ માસ્ટર્સના ચિત્રો
રુબરુ જોયા અને સર્જનપ્રક્રિયાની કશ્મકશ
શરુ થઈ. ત્યારબાદ તેમણે ચિત્રોમાં અનેક માધ્યમોનો ઉપયોગ કર્યો છે. ઓઈલ પેઈન્ટથી
વોટર કલર , એક્રેલિક, ચારકોલ, કેનવાસ પેપર,
કાપડ, લાકડું, વગેરે .. દુકાનના
શટરને પણ તેમણે પોતાની રચનાત્મકતાથી રંગ્યુ છે. ફાંસીના ગાળિયો, કબાટ વગેરેનો પણ
તેમણે ઇન્સ્ટોલેશન આર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. કોઈપણ આકારને તેમનો સ્પર્શ કળામાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. અને ગુજરાતી સાહિત્યને તો તેમણે આંતરરાષ્ટ્રિય
સ્તરે લોકો સમક્ષ મૂકવાની કોઈ તક જતી નથી કરી.
ચિત્રકાર બનવાનું
સ્વપ્ન ક્યારે સેવ્યુ હતું ?
શાળામાં ભણતો હતો ત્યારથી જ . અગિયારેક વરસનો હતો ત્યારથી નક્કી હતું કે
મારે મોટાથઈને ચિત્રકાર થવું છે.બાળપણમાં કેલેન્ડરમાં અને ઘરોમાં ભગવાનના ફોટાઓ જોયા હતા. મોટેભાગે આ ચિત્રો
રાજા રવિવર્માના જ હોય. એ ફોટાઓ મને આકર્ષતા. ઘાટકોપરની ગુરુકુળ વિદ્યાલયમાં મારો
અભ્યાસ થયો ત્યાં પણ હું ચિત્રકામને ખૂબ
માણતો. વર્ગમાં સારું દોરી શકતો. શિક્ષકો
અને સહપાઠીઓ મારા ચિત્રકામના વખાણ કરતા. ખરું કહું તો મને જુદા જુદા આકારો અને
રંગો આકર્ષે. શાળામાં ભણતો હતોને ત્યારથી જ જાણીતા ચિત્રકારોના
પુસ્તકો ખરીદતો. મને ઘરમાંથી વાપરવા માટે
પૈસા મળતા તેમાંથી હું પુસ્તકો ખરીદતો. એવું પણ બન્યું છે કે મને શૂઝ લેવા માટે
પૈસા આપ્યા હોય અને તેમાંથી પુસ્તકો ખરીદીને ઘરે આવું. પુસ્તકો વાંચવાનો અને ગ્રેટ માસ્ટર્સના ચિત્રો
જોવામાં મને અઢળક આનંદ આવતો. મને અફસોસ સાથે કહેવા દો કે આપણે ત્યાં બાળકોને આર્ટ
ગેલેરીમા કે મ્યુઝિયમમાં લઈ જઈને ચિત્રો બતાવાતા નથી. શાસ્ત્રીય સંગીત જેવી કલાઓનો પરિચય કરાવાતો નથી.
હું નસીબદાર હતો કે મારા ઘરમાં બાપુજીએ કે બાએ મને ક્યારેય રોક્યો નથી. મારા
બાપુજી સિવિલ કોન્ટ્રાકટરનું કામ કરતા હતા. તે છતાંય મને ક્યારેય તેમણે ચિત્રો
કરતા કે જોતા રોક્યો નથી. અને એટલે જ હું
આજે સફળ કહો તો સફળ ચિત્રકાર તરીકે જાણીતો થયો છું. ગુજરાતી સાહિત્ય વાંચીને હું
મોટો થયો છું. અને તેનો પ્રભાવ પણ મારી સર્જન પ્રક્રિયા પર છે એને હું નકારી નથી શકતો.
તમે તમારા ચિત્રોમાં ગુજરાતી કવિઓને હંમેશા સ્થાન આપ્યુ છે શામાટે ? અને હાલમાં તમે ત્રણ
વરસે બાદ મુંબઈમાં સોલો પ્રદર્શન કર્યુ તે પણ લા.ઠા.ની કવિતા સાથે એનું શું
કારણ ?
મેં પહેલાં જ કહ્યુ તેમ ગુજરાતી સાહિત્ય મને ગમે છે. તેને માટે મને માન છે.
આપણી ભાષામાં ઘણું સારું સાહિત્ય લખાયું છે પણ તેને યોગ્ય રીતે અનુવાદ કરીને જગત
સામે મુકવામાં નથી આવ્યુ એનો મને અફસોસ છે. આ પહેલાં પણ મેં સિતાંશુ યશશ્ચંદ્ર ,
લાઠા, કમલ વોરા વગેરે કવિઓની કવિતા ચિત્રોમાં ગુજરાતીમાં લખી- આલેખી છે . . ભાષાને વિષય બનાવવો કે શબ્દને વિષય બનાવવીને
સર્જન પ્રક્રિયા થાય એમાં મને પહેલેથી જ
રસ પડતો.જ્યાં લુક ગોદાર્દ નામના
ફ્ર્રેન્ચ ફિલ્મમેકર અને અમેરિકન ચિત્રકાર જેસ્પર જ્હોન્સ, લાભશંકર ઠાકર એ બાબતે
મારા પ્રેરણારુપ રહ્યા છે. જોનારને મૂંઝવણમાં મૂકે એવી શૈલીમાં – પ્રક્રિયામા મને
રસ પડતો. કઓઈ કવિતાને વાંચતા જ મારા મનમાં દ્રશ્ય ઊભુ થાય
એવું બને. એવું જ આ બકાને વાંચતા થયું છે.
તેમાં બકો નામનો છોકરો છે તે ગાંધીજી
સાથે વાતો કરે છે. બકાને શાળામાં જવું કે ભણવું ગમતું નથી. આ બકો ઊંઘમાં ગાંધીજીને
મળે છે અને અસહકારની કે સ્વાતંત્ર્યના લડતની કે ઉપવાસની નહી પણ બે સામાન્ય વ્યક્તિ
વાત કરતા હોય તેમ વાતો કરે છે. ક્યારેક
અમૂર્ત કહેવાય તેવી.પણ અહોભાવ વગરની.
ગાંધીજી અહીં જુદા જુદા સ્વરુપે રજુ થાય છે. આ બકા સાથે હું આઈડેન્ટિફાઈ કરુ છું. મને આઠમાં , . ગણિત મને જરાય આવડતું નહીં. એટલે કંટાળો આવતો. એટલે જ્યારે મેં ગદ્યખંડોના
ચિત્રો કરવાનું વિચાર્યુ ત્યારે મને
બ્લેકબોર્ડ જ દેખાયું. ઊંઘ વિશે વિચારતા મને નિશાળના આ કાળા પાટિયા દેખાયા. બ્લેકબોર્ડની
કલ્પના કરો તો તમને મેટ ફિનિશ, ચળકાટ કરેલું કાળું પાટિયું દેખાશે. કોઈપણ રંગમાં
ચળકાટ હોય તો તેમાં ડેપ્થ હોય છે. જ્યારે આમાં ડેપ્થ, ઉંડાણ નથી. આ અક્ષરો ઓઈલ પેઇન્ટથી લખાયેલા છે પણ ચોકથી
બ્લેકબોર્ડ પર કેટલું ચિવટપૂર્વક લખાયેલું હોય એવા દેખાય. ( અતુલભાઈએ એટલે જ આ લખાણ ડાબા હાથે
લખ્યુ છે. જેથી ચિવટપૂર્વક લખાય. તેઓ ડાબોડી નથી. . ) આપણી લિપી આપણી સમક્ષ અમુક આકાર સમી હોય છે.
જાણીતી લિપી આપણને અનેક ઊંડા અર્થ આપતી હોય
છે. છેલ્લે મેં જ્યારે કાવ્યોના
ચિત્રો કર્યા હતા અને જર્મનીમાં તેનું પ્રદર્શન હતું ત્યારે ચિત્રની બાજુમાં મેં
તે કવિતાનો અંગ્રેજી અનુવાદ મૂક્યો હતો. અને જેટલા લોકો તે જોતા અને વાંચતા તેમને
ખૂબ ગમતું. તેમને નવાઈ લાગતી કે ગુજરાતીભાષામાં આટલું સરસ સર્જન થયું છે. એટલે મેં આ લખાણને અંગ્રેજીમાં લખવાનું
વિચાર્યું. મારા નાટ્યકાર મિત્ર નૌશિલ મહેતા
અને કવિયેત્રી અરુંધતિ સુબ્રમણ્યમ પાસે
અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો. અને
બ્લેકબોર્ડ ચિતરીને તેના પર ગુજરાતીમાં લખવાને બદલે અંગ્રેજીમાં બકા અને બાપુના
કાવ્યાત્મક એપિસોડ આલેખ્યા. જેથી જેમને
ગુજરાતી નથી આવડતી તેઓ પણ વાંચી શકે. ઊંઘનો રંગ કેવો હોય એવા ખપાટિયા જેવા કાળા પાટિયા મને ચિતરવા યોગ્ય લાગ્યા. આ ચિત્રો સાથે લાકડાના
કબાટ પણ મૂક્યા. આ ઈન્સ્ટોલેશનનો પ્રકાર
છે. જેનું શિર્ષક મેં “મેડિટેશન (ઓફ વીથ ઓપન આયઝ
) “ એવું નામ આપ્યું છે. એટલે
બાર બ્લેકબોર્ડના ચિત્રોના ઇન્સ્ટોલેશન
સાથે નવ લાકડાના કબાટ પણ મૂક્યા. તેમાં શિલ્પો, ચિત્રો, દરરોજની વસ્તુઓ, વગેરે પણ
છે. તેમાં જે વ્યક્તિઓના શિલ્પો કે ચિત્રો કે ઇંગિતો છે તેનું મારા મનમાં પ્રેરણાપુરુષ
જેવું સ્થાન છે તેવા લોકોના છે. ફિલ્મ મેકર
ગોદાર્દ અને ચિત્રકાર જેસ્પર જ્હોન્સ, પાબ્લો પિકાસો , રામકૃષ્ણ પરમહંસ , મારા
ચિત્રકામની કારર્કિદીની શરુઆતની મથામણમાં મારી સાથે હતા. જરુરી નથી કે હું તે લોકોને
ઓળખતો હોઉં, પણ જેમાં હું પરોવાઉં. એક
બાળક જેમ આસપાસની વસ્તુઓ અને વ્યક્તિઓને જુએ અને સ્મૃતિરુપે જે રહે તે અચરજની
અલ્મારીઓમાં મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
તમે ભગવાનમાં માનો છો ? કે તમે આધ્યાત્મિક છો ? ક્યારેક કોઈ અનુભૂતિ થઈ
છે ?
અત્યાર સુધી આપણે જે વાતો કરી તેનાથી આ પ્રશ્ન સદંતર જુદો છે.આપણે ભારતીયોનું
એવું છે કે ધર્મ પુરાણ-કથાઓ બાળપણથી જ
આપણને સહજતાથી મળે છે. અનેક કથાઓ , અનેક ઈશ્વર વળી દરેક ઇશ્વરનું આગવું વ્યક્તિત્વ
હોય. હું માનુ છું કે અધ્યાત્મ આપણને ગળથૂથીમાં મળે છે. બ્રભાંડની રચનાનો ,
અધ્યાત્મનો આપણે જે સહજતાથી સ્વિકાર કરીએ
છીએ તે પશ્ચિમમાં નથી . હું નસીબદાર છું કે મારામાં અગિયાર વરસની ઉંમરે જ સ્પષ્ટતા
હતી કે મારે ચિત્રકાર બનવું છે, એટલે અધ્યાત્મ કહો કે ઈશ્વર કહો તે સર્વ હુંચિત્રકળામાં, સર્જન પ્રક્રિયા જોઉં
છું. હું પુષ્કળ પુસ્તકો ખરીદું છું. મ્યુઝિયમમાં આર્ટ ગેલેરીમાં કે પુસ્તકમાં
જ્યારે કોઈ ચિત્ર જોઉં છું ત્યારે મને આનંદ આવે છે. તે ચિત્ર જોતાં જ અને જોતાં જોતાં ગદગદ થઈ જાઉં છું. કારણ કે તે
સર્જનની વાત છે. કોરા કાગળ પર કંઈક દોરો અને રંગ પૂરો તે અનુભવ મને વિશેષ લાગે છે.
આ અનુભૂવ આધ્યાત્મિક કહી શકાય. સૃષ્ટિ જોઈને , કે માનવીના વિચાર અને વલણ જોઈને અભિભૂત થાય તેવા દાર્શનિક અને મિસ્ટિકસમાં મને
સાહજિક રસ પડે છે.
સમયનો વિશાળ ધોધ સદીઓથી વહતો આવે છે. આપણે આવીએ છીએ અને જઈએ છીએ સમય રહે
છે. ચિત્રો કરવામાં નામના, પૈસા પણ મળે છે. પણ એથી પણ કંઈક વિશેષ હોઈ શકે. ચિત્રો કરતાં કરતાં એવી
ક્ષણ આવતી હોય છે કે જાતને ભૂલી જવાય છે.
તે ક્ષણમાં જે થાય છે તે મારી જાણ બહાર હોય છે. ચિત્ર પુરુ થયા બાદ હું
જ્યારે દૂર જઈને ચિત્ર જોઉં છું ત્યારે પ્રક્રિયાને માણું છુ. વિવેચન નથી
કરતો. એ ક્ષણમાં જે આવે છે તેને સમજાવી
નથી શકાતું કે એ કઈ રીતે આવ્યું. એવી ક્ષણોને વારંવાર પામવા માટે મારે કામ કરવું જોઈએ એવું મને લાગે છે.
0 comments