અભણ દલિત મહિલાની. આંતરરાષ્ટ્રિય સિધ્ધિ 24/1/12

07:24


એક દલિત મહિલા નાત, જાત, ઉંમર અને અભણતાના દરેક સીમાડા ઓળંગીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણ રુપ જીવન જીવી રહી છે. ગામડામાં રહીને ય નવી કેડી કંડારી રહી છે.
હજી અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્રના સાતારા જીલ્લામાં એક દલિત મહિલાને નગ્ન કરીને ગામમાં ફેરવીને માર મારવામાં આવ્યો. તેનો ગુનો એટલો જ હતો કે તેનો દિકરો ઉચ્ચ વર્ણની કોઈ છોકરી સાથે ભાગી ગયો હતો. 1992માં ભંવરી દેવી પર પાંચ વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો અને ભંવરી દેવી કેસ જીતી ગઈ. આ હિંમતવાન મહિલાએ સમાજની સામે બંડ પોકાર્યુ હતું અને તે માટે તેના પર થયેલા અનેક અત્યાચાર છતાંય તેણે નમતું નહોતું જોખ્યું. આજે આવી જ એક દલિત મહિલાની વાત કરવી છે. એકબાજુ દલિત મહિલાઓ પર આજે ય અત્યાચાર થાય છે ત્યારે રાજસ્થાનના અજમેર જીલ્લાના હરમારા ગામમાં નૌરતી નામની  દલિત મહિલા સરપંચ તરીકે ચુંટાઈને આવે છે. એ ગામમાં 400 ઘર ઉચ્ચવર્ણના જાટ કુટુંબોના હોવા છતાં આવો ચમત્કાર થઈ શક્યો છે તેનું કારણ છે નૌરતી દેવીની હિંમત, કુશળતા અને પ્રામાણિકતા છે. નૌરતી દેવી જેવી અભણ દલિત મહિલા માટે સરપંચ થવું અને પ્રદેશની મહિલાઓના વિકાસના કામ કરવા એટલા સરળ નહોતા. પણ નૌરતી દેવીના સ્વભાવમાં જ શોષવાઈને બેસી રહેવાનું નહોતું. 1981માં અરુણા રોય તેમના ગામમાં આવ્યા અને સરકાર તરફથી આપવામાં આવતા રાહત કામગીરીના રુપિયા તેમના સુધી પુરા પહોંચતા નહોતા. એટલે ઓછા મહેનતાણાના વિરોધમાં મહિલાઓ મોરચો કાઢવા તૈયાર થઈ. નૌરતી દેવીના પતિને લાંચ આપીને નૌરતીને ચુપ કરવાનું કહેવામાં આવ્યું. પતિનો માર ખાધા છતાં વિરોધ કરવામાંથી તે પાછી ન હઠી. આમ, તે સમયથી તેની આસપાસ થતાં અન્યાય માટે તે અવાજ ઊઠાવતી રહીં. 1987માં તેના ગામમાં 18 વરસની રુપકુમારને પતિના મૃત્યુબાદ જીવતી બાળીને સતી બનાવાઈ રહી હતી. ત્યારે પણ નૌરતી દેવીએ મૂક પ્રેક્ષક બની રહેવાને બદલે વિરોધ કર્યો. આવા કામ કરવા માટે તેના પર ભંવરી દેવીની જેમ બળાત્કાર કરવાની ધમકીઓ ય મળી હતી પરંતુ, નૌરતીએ ક્યારેય હિંમત ન હારીને સતત ગામસુધારનું કામ કરતી રહી. આજે 60 વરસની વયે તે ગામની સરપંચ છે. સરપંચ તરીકે ચુંટણી લડવા માટે તેણે એક પણ પૈસો કેનવાસિંગમાં ન ખર્ચ્યો. કે નતો એણે કોઈ વોટ ખરીદ્યો.  પગે ચાલીને તે ઘરે ઘરે ફરી હતી. પોતાના વિરોધીથી તે 745 વોટથી જીતી ગઈ હતી.  આ જીત સચ્ચાઈની, હિંમતની હતી. કોઈ ફિલ્મી સ્ટોરી જેવી નૌરતી દેવીની વાર્તા છે. નૌરતી દેવીએ જોયું કે મહિલાઓ અભણ રહેશે તો તેમની શક્તિ બહાર નહીં આવે સૌ પ્રથમ શરુઆત તેણે ઘરથી કરી. પોતાની પૌત્રીઓને ભણાવી. તેની એક પૌત્રી મેડિકલમાં છે . આટલાથી બસ ન કરતાં પોતે ભલે શાળામાં જઈને શિક્ષણ ન લીધું હોય આ ઉંમરે પણ તેણે કોમ્પયુટરનો છ મહિનાનો કોર્સ કર્યો અને આજે તિલોનિયામાં આવેલ  બેરફુટ શાળામાં કોમ્પયુટર શિક્ષિકા તરીકે કામ કરે છે. ફક્ત એટલું જ નહીં તેણે હરમારાને આંતરરાષ્ટ્રિય સ્તરે રિપ્રેઝન્ટ કર્યુ છે. અજીમ પ્રેમજીની સાથે તે ન્યુયોર્ક ગઈ હતી ત્યારે તેમણે નૌરતીને નવાઈથી કહ્યું હતું કે અભણ હોવા છતાં તે કોમ્પયુટરનો ઉપયોગ સરસ રીતે કરી રહી હતી. નૌરતીએ જ્યારે કોમ્પયુટર શીખવાની શરુઆત કરી હતી ત્યારે ગામમાં એક પણ કોમ્પયુટર નહોતું તેણે 200 રુપિયાના ભાડેથી કોમ્પયુટર લઈને શીખ્યું હતુ. આજે તો તેની પાસે પોતાનું કોમ્પયુટર છે તેના પર ઇન્ટરનેટ , પાવરપોઈન્ટ અને બે ભાષામાં પ્રોગ્રામિંગ પણ કરી શકે છે. 
આજે અનેક ઘરોમાં કોમ્પયુટર હોવા છતાં કેટલીય મહિલાઓ વટથી કહેશે કે મને તો ચાલુ કરતાં ય નથી આવડતું. જ્યારે અભણ દલિત મહિલા ચીન, જર્મની અને ન્યુયોર્ક જઈને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી આવી. કહો, આમાં કોનો વટ રહ્યો ?

You Might Also Like

0 comments