સીતા રામાયણ લખાઈ ગયું છે.10/1/2012
04:30
આપણી પુરાણકથાઓ મોટેભાગે પુરુષને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. તેમાં મોટાભાગની સ્ત્રી પાત્રોને ત્યાગ,સમર્પણ અને
સહનશીલ દર્શાવાયા છે. આ બાબતે અનેક
લેખકોનું ધ્યાન જતાં તેઓ આ પુરાણકથાઓ સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખીને
ફરીથી લખી રહ્યા છે. આ લેખકોમાં મહિલા લેખિકાઓ પણ છે. જો કે લેખકો આ રચનાત્મક
લેખનનું કામ કોઈ વિરોધ વગર કરી શકે છે તે માનવું અશક્ય જ લાગે. હજી ઓક્ટોબર
મહિનામાં જ દિલ્હી યુનિવર્સિટી ધ્વારા આપણા જાણીતા વિદ્વાન ભાષાશાસ્ત્રી એ. કે.
રામાનુજન ધ્વારા લખાયેલ નિબંધ ત્રણસો રામાયણને ભારતીય જનતા પાર્ટીની
વિદ્યાર્થી સેનાએ પાઠ્યક્રમમાં રાખવા માટે કરેલા વિરોધના પગલે છેવટે તે નિબંધને
કાઢી નાખવામાં આવ્યો. આ નિબંધમાં ભારત, થાઈલેન્ડ, કંબોડીયા, ઇન્ડોનેસિયા વગેરે
દેશમાં રામાયણની કથાને સેંકડો જુદી જુદી
રીતે કહેવાઈ હોવાનું નોંધ્યું છે.
બેંગલુરુમાં રહેતી 27 વરસીય સંહિતા અર્નિએ સીતાસ રામાયણ
નામે એક ગ્રાફિકલ પુસ્તક લખ્યું. આ પુસ્તક ડિસેમ્બર મહિનામાં બે અઠવાડિયા સુધી ન્યુયોર્ક ટાઇમ્સમાં બેસ્ટસેલર
રહ્યું. આ પુસ્તકમાં સીતાને નબળી નહીં પણ હિંમતવાન અને દરેક પરિસ્થિતિનો પોતે
સામનો કરવા સક્ષમ હોવાનું આલેખાયું છે. અર્નિએ પોતાની એક મુલાકાતમાં આ વિશે કહ્યુ
હતું કે હું જ્યારે પાંચ વરસ પહેલાં રામાયણ વાંચી રહી હતી ત્યારે જાણ્યુ કે સીતા
તો ઘણી હિંમતવાળી હતી, તે શિવધનુષ ઊપાડી શકતી હતી, બુધ્ધિશાળી હતી, અને રામને
પોતાનો મત વ્યક્ત કરી શકતી હતી. આવું ત્યારે જ થઈ શકે જ્યારે એ મહિલા આંતરિક રીતે
શક્તિશાળી હોય. આવું ચિત્રણ મહિલાઓને હિંમતવાન અને શક્તિશાળી બનવા પ્રેરી શકે છે. અર્નિ
હાલમાં સર્ચ ફોર સીતા નામે એક નવલકથા લખી રહી છે. તેમાં આજના આધુનિક જમાનામાં રામ
કઈ રીતે માનવી તરીકે નિષ્ફળ રહે છે તેનું નિરુપણ હશે. તેને ડર છે કે લોકો તેનો
સ્વીકાર કરી શકશે નહીં. પણ તે લખવાનું ચાલુ જ રાખશે.
પોતાની નારીવાદી ગણાવતી લેખિકા આર્શિયા સત્તારે પણ એક પુસ્તક લખ્યુ છે
લોસ્ટ લવ જેમાં તેણે રામ અને સીતાને ભગવાન નહીં પણ સામાન્ય વ્યક્તિ તરીકે આલેખ્યા
છે. અને તેમાં રામની કેટલીક બાબતોમાં ટીકા પણ કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં ભારતીય
અમેરિકન ફિલ્મ મેકર વિરાલી ગોકુલદાસે સાન
ફ્રાન્સિસકોમાં એક નાટક ભજવ્યું. તેનું નામ છે જાનકી ડોટર ઓફ ડર્ટ.
આ નાટકમાં આધુનિક મહિલા પોતાની વાત સીતાનો આધાર લઈને કહે છે.
નીના પલય અમેરિકન ફિલ્મ મેકર છે તેણે પોતાના ભગ્ન લગ્ન જીવનની વાત અને
રામયણની કથાને સમાંતર રાખીને સીતા સીન્ગસ ધ બ્લ્યુ.. નામની એનિમેશન ફિલ્મ 2008માં બનાવી હતી.
જુલાઈ2011માં ન્યુ યોર્કમાં અને સપ્ટેમ્બર 2011માં ગોવામાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ
હિન્દુ સંગઠનોના વિરોધને કારણે અટકાવી દેવામાં આવ્યું હતું.
વિરોધની વચ્ચે પણ રામાયણને મહિલાઓના દ્રષ્ટિકોણથી લખવાનું ચાલુ રાખવું જ
જોઈએ કારણ કે રામાયણના અનેક પાસાઓ હજી ઊજાગર નથી થયા તેવું લેખિકા સંહિતા અર્નિનું
માનવું છે. તેનું કહેવું છે કે પુરુષપ્રધાન સમાજ અને રાજકારણીઓને પોતાનો સ્વાર્થ
હોવાને લીધે તેઓ રામાયણને પોતાની રીતે જ રાખવામાં માને છે. એટલે તેઓ બીજા
દ્રષ્ટિકોણનો કે રચનાત્મક સ્વતંત્રતાનો વિરોધ કરશે જ.
બદલાતા મૂલ્યો, સમાજ અને યુગની સાથે પૌરાણિક કથાઓને અલગ દ્રષ્ટિકોણથી તપાસવામાં
કે અભ્યાસ કરવામાં કે કલાત્મક રીતે આલેખાય છે ત્યારે વિરોધો નોંધાવાઈ રહ્યા છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા ન હોય તેની નારી સમાજને નવાઈ નથી લાગતી પરંતુ, તેથી
હારીને બેસવું નહીં એવું કેટલીક વ્યક્તિઓની તાસીર હોય જ છે અને તે ઉદાહરણ રુપ બની
રહે છે
0 comments