સિકંદર અને યોગી ડંડામીસ

18:25


સિકંદરની નિષ્ફળ ભારત સવારીનું સૌથી વિશેષ પ્રશંસાપાત્ર લક્ષણ એ હતું કે એણે હિન્દુ તત્વજ્ઞાનમાં ઊંડો રસ બતાવ્યો. એના માર્ગમાં જે જે યોગીઓ અને સંતો આવ્યા તેમનો એણે જીજ્ઞાસાપૂર્વક સંપર્ક શોધ્યો. ઉત્તર ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ પાસે તે પહોંચ્યો ત્યારે એણે ડાયોજીનીસની ગ્રીક શાળાના એક વિદ્યાર્થી સિક્રીટોસને પોતાના દૂત તરીકે તક્ષશિલાના  મહાન સંન્યાસી અને આચાર્ય ડંડામીસને પોતાની પાસે બોલાવી લાવવા મોકલ્યો હતો.
ડંડામીસને તેના જંગલ આશ્રમમાંથી શોધી કાઢ્યા પછી સિક્રીટોસે તેમને કહ્યું કે ,ઓ બ્રાહ્મણોના અધ્યાપક,તમને  નમસ્કાર હો,પ્રચંડ સૂર્યદેવતાના પુત્ર સિકંદર જે સર્વ મનુષ્યોનો સાર્વભોમ રાજા છે તે તમને પોતાની પાસે બોલાવે છે. તમે તેનું આમંત્રણ સ્વીકારશો તો તમને ઘણી ભેટોથઈ નવાજી દેશે. અને તમે નહિ આવો તો તે તમારું ડોકું કાપી નાખશે.
યોગીએ આ ફરજિયાત આમંત્રણ શાંતિથી સાંભળ્યું. પણ તેમણએ પોતાના પત્ર આસન ઉપર બેઠાં રહીને માથું સરખું પણ ઊંચું ન કર્યું.
સિકંદર સૂર્યદેવતાનો પુત્ર હોય  તો હું પણ તેનો જ  પુત્ર છું. તેમણે ટકોર કરી.  સિકંદરની પાસે જે કાંઈ છએ તેમાંથી મને કાંઈ જ જોઇતું નથી.કારણકે મારી પાસે જે કાંઇ છે તેનાથી મને સંતોષ છે.હું જોઈ રહ્યો છું કે એ એના માણસો સાથે જમીન અને સમુદ્રમાર્ગે કશા જ અર્થ સિવાય ભટકે છે અને એના પરિભ્રમણનો મને કોઈ અંત દેખાતો નથી.
જા તારા સિકંદરને જઇને કહે મહારાજાધિરાજ ઇશ્વર કદી કોઈનું તિરસ્કારપૂર્વક બુરું કરતો નથી.પણ એ  પ્રકાશ,શાંતિ,જીવન,પાણી તથા માણસના શરીર અને આત્માનો સર્જક છે. મરણ પછી એ બધાને પોતાની પાસે બોલાવે છે. અને ત્યારે તેમને દુખ અને  રોગમાંથી મુક્ત કરે છે.એ જ ઈશ્વર મારા વંદનનો અધિકારી છે જે યુધ્ધો અને માનવહત્યાને ધિક્કારે છે.
સિકંદર દેવ નથી કેમકે એ એક દિવસ મરવાનો છે. જે માણસ વિશ્વચૈતન્યના આંતરિક સિંહાસને બેસીને સ્થિર થયો નથી તેવો માણસ દુનિયાનો અધિપતિ કેવી રીતે થઈ શકે ? એટલું જ નહિ હજુ એણે પાતળના લોકજીવનમાં પ્રવેશ કર્યો નથી. તથા પૃથ્વીના મધ્યવર્તી પ્રદેશોમાં થઈને જતા સૂર્યભ્રમણના માર્ગને જાણ્યો નથી તથા દેશોની પ્રજાઓએ એનું નામ સરખું પણ સાંભળ્યું નથી.
આવા તિરસ્કાર પછી, આખી દુનિયાના રાજાના ચિત્તને ખળભળાવી મૂકે એવી સખત ટીકા કર્યા પછી સંતે કટાક્ષ કરતા કહ્યું, જો સિકંદરને આજનું સામ્રાજ્ય એની કામનાઓને સંતોષે એટલું વિશાળ ન લાગતું હોય તો એને ગંગા નદીને પેલે પાર જવાનું કહે ત્યાં તેના બધાં જ માણસોને પૂરતું પોષણ મળી રહેશે.
તેમ છતાં સિકંદર જે  મને અર્પણ કરે છે અને જે ભેટો આપવાનું મને વચન આપે છએ તે મારે માટે તદ્દન નકામી છે.જે ચીજોને હું કિમતી ગણું છું અને જે ચીજો મારા માટે મૂલ્યવાન છે તે પાંદડાઓ છે કે જે મને ઘરની ગરજ સારે છે. પેલા ઊધરતા છોડવા મને ખાવાનું આપે છે અને પાણી મારી તરસ મિટાડે છે. બાકીની બધીજ મિલકત જે અનેક ચિંતાઓ અને મહેનતથી પ્રાપ્ત કરવામાં આવે છે તે તેને પ્રાપ્ત કરનારાઓને પાયમાલ કરે છે. એટલું જ નહિ અબુધ માનવીઓને જેનો હંમેશા ભય રહે છે તેને શોક અને દુખદાયક નીવડે છે. મારે પોતાના માટે કહીશ કે હું જંગલના પાંદડાઓ ઉપર સુઉ છું. મારી પાસે રક્ષણ કરવા જેવી કોઈ ચીજ ન હોવાથી હું નિરાંતે ઊંઘુ છું. જો મારી પાસે કંઈ રક્ષણ કરવા જેવું હોય તો મારી ઊંઘ હરામ થઇ જાયછે.જેમ એક માતા પોતાના બાળકને દૂધ આપે છે તેમ પૃથ્વીમાતા મને બધું આપી રહે છે. હું  મારી મરજીમાં આવે ત્યાં જઈ શકું છું. મારી જાત પર ભાર લાદવા જેવી કોઈ ચિન્તા મને સતાવતી નથી.
સિકંદર ભલે મારું માથું કાપી નાખે પણ તે મારા આત્માનો નાશ કરી શકશે નહિ.મારું માથું એકલું પછી શાંત થઈને ફાટેલા વસ્ત્રની માફક  શરીર છોડીને આ પૃથ્વી પર જ પડ્યું રહેશે.ત્યારપછી હું ચૈતન્યસ્વરુપ બનીને ઇશ્વરની સમક્ષ પહોંચી જઇશ. આ ઈશ્વરે આપણને બધાને માટીની કાયામાં એટલા માટે મૂક્યા છે કે અહીં આવ્યા પછી આપણે એની આજ્ઞાને અનુસરીએ છે કે નહિ, અહીંથી ગયા પછી એ આપણને હાજરીમાં બોલાવીને આપણા જીવનનો હિસાબ  લેશે કારણકે અભિમાનભર્યા અપકૃત્યોનો એ એકમાત્ર સર્વોપરી ન્યાયાધીશ છે. દલિતોનો આર્તનાદ એ જુલ્મગારોની સજા બને છે.
જેઓ સંપત્તિની ઇચ્છા કરતા હોય અને મૃત્યુથી ડરતા હોય  તેને સિકંદર ભલે આવી ધમકીઓ આપે પણ બ્રાહ્મણો સામે આ શસ્ત્રો નકામાં છે. અમે ધન ઇચ્છતા નથી કે મૃત્યુથી ડરતા નથી.ત્યારે હવે તું જા અને સિકંદરને કહે કે ડંડામીસ તારી પાસે કશાની અપેક્ષા રાખતો નથી અને તારી પાસે નહિ આવે. પણ જો ડંડામીસ પાસેથી તું કોઈ અપેક્ષા રાખતો હોયતો તારે તેની પાસે આવવું પડશે.
એક યોગીની આત્મકથા----- પરમહંસ યોગાનંદ

You Might Also Like

0 comments