વાદળોમાં તરતા ડુંગરો
07:31
કેટલીક ફિલ્મો જીવનના રહસ્યોને ખોલી આપે છે, સત્ય પામવા માટે પીડાના પહાડોમાંથી પસાર થવું પડે.
હિમાચલના ઊંચા ડુંગરો અને હૃદય સોંસરવી ઉતરી જતી શાંતિની અનુભૂતિ ગોલ્ડ શીપ અને સેકરેડ માઉન્ટન જોતા અનુભવાય. આ પર્વતોની ભવ્યતા ભય પણ પમાડી શકે છે. ત્યાં રહેનારાને તે અનેક ડાયમેન્સનમાં લઈ જઈ શકે છે. ડિરેકટર તમને એવા પ્રદેશમાં લઈ જાય છે જ્યાં સમય ઘડિયાળમાં નથી માપી શકાતો. અર્જુનસિંહની તાંબાવરણી ચામડીમાં અંકાયેલી કરચલીઓમાં નાગદેવતાના અનેક અનુભવોનો ચાસ અંકાયેલો છે. એટલે જ ફિલ્મ બનાવનાર રિધમ જાનવે નમ્રતાપૂર્વક કહી શકે છે કે જો અર્જુનસિંહ ન મળ્યા હોત તો કદાચ આ ફિલ્મ આ રીતે ન બની હોત.
આંતરરાષ્ટ્રિય સિનેમાની સ્તરે ઊભી રહી શકે એવી ક્ષમતા ધરાવતી ભારતીય ફિલ્મને જોઈને ગૌરવ અનુભવાયું. મુંબઈમાં ગયા અઠવાડિયાથી મામી ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેમાં દેશવિદેશની ૩૦૦થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવી. કેટલીક ફિલ્મો તો જોવી જ એ નક્કી હતું. તેમના વિશે લખવું નક્કી નહોતું. પણ ડુંગર, ઘેંટા અને વાદળો પણ ફિલ્મના પાત્રો હોય તેવી ભારતીય ફિલ્મ જોયા બાદ અને તે ફિલ્મ વિશે જાણ્યા બાદ ગમતાંનો ગુલાલ કરવો જ પડે એટલે આ લેખ. દિગ્દર્શક રામ જાનવે અમદાવાદની એનઆઈડીનો વિદ્યાર્થી હતો. ૨૮ વરસની વયે તે હિમાચલ પ્રદેશમાં ગદ્દી જાતિ સાથે કેટલોક સમય વિતાવે છે, પર્વતો પર ધ્યેયહીન રખડપટ્ટી કરે છે અને તેને ફિલ્મ બનાવવાનો વિચાર આવે છે. આ પહેલાં ક્યારેય આ ભાષામાં એટલે કે પહાડની ગદ્દી ભાષા અને જીવનને કચકડે મઢાયું નથી.
રિધમ જાનવેને ખબર હતી કે ત્યાં ફિલ્મ બનાવવી હોય તો પહાડને મુખ્યપાત્ર રાખવું પડે. પછી આવે માણસ અને પ્રાણીઓ. ગદ્દી જાતિના લોકો ભરવાડ હોય છે. તેમની પાસે ખૂબ બધા ઘેંટા હોય છે. આ ભરવાડો એકબીજાથી એકાદ દિવસની અંતરે રહે છે એટલે તેમના ઘેટાંઓને પૂરતું ઘાસ મળી રહે અને કદાચ કેઓસ ન સર્જાય એવી પણ ધારણા હશે. એક ભરવાડના નેસથી બીજા નેસ પર પહોંચવા માટે એક દિવસ પગપાળા પ્રવાસ કરવો પડે. ફિલ્મ શરૂ થાય છે ત્યારે વિશાળ પડદા પર ડુંગરની વિશાળતા અને તેમાં નાના ટપકાં જેટલા ઘેટાઓનો પ્રવેશ એક ખૂણાથી થાય છે અને આપણો પ્રવેશ એ ડુંગરાઓના વિશ્વમાં થાય છે. કેમેરા લાંબો સમય સુધી એક જ એંગલથી સ્થિર દૃશ્યને જોઈ રહે છે. આ પહાડો પરનું વાતાવરણ અને જીવન ફિલ્મ દ્વારા આપણને એ અનુભૂતિ આપી જાય છે. પર્વતો પર સ્પીડ નથી હોતી, ઉતાવળ કે એન્કજાઈટિ પણ નથી હોતી. અહીં દરેક વ્યક્તિ, પ્રાણી કે પ્રકૃતિ પણ જાણે પોતાનામાં સ્થિર છે. પ્રવાસન સ્થળે નહીં પણ ઊંડે આવેલા પહાડી પ્રદેશોમાં એકલા ફરો તો સમજાશે કે ત્યાં બધું જ પવિત્ર અને શાંત છે. એટલી શાંતિ કે શહેરના માણસોને તે શાંતિ પચે નહીં. એ શાંતિની અનુભૂતિ રિધમ જાનવે કરાવી જાય છે. ફિલ્મના મુખ્ય પાત્રો ત્યાંના ગદ્દી જાતિના માણસો જ છે. ફિલ્મમાં કોઈ પ્રોફેશનલ કલાકાર છે જ નહીં. મુખ્ય પાત્ર છે અર્જુન સિંહનું. તેઓ ગઢવાલ ચમ્બા પ્રદેશમાં ગદ્દી ભરવાડ છે. આ ફિલ્મ માટે રિધમને જો મુખ્ય પાત્રમાં અર્જુનસિંહ ન મળ્યા હોતતો આ ફિલ્મ આ રીતે ન બની હોત. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હોવા છતાં પર્વતોના ક્લાઈમેટની જેમ તેને કન્ટ્રોલ ન કરી શકાય. ડાયલોગ પણ સહજતાંથી આવતા તો તેને એડિટ ન કરાયા. પર્વતોના એકાંતમાં તમને સમયનું અને સ્થળનું પરિમાણ નક્કી ન કરી શકો એવું પણ બને. આધ્યાત્મિક ન હોવ છતાં તમે એ પર્વતોના રહસ્યમય વાતાવરણમાં ખોવાઈ જાવ તે શક્ય છે. કદાચ એટલે જ આપણે ટોળાંઓ જ્યાં હોય ત્યાં જ પ્રવાસ કરીએ છીએ. રિઝોર્ટ્સમાં રહીએ છીએ. જો પર્વતોના એકાંતમાં એકલા રખડીએ તો શક્ય છે કે ફરી આ કેઓસથી ભરપૂર શહેરોમાં રહી ન શકીએ.
ફિલ્મની વાર્તા છે કે અર્જુનસિંહ એક ગદ્દી ભરવાડ ડુંગર પર તેના એક નેપાળી નોકર સાથે રહે છે. તે સતત ઘૂંટણની, માથાના દુખાવાની ફરિયાદ કરતો હોય છે. ત્યાં એક દિવસ લશ્કરી વિમાન દૂર ક્યાંક ડુંગરોમાં ક્રેશ થઈ જાય છે. તેના પાયલટને શોધવાની પ્રક્રિયા પગપાળા જ કરવી પડે એમ છે. એ ડુંગરોમાં ક્યાંય રસ્તાઓ નથી બન્યા. આ ગદ્દી વિસ્તારમાં પણ લોકો પગપાળા જ ચાલીને એકથી બીજે સ્થળે જાય છે. અર્જુનસિંહ ડુંગરના શિખરથી થોડો નીચે આવે છે. જ્યાં દુનિયા સાથે થોડો સંપર્ક શક્ય હોય છે. ટોર્ચ માટે સેલ લઈ શકાય અને તે એકમાત્ર દુકાનમાંથી લશ્કરી વિમાન અને પાયલોટની શોધની વાત અર્જુનને મળે છે. પોતાના બધા ઘેટાં બહાદુરને સોંપીને તે શોધમાં નીકળી પડે છે. ગદ્દી જાતિઓમાં પણ અનેક લોકકથાઓ હોય જ. એક લોકકથા મુજબ પહેલાં પણ કોઈ વિમાન તૂટી પડ્યું હતું તેમાંથી ખજાનો લઈને ઘેટાંઓ ફરી રહ્યા છે. સ્થળ,કાળને પારના પરિમાણ એટલે કે ડાયમેન્સન બદલાય છે. પ્રકૃતિમાં અર્જુનસિંહ પોતે પણ ઐક્ય અનુભવે છે. પોતે જ પોતાને પ્રતિબિંબીત જુએ છે. દિગ્દર્શક રિધમ જાનવેએ લાંબા દૃશ્યોમાં પર્વતો અને પ્રકૃતિને સાક્ષી ભાવે આપણી સમક્ષ મૂક્યા છે. ૯૭ મિનિટની ફિલ્મ પૂરી થાય ત્યારે આપણને પર્વત પરથી ફેંકી દીધા હોય અને થિયેટરમાં આવી પડ્યાની અનુભૂતિ થાય છે. સામે જ અર્જુનસિંહ અને રિધમ ઊભા છે. અર્જુનસિંહ પહાડી મિશ્રિત હિન્દીમાં કહે છે કે અનેકવાર મને થતું કે આ ફિલ્મનું પાત્ર ન બનું અને ભાગી જાઉં. પણ જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે લાગ્યું કે નાગદેવતાનો કોઈ સંકેત હશે.
અર્જુનસિંહ જે ગદ્દી જાતિમાંથી આવે છે ત્યાં લોકો નાગદેવતાને ભગવાન માને છે અને માને છે કે તેમની ઈચ્છા સિવાય પાંદડુ હલતું નથી. એ જ તારણહાર છે. આ ફિલ્મમાં કામ કરવાનું પણ નાગદેવતાની ઈચ્છાથી જ શક્ય બન્યું છે. રિધમ પણ એ વાત સ્વીકારે છે. ગોવામાં રહેતો એનઆઈડીની ડિગ્રી ધરાવનાર અને ગઢવાલના કાંગરા વિસ્તારના પહાડોમાં વસતા અર્જુનસિંહ એક સ્તરે વિચારી શકે છે એટલે જ આ ફિલ્મ બને છે તે દર્શક પણ માનવા પ્રેરિત થાય છે. વિદેશમાં આ ફિલ્મ બની હોત તો કેવી રીતે બની હોત? ટેકનોલોજી દ્વારા વધુ સુંદર દૃશ્યો લીધા હોત. બીજા જ દિવસે ધ વિઝન જાપાનીસ ફિલ્મ જોવાનું બન્યું. તેમાં પણ પ્રકૃતિની અને પહાડોની વાત છે. માન્યતાઓ અને લોકકથા અને આજનો સંદર્ભ પણ છે. પ્રકૃતિના દૃશ્યો અદભૂત રીતે ફિલ્માવાયા છે. પહાડોનું સૌંદર્ય અને તેની ભીષણતા જુદાં નથી. તે બન્ને જ્યાં એક થાય ત્યાં વિઝન એટલે કે ચિત્ર સ્પષ્ટ બને છે. પીડા અને દૃષ્ટિ એ બન્ને મળીને સત્યને ઉજાગર કરે છે. સ્વ સુધી પહોંચવા માટે પીડાને સૌંદર્યની આરપાર જોવું પડે છે. ફિલ્મમાં સંદેશ છે કે વિઝન મેળવવા માટે પીડાથી તમારે ખુદને બાળી નાખવા તૈયાર રહેવું જોઈએ.
જીવનના સત્યો પીડામાંથી જ મળે છે, તમને બધું જ મળી જાય ત્યારે જાતને સવાલો પૂછતા નથી, જિજ્ઞાસા રહેતી નથી સત્યને પામવાની. ઈતિહાસમાં નજર કરીએ તો કૃષ્ણ, રામ, બુદ્ધ, ઈસુ દરેક પીડામાંથી પસાર થયા છે. કૃષ્ણ ભગવાન હોય તો તેણે શું કામ જેલમાં જન્મવું પડે અને ગોકુળ જવું પડે ત્યાં પણ શાંતિથી રહી ન શકે મથુરા જાય ને ત્યાંથી દ્વારિકાને છેવટે દુખી થઈને પારધિના બાણથી મરવું પડે. રામે વનવાસ વેઠવો પડે, પત્નિનો વિરહ સહેવો પડે, ન ગમતાં અનેક નિર્ણયો સ્વીકારવા પડે. બુદ્ધે રાજપાટ, સુંદર સ્ત્રી, પુત્ર દરેકને છોડીને જાતને ઓગાળવી પડી. ઈસુને ક્રોસ પર જડાવું પડે. આપણે તેમની પાસે દુખમાંથી છૂટવા સુખની પ્રાપ્તિ માટે બાધા રાખીએ છીએ, પ્રાર્થીએ છીએ.
0 comments