ધારીએ તો જીવન બદલાઈ શકે છે
16:46
ઓપન માઈન્ડ
વિપરીત સંજોગો તમને તોડી નાખવા માટે તૈયાર હોય પણ જો મન મક્કમ હોય અને જાત પર વિશ્વાસ હોય તો દુનિયા જીતી શકાય છે,
ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં રજુ થયેલી બ્રાયન બેન્ક ફિલ્મ અનેક રીતે મહત્વની છે. આ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર પણ જોવા મળશે. ટોમ શેડિયાક હોલીવુડનો સફળ અબજપતિ ડાયરેકટર છે. તેણે લાયર લાયર, બ્રુસ અલમાઈટી , ધ નટ્ટી પ્રોફેસર જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બનાવી છે. પણ સંજોગોની સામે લડી રહેલા ટોમે છેલ્લા કેટલાક વર્ષોમાં એક પણ ફિલ્મ બનાવી નહોતી. બ્રાયન બેન્કે નકારાત્મક જીવન ને પોતાના મક્કમ મનોબળ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી જીવી બતાવ્યું ત્યારે અ જીવનકથા ટોમને ફરીથી ફિલ્મ બનાવવા તરફ દોરી જાય છે. માથે દેવુ થતા કરોડોપતિ આત્મહત્યાનો માર્ગ લેતા હોય છે ત્યારે અમેરિકન બ્લેક બ્રાયન ફૂટબોલ પ્લેયર છે પણ ૧૬ વરસની ઉંમરે બળાત્કારના (જે તેણે કર્યો જ નથી, પણ છોકરીએ તેનું નામ આપ્યું છે.) આરોપસર જેલમાં પહોંચે છે. એ નિર્દોષ છે તે સાબિત કરતાં પાંચ વરસ વીતી જાય છે. બહાર આવીને હતાશ થઈને રડતાં બેસી રહેવાને બદલે તે ફરીથી ફૂટબોલ પ્લેયરની કારર્કિદી બનાવવા મચી પડે છે અને આજે તે સેલિબ્રિટી ફૂટબોલ પ્લેયર છે.
“રૂપિયા,ધન- સુખ સગવડ જરૂર ખરિદી શકે છે.પરંતુ, તે જીવન જીવવાનો સંતોષ, આનંદ આપી શકતા નથી. આનંદ તો સાદું સિમ્પલ જીવન જ આપી શકે છે.” આ શબ્દો ન તો ગાંધીજીના કે કોઇ સંત મહંતના છે. આ શબ્દો છે હોલિવુડના સફળ દિગ્દર્શક ટોમ શેડિયાકના. તે કહે છે કે, આ શબ્દો મારી અનુભૂતિમાંથી આવ્યા છે. ટોમ શેડિયાકની વિચારધારા સંત ઓગષ્ટસની વાણીને આભારી છે, ભગવાન જે તમને આપ્યું છે તે માટે એનો આભાર માનો અને તેમાંથી તમારી જરૂરિયાત પૂરતું રાખો. બાકી રહે છે તેની બીજાઓને પણ જરૂર છે. ટોમ ગાંધીજીને ય પોતાના આદર્શ માને છે. ગાંધીજીનું સૂત્ર “સાદાઈથી જીવો એટલે બીજા પણ જીવી શકે“ તેનો મંત્ર બની ગયો છે. આજના આ ઉપભોક્તાવાદના જમાનામાં સિમ્પલ લિવિંગ હાઈ થિન્કિંગને કરોડોમાં કમાઈ શકતો દિગ્દર્શક જીવનમાં સતત ઊતારી રહ્યો છે. આ ટોમને બ્રાયનનું જીવન સ્પર્શે જ. અમેરિકામાં રંગભેદ નીતિની કડવાશ આજે પણ અનેક વ્યક્તિઓને ખતમ કરી નાખે છે. ત્યાં બ્રાયન ફિનિક્સ પંખીની જેમ રાખમાંથીફરીથી ઊભો થાય છે એ બાબત ટોમ સારી રીતે સમજી શકે છે.
ટોમ પાસે એક જમાનામાં 17 હજાર સ્કેવરફીટનો બંગલો, લકઝુરિયસ કાર , પોતાનું ખાનગી વિમાન હતું. કોઈપણ વ્યક્તિની કલ્પનાનું સુંદર જીવન તે વ્યતીત કરી રહ્યો હતો. પણ ટોમનું કહેવું છે કે જીવનમાં દરેક સુખસગવડો છતાંય કશુંક ખુટતું હોવાની લાગણી સતત અનુભવાતી હતી. જીવનમાં સભરતા નહોતી લાગતી. 2007માં તેની બાઈકનો અકસ્માત થયો અને તેણે મૃત્યુને નજીકથી જોયું. એ અકસ્માતના ઘાવ તેના તન કરતાં મન પર વધુ લાગ્યા હતા. તેને અવાજ અને લાઈટથી તકલીફો થતી. એટલે જ તેણે અત્યાર સુધી ફિલ્મ નહોતી બનાવી. ખાસ્સો સમય તે એકાંતમાં રહ્યો. ધીમે ધીમે તે સાજો થયો પણ હવે તેને જીવનનો અર્થ મળી ગયો હતો.બસ ત્યારબાદ તેને પોતાનામાં એક બદલાવ આવતો અનુભવ્યો. અને સાથે જ તેને ન સમજાતા અનેક પ્રશ્નોના ઉત્તર મળવા લાગ્યા. તેણે આઈ એમ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે જેમાં તેણે પોતાના જીવનમાં, વિચારોમાં આવતા પરિવર્તનને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મમાં તે કહે છે કે , “મેં જ્યારે મારા મૃત્યુને સન્મુખ જોયું ત્યારથી મને જીવનનો અર્થ સ્પષ્ટપણે સમજાવા લાગ્યો. જો મારે મૃત્યુ પામવાનું જ હોય તો મારે લોકોને છેલ્લે શું કહેવાનું છે તેની સાદી અને સ્પષ્ટ સમજ આવી. મારે કહેવું છે કે જે દુનિયામાં હું અત્યાર સુધી જીવ્યો તે ખોટું હતું. છેતરામણું હતું.”
અકસ્માતના પાંચ મહિના બાદ તેણે આઇ એમ ફિલ્મ ધ્વારા તેને સતત સતાવતા બે પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો એક તો આપણા વિશ્વની મૂળ તકલીફો શું છે? અને બીજું આપણે તેને માટે શું કરી શકીએ?
હકિકતમાં તો ટોમના મનમાં આ પ્રશ્નો વરસોથી ઘોળાઈ રહ્યા હતા પરંતુ, અકસ્માત થયા બાદ તે વિશે વધુ વિચારતો થયો. વિશ્વની તકલીફો વિશે વિચારતા તેને લાગ્યુ કે દુનિયાએ ઠોકી બેસાડેલી સફળતાના માપદંડો જ તકલીફોનું મૂળ કારણ છે. તમારી પાસે સારા પગારનું કામ હોવું જોઈએ. સમાજમાં મોભો હોવો, મિલકત હોવી એ માપદંડો ખોટા છે. ખરું તો તમે કેટલા પ્રેમાળ, સારા , બીજાને મદદરુપ જીવન જીવો છો તે અગત્યનું છે.
આ પ્રશ્નના મૂળ સુધી પહોંચતામાં તો ટોમનું જીવન બદલાઈ ગયું. તેણે પોતાનો વૈભવી બંગલો વેચીને 1000 સ્કેવર ફુટનું મોબાઈલ ઘર લીધું, કારને બદલે સાયકલનો ઉપયોગ કરવા લાગ્યો અને પોતાના ખાનગી વિમાનને બદલે કમર્શિયલ વિમાનમાં પ્રવાસ કરવા લાગ્યો. આમ પોતાની જરુરિયાતોને ઓછી કરીને બાકીના પૈસા તેણે પરમાર્થે દાનમાં આપી દીધા. ટોમ કહે છે, “આજે હું મારી ઓછી જરુરિયાતમાં પહેલાં કરતાં વધારે આનંદમાં જીવન વિતાવું છું. હું બધું જ છોડી દેવાની વાત નથી કરતો એ યાદ રાખો. જરુરિયાત પુરતું જ રાખવાનું કહું છું. હું પણ પહેલાં બધાની જેમ બાહ્ય રીતે દાંભિક જીવન જીવતો હતો. પણ એક અકસ્માતે મારા દંભને ચકનાચૂર કરી દીધો. કારણ કે આપણે એવી રીતે જ જીવીએ છીએ જાણે કે મરવાના જ નથી. સફળતાના નશામાં સતત બીજાઓ પર વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સતત મોટા થવાના, મોટું ઘર , મોટી ગાડી ખરીદવાના સપનાઓ પાછળ દોડીએ છીએ.”
ટોમે આઈ એમ ડોક્યુમેન્ટરી બનાવતા પહેલાં વૈજ્ઞાનિકોને વાંચ્યા, ફિલોસોફી વાંચી, સાયકોલોજી, અધ્યાત્મ દરેક વિષયોનો અભ્યાસ કર્યો. અને તારણ પર આવ્યો કે કુદરતમાં દરેક પ્રાણી કે આપણી શરીરની અંદરના કોશો પણ જરુરિયાત જેટલું જ લે છે.જ્યારે માણસ જ એક માત્ર એવો છે કે જેને કોઈ જાતનો ધરવ નથી. તેને વધુને વધુ જોઈએ છે. બધું જ વધારે મેળવવાની ઝંખના આપણને કેન્સરની જેમ ગ્રસ્ત કરી રહી છે. ટોમ વળી કહે છે કે, “મારે એ કેન્સરના ભોગ નહોતું બનવું એટલે આજે હું મારી જરુરિયાતથી વધારે નથી રાખતો કે વાપરતો. અને તેમાં મને આનંદ આવે છે. હું સેલિબ્રિટીની દુનિયામાં જીવ્યો છું તે છેતરામણી છે. સેલિબ્રિટિના સ્ટેટસને મહત્ત્વ ન આપો એવું હું લોકોને વિનંતી કરી શકું. હા, તમે કોઈની પ્રતિભાને જરુર વખાણો પણ આખરે તે માણસ છે માણસ તરીકે જ તેની સાથે વર્તો. બીજું હરિફાઈમાં ન ઉતરો...નંબર વન આવવાની હરિફાઇમાંથી જ ખોટી સફળતાના બીજ ઊગે છે. અને તે તમને નિરાશા, દુખ , રાગદ્વેષ સિવાય કશું જ નહીં આપી શકે. હરિફાઈ કરવી આપણો મૂળભૂત સ્વભાવ નથી તેવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યુ છે. એકબીજા સાથે હળીમળીને રહેવું, સંપીને રહેવું અને લોકશાહીમાં માનવું તે આપણો મૂળ સ્વભાવ છે. અને તે જ આપણા ડીએનએમાં છે. આપણે બીજાને અનુસરવા કરતાં આપણા હ્રદયને અનુસરવું જોઈએ. આપણને પોતાને જીવનમાં શું કરવું છે તે વિશે વિચારશું તો જીવનમાં બદલાવ આવશે જ. મને કોમેડી ફિલ્મો બનાવવી ગમે છે તો હું બનાવીશ જ પણ બ્રાયન બેન્કની કથની પણ મારે કહેવી હતી, તેની પીડા, તેનો સંઘર્ષ હું અનુભવી શકું છું. કારણ કે હું જે છું તે રહેવા માટે મારે મારું જીવન જીવવાનું છે. બ્રાયને સંજોગોને હરાવીને પોતાનું સપનું પૂરું કર્યું. એટલે બ્રાયન પર ફિલ્મ બનાવી મેં ફરી ફિલ્મ બનાવવાનું કામ શરૂ કર્યું. “
આઈ એમ નામની આ ડોક્યુમેન્ટરી મેળવીને જોવા જેવી છે. શક્ય છે આપણી દુનિયા બદલાઈ જાય. ટોમ આજેય દિગ્દર્શનમાંથી કરોડો રૂપિયા કમાય છે પણ તે સીધા તેના આઈ એમ ફાઉન્ડેશનમાં જાય છે. આપણી જરૂરિયાતો આજે દિન પ્રતિદિન વધી રહી છે તે જરૂરી છે કે નહીં ? તે પ્રશ્ન આપણે જાતને પુછવાની શરૂઆત કરીશું તો પણ જીવન બદલાઈ શકે છે.
0 comments