કેફે ખરું પણ કંઈક અલગ છે અહીં

05:00






દેખાવ, નાસ્તો, પીણાંથી લઈને અહીં કામ કરતી દરેક વ્યક્તિ કંઈક વિશેષ છે. તમને અહીં વેઈટરની સાથે કે કૂકની સાથે થોડી વાત કરવાનું મન થાય એવું શક્ય છે. 





જુહુ તારા રોડ તરફ જતાં સાન્તાક્રુઝ વેસ્ટમાં એક જમાનામાં લીડો ટોકિઝથી જાણીતું હતું. હજુ કેટલાક લોકો લીડો ટોકિઝ બસ સ્ટોપ તરીકે ઓળખે ખરા. બસસ્ટોપની સામે એસએનડીટી મહિલા વિદ્યાપીઠનો ગેટ જોઈ શકાય છે. બસ સ્ટોપની પાછળ બેન્કની બાજુમાં ટર્કોઈઝ એટલે કે ગ્રીનીસ બ્લ્યુ રંગ તમારું ધ્યાન ખેંચે. તેનો દેખાવ વિદેશી કેફેની યાદ દેવડાવે. ટર્કોઈઝ રંગ આકર્ષક લાગવા સાથે શાંતિનો અનુભવ કરાવે એવો વિચાર કરતાં કાચ અને લાકડાના દરવાજાે ખોલીને અંદર દાખલ થઈએ ત્યાં તો સામેથી એક છોકરો સ્મિત સાથે અમારું સ્વાગત કરે છે, વેલકમ ટુ અર્પણ કેફે. એપ્રન પર લગાવેલું નામ વંચાય છે - આનંદ. અમને દોરી જાય છે એક ખાલી ટેબલ તરફ. 
કેફેમાં વાતાવરણ શાંત છતાં અનોખું છે. સાદું છતાં એસ્થેટિક ઈન્ટિરિયર તમારું ધ્યાન ખેંચે. દિવાલ પર લખેલા લખાણ અને ફોટાઓ ધ્યાનથી વાંચવા પડે, જોવા પડે ટર્કોઈઝ રંગની સાથે પિંક રંગની પતરાની સાદી ખુરશીઓ રંગોને ખુશનુમા બનાવે છે. આનંદ દૂર ઊભો અમારી સામે સ્મિત કરતો ઊભો રહે છે. ટેબલ ઉપર નંબર લગાવેલા છે. ટેબલ અન્ય વસ્તુઓની સાથે પાણીનો નાનો જગ અને બે ત્રણ ગ્લાસ રાખેલા છે. તમને જોઈએ તેટલું પાણી તમે પી શકો. વેસ્ટેજ થાય કે તો તમારે પાણી માગવું પડે. તમને કેફેમાં સેટલ થવાનો સમય મળે છે. અહીં ઓર્ડર આપવા તમારે કાઉન્ટર પર જવું પડે. મેનુ તમે બેસો કે તરત તમારી સામે સંવિત કે આનંદ આવીને મૂકી જાય. ૨૦૧૫માં યશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વરા શરૂ થયેલું કેફે મુંબઈ નહીં ભારતમાં એકમાત્ર અને અનોખું છે કારણ કે કેફેમાં કામ કરતી દરેક વ્યક્તિ વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે સાદી ભાષામાં કહીએ તો તેઓ માનસિક રીતે દિવ્યાંગ છે. 
અર્પણ કેફેનું મેનુમાં લગભગ ત્રીસેક ખાણીપીણીનું લિસ્ટ જોવા મળે, વળી મેનુ ઘણું ક્રિએટિવ રીતે લખવામાં આવ્યું છે. જેમ કે રાસ્તેવાલા સાદા સેન્ડવિચ, વિદેશી વડા પાઉ, એરપોર્ટવાલા સ્પેશિયલ સેન્ડવિચ, સાઉથ વેસ્ટ સેવપુરી, ફલાફલ  નાચની રેપ. ઉપરાંત ફ્રેશલી બેક્ડ બ્રાઉની, કપ કેક, જ્યુસ, લિંબુ પાણી, આઈસ ટી, ગરમ ચા-કોફી પણ ખરા. નાચની રેપ, પોપ આય ડિલાઈટ ટોસ્ટ, સાઉથ વેસ્ટ સેવપુરી અને ફિલ્ટર કોફીનો ઓર્ડર આપ્યો. જે ખૂબ નમ્રતાપૂર્વક આનંદે લીધો અને પછી વાનગીઓને સુલકાઈથી લાવીને અમારા ટેબલ પર મૂકતાં બોલ્યો એન્જોય ફુડ. નાચણીના રોટલા પર ફલાફલ અને સાથે હમસ, મેયોનિઝ તેમ કેબેઝ, ઓલિવ, એલેપેનો સલાડથી સરસ રીતે સજાવ્યા હતા. પોપ આય ડિલાઈટ ટોસ્ટમાં ચીઝ, મકાઈ અને પાલક બ્રાઉન બ્રેડ પર ટોસ્ટ કરીને બનાવ્યા હતા. નાચણી રેઅપ ફલાફલનો સ્વાદ ખૂબ સરસ હતો. હેલ્ધી અને ગ્લુટન ફ્રી તેમ વિગન વાનગી પણ ગણી શકાય. અહીં પીરસાતી દરેક વાનગી દેખાવમાં સરસ હોવા સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. અહીં મળતા કપ કેક અને બ્રાઉનીનો સ્વાદ ખાઓ તો જાણો. પણ બધા ઉપરાંત અહીં કામ કરતા છોકરા, છોકરીઓ તમારું મન જીતી લેશે. હા, ચા અને કોફી અહીં પ્રી મિક્સ હોય છે. જો તે તાજી બનાવીને આપી શકાય તો બસ સોને પે સુહાગા. જો કે શક્ય છે કે ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓની સાથે કામ કરવું સરળ હોવા છતાં સહેલું તો નથી હોતું. તેમની ક્ષમતાનો પડકાર અને બહારના વાતાવરણની ડિમાન્ડ પણ તેમના માટે પડકારરૂપ બની શકે છે. જો કે બન્નેને ઓવરકમ કરવામાં અર્પણ કેફે સફળ રહ્યું છે. 
કુક એરન ઓટિઝમ ધરાવે છે અને તેણે વાનગી તૈયાર કરી હતી. તેને જ્યારે પૂછ્યું કે વાનગીમાં શું નાખ્યુંછે તો ખૂબ નમ્રતાથી આંખો નીચી રાખીને તેણે સામગ્રી જણાવી. ઓટિઝમ ધરાવનાર વ્યક્તિ આંખો પણ મેળવે કે વાત પણ કરે. પણ જવાબદારી ઉપાડી હોય તે કામ દિલ દઈને કરે. કેફેની વાનગીમાં બધી ડિફરન્ટલી  ડિસએબલ વ્યક્તિઓની નિર્દોષતાનો સ્વાદ પણ ઉમેરાયો હોવાનું અનુભવાય. તેઓ વાત કરે તો ખૂબ પ્રેમથી ઉમળકાભેર કરે. આર્શિતા મહાજન જે યશ ચેરિટેબલ ટ્ર્સ્ટની ટ્રસ્ટી પણ છે તે જણાવે છે કે તેમને અમારે ટ્રેઈન કરવા પડે છે કે કસ્ટમર સાથે કઈ રીતે વર્તવું. ખરું કહું તો લોકોની સાથે કામ કરવું ખૂબ સરળ અને સહેલું છે.  વ્યક્તિઓ કોઈને મૂલવે નહીં એટલે ખૂબ સરળ હોય. 
 યશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અર્પણ કેફેના મેનેજીંગ ટ્રસ્ટી ડોકટર સુષ્મા નાગરકર સાયકોલોજીસ્ટ છે.   ડોક્ટર સુષ્માની  દીકરી આરતી  પણ ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવે છે. મનિલામાં  જોશ કોનોય જેને ઓટિઝમ હોવાને કારણે તેની માતાએ પુત્ર માટે પઝલ કેફેની શરૂઆત કરી કે જેથી તે વ્યસ્ત રહી શકે અને કંઈક કામ પણ કરી શકે.  તેમને અર્પણ  કેફેનો વિચાર   મનિલામાં આવેલી પઝલ કેફે જોઈને આવ્યો. સુષમાજી  સાયકોલોજીસ્ટ હોવાને કારણે  આવી વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તવું અને કઈ રીતે તેમની પાસે કામ કરાવવું તેની ટ્રેઈનીંગ બીજા ટ્રસ્ટીઓ અને વોલિન્ટિયરને પણ આપી શકે છે. તેમની ઈચ્છા છે કે બીજાઓ પણ તેમના કામથી પ્રેરણા લઈને કેફેની શરૂઆત કરી શકે છે.  અહીં કામ કરતાં દરેક વ્યક્તિને તેમને જે કામ કરવાનું ગમે તે ધ્યાન રાખીને કામની જવાબદારી સોંપાય છે. કોઈને શાક સમારવાનું ગમે તો કોઈને લસણ ફોલવું ગમે તો કોઈને પાલક ગમે તો વળી કોઈને લોકો સાથે જોડાવું ગમે. જો કે આર્શિતાનો અનુભવ કહે છે કે અહીં કામ કરવા આવ્યા બાદ ડેવલપમેન્ટ ડિસેબિલિટી ધરાવનાર વ્યક્તિઓ ધીમે ધીમે બદલાઈ રહી છે. એકબીજાના મિત્રો બન્યા છે અને તેમનું વોટ્સ ગ્રુપ પણ છે. રઈશ જે પહેલાં જરા પણ હસતો નહતો તે હવે હસતો થયો છે અને નંદિનીને નેઈલ પોલીસ કરવી, વાળ રંગવા ગમે છે જે પહેલાં સ્પેશિયલ સ્કુલમાં નહોતી કરી શકતી.  

વાચકોની જાણ ખાતર ઓટિઝમ કે ડાઉન સિન્ડ્રોમ જેવી  ડિસેબિલિટી ધરાવતા બાળકો જ્યારે પુખ્ત વયે પહોચે છે ત્યારે તેમને માટે કોઈ કામ કે  ભવિષ્ય હોતું નથી એવું માની લેવામાં આવે છે. યશ ચેરી ટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી તેમાં  સૌ પ્રથમ તેમણે ટિફિન સેવા શરૂઆત કરી.  પ્રી બુકિંગ દ્વારા  ટિફિન સેવા આસપાસના વિસ્તારમાં પહોંચાડાય છે.  ડોક્ટર સુષ્મા જણાવે છે કે  કૅફે ભારતમાં શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે મુંબઈમાં સૌપ્રથમ તેની શરૂઆત થઈ. ટિફિન સેવા માં સારો પ્રતિસાદ મળતા તેની આગળ   જગ્યા મળતાં કૅફે શરૂ કર્યું જોકે તે માટે ફંડ ઊભું કરવું. જો કે  આવો કોન્સેપ્ટ લોકોને સમજાવવો સહેલો હતો.  હવે લોકો અહીં બર્થ ડે પાર્ટી મનાવવા માટે પણ આવે છે. દિવાળી અને ક્રિસમસ માટે ચોકલેટ અને કેક્સના ઓર્ડર પણ લેવાય છે. અને હા અહીં દરેક વાનગી વેજિટેરિયન છે. કેક પણ એગલેસ બનાવાય છે. કેફેમાં બે વ્યક્તિ જો પેટ ભરીને નાસ્તો કરે તો બીલની રકમ આપતાં હૈયુ પણ ભરાય. અહીં દરેક વાનગી સો થી દોઢસો રૂપિયાની છે. આટલા સરસ કારણમાં સહભાગી બન્યાનો આનંદ કંઈ ઓછો નથી હોતો.  



You Might Also Like

0 comments