હું હારી ગયો
23:46
જાત સામે હારી જનાર પુરુષ હોય તો તે જીવી શકતો નથી તે પોતાને મારી નાખવા મજબૂર બને છે
કેફે કોફી ડે ના સ્થાપક વી.જી. સિદ્ઘાર્થે જ્યારે આત્મહત્યા કરી તેવા સમાચાર આવ્યા ત્યારે લગભગ દરેક વ્યક્તિને આશ્ચર્ય થયું. તેણે ડ્રાઈવરને ગાડી નદીના પુલ પર ઊભી રખાવીને કહ્યું તું આગળ જઈને રાહ જો, હું આવું છું, અને તે ફરી ક્યારેય પરત ન ફર્યો. તેણે પત્ર લખ્યો તેમાં એક વાક્ય કંઈક આવું હતું કે હું હારી ગયો હવે સહન નથી કરી શકતો. બરાબર એ જ રીતે ૨૦૧૨ની પહેલી ઓગષ્ટે રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે પણ મુંબઈના સી લીન્ક પર ગાડી થોભાવી ડ્રાયવરને કહ્યું કે હું એક ફોન કરવા માગું છું તું ગાડી ધીમી ચાલુ રાખ. લલિત શેઠ ફરી ક્યારેય પાછા ન આવ્યા. તેમની ગાડીમાંથી નોટ મળી કે હું મારી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો. આવું જ કંઈક વિચારીને સિદ્ધાર્થે પણ આત્મહત્યા કરી. બન્ને વ્યવસાયિકોએ પોતાના વ્યવસાયમાં આગવી ઓળખ ઊભી કરવાની હિંમત દર્શાવી હતી. બન્ને જણાના માથા દેવું હતું. અનેક મુશ્કેલીઓ પાર કરી સફળ થનાર વ્યક્તિ પણ પોતાની જાત સામે હારી જાય એવું બનતું હોય છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમે એ વ્યક્તિ વિશે ખાસ કશું જ જાણતા નથી પણ તેનું અચાનક મૃત્યુ તમને આઘાત આપી જતું હોય છે. તેમાં ય જ્યારે વ્યક્તિ આપઘાત કરે ત્યારે ખાસ. છેલ્લા કેટલાક સમયથી સફળ પુરુષો આપઘાત કરતા હોય તેવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. હજી વરસ પહેલાં સફળ સેલિબ્રિટિ શેફ એન્થની બૌદેને પણ આત્મ હત્યા કરી હતી. આ બધા જ પુરુષો કોઈને કોઈ કારણસર હતાશામાં સરી પડ્યા હતા.
ડિપ્રેશન વિશે વાત કરવામાં આમ પણ પુરુષોને ઘણી તકલીફ થતી હોય છે. તેમાં જો ડિપ્રેશિવ વ્યક્તિને બેજવાબદાર માનવામાં આવશે કે આશંકાથી જોવામાં આવશે તો હજી પણ ડિપ્રેશન અંગે લોકો વાત કરતાં અચકાશે. તેને છુપાવશે એમ ડિપ્રેશન વધુ જોખમકારક બને તો નવાઈ નહીં. હકીકતમાં તેના અંગે સહજભાવ કેળવવાની જરૂર છે.ડિપ્રેશનમાં સ્ત્રી કરતાં પુરુષો ત્રણગણા વધુ આપઘાત કરવાનો રસ્તો અખત્યાર કરે છે. પુરુષ એટલે સ્ટ્રોન્ગ, સાયલન્ટ અને ક્ન્ટ્રોલમાં રહેનારો હોય એવી માન્યતાને કારણે સંવેદનો દબાવી રાખવામાં આવે છે. વળી આજે દુનિયા કોમ્પિટિટિવ અને કન્જ્યુમરિઝમ અર્થાત હરીફાઈ તથા ઉપભોક્તાવાદના કળણમાં ફસાઈ રહી છે. તેની પણ પુરુષ માનસ પર અસરો થાય છે. તેને કારણે અનેક સંવેદનાત્મક સમસ્યા સર્જાતી હોય છે. પુરુષોના ડિપ્રેશન ન પકડાવાના કેટલાંક કારણો છે. એવું માનવામાં આવે છે કે ડિપ્રેશનમાં લાગણીશીલ બનવું કે ઉદાસીનતાની લાગણી અનુભવવી તે મુખ્ય લક્ષણો છે, પરંતુ લાગણીઓ કે સંબંધોની સમસ્યાને અવગણવા માટે કે તેને સ્વીકારી શકવાની ક્ષમતા ન હોવાને કારણે પુરુષોમાં માથું દુખવું, પેટના રોગ થવા, થાક લાગવો કે શરીરમાં સખત પીડા થવી પણ ડિપ્રેશનના કારણો હોઈ શકે. પોતે ડિપ્રેશ છે તેનો અસ્વીકાર કે કોઈની પણ સાથે લાગણીની વાત ન કરવામાં અહમનો પ્રશ્ન માનતા પુરુષો ડિપ્રેશનને છુપાવવા જે પ્રયત્નો કરે છે, આખરે તેમને મોટું નુકશાન કરી જતું હોય છે તે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તો વળી કેટલાક પોતે ડિપ્રેશ છે તે માનવા પણ તૈયાર નથી હોતા. પુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવું, ક્યારેય ઢીલા ન પડવું કે લાગણીની વાતો ન કરવી તેવી માન્યતાઓને કારણે પુરુષોની બદલાતી માનસિક સ્થિતિનો ખ્યાલ નથી આવતો. ક્યારેક એવું પણ બની શકે કે પુરુષને ખ્યાલ હોય કે પોતે ડિપ્રેશ છે પણ તેને એકલે હાથે પહોંચી વળશે તેવા ખ્યાલમાં રહે છે. કારણ કે તેને ભય હોય છે કે સમાજમાં કે કારર્કિદી ક્ષેત્રે તેની હાંસી થશે.
આપઘાતના વિષયે પુરુષો સ્ત્રીઓ કરતાં આગળ છે તે હકિકત છે. અહીં પુરુષોની સંખ્યા વધુ છે. મુંબઈનો બાન્દરા વરલી સી લિન્ક હવે જાણે સ્યુ સાઈડ પોઈન્ટ તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે. ત્યારે દુનિયાના અન્ય સ્યુસાઈડ બ્રીજ પર નજર નાખીએ. ચીનમાં નાનજીન યાંગત્જે નદી પર આવેલ બ્રીજ સ્યુસાઈડલ બ્રિજની યાદીમાં નંબર વન પર છે. બીજા નંબરે અમેરિકાના સાનફ્રાન્સિસકોમાં આવેલ ગોલ્ડન ગેટ બ્રીજ આવે. ત્રીજા અને ચોથા ક્રમે પણ અમેરિકાનો સાનડિએગો-કોરોનાડો બ્રીજ અને સનશાઈન સ્કાયવે બ્રીજ, ફ્લોરિડા છે. ચીનના બ્રીજ પરથી બે હજારથી વધુ અને ગોલ્ડન ગેટ પરથી 1200થી વઘુ આપઘાત થયા છે.
નેત્રાવતી નદી પર જો વધુ આપઘાતના કિસ્સા નોંધાશે તો એ પણ આત્મ હત્યા પોઈન્ટ બની જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ કાઢેલા તારણને આધારે દુનિયાભરમાં લગભગ દર વરસે દશ હજાર વ્યક્તિઓ આપઘાત કરે છે. આ આંકડામાં એ સંખ્યા નથી કે જે વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ કરીને બચી ગઈ હોય. મહિલાઓમાં ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે તે છતાં દુનિયાભરમાં પુરુષો જ સૌથી વધારે આપઘાત કરે છે. ડિપ્રેશન અને એન્કજાયટી એ બે બાબતો આત્મહત્યા કરવા પ્રેરતી હોય છે એવું જાણવા મળે છે. હોલીવુડનો પ્રતિભાવાન એકટર અને કોમેડિયન રોબીન વિલિયમે પણ હતાશામાં સ્યુસાઈડ કર્યું હોવાનું કહેવાય છે. આવી માનસિક અવસ્થા આવવાના પરિબળો જુદાં હોઇ શકે. સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ છે તે હદે પુરુષોની ભૂમિકા બદલાઈ નથી. પરિવારની આર્થિક જવાબદારી હજી પણ પુરુષોની જ માનવામાં આવે છે. એટલે જ્યારે આર્થિક સંકટ આવે કે વ્યાપારમાં ખોટ જાય તો પુરુષ સહન નથી કરી શકતો કે બદલાયેલી પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતો. તેને એમાં ફેઇલ્યોરિટીનો અનુભવ થાય છે. અને પુરુષને કોઇ રસ્તો ન સૂઝતાં તે આપઘાતનો રસ્તો અપનાવે છે.
આપઘાત કરવો સહેલો નથી હોતો. પરંતુ, તે સમયે માનવી એટલો હતાશ થઈ ગયો હોય છે કે તેને એ સિવાય બીજો કોઇ જ રસ્તો નથી દેખાતો. તેમાં ય પુરુષોનો અહમ જ્યાં ઘવાય ત્યાં એ માનસિક રીતે છિન્નભિન્ન થઈ જાય છે. મારું કે મરું તે પરિસ્થિતિ ઉત્પન્ન થયા બાદ કશું જ થઈ નથી શકતું. બીજું કે પુરુષોને સ્ત્રીઓની જેમ મિત્રો નથી હોતા. સ્ત્રીઓ સહજતાથી પોતાના દુખની, નાલેશીની કે હાર કે ભૂલની વાત પોતાની સ્ત્રી મિત્ર સાથે કરી શકે છે તેને કારણે ગમે તેવી દુખદ ઘટના પણ પચાવીને તેમાંથી બહાર આવી શકે છે. જ્યારે અંગત લાગણીઓ એકબીજા સાથે શેઅર કરવાની આદત પુરુષોને નથી હોતી. એટલે તેઓ દુખમાં ખૂબ એકલતા અનુભવતાં હોય છે. તમારી આસપાસની સ્ત્રીઓ જેમકે માતા, બહેન, પત્નિ વગેરેને જુઓ તેઓ દુખ કે પીડામાં હોય ત્યારે કેટલા લોકોની સાથે પોતાની પીડાની વાત કરી શકે છે. જ્યારે તમે પોતે કેટલી વ્યક્તિને પીડાની વાત કરી શકો છો ? અંગત કનેકશનનો અભાવ સાથે જ્યારે આર્થિક ક્ષેત્રે માર પડે છે ત્યારે કમાઈ શકવાની અને કુટુંબનું પાલન પોષણ કરી શકવાની તેમની અક્ષમતા તેમને માનસિક રીતે તોડી પાડે છે. અને અંતે તેઓ આત્મહત્યાનું પગલું ભરે છે. વ્યક્તિ જાત સાથે હારે નહીં ત્યાં સુધી તે દુનિયા સામે લડી શકતો હોય છે. પણ તે માનસિકતાથી નબળો પડે કે તરત જ તે હતાશામાં સરી પડે છે અને તે પોતે જ નક્કી કરી લે છે કે હવે જીવવું અશક્ય છે.
0 comments