સ્વાદિષ્ટ પડવાળી પોચી ફરાળી પેટીસ
05:44
આમ તો મુંબઈમાં દરેક ગલીકૂંચીમાં ફરસાણની દુકાનોમાં ફરાળી પેટીસ મળતી હશે, જો કે આજે આપણે એવી જગ્યાની મુલાકાત લઈશું જ્યાં શ્રાવણમાં જ નહીં, બારેમાસ ખાસ ફરાળી પેટીસ જ વેચાય છે, એટલું જ નહીં આ જગ્યા પેટીસને કારણે જ જાણીતી બની છે.
પ્રહલાદ પેટીસ સેન્ટર, લુહાર ચાલ
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું ઘણું મહત્ત્વ છે. દરેક માટે સાવ ભૂખ્યા રહીને ઉપવાસ કરવું શક્ય નથી હોતું ત્યારે ફરાળનો મહિમા વધી જાય છે. મુંબઈમાં આખો દિવસ કામ કરવા બહાર નીકળનાર વ્યક્તિઓ માટે ફરાળ બહાર મળી રહે છે. તેમાંથી કેટલાક સ્થળો ખૂબ પ્રખ્યાત છે. એક જમાનામાં મોટાભાગના બજાર દક્ષિણ મુંબઈમાં હતા. લોકો ખરીદી કરવા પણ ત્યાં જ જતા. આજે પણ કેમિકલ બજાર, ઈલેક્ટ્રોનિક્સ બજાર, કાપડ માર્કેટ, ઓટોમોબાઈલ્સ, પ્લાસ્ટિક્સ, ઝવેરી બજાર અને ક્રાફર્ડ માર્કેટ જ્યાં કટલેરી મળી રહે. આ બધા માર્કેટની નજીકમાં જ પહેલીવાર ભાવનગર તરફથી આવેલા પ્રહલાદભાઈએ ફરાળી પેટીસ લારી પર બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું.
દક્ષિણ મુંબઈના મંગલદાસ માર્કેટ અને દવા બજારના કોર્નર પર વફાદાર કોલ્ડ્રિક હાઉસ પાસે જાણે એક ખાઉ ગલ્લી સર્જાઈ ગઈ છે.ભેલ,સેન્ડવિચ ,પિત્ઝા, દાબેલી,કાશ્મિરી સોડા, મિલ્કશેક કંઇએ જાત જાતની વાનગીઓ ખાવા માટે ચોઈસ છે. પણ તે બધામાં એક લારી તદ્દન જુદી તરી આવે. પ્રહલાદ પેટીસ સેન્ટર કે જ્યાં આખુંય વરસ ફક્ત ફરાળી વાનગીઓ વેચાય. ઉપવાસના આ મહિનામાં બારેમાસ જ્યાં ફરાળી વાનગીઓ બનતી હોય તેવા સ્ટોલને જ અમે શોધ્યા. ભાવનગર જીલ્લાના લોંગિયા ગામના વતની પ્રહલાદ ભટ્ટ મુંબઈ આવ્યા ત્યારે એમણે ફરસાણની દુકાને નોકરી કરી પણ તેમાં મજા ન આવતા તેમણે લગભગ ૧૯૭૧ની સાલથી ફરાળી પેટિસ બનાવીને વેચવાનું શરુ કર્યું હતું. એ પેટીસનો સ્વાદ સી વોર્ડમાં પ્રખ્યાત થઈ ગયો અને આજે તો એકવાર જેમણે આ પેટીસ ચાખી હોય તેઓ મુંબઈ છોડીને જાય તો પણ જ્યારે મુંબઈ આવે ત્યારે અહીં પેટીસ ખાવા ખાસ આવે છે.
આજે તો પ્રહલાદભાઈના દીકરાઓ પ્રફુલ્લભાઈ અને ઉદયભાઈએ ચારેક ફરાળી આઇટમ વેચવાનું શરુ કર્યું છે. અહીં ફક્ત અને ફક્ત ફરાળી જ વાનગીઓ મળતી હોવાથી ઉપવાસ કરનારાને એઠાજુઠાની ચિંતા નહીં. આ લખનારે વરસો પહેલાં પ્રહલાદભાઈના હાથની પેટિસ ખાધી છે અને તેનો સ્વાદ આજેય દાઢમાં સચવાઈ રહ્યો છે. ફળ, મેવાથી ભરપુર મસાલો ભરીને બનાવાતી એ પેટિસમાં પ્રહલાદભાઈ જે સ્વાદ મૂકતા તે ખૂટે છે. આજે તેમાં દાડમ,કાજુ,કિસમીસ નહીંવત જણાયા. જોકે ગરમા ગરમ ઊતરતી પેટીસ ચારપાંચ ક્યાં ખવાઈ જાય તેનો ખ્યાલ ન રહે. ૩૬ રૂપિયાની એક પ્લેટમાં અહીં ચાર પેટિસ જ પીરસાય છે. બે માગો તો ન મળે. આ પેટિસ ગરમા ગરમ ત્યાં ઊભા રહીને દહીં,શીંગ,મરચાની ચટણી સાથે ખાવી તેવી જ અમારી સલાહ છે. કારણ કે પાર્સલ લઈને ઘરે લઈ જઇને અમે પેટિસ ખાધી તો તે સ્વાદ કે મજા ન જ આવ્યા. સાબુદાણા વડા અને બટાટાપુરી પણ ત્યાં ગરમાગરમ બને છે. વળી અહીં સાબુદાણા વડા જુદા જ ટેસ્ટના લાગ્યા. નાના દાબીને ગોળાકારે તળેલા આ વડાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. લીલાં મરચા,આદુ , મરીનો સ્વાદ ધરાવતાં વડાં સ્વાદ માટે પણ ખાઈ શકાય.તો મરીથી ભરપુર બટાટા પુરી પણ ચટણીની સાથે પોતાનો સ્વાદ જાળવે છે. ફરાળી ચેવડો વળી અહીં જુદા જ સ્વાદમાં ક્રિસ્પી, તેમાં ગળપણ માપસરનું, શીંગ તો ખરી જ પણ કાજુ, કોપરાના તળેલા ટુકડા, ચવાણાની જેમ આ ચેવડો ટીવી જોતા ખાશો તો સો બસો ગ્રામ ખવાઈ જશે તો ખબર નહીં પડે. ભૂખે પેટે ઉપવાસ ન થતો હોય કે જેમને જીભના ચટાકા હોય તેમના માટે ફરાળની વિવિધતા બારે મહિનો જલસો કરાવી શકે છે.
યશવંતની પેટીસ
કાંદિવલી વેસ્ટમાં લક્ષ્મી નારાયણ મંદિર ખૂબ જાણીતું છે. આમ તો સ્ટેશનથી વોકેબલ અંતરે એટલે કે એમ જી રોડથી દશ મિનિટમાં ત્યાં પહોંચી જવાય. અહીં મંદિરની પહેલાં ફૂટપાથ પર શાકવાળાની બાજુમાં નીચે બેસીને પેટિસ તળી રહેલા વ્યક્તિની આસપાસ નાનું ટોળું જમા થયેલું દેખાય છે. યશવંત કાવિનકર અને તેની પત્ની સુલોચના ફટાફટ બટાટાના પુરણના ગોળા કરી તેમાં કોપરા, શીંગ, સાકર, લીલાં મરચા આદુનું પુરણ ભરીને ગરમા-ગરમ તેલમાં તળવા મૂકતા હતા. એક ઘાણ તળાઈને થાળીમાં પડે તેની સાથે જ ખતમ થઈ જાય. સાંભળવા મળે છે કે સાંજના છ વાગ્યે આવો તો લાઈન લાગેલી હોય. અને આઠેક વાગતા સુધીમાં યશવંત ખાલી ડબ્બા-તપેલા સાથે ઘરભણી જાય.
કોઈ ગ્લોસી કે ગ્લેમર્સ હોર્ડિગ નહીં, કોઈ દુકાન નહીં, લારી નહીં કે કોઈ નામનું પાટિયું નહીં. પાંચ પહેલાં જાઓ તો ખબર પણ ન પડે કે અહીં પેટિસ ખાવા કાંદિવલીના લોકો લાઈન લગાવે છે. અઠવાડિયે બે દિવસ સોમવાર અને શનીવાર તેમ જ શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે યશવંત ફરાળી પેટિસ અને સાબુદાણાના વડા બનાવીને વેચે છે. યશવંતભાઉ છેલ્લા વીસેક વરસથી અહીં ફરાળી પેટિસ વેચે છે. એ પહેલાં તે ડાયમંડમાં કામ કરતો હતો તેવું ઘરાકી વચ્ચે છૂટક વાત કરે છે. ડાયમંડના કામમાં સંતોષ ન થતાં અહીં બેસીને પેટિસ બનાવતા એક ભાઈ સાથે જોડાયા. તેમણે આ ધંધો યશવંતને આપ્યો અને પેટિસ બનાવતા પણ શીખવાડ્યું આનાથી વધુ માહિતિ અમે તેની પાસેથી મેળવી ન શક્યા. યશવંત અને સુલોચના ખૂબ ઓછું બોલે. ચૂપચાપ પોતાનું કામ કરે. લોકો આવે ઓર્ડર આપીને પોતાનો વારો આવવાની રાહ જોતા શાંતિથી ઊભા રહે. તો કેટલાક ઓર્ડર આપીને જતા રહે. ગરમા ગરમ પેટિસ છાપાના કાગળ પર બટર પેપરના ચોરસ ટુકડા પર શીંગદાણા અને કોપરાની લીલી ચટણી સાથે પેટિસ કે સાબુદાણા વડા મૂકીને આપે. ના કોઈ સ્ટીલની કે કાગળની પ્લેટ કે ચમચી. સાદી રીત, અને સ્વાદિષ્ટ પેટિસ-વડાં. ગરમા-ગરમ પેટિસ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી. બટાટાના પુરણમાં આરાલોટ નાખીને બાંધવામાં આવે. આ પડ બહુ જાડુ ન હોય અંદરનો મસાલો પણ સિમ્પલ. ચટણી સ્વાદમાં થોડી ગળી. સાબુદાણાના વડા ચપટાં એટલે ક્રિસ્પી લાગે. સીધા સાદા યશવંતના વ્યક્તિત્વ જેવી જ સિમ્પલ પેટિસ અને વડાં તેમાં વિશેષ કશું જ નથી, પણ જો તમે ત્યાં ગરમા ગરમ ખાઓ તો વરસાદી સાંજે જલસો જરૂર પડે. રોજની દસેક કિલો પેટિસ કદાચ વેચાતી હશે એવું યશવંત કહે છે. કદાચ તેની સાદગી અને સ્વચ્છતા સ્વાદમાં ઉમેરાતા હશે એટલે તેની પેટિસ પ્રખ્યાત છે. કાંદિવલીમાં ફરાળી વાનગી વિશે કોઈને પણ પૂછો તો લક્ષ્મી નારાયણ મંદિર પાસે મળતી પેટિસનું સરનામું મળે છે. સાત રૂપિયા એક નંગ પેટિસ કે વડાના. એક નંગ માગો તો પણ મળે અને જો હોય તો સો નંગ માગો તો પણ મળે. નોટ બેડ તમે કાંદિવલીમાં સાંજે હો તો પેટિસ ખાવા જશો. બાકી કાંદિવલીવાળા તો ઘરે બાંધીને લઈ જઈ ગરમા ગરમ ચા સાથે પેટિસનો આનંદ માણે છે.
એમ જી રોડ પર આગળ જાઓ તો પટેલ નગરની પહેલાં બહાર જ અનેક લારીઓ ઊભી હોય છે તેમાં ઈંદોરની ખિચડીની લારી પણ છે. મોટા પિત્તળના તપેલામાં ગરમ પાણીમાં બીજું તપેલું મૂકેલું હોય અને તેમાં સાબુદાણા વરાળમાં બફાતા હોય. તમે ઓર્ડર આપો કે એક સ્ટીલના તપેલાંમાં બાફેલા સમારેલાં બટાટા, થોડા સાબુદાણા, મરચું, દળેલી સાકર, મીઠું, લીંબુ નાખીને મિક્સ કરીને તેના પર બટાટાનો ચેવડો નાખીને કાગળની ડિશમાં પીરસાય.ચમચીભરી મોઁઢામાં મૂકતા જ એ ઓગળી જાય અને સ્વાદ મોંઢામાં રહી જાય. તરત જ બીજો ચમચો અને ત્રીજો બસ ખતમ કર્યે જ છૂટકો. આ ખિચડીનો સ્વાદ મહારાષ્ટ્રિયન નથી કે ન તો ગુજરાતી છે. પ્યોર ઈંદોરી છે. સાથે છાશ પી શકો કે ગુલાબ જાંબુ ખાવા હોય તો ખાઈ શકો. પણ અમે તો ફક્ત ને ફક્ત ખિચડી ખાવાનું કહીશું. ગુલાબ જાંબુમાં સ્વાદ ઓછો પડ્યો. ખિચડી સ્વાદિષ્ટ એટલી છે કે પ્લેટના ૪૦ રૂપિયા વધુ ના લાગે.
0 comments