પૃથ્વીને દઝાડે આગ અને દાટે પ્લાસ્ટિકના ડુંગર

04:56












એમેઝોનના  સળગતા જગંલો અને દરિયામાં ખડકાતા પ્લાસ્ટિક માટે આપણે સૌ જવાબદાર છીએ








 તમે લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં એમેઝોનના જંગલમાં લાગેલી આગ હજી સળગી રહી હશે.તમે કહી શકો કે દૂર બ્રાઝિલના જંગલોમાં લાગેલી આગ અને દરિયામાં ખડકાતાં પ્લાસ્ટિકની સાથે અમને સૌરાષ્ટ્રવાસીઓને શી લેવાદેવા. બધી રીતે લેવાદેવા છે કારણ કે પર્યાવરણને થતું નુકસાન ઉનાળામાં ગરમીનો પારો દઝાડે છે અને ચોમાસામાં અતિવૃષ્ટિ રેલ લાવે છે અથવા ઓછો વરસાદ દુકાળ લાવે છે.  હાલમાં બળતા એમેઝોનના જંગલથી દુનિયામાંથી ૨૦ ટકા ઓક્સિજન ઓછો થઈ ગયો છે.  ગ્રીન કવર ખતમ થઈ રહ્યું છે  એટલે કે જંગલોને કાપીને જમીન મેળવવા આપણે સહેજ પણ વિચાર કરતાં નથી. એમેઝોનનું જંગલ પણ દર વરસે હેકટરોને હિસાબે કપાઈ રહ્યું છે કે તેને બાળી નાખવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે આગ કુદરતી નથી પણ માનવ સર્જિત છે. છેક ૧૯૮૯ની સાલથી પર્યાવરણવિદ્ આપણને ચેતવી રહ્યા છે,  ગ્લોબલ વોર્મિગ ટાળી શકાયું હોત. બીજા આંકડાઓ પણ ગુગલ કરતાં મળી રહેશે પણ ભવિષ્ય બચાવવું હોય તો જાગૃત આપણે થવું પડશે. યુઝ  એન્ડ થ્રોની માનસિકતા આપણી નહોતી. વિકાસ અને આધુનિક ઉપભોક્તાવાદને કારણે આપણે પ્લાસ્ટિકના કચરાનો ઢગ ખડકી રહ્યા છીએ. તેમ મોટા મકાનોમાં રહેવા માટે અને લેટેસ્ટ મોટર ગાડીમાં ફરવા માટે રસ્તા બનાવવા  વૃક્ષો કાપી રહ્યા છીએ. 
સારી વાત છે કે એક વખત વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક  પર  દુનિયાના ૧૩ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહ્યું છે.  પરંતુ, પૃથ્વીને બચાવવી હશે તો આખી દુનિયાએ બદલાવું પડશે. આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. ઈંગ્લેડમાં દરિયા કિનારે ખડકાતા પ્લાસ્ટિકના કચરાનો અભ્યાસ કરતાં તારણ નીકળ્યું કે કોકોકોલાની પ્લાસ્ટિકની બોટલો સૌથી વધારે હતી. આપણે ત્યાં આવા અભ્યાસ નથી થયા પણ આજુબાજુ નજર કરશો તો દેખાશે કે પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, કાંસકા, પાઉચ વગેરે અનેક વસ્તુઓ નાળા, નદી અને ખેતરોમાં દેખાશે. 

પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખરાબ છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કરવાનું બંધ થવાને બદલે વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવન સાથે એટલો વણાઈ ગયો છે કે તેના વિના હવે માનવને ચાલતું નથી. તે એટલી હદે કે વિશ્વમાં દર વરસે ૨૮ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. તેમાંથી મોટાભાગનું પ્લાસ્ટિક પર્યાવરણમાં ખડકાય છે. આજે પૃથ્વીમાં એક એવું સ્થળ શોધવું મુશ્કેલ છે કે જ્યાં પ્લાસ્ટિક હોય.  ઈંગ્લીશ ફિલ્મમેકર જો રક્સટોન પ્લાસ્ટિક ઓસન નામે ફિલ્મ બનાવીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યો છે. રક્સટોનના અભ્યાસ મુજબ લગભગ કરોડ ટન પ્લાસ્ટિક દર વરસે સમુદ્રમાં ઠલવાય છે. સમુદ્રમાં જે પ્લાકટોન જૈવિક વનસ્પતિ અથવા પ્રાણીઓ દ્વારા ત્યાગવામાં આવેલ પદાર્થ જે સપાટી પર તરતા હોય છે તેના પ્રમાણમાં હવે પ્લાસ્ટિકનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આવી રીતે પ્લાસ્ટિક સમુદ્રમાં ખડકાતું રહેશે તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં માછલીઓ પાણીમાંથી લુપ્ત થઈ જશે.

પ્લાસ્ટિકમાંથી છૂટતાં કેમિકલ આપણા સ્વાસ્થ્યને તો નુકસાન કરી રહ્યા છે, પરંતુ પ્લાસ્ટિકનો કચરો ખડકીને આપણે પર્યાવરણને ખતમ કરવા પર તુલ્યા છીએ એવું ચોક્કસ કહી શકાય. પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી હોતું એટલે કે તેનો નાશ નથી થઈ શકતો. એટલે જો કરોડો ટન પ્લાસ્ટિક જે ઉત્પાદિત થાય છે વિશ્વમાં તેને જો રિસાયકલ કરવામાં આવે તો સમુદ્રમાં પણ તેના ડુંગરાઓ ખડકાશે. દરિયો પોતાના પેટમાં કચરો સંઘરતો નથી એટલે ભરતીમાં અનેક કચરાઓ કિનારાઓ પર પથરાયેલા આપણે જોઈએ છીએ. સુંદર દરિયા કિનારાને દરિયો નથી બગાડતો પણ આપણે નષ્ટ કરીએ છીએ. કિનારા પર પથરાયેલા કચરા કરતાં હજી અનેક ગણો કચરો સમુદ્રમાં તરતો રહે છે. તેનાથી ડોલ્ફિન, સીલ માછલીઓ સહિત અનેક જળચર પ્રાણીઓ ઘવાય છે. ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીકળી હોવાના કિસ્સાઓથી આપણે ટેવાઈ ગયા છીએ. માછલીઓના પેટમાં પણ હવે પ્લાસ્ટિકનું ટોક્સિક અને પ્લાસ્ટિક જમા થઈ રહ્યું છે. જો રક્સટોનની ફિલ્મ પ્લાસ્ટિક ઓસનમાં અનેક દૃશ્યો જોવા મળશે જેમાં માણસોએ સમુદ્રમાં ખડકેલા પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળશે કે પ્લાસ્ટિકના કચરામાં ફસાયેલી માછલીઓ કે ઘવાયેલી માછલીઓ જોવા મળે. સમુદ્રમાં પ્લાસ્ટિકની દોરીઓ, મોટા ક્રેટ, પેરાશૂટ, ફુટ્યા વિનાના બોમ્બ વગેરે સાથે હજારો પ્લાસ્ટિક બોટલો, થેલીઓ તો ખરીજ. આપણે પણ આજે પશ્ચિમના દેખાદેખી ડિસ્પોઝેબલ લાઈફ સ્ટાઈલ અપનાવી રહ્યા છે. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક લાંબા ગાળે આપણને નડવાનું છે તે ભૂલી જઈએ છીએ. લાંબો ગાળો વરસોથી શરૂ થઈ ગયો છે એટલે જ્યાંને ત્યાં પ્લાસ્ટિક દેખાઈ રહ્યું છે. 

પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો કરવો હિતાવહ છે. એક જમાનો હતો જ્યારે આપણે ત્યાં માટીના, કાચના અને સ્ટેઈનલેસ સ્ટીલનાં વાસણો અને ડબ્બાઓનો ઉપયોગ થતો હતો. જો કે હવે વિશ્વભરમાં જાગૃત વ્યક્તિઓ પ્લાસ્ટિકનો ઉપયોગ સભાનપણે ઓછો કરી રહ્યા છે. પ્લાસ્ટિકની થેલીઓને કારણે ગટરો ચોકઅપ થતાં પૂરની સ્થિતિ મુંબઈગરાઓએ અને અન્ય ગુજરાતના અન્ય શહેરોએ અનુભવી છે. આમ તો સમુદ્ર મોટેભાગે પોતાના પેટમાં કશું સંઘરતો નથી પ્લાસ્ટિક પણ કિનારાઓ પર સાભાર પરત પાથરી દે છે તે છતાં પાણીમાં ગરમ થઈને અનેક રસાયણો સમુદ્રના અને નદીના પાણીને ટોક્સિક બનાવી દે છે જે જળચર પ્રાણીઓના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેના સૌંદર્યને નુકસાન કરે છે. પર્યાવરણને નુકસાન કરે છે જે છેવટે મનુષ્ય જાતિને નુકસાન કરતાં ઠરે છે. કઈ રીતે તે જોઈએ-
-આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ તેનો ૭૦ ટકા ઓક્સિજન સમુદ્ર પેદા કરે છે.
-પાણી જે આપણને મળે છે તેમાંથી ૯૭ ટકા પાણી સમુદ્રની દેન છે.
-આપણે જે સીઓટુ એટલે કે કાર્બન પેદા કરીએ છીએ તેમાંથી ૩૦ ટકા કાર્બન સમુદ્ર શોષી લે છે.
-૨૦૧૦માં ૨૧૫ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવાયું હોવાના આંકડા મળે છે.
-૨૦૧૪, મેક્સિકો ગલ્ફનો ૪૦૦૦સ્કેવર માઈલનો વિસ્તાર પ્રદૂષણને કારણે જીવસૃષ્ટિ રહિત બની ગયો છે. દુનિયામાં આવા બીજા ૪૦૦ કરતાં વધુ ડેડજોન સમુદ્રમાં ઊભા થયા છે અને તે પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે . દર વરસે લાખો ટન કચરો જે સમુદ્રમાં ઠલવાઈ રહ્યો છે તેમાં પ્લાસ્ટિક પણ છે જેની આવરદા હોય છે ૪૦૦ વરસ.
જે પ્લાસ્ટિક સમુદ્રમાં નથી તે જમીનમાં દટાય છે કે પછી બાળી નાખવામાં આવે છે. દરેક રીતે તે આપણને નુકસાન પહોંચાડે છે.
એવું નથી કે અત્યાર સુધી પ્લાસ્ટિકના ઢગલાઓને ઓછો કરવા દુનિયામાં કશું નથી થયું. પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે પણ હજી સુધી ઘરવપરાશના ૧૨ ટકા પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે. ૨૦૧૦ની સાલમાં વારવિક યુનિવર્સિટીએ પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફ્યુલ બનાવવાનો પ્રોસેસ શોધી કાઢ્યો છે. અમેરિકન નેવી અને કેટલીક ક્રુઝ પોતાના પ્રવાસ દરમિયાન વપરાતું પ્લાસ્ટિક ૫૦૦૦ સેન્ટિગ્રેડની ગરમીએ ગરમ કરી તેને ફરીથી વાપરવા માટે તૈયાર કરે છે. કેનેડિયન કંપનીએ પ્લાઝમા પ્લાન્ટ દ્વારા એક સાથે ૧૦૦ કરોડ ટન પ્લાસ્ટિક રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે. ડચ વ્યવસાયિક એવું ડિવાઈસ બનાવી રહ્યો છે કે તે દુનિયાના સમુદ્રમાંથી લાખો ટન પ્લાસ્ટિકનો કચરો જમા કરશે. જર્મની જેવા કેટલાક દેશોમાં એવો કાયદો છે કે જે કંપનીઓ પ્લાસ્ટિક પેદા કરે તે એના કચરાનો નિકાલ કરવા જવાબદાર હોય. કંપનીના પ્લાસ્ટિક કચરાના કલેકશન યુનિટો ઠેર ઠેર રાખવામાં આવ્યા હોય. ૨૦૧૩ની સાલમાં પેરુના લિમા શહેરમાં એક સામાજિક કાર્યકરે પ્લાસ્ટિક બૅંક શરૂ કરી જેમાં લોકો પ્લાસ્ટિકને નાખી જાય. તે પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે. વૈજ્ઞાનિકો અને અભ્યાસુઓ કહી રહ્યા છે કે આપણે એટલે કે માનવજાતે સમજવાની જરૂર છે કે પ્લાસ્ટિક ડિસપોઝેબલ નથી. આપણે બધા પેકેજિંગની જરૂર નથી. ૧૯૬૦ની સાલમાં આપણે ૮૦લાખ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હતું આજે ૩૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે. કલ્પના કરો કે થોડાં વરસોમાં આપણે પ્લાસ્ટિકના સમુદ્રમાં હોઈશું. પૃથ્વીને નષ્ટ કરવામાં પ્લાસ્ટિક કારણભૂત બને તો નવાઈ નહીં.


You Might Also Like

0 comments