અપમાન, અવહેલનાની માનસિકતા

09:21










 વ્યક્તિને ખતમ કરી દેવી હોય તો તેનું સતત અપમાન કરવામાં આવે છે, નારીએ અપમાનના પગથિયા પાર કરીને સફળતા સુધી પહોંચે છે. 




ગયા અઠવાડિયે સંસદમાં આઝમ ખાનની એક ટિપ્પણી બદલ ખૂબ ઊહાપોહ થયો. તેમાં કેટલાય પુરુષોને લાગતું હશે કે એમાં કશું ખોટું થયું નથી પણ મીડિયાએ અને સ્ત્રીઓએ તેનો અર્થ મારીમચડીને બદલી નાખ્યો છે. હકીકતે એવું નથી. સ્ત્રીઓ માટે આદરથી વાત કરવાનું હજી પુરુષ શીખી રહ્યો છે. ગાડી ચલાવતી સ્ત્રી ડ્રાઈવરો માટે જે બોલાતું હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. મોટાભાગના પુરુષોને સ્ત્રીઓ સંસદમાં ચૂંટાઈને જાય તે પણ નહીં ગમતું હોય. ખાનગીમાં તેઓ બોલતા હોય છે કે સ્ત્રીઓએ રસોડામાં રહેવું જોઈએ વગેરે વગેરેસ્ત્રીઓને ઉતારી પાડવાની આદત પૌરુષિય માનસિકતાનો એક ભાગ છે અને તે સત્તા સ્થાપિત કરવા માટેનું હથિયાર હોય છે. 
આપણે ત્યાં પણ સંસદમાં થોડો સમય પહેલાં રેણુકા ચૌધરીના હાસ્યને શૂપર્ણખાના હાસ્ય સાથે સરખામણી આપણા નેતાઓએ કરી હતી. તો જાહેરમાં કહેવાયેલા શબ્દોને આપણે સાંભળીએ છીએ. ખાનગીમાં તો સ્ત્રીને ઉતારી પાડતી કેટલીય હલકી કક્ષાની કોમેન્ટ થતી હોય છે તે સૌ જાણીએ છીએ. એનું કારણ પણ એક માત્ર સ્ત્રીઓને આદર આપવો પુરુષોને ગમતું નથી અને સ્ત્રીની માગ હોય છે કે વ્યક્તિ તરીકે તેને આદર મળવો જોઈએ. કોઈ વ્યક્તિને જીવતેજીવ મારી નાખવી હોય તો તેનું સતત અપમાન કરો. અવહેલના કરો બસ તે વ્યક્તિના આત્મવિશ્વાસના ભૂક્કા થઈ જશે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. સ્ત્રીને માત્ર સ્ત્રી હોવાને કારણે જે અનેક અવહેલના અને અપમાનો સહેવા પડતા હોય છે તે મોટાભાગની સ્ત્રીઓ કબૂલ કરશે. ફક્ત સ્ત્રી હોવાને કારણે સહેવા પડતા ભેદભાવ આજે પણ ગ્લાસ સિલિંગ બનીને નડે છે. જો કે આજે અનેક સ્ત્રીઓ દરેક અવરોધોને ઓળંગીને પોતાના વ્યક્તિત્વને પુરવાર કરવા સંઘર્ષ કરે છે અને સફળ પણ થાય છે.

મોટાભાગના પુરુષો કહેતા હોય છે કે સ્ત્રીઓની સમજી શકાય નહીં. ખોટું છે. સ્ત્રીને જે જોઈએ છે તે આદર-રિસ્પેક્ટ, એક વ્યક્તિ તરીકે સ્વીકાર. ખૂબ સરળ બાબત છે પણ જો તે આપવામાં આવે તો પોતાની સત્તા (જેટલી પણ હોય) તે જતી રહેવાનો ડર હોય છે. એટલે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરવો તેને બસ પ્રેમ કરવો એવું કહીને છૂટી જવું ખૂબ સરળ હોય છે.


અમેિરકન પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ અવારનવાર સ્ત્રીઓને ઉતારી પાડતી કોમેન્ટ્સ કરતાં હોય છે.  તેમણે ગયા વરસે અશ્વેત કર્મચારી માટે કૂતરી શબ્દ વાપર્યો હતો. તે માટે વિશ્વભરમાં વિરોધ થયો હતો. બરાબર એક વરસ પહેલાં ઓગષ્ટ મહિનામાં  અરેથા ફ્રેન્કલિનનું  મૃત્યુ થયું હતું અરેથાને અહીં ફરી યાદ આવી કારણ કે તેણે સ્ત્રીને સ્વમાનનું ગીત આપ્યું છે. દુનિયાભરમાં તેના ગીતોની લાખો રેકોર્ડ વેચાઈ છે. અરેથા ફ્રેન્કલિને રિસ્પેકટ નામનું ગીત ગાયું હતું તેને આજે તમારી સમક્ષ મૂકવું છે. ગીતના લેખક છે ઓટિસ રેડ્ડીન્ગ. ગીતનો ભાવાર્થ છે કે
પ્રિયે તને જે જોઈએ છે તે બધું મારી પાસે છે. હું તને આપવા માગું છું દરેક વસ્તુ જે તને જોઈએ છે. તેની સામે બસ મને એક વસ્તુ જોઈએ છે કે તું જ્યારે ઘરે આવે ત્યારે મારા માટે થોડો આદર લઈ આવજે. તું જ્યારે નહીં હોય મારી સાથે ત્યારે હું કશું ખોટું કરવાની નથી. જોઈએ તો તું મારા બધા રૂપિયા લઈ લે, પણ થોડો આદર મને આપ. ક્યારેક હું બહું થાકી જાઉં છું, શક્ય છે કે ક્યારેક તું ઘરે આવીશ ત્યારે હું પણ હોઉં. આદર મારે માટે કેટલો મહત્ત્વનો છે તે તું જાણે તો સારું. બસ થોડો આદર મારે માટે લેતો આવ મને બસ થઈ રહેશે.”

અરેથાએ ઉપરાંત અનેક ગીતો ગાયા જેમાં નારીના વ્યક્તિત્વની વાત તેણે બુલંદ અવાજે કહેવાનો પ્રયત્ન કર્યો  છે. પણ રિસ્પેકટ ગીત અનેક સ્ત્રીઓનો અવાજ બની રહ્યું. ગીત આજે પણ એટલું સ્ત્રીઓને હૃદયસ્પર્શી લાગી શકે છે. બહારથી થાકીપાકીને ઘરે આવેલા પુરુષને પોતાની તકલીફો દેખાય છે પણ તેનું ઘર સંભાળતી, બાળકો ઉછેરતી, સ્વભાવ સાચવતી સ્ત્રીની તકલીફો સમજાતી નથી. ઘણી વાર જરાક નાની નાની બાબતે જાહેરમાં પણ સ્ત્રીઓને ઉતારી પાડતા પુરુષો અચકાતા નથી. 
તું બોલે તો સારું, તને ભાન તો પડતી નથી તો શું કામ બોલે છે? તારામાં અક્કલનો છાંટો નથી વગેરે વગેરે શબ્દો તમે કાન ખુલ્લા રાખો તો ટ્રેનમાં, સમારંભોમાં, કોઈકના ઘરમાં પુરુષ દ્વારા પોતાની પત્નીને કહેવાતા હોય તે સાંભળી શકાય છે. અમેરિકન પ્રમુખે ટ્વીટ કર્યું એટલે ખબર પડી કે તેઓ સ્ત્રીને કેટલો આદર આપે છે. પણ સામાન્ય પુરુષો દરરોજ સવારસાંજ અનેકવાર છણકા કરતા હોય છે. સ્ત્રીના સ્વમાનને વારંવાર તોડી પાડતા હોય છે. સ્ત્રીનો આત્મવિશ્વાસ એટલો નબળો પાડી દેવામાં આવે કે તે અન્યાયની સામે પણ નમ્રતાથી પણ વિરોધ કરી શકતી નથી

સ્ત્રીને ખરેખર બીજું કશું જોઈતું નથી હોતું સન્માન અને આદર સિવાય. આદર આપી શકનાર પુરુષો પોતાની પત્નીને ઘરેણાં અને મોંઘી સાડીઓથી સજાવશે. દર્શાવવા માટે કે હું કેટલો પ્રેમ કરું છું. પૈસા અને સત્તા પુરુષો પાસે હોય છે. એટલે તેઓ વારંવાર કોઈને કોઈ કારણસર કે કારણ વિના સ્ત્રીઓને ઉતારી પાડતા હોય છે. ગાળો પણ તો સ્ત્રીઓ ઉપર   હોય છે. અરે ભાઈ તમને બીજા પુરુષ સામે વાંધો છે, ઝઘડો છે તો તેને પોતાને ગાળ આપોને શા માટે તેની મા બહેનને વચ્ચે લાવો છો? એટલા માટે કે હજીપણ સ્ત્રી પણ પુરુષની મિલકત છે તેવી માન્યતાઓ સભાન કે અભાનપણે પુરુષની માનસિકતામાં ઘર કરી ગયેલી છેએટલે તે ક્યારેક આઝમ ખાન કે ટ્રમ્પના શબ્દો દ્વારા બહાર આવે છે. આમાં એટલો ઊહાપોહ શું કામ એવું માનનારા પણ ફક્ત પુરુષો હશે. યુપીના એક નેતાએ તો બળાત્કાર કરનારા છોકરાઓનો બચાવ કરતાં એવું કહ્યું હતું કે બચ્ચે હૈ ગલતી હો જાતી હૈ. અહીં તો આઝમ ખાન માફી માગ્યા બાદ પણ કહી શકે કે હું જો ખોટું બોલ્યો હોઉં તો ચૂંટણી નહીં લડું.  



You Might Also Like

0 comments