લગ્ન અને સંબંધો

20:23




લગ્નબાહ્ય સંબંધો ગુનો નથી એ કાયદો રદ્દ થવાના કારણો ઘણા છે

અત્યાર સુધીમાં સેકશન ૪૯૭ની કલમ રદ્દ થવાના અનેક લેખો લખાઈ ચૂક્યા છે. એ હકીકત છે કે આ કાયદો પુરુષો અને સ્ત્રી બન્નેને અન્યાય કરતા હતો. કારણ કે જ્યારે બે વ્યક્તિ લગ્નબાહ્ય સંબંધો બાંધે છે ત્યારે એમાં બન્ને પક્ષ સંમત હોય છે તે છતાં કાયદાની દૃષ્ટિએ ફક્ત પુરુષોને જ સજા થઈ શકતી. સ્ત્રી વ્યભિચાર કરતી જ નથી એવું કાયદો માનતો. સ્ત્રીને પુરુષની મિલકત માનતા હોવાનું પણ એક કારણ છે. ખેર, એ કાયદાકીય ચર્ચાઓ અખબારોમાં અને ટીવીમાં જ નહીં ચોરચૌટે ચર્ચાઈ ગઈ છે. એટલે અહીં મારે કાયદાની વાત નથી કરવી પણ લાગણીઓની વાત કરવી છે. કેટલાક લોકોને લાગી રહ્યું છે કે આ કાયદો જતાં લગ્ન સંસ્થા તૂટી પડશે. જો કે સજાતીય સંબંધને ગુનો ગણાવતી કલમ રદ્દ થઈ ત્યારે પણ લગ્નસંસ્થા અને કૌટુંબિક લાગણીઓની દુહાઈઓ શરૂ થઈ ગઈ હતી. માણસ મૂળે પોલીગેમી સ્વભાવ એટલે કે તેને એકાદ સંબંધથી સંતોષ થતો નથી. તેમાં સ્ત્રી-પુરુષ બન્ને આવી જાય છે. પણ માણસે સમાજની રચના કરી માલિકીભાવ અને સત્તાના રાજકારણને લીધે.
 તેમાં દરેક વ્યક્તિને બીજી વ્યક્તિ પર આધિપત્ય -માલિકીપણું જોઈએ છે. એટલે જ બે વ્યક્તિ જ્યારે લગ્ન કરવાનું વિચારે છે ત્યારથી જ લાગણીઓનું રાજકારણ શરૂ થઈ જાય છે. સત્તા અને સ્વાર્થની રમતો શરૂ થઈ જાય. પ્રેમ શબ્દનો ઉપયોગ થાય છે તે પણ વાઘા જ હોય છે એવું લાગે જ્યારે સેલિબ્રિટી અને સામાન્ય લોકોમાં છૂટાછેડાંના વધતા કિસ્સાઓ જોઈએ. એકબીજા પર દોષારોપણ કે કાદવ ઉછાળ થાય કે સમજૂતિથી છૂટા પડે, પરંતુ તેમાં મનદુખ કે રમત હોય જ છે.

પુરુષ લગ્ન કરે છે ત્યારે એના મનમાં વિચાર હોય છે કે આ સ્ત્રી મારી છે. તેનો દેહ, મન, આત્મા બધા ઉપર મારો અધિકાર છે. એક જાતની સત્તા પ્રથમવાર મળ્યાનો અહમ્ સંતોષાય છે. તો સ્ત્રી માટે પણ એક પાવર ગેમ હોય છે લગ્ન. એક પરુષ જે પોતાના વ્યવસાયમાં નોકરીમાં સત્તા ભોગવે છે તે એની પાસે ઘૂંટણીયે પડે છે પોતાના શારીરિક સંતોષ માટે, કોઈ પુરુષને પોતાના આંગળીને ટેરવે નચાવી શકવાની તાકાત છે. આ બધા વિચારો બેક ઓફ માઈન્ડ હોય જ પણ કોઈ કબૂલે નહીં. લગ્ન એ ઍવરેસ્ટ સર કરવા જેટલું કઠિન છે. મોટેભાગે લગ્ન કરનારી વ્યક્તિઓનું લાગણીતંત્ર પુખ્ત નથી થયું હોતું. તેમની લાગણીઓને કોઈ દિશા નથી મળી હોતી એટલે લગ્નની સાથે જ એ અવ્યવસ્થિત લાગણીઓ મનફાવે તેમ કબજો જમાવી લે છે. અનેક કિસ્સાઓમાં જોયું છે કે આઈ લવ યુ શબ્દનો ઉપયોગ વારંવાર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે વપરાતો હોય છે. જો કે આવી વ્યક્તિ પોતે જ એ બાબતથી અજાણ હોય છે. દરરોજ નાની નાની બાબતોમાં પતિ-પત્ની એકબીજાને છેતરતા હોય છે. અગેઈન, તેઓ છેતરે છે એ બાબતથી તેઓ પોતે પણ અજાણ હોય છે. ધીમે ધીમે આ બાબત પછી મોટું સ્વરૂપ લઈ શકે છે.

ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મમાં લગ્નનો આ દંભી ચહેરો, રાજકારણ દર્શાવવામાં આવ્યા છે. તેમાં કામ કરનાર અભિનેત્રી અને નિમાર્તા દિગ્દર્શક વિપુલ શાહની પત્ની શેફાલી શાહના પણ આ બીજા લગ્ન છે. એક અંગત મુલાકાતમાં તેમણે લગ્ન, લાગણી અને રાજકારણ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘લાગણીઓનું રાજકારણ દશમાંથી આઠ લગ્નમાં રમાતું જ હશે ! મેં પોતે જોયું છે મારી આસપાસની વ્યક્તિઓમાં, જો કે કોઈપણ જાતની છેતરપિંડીને લગ્નજીવનમાં અવકાશ નથી જ. તેમાંય લગ્નેતર સંબંધમાં તો જરાય નહીં. છતાંય વર્ષોનું લગ્નજીવન એકાદ ભૂલમાં પૂરું તો ન જ થાય. ભૂલ હોય તો ત્યાંથી નવેસરથી શરૂઆત થઈ શકે, પણ જો ભૂલ બેવડાય તો લગ્નજીવન રહેતું જ નથી. છતાંય લગ્નજીવન ટકાવવા માટે અનેક સ્તરે વિચારવું પડે છે. સામાન્યપણે તો લગ્નોમાં સ્ત્રીઓ સૌથી વધુ ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી હોય છે. જ્યારે પુરુષો સત્તાનો ઉપયોગ કરે છે. બન્ને વસ્તુમાં મેનીપ્યુલેશન રાજકારણ કહો કે રમત કહો તે છે જ. પતિ જો મિત્ર સાથે બહાર જાય તો પત્ની માંદા હોવાનો ડોળ કરી પતિને જલદી પાછો બોલાવે. સાડી, બેગ કે ઘરેણાં ન અપાવે તો સેક્સ નહીં એવી અનેક છેતરપીંડીની રમતો ચાલે છે. તો પુરુષો પોતાના મિત્ર સાથે પીવા બેઠો હોય તો મીંટિંગમાં છું એમ કહી દેશે. મારા મતે આવું ત્યારે જ બને જ્યારે બન્ને વચ્ચે નિખાલસતા ન હોય. અવિશ્ર્વાસ ન હોય. બાકી લગ્નબાહ્ય સંબંધો એટલી સરળતાથી નથી થતાં.

મુંબઈના એક જાણીતા ઉદ્યોગપતિએ પોતાનાથી અડધી ઉંમરની એટલે કે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તેની પત્નીએ છૂટાછેડા માટે કરોડો રૂપિયા માગ્યા હતા. ઉદ્યોગપતિએ આપ્યા પણ ખરા. તેની પત્નીએ અંગત પરિવારમાં કહ્યું પણ ખરું કે હું એમ સસ્તામાં એને થોડો જ છોડી દઉં. મારે મારા મોજશોખ, ખર્ચા માટે જોગવાઈ કરવી પડે ને. એ બહેનને લગ્ન તૂટ્યાનો અફસોસ નહોતો. ફક્ત પૈસા માટે લગ્નો થતાં હોય છે અથવા પૈસાને લીધે લગ્નમાં અનેક અડચણો આવતી હોય છે. હવે તો બે ધનાઢ્ય કુટુંબ કે વ્યક્તિના લગ્ન થાય એ પહેલાં પ્રીનેપ્સ એગ્રિમેન્ટ બનાવાય છે. તેમાં શરતો હોય છે કે છોકરીની સંપત્તિ આટલી છે અને છોકરાની સંપત્તિ આટલી છે. જો બન્ને છૂટાં પડે તો કોને શું મળે એની શરતો હોય છે. આમ લગ્ન પહેલાં જ છૂટાછેડાની વાત થાય છે. અવિશ્ર્વાસના પાયા પર જ લગ્નની શરૂઆત થાય છે. આપણે ત્યાં લગ્ન એટલે જોડાવાની વાત છે. એકબીજા સાથે સુખ-દુખ વહેંચીને રહેવાની વાત છે. એટલે ભારતમાં આ એગ્રિમેન્ટ કાયદેસર નથી. પણ તે છતાં લોકો આવા એગ્રિમેન્ટ બનાવે છે પાણી પહેલાં પાળ બાંધવા માટે. તો ય એનો અર્થ તો એ જ થયો કે લગ્ન પહેલાં જ તેમને એકબીજા પર વિશ્વાસ જ નથી. આકર્ષણને કારણે લગ્ન કર્યા હોય તો આકર્ષણ પૂરું થતાં લગ્ન તૂટી જવાનું છે તે એમને ખબર હોય છે.

સેલિબ્રિટી અને શ્રીમંતવર્ગમાં આવું સામાન્ય થઈ ગયું છે. એટલે જ લગ્ન તૂટવાં અને જોડાવાં અહીં સામાન્ય છે. અહીં લાગણી કે પ્રેમ માત્રથી લગ્ન નથી થતાં સંપત્તિની બેલેન્સશીટ બને છે. ઘણીવાર તો વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા કે નબળાઈ ઢાંકવા માટે પણ જીવનસાથીનો ઉપયોગ કરે છે.
બાકી પ્રેમસંબંધની વાત કરીએ તો  પ્રેમમાં પડેલ વ્યક્તિ બીજી વ્યક્તિમાં પોતાના સ્વનું પ્રતિબિંબ જોવા ઇચ્છતો હોય છે. એટલે જ સેક્સપિયરના રોમિયો અને જુલિયટથી લઈને લૈલામજનુ,  હીરરાંઝા જેવી કહાનીઓ આજે પણ અમર છે. પણ લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવ્યા બાદ પુરુષને સતત બંધનનો અહેસાસ થવા લાગ્યો. પુરુષને ય સ્ત્રી ફક્ત પોતાની જ હોય તેમાં રસ હોય છે એટલે લગ્ન કર્યા સિવાય છૂટકો નથી હોતો. પરંતુ, હોર્મોનલ ઉથલપાથલ ધ્વારા અભી તો મૈં જવાન હું સાબિત કરવાની મનસા જાણ્યેઅજાણ્યે લોહીમાં વહેવા લાગે છે. પોતાના પુરુષત્વના અહમનું પ્રતિબિંબ તે બીજી સ્ત્રીની આંખોમાં પણ જોવા માંગતો હોય છે. સેક્સ અહીં ગૌણ છે.
મેન આર ફ્રોમ માર્સ અને વિમેન આર ફ્રોમ વીનસના લેખક જ્હોન ગ્રે કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સૌથી અઘરી બાબત છે પોતાના ગમા અણગમા, મતભેદો અને માન્યતાઓની સમસ્યાઓને સૂલઝાવવી. જ્યારે પણ પતિ-પત્નિ એકબીજા સાથે સહમત નથી હોતા કે તરત જ દલીલ કરવા માંડે છે અને પછી ઝઘડવા માંડે છે. અચાનક જ તેમની વાણી અને વિચારમાંથી પ્રેમ ગાયબ થઈ જાય છે. દુનિયામાં રોજ લાખો લોકો પરણે છે તેમાંથી ૫૦ ટકા લોકો છૂટા પડે છે. તો બાકીના ૫૦ ટકા માંથી ભાગ્યે જ કોઈક સંવાદિતાભર્યું જીવન સાથે વિતાવે છે. બાકી તો લોકો લગ્નજીવનમાં સાથે રહેવાનો ડોળ કરતાં હોય છે. જો તેમને સરળતાથી બીજું પાત્ર મળે તો અધૂરી ઈચ્છાઓ સંતોષી લેતા હોય છે. જેને તેઓ પ્રેમનું નામ આપતા હોય છે.
સેક્સ અને પ્રેમની ભેળસેળ એ આજના યુગની બાબત છે. ઉપરછલ્લી રીતે ભલે આજે સેક્સનું સામ્રાજ્ય દેખાતું હોય પણ હકિકતમાં તો દરેકને પ્રેમ જ જોઇતો હોય છે. એટલે જ તો હોમોસેક્સુઅલ સંબંધોમાં પણ પ્રેમ, ઇર્ષ્યા , લગ્નનું મહત્ત્વ દેખાય છે. ત્યાં પણ દિલ તૂટે છે. સંમતિથી બંધાયેલા સંબંધોમાં સજાને અવકાશ ન જ હોવો જોઈએ. સંબંધો બંધાય છે તો બે વ્યક્તિની સંમતિ હોય છે તો તૂટે છે તેમાં પણ બન્ને વ્યક્તિનો હાથ હોઈ જ શકે.

You Might Also Like

0 comments