અવાજનું ય વ્યક્તિત્વ હોય

03:47


બોલે એના બોર વેચાય એવું કેટલાક  પુરુષ માટે શક્ય બંને છે. પુરુષનો અવાજ તેની ઓળખ છે.



યે કૈસા ઇશ્ક હૈ ઊર્દુ જબાં કા,

મજા ઘુલતા હૈ લબ્ઝો પર જબાં પર

કે જૈસે પાનમેં મહેંગા ઇમામ ઘુલતા હૈ, નશાં આતા હૈ... ગુલઝાર

કલ્પના કરો કે આ કવિતા ગુલઝાર ધીમે ધીમે તેમના ઘેરા ભારે અવાજમાં બોલતાં હોય ત્યારે બીજો કશો વિચાર જ ન આવે. બધું ભૂલી જઈને આપણે એ અવાજના આરોહઅવરોહની ગહેરાઈમાં ખોવાઈ જઈએ. કવિતા એ શબ્દો ન રહેતા જીવંત લાગણીઓ બનીને આપણને સ્પર્શે. અવાજ એ પુરુષની ઓળખ હોય છે એવું કહી શકાય.અલબ્રાઈટ કૉલેજ ઇન રીડિંગ, પેનસિલ્વેનિયા દ્વારા એવું સંશોધન થયું છે કે મહિલાઓ જ અવાજને વધુ માદક,સેક્સી બનાવી શકે છે પણ પુરુષો નહીં. માદકતા સ્ત્રીના અવાજમાં આવે, કારણ કે તેનો અવાજ હાઈ પિચનો હોય છે. જ્યારે પુરુષનો અવાજ ટેસ્ટટરોન હોર્મોનથી પ્રભાવિત લો પિચનો હોય છે. પુરુષનો અવાજ તેને વ્યક્તિત્વ જ નહીં ઓળખ પણ આપી શકે છે.


વરસો પહેલાં જ્યારે એફ એમ રેડિયો નહોતા અને રેડિયો સિલોન પકડવા માટે બધા રેડિયોની સ્વીચને મચડતાં અને ચઇડ ચુઉઉઉઉ... જેવા અવાજો વચ્ચે માંડ સિલોન પકડાઇને તેના પર અમિન સયાનીનો અવાજ ઘરે ઘરમાં ગુંજતો. હજી આજે પણ પચાસે પહોંચેલા લોકોના મનમાં મેં અમિન સયાની બોલ રહા હું એ અવાજ સંઘરાયેલો હશે. એવો જ બીજો અવાજ છે મૈં સમય હું.... પ્રસિદ્ધ ધારાવાહિક મહાભારત શરૂ થતાં પહેલાં હરીશ ભીમાનીનો અવાજ પણ અનેકને યાદ હશે. આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ દેખાવ કરતાં અવાજને કારણે લોકોના હૃદય પર આજે ય રાજ કરે છે. જ્યારે અવાજ માટે જ યાદ કરાતી હોય તેવી સ્ત્રીને યાદ કરવી મુશ્કેલ છે. હા આજકાલ તમે ફોનમાં હેલ્લો ગુગલ કહો છો ત્યારે સ્ત્રીનો અવાજ તમને સંભળાય છે. મને હમેશાં વિચાર આવે કે હું હેલ્લો ગુગલ કહું અને ગુલઝાર કે અમિતાભ જેવો અવાજ સંભળાય કાશ

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિન પ્લે  માટે જેને ૨૦૧૩નો એકેડમી એવોર્ડમેળવનાર હોલીવૂડની ફિલ્મ હર વિશે આ પહેલાંય લખી ચૂકી છું પણ આજે ફરી અહીં યાદ અપાવું કે ફિલ્મમાં એવું એપ્લિકેશન દર્શાવે છે જે ડાઉનલોડ કરતાં સ્ત્રીનો અવાજ આસિસ્ટન્ટ તરીકે સાથ આપે છે. નાયક એ અવાજના પ્રેમમાં પડી જાય છે. અને ઇચ્છે છે કે તે અવાજ તેના સિવાય બીજા કોઇ સાથે વાત ન કરે. ખેર, હવે એપ્પલે સીરી નામે એપ્લિકેશન બનાવ્યું જે સ્ત્રીનો અવાજ આઇપેડ અને ફોનના ઉપયોગ માટે આસિસ્ટન્ટ તરીકે ડાઉનલોડ કરી શકાય. પણ હવે તેઓ એ અવાજને પુરુષના અવાજમાંય બદલવાના છે, કારણ કે સંશોધન દરમિયાન સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લીનફોર્ડ નાસે નોંધ્યું છે કે ટેકનોલોજીમાં પણ જેન્ડર બાયસ કામ કરતું હોય છે. કારણ કે તેને વાપરનાર સ્ત્રી અથવા પુરુષ હોઇ શકે જેની માનસિકતા સદીઓથી ઘડાયેલી હોય છે. નાસ કહે છે કે, ટેકનોલોજિકલી ટેમ્પર કરવા છતાં સ્ત્રીનો અવાજ પુરુષ કરતાં ઓછો બુદ્ધિશાળી અને એવરેજ લાગે છે. ટેકનોલોજીમાં ય પુરુષ અવાજમાં આવતી ઓછપ લોકો નજરઅંદાજ કરી શકશે જ્યારે સ્ત્રીના અવાજની નહીં. ( સ્ત્રી તરીકે આ સ્વીકારવું અઘરું લાગે પણ સંશોધન કહે છે તો....)

પુરુષોનો અવાજ સ્ત્રીના આકર્ષણમાં વધારો-ઘટાડો કરી શકે છે. કેનેડિયન અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે. મેકમાસ્ટર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના જીલીઅન ઓ કોનોર કહે છે કે લો પિચ અવાજ ધરાવતા પુરુષો પ્રત્યે સ્ત્રીઓ જલદી આકર્ષાય છે. જોકે એટલે જ તેઓ મોનોગેમી માટે ખતરારૂપ બની રહે છે. તમે જે વિચારતાં હો તે બીજી વ્યક્તિ સુધી પહોંચાડતી વખતે અવાજનો રણકો મહત્ત્વનો સાબિત થતો હોય છે. જોકે સ્ત્રીઓ જાણતી હોય છે કે ઘેરો લો પિચ અવાજ ધરાવનાર વ્યક્તિ તેને છેતરી શકે છે છતાં તે વધુને વધુ તેના વિશે વિચારે છે અને એવા પુરુષ સાથે ટૂંકા ગાળાના સંબંધો બાંધવાનોય તેને વાંધો નથી આવતો.

ઓ કોનોર કહે છે કે હોટ લુકિંગ ફૂટબોલર ડેવિડ બેકહેમ સ્ત્રીઓને આકર્ષક લાગે છે પણ તે કંઇ બોલતો નથી ત્યાં સુધી જ. સ્ત્રીઓને ઘેરા લો પિચ અવાજ ધરાવનાર પુરુષ ગમે છે તેની પાછળ કારણ છે ઇવોલ્યુશન હિસ્ટ્રી. એવો અવાજ ધરાવનાર પુરુષનું ટેસ્ટટરોન લેવલ ઊંચું હોય છે. એટલું જ નહીં તેમનું સ્વાસ્થય સારું હોવા ઉપરાંત. તેઓ ડોમિનેન્ટ અને સમાજમાં તેમનું સ્થાન ઊંચું હોય છે. એટલે કે તેઓ સફળ વ્યક્તિત્વો હોય છે. અને ન હોય તો સફળતા તેમને વરવાની શક્યતા હોય જ છે.

આ બાબતને સાચી સાબિત કરતી એક ઘટના  ૨૦૧૧માં અમેરિકામાં બની છે. ટેડ વિલિયમ્સ નામનો એક બેઘર માણસ હાઈવે પર ભીખ માગતો હતો. તે છેલ્લાં સત્તર વરસથી રસ્તા ઉપર રહેતો હતો કારણ કે તે આલ્કોહોલ અને ડ્રગના રવાડે ચઢી ગયો હતો. ટેડ સારા ઘરનો સફળ વ્યક્તિ હતો. સારા અવાજને લીધે તે રેડિયોમાં કામ કરતો હતો પણ ૧૯૯૨ની સાલ બાદ તે કોકેઈન લેવા માંડ્યો અને ધીમે ધીમે તેના પરિવારથી , નોકરીથી હાથ ધોઇ બેઠો. રસ્તા પર આવી ગયો. સમાજસેવીઓની મદદથી તે ડ્રગ એડિકશનમાંથી ધીમે ધીમે બહાર આવ્યો. ટેડને ખબર હતી કે તે સારા અવાજનો સ્વામી છે. એટલે દરરોજ તે એક બોર્ડ લઈને હાઈવે પર ઊભો રહેતો, બોર્ડમાં લખતો કે હું ગોલ્ડન વોઇસ ધરાવું છું તમે મને પૈસા આપશો તો તમને ગોલ્ડન વોઇસથી ખુશ કરી દઈશ. એ લોકોનું પોતાના અમેઝિંગ લો પિચ ઘેરા અવાજથી અભિવાદન કરતો. દેખાવમાં જરાય સારો નહીં. ઢંગના કપડાં ન પહેર્યાં હોય, રસ્તા પર રહેતો હોવાને કારણે દેખાવ ઓર કઢંગો લાગે. પણ ટેડ બોલે તો બસ લોકો સાંભળતા જ ખુશ થઈ જતા. ૨૦૧૧ની સાલમાં ડોરલ કેનોવેથ નામના વિડિયોગ્રાફરે ટેડને રસ્તા પર ભીખ માગતા જોયો. ડોરલે તેનો વિડિયો ઇન્ટરવ્યૂ લીધો અને ટુડેના ન્યૂઝ વેબસાઈટ પર પોસ્ટ કર્યો. અને ત્યાંથી તે યુટ્યુબ પર પોષ્ટ થયો ત્રણ જ દિવસમાં ટેડનો વિડિયોને લાખો હીટ મળી અને તે વાયરલ થઈ ગયો. બસ ટેડન જિંંદગી બની ગઈ. તેને વોઇસ ઓવરના કામ મળવા લાગ્યા. તેની અનેક મુલાકાતો પણ ટેલિવિઝનના ટોક શોમાં લેવાઈ છે. તેણે પોતાના અવાજને કારણે કેવી રીતે જીવનને સફળ બનાવ્યું તેનું પુસ્તક પણ ભાગીદારીમાં લખ્યું. આજે તે પોતાના અપાર્ટમેન્ટમાં રહે છે. પહેલાં તેને સાત છોકરા હતા. આજે તો તે દાદા પણ બની ગયો છે પણ વળી તેને ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. તેનું નસીબ ફરી ગયું ફક્ત એક અવાજને કારણે. એ જ્યારે બોલે છે તો લોકો મંત્રમુગ્ધ થઈ તેને સાંભળી રહે છે.

જેમ સ્ત્રીનું કર્વી ફિગર ફળદ્રુપતાને ઇંગિત કરે છે અને પુરુષને આકર્ષે છે તેમ પુરુષનો ઘેરો લો પિચ અવાજ સ્ત્રીને ઉત્તમ જીન્સનું આહવાન આપે છે. એવો પ્રશ્ર્ન થાય કે સ્ત્રીને કેમ લો પિચ અવાજ ધરાવતા પુરુષો ગમે છે ? અને પુરુષને કેમ હાઈ પિચ અવાજ ધરાવતી સ્ત્રી ગમે છે? યુનિવર્સિટી કોલેજ લંડનમાં થયેલા એક સંશોધન પ્રમાણે હાઈ પિચ અવાજ ધરાવનાર સ્ત્રીનું શરીર નાનું હોય છે જ્યારે લો પિચ અવાજ ધરાવનાર પુરુષનું શરીર પહોળું હોય છે. લો પિચ અવાજ પણ તેમાં સહેજે અગ્રેસન એટલે કે રોષ કે ઉતાવળ ન હોય, અવાજ શાંત દિલના ઊંડાણમાંથી બોલાતો હોય તો સ્ત્રીઓને આકર્ષક લાગતો હોય છે. હવે અવાજ તો કુદરતી દેન છે. તે છતાંય તેને થોડેઘણે અંશે કેળવી શકાતો હોય છે. આ એક જ બાબત એવી છે અવાજની કે ત્યાં સ્ત્રીઓને પુરુષ સમોવડાં બનવાની ઇચ્છા નથી થતી.





You Might Also Like

0 comments