નારીનું ભાગ્ય કેવું લખ્યું મૈયા
20:05
સ્ત્રીઓને મોઢું બંધ રાખવાનું સદીઓથી કહેવાય છે આજે પણ મીટુ કહેનારી નારીઓને ચૂપ કરવાના દરેક પ્રયત્નો થાય છે ત્યારે અધિકારના
નવરાત્રીમાં ગોંડલ ગામે ગઈ હતી. ત્યાં બહેનોના બેઠા ગરબામાં બેઠી હતી કે એક બહેનોએ ગરબો ઉપાડ્યો અને મારા કાન સરવા થયા. આસપાસ બેસેલી પ્રૌઢવયની સ્ત્રીઓને પણ મજા આવી. કારણ કે એ ગરબામાં સ્ત્રીઓની પીડાની વાત કહેવાઈ રહી હતી. પછી તપાસ કરી તો એ મારવાડી બહેનો અમદાવાદથી આવી હતી. તેમની ભજનમંડળીમાં આ ગરબો તેઓ શીખ્યા હતા. આ ગરબામાં કહેવાયેલી વાત સાથે દરેક સ્ત્રીઓ સહમત હતી તે જોઈ શકાતું હતું. સીતા, અહલ્યાથી લઈને કલયુગની નારીની પીડાને શબ્દમાં મૂકવામાં આવી હતી. એ ગરબો છે...
બેટિયો કા ભાગ્ય મૈયા તૂને કૈસા બનાયા હૈ..
અહલ્યા જૈસી નારી કો ઈન્દ્રને સતાયા હૈ
ઉનકે પતિને ઉનકો શીલાન્યાસ બનાયા હૈ..
સીતા જૈસી નારી કો રાવણને સતાયા હૈ
ઉનકે પતિને ઉનકો વનવાસ દિલાયા હૈ.....
દ્રૌપદી જૈસી નારી કો દુર્યોધનને સતાયા હૈ
ઉનકે પતિને ઉનકો જુઆ દાવપે લગાયા હૈ......
કલિયુગ કી નારીયો કો દહેજ વાલોને સતાયા હૈ,
ઉનકે પતિને ઉનકો જીંદા જલાયા હૈ....
આ ગરબો નવરાત્રીમાં સાંભળીને લાગ્યું કે હજી સ્ત્રીઓ પોતાની વેદના, પીડા સરખી સાહેલડીઓ સમક્ષ સહજતાથી ગાય છે. અહીં કોઈ મીડિયા તેમને નથી પૂછી રહ્યું કે હજારો વરસ પહેલાંની વાત અને તે પણ બીજી કોઈ નારીની વાત તમે શું કામ કહી રહ્યા છો અને તે પણ હમણાં. તે સમયે જે તે નારીઓએ અવાજ ઉઠાવવો જોઈએ. હમણાં કહેવાનો શો અર્થ? કશો જ અર્થ નથી હોતો. આ ગરબા સાથે જ યાદ આવ્યું કે વલસાડમાં રહેતા નારીવાદી ચળવળમાં કામ કર્યું હોય એવા બકુલા ઘાસવાલાએ સરૂપ ધ્રુવ, વિભૂતિ પટેલ, મીનળ પટેલ, સોનલ શુક્લના ગરબાઓની વાત કરી હતી. એ ગરબાઓ ગુજરાતમાં અસ્તિત્વ નામનીનારી ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા અને વડોદરાની સહિયરે છપાવ્યા હતા અને હજારો પ્રત વેચાઈ છે. વાચકોની જાણ ખાતર સ્ત્રી ચળવળનો થોડોક ઈતિહાસ અહીં મૂકૂં છું. 1970 અને 80ના દાયકામાં દુનિયાભરમાં નારીવાદી ચળવળ ખૂબ જોમમાં હતી. તે સમયે કામના સ્થળે જાતીય સમાનતાની વાત હતી તો અનેક સ્તરે જ્યાં સત્તા હોય ત્યાં સ્ત્રીઓને અન્યાય થતો હતો તે વિશે ખુલીને વાત થઈ રહી હતી. જેમ કે ધર્મ, સત્તા, પ્રદેશ, વર્ગ, જ્ઞાતિ ને જાતિ એમ દરેક સ્તરે અસમાનતા અને અન્યાય વિશે સ્ત્રીઓ બોલી રહી હતી. અને હજી પણ બોલી જ રહી છે અને તેને ચૂપ કરી ફરી હાંસિયામાં ધકેલી દેવાના પેંતરા રચાઈ રહ્યા છે. ગીત એક એવું માધ્યમ છે કે તેને સામાન્ય વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. પહેલાંના જમાનામાં પણ એવા ગરબા રચાયા જ હતા જેમ કે ફિલ્મ દ્વારા પણ ફેમસ થયેલું બહુ જ જાણીતો ગરબો “દાદા હો દીકરીમાં વાગડમા ના દેશો રે સઈ, વાગડની વઢિયાળી સાસુ ...” દીકરી દેવાની ના પાડતો આ ગરબો લગ્ન બાદ સ્ત્રીની અવદશાની વાત કરે છે. અહીં કહેવાવાળા એમ કહી શકે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પણ એ સ્ત્રી નહીં પણ સત્તાનું વરવું રૂપ સાસુરૂપે શોષણ કરતું હોય છે. આજે આપણે ચળવળમાંથી આવેલા ખાસ નારીવાદી ગરબાની વાત કરીએ. આ ગરબાઓ લખવાનો વિચાર તે સમયે ચળવળમાં જે સ્ત્રીઓ સક્રિય હતી તેમને આવ્યો. જેથી સામાન્ય સ્ત્રીઓ પણ પોતાની વાત કહી શકે અને સમજી શકે.
1980ની સાલ બાદ વિભૂતિ પટેલે લખેલા કેટલા ગરબા જુઓ...આ ગરબાઓ નારીસંસ્થાઓ વરસોથી ગાતી આવી છે.
હું તો મને ઓળખવા લાગી કે મુક્તિનો રંગ લાગ્યો
મેં તો દીકરીને સરખી ગણી કે મુક્તિનો રંગ લાગ્યો
મેં તો સમાનતાની વાત માંડી કે મુક્તિનો રંગ લાગ્યો.
મેં તો ન્યાયની હાકલ કીધી કે મુક્તિનો રંગ લાગ્યો
બનીશ માનવ નહીં બનું દાસી કે મુક્તિનો લાગ્યો
એવો જ બીજો ગરબો છે
મુક્તિનો રંગ મને લાગ્યો મારી બેનડી
મુક્તિનો રંગ સોહામણો મારી બેનડી
હવે અપમાન નહીં સહું મારી બનડી
સ્વમાનભેર હવે જીવવું રે લોલ
હું કાંઈ બોજારૂપ નથી મારી બનડી
આત્મનિર્ભર થઈ રહેવું રે લોલ
ધ્યેયહીન જીવન ના કાઢું મારી બેનડી
ભણીગણી આગળ વધવું રે લોલ
વિભૂતિ પટેલની દીકરી બે વરસની હતી અને તેણે ગરબો એટલે શું પૂછ્યું અને રચાયો
નાની દીકરી માને પૂછે ગરબો ક્યાંથી આવ્યો જી
મા બોલી ગરબાની પાછળ મોટો મર્મ છુપાયો જી,
ધરતીમાતા ધાન ઉગાડે મા બાળકને પોષે જી
ગરબા થકી બહેનો કરે વાતો હોંશે હોશેં જી
નારીની સર્જનશીલતાનો ગરબો એક નિશાની જી
આપણા જાણીતા કવિયેત્રી સરૂપ ધ્રુવનો લખેલો એક ગરબો ગુજરાતમાં ખૂબ જાણીતો છે અને આજે મીટુ સંદર્ભે પણ યોગ્ય છે. અહીં કહેવા દો કે જાતીય સતામણી જ્યારે થાય છે ત્યારે સ્ત્રીના તનમન પર આઘાત થાય છે. દરેક સ્ત્રીના આઘાત વખતના સંજોગો અને પ્રત્યાઘતો જુદાં હોઈ શકે. સહેલું નથી તરત જ સામે વાર કરવો જ્યારે સામે પુરુષ સત્તાશાળી હોય.
સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું
શેરીમાં સાદ કરી કહીશું રે લોલ
કેટલા જમાનાથી વેઠી છે વેદના
આવડો જુલમ નહીં સહીશું રે લોલ
ઘર ખૂણે કેદ કર્યા ઘરકૂકડી નામ દીધા
નીકળ્યાં જો બહાર ત્યારે પળ પળ બદનામ કીધાં
એવા અપમાન નહીં પીશું રે લોલ, સરખી સાહેલી
કુળની મર્યાદા અને ધર્મોની જાળમાં
રૂઢી-રિવાજ અને ઘરની જંજાળમાં
કેટલાં દિવસ હવે રહીશું રે લોલ.....
આપણા દુખોને હવે આપણે જ ફેડવાં
ટક્કર ઝીલવી છે હવે આંસુ ન રેડવાં
વજ્જરહૈયાના અમે થઈશું રે લોલ...સરખી સાહેલી
સાથે મળીને અમે શમણાં ઉછેરશું
સદીઓ પુરાણા આ બંધનને તોડશું
ખળખળતી નદીઓ થઈ વહીશું રે લોલ....ડૉ સરૂપ ધ્રુવ
તો મીનળ પટેલ સમાનતાની વાત કરતાં લખે છે કે
સાહ્યબા એકલી હું વૈતરું નહીં કરું
સાહ્યબા મુને સરખાપણાની ઘણી હામ રે
સાહ્યબા મારી મરજી ઘણી હજી ચુપ રે....
અહીં બધા ગરબા આખા નથી આપ્યા. જેમને વધુ રસ હોય તે સહિયર કે અસ્તિત્વ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. પહેલો ગરબો જે હિન્દીમાં છે તે સાંભળ્યો અને બહેનોને પૂછ્યું તો તેમને ખબર નથી તે કોણે લખ્યો. જેણે પણ લખ્યો હોય પણ તે બહેનો દ્વારા અમદાવાદથી કાઠિયાવાડ અને ત્યાંથી મુંબઈ એમ ભારતભરમાં પહોંચી રહ્યો છે. તેમાં મૂકવામાં આવેલ ઉદાહરણો સામાન્ય સ્ત્રીઓના મનમાં પણ વિચારનો બીજ ઉગાડી શકે છે. આપણા લોકગીતો અને ગરબાઓ દ્વારા જે તે સમાજનું ચિત્ર રજુ થતું જ હોય છે. મી ટુનો ગરબો ખેવના દેસાઈએ લખ્યો જ છે જેના વિશે મુંબઈ સમાચારમાં ગયા અઠવાડિયે લખાઈ ચૂક્યું છે. આવા ગરબાઓને હજી પણ વારંવાર ગાવાની જરૂર છે. જેથી કરીને સામાન્ય સ્ત્રીઓ પણ પોતાના અધિકારની, વેદનાની, સતામણીની, શોષણની વાત ખૂલીને કરી શકે. આ ગરબાઓ વરસોથી ગવાતા આવ્યા છે અને હજી આજે પણ ગવાઈ રહ્યા છે, સ્ત્રી સમાનતા હજી આજે પણ લડીને લેવી પડે એમ છે. બંધારણમાં લખાયા છતાં સ્ત્રીને સમાન અધિકાર માટે આજે પણ કોર્ટના દરવાજા ખટખટાવવા પડે છે. એક તરફ સીતા, દ્રૌપદી અને અહલ્યાની સાથે થયેલા અન્યાયની વાત સ્ત્રીઓ કરે છે તો બીજી તરફ સ્ત્રીએ હજી દસ વરસ બાદ બોલવાની શું જરૂર એવા સવાલો પૂછાઈ રહ્યા છે સ્ત્રીઓ દ્વારા જ. સ્ત્રીએ ચીસ તો વહેલી પાડી હતી પણ વચ્ચે બ્લેકહોલ જેવો પિતૃસત્તાક સમાજ હોવાને કારણે તે અવાજ સાંભળી ન શકાયો. આજે એ અવાજ સંભળાય છે તો તેને પણ કઈ રીતે દાબી દેવો તેના દરેક પેંતરાઓ રચાઈ રહ્યા છે. દુખ એ વાતનું છે કે હવે સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન સમાજની ભાષા બોલી રહી છે.
0 comments