બોલ બિનધાસ્ત
20:40મીટુ અર્થાત્ મને પણ એવો જ અનુભવ થયો છે જે તને થયો છે, જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીની કેફિયત
છેલ્લા વરસેકથી સ્ત્રી અને પુરુષ વચ્ચે કે જાણે યુદ્ધનું વાતાવરણ રચાઈ રહ્યું છે. પુરુષની સામે સ્ત્રીએ બોલવાનું નહીં. એ ન બોલે અને સરન્ડર એટલે કે સમર્પિત થાય ત્યાં સુધી વાંધો નહીં પણ જો બોલે તો તકલીફો ઊભી થાય. કેટલાય સવાલો સર્જાય. એક પ્રસંગ મને વારંવાર યાદ આવે છે. લગભગ દસેક વરસ પહેલાંની વાત હશે. બહુ જાણીતા સંગીતકારની મુલાકાત લેવા ગઈ હતી. મારી મુલાકાત પૂરી થઈ તે પહેલાં એક યુવતી ચેનલમાંથી આવી. મારા કરતાં ઉંમરમાં ઘણી નાની હતી. કદાચ હજી નવી જ પત્રકારત્વમાં જોડાઈ હશે. એ પેલા સંગીતકારથી અભિભૂત થઈ ગઈ હતી. હું બહાર જવા ચપ્પલ પહેરી જ રહી હતી કે જોયું પેલા સંગીતકાર પેલી યુવતીને વારંવાર સ્પર્શી રહ્યા હતા. ખભા પર અને બરડા પર પણ એ પ્રસંગ મારા ચિત્તમાંથી હટતો નથી.
આવું મારી સાથે પણ થયું હતું એ યાદ આવે. એક બહુ જાણીતા કવિ સમારંભમાં મળ્યા કે અચાનક આવીને ભેટી પડ્યા. અજુગતુ લાગ્યું હતું કારણ કે તે કવિ સાથે મારે કોઈ મિત્રતાનો સંબંધ નહોતો, પણ પછી જ્યારે એ કવિને મળવાનું થાય કે સજાગ બનીને યોગ્ય દૂરી જાળવતી. પહેલીવાર જે થયું હતું તે અચાનક હતું અને કંઈ ખરાબ હરકત નહોતી જ કરી તે છતાં કોઈ અજાણ્યા સ્પર્શની જુગુપ્સા હતી. આવું અનેકવાર અનેક સ્ત્રીઓ સાથે બનતું હશે. પછી તો બીજી સ્ત્રીઓએ પણ એ કવિની દરેક સ્ત્રીને સ્પર્શવાની આદત વિશે ટકોર કરી ત્યારે થયું કે હું ખોટી નહોતી. પણ આવું કહેવું કોને…આવા કેટલાય સ્પર્શો ભીડમાં સ્ત્રીઓ સમસમીને સહી લેતી હોય છે. પણ જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ દ્વારા સ્પર્શ થાય ત્યારે એક ઘાવ હૃદયમાં કોતરાઈ જતો હોય છે. ક્રિસ્ટીન ફોર્ડને ૩૭ વરસ પછી બોલવું પડ્યું કારણ કે એ ઘાવ હજી સ્ત્રવી રહ્યો હતો. તેના પર તો રીતસરનો બળાત્કાર જ થયો હતો. પશ્ચિમી એટિકેટમાં સામી વ્યક્તિના ગાલ સાથે ગાલ લગાવીને હગ કરવાનો રિવાજ છે. આ રીતે હગ એટલે કે ભેટવાની રસમમાં પણ કેટલીક તકેદારી રાખવાની હોય છે. સ્પર્શમાં જરા પણ મેલી મુરાદની ભેળસેળ ન હોય. ભેટવા છતાં બન્નેના શરીરની વચ્ચે કેટલુંક આમાન્યાનું અંતર જાળવવાનું હોય છે. વળી સાવ અજાણી વ્યક્તિને ભેટવાનું હોતું નથી કે સામી વ્યક્તિ તમને ભેટવા રાજી છે કે નહીં તે પણ જોવું રહ્યું. સ્પર્શ સુખનો આનંદ માણવા માટે ભેટવાનું નથી હોતું. લાગણીની આપલે કરવાની હોય છે. જાદુની ઝપ્પી જેવું.
સેક્સુઅલ હરેસમેન્ટ સરખે સરખી વ્યક્તિઓમાં કે હાથ નીચે કામ કરતી વ્યક્તિ દ્વારા નથી થતું. સત્તા જેની પાસે હોય છે તેના દ્વારા થતું હોય છે. અમેરિકાથી શરૂ થયેલ મીટુ કેમ્પેઈનનો પહેલો દોર ભારતમાં પ્રોફેસરો માટે જ જાણે હતો. બોલીવૂડ અને પત્રકાર જગત ચુપ રહ્યું હતું. એ કેમ્પેઈનને ક્રિસ્ટીન ફોર્ડના નિવેદન બાદ જાણે વેગ મળ્યો. પત્રકાર જગતમાં તરુણ તેજપાલનો કેસ જાણીતો અને ગાજેલો છે. હવે એમ જે અકબર અને બીજા નામો પણ જોડાશે. તનુશ્રી દત્તાથી બોલીવૂડમાં શરૂઆત થઈ. સ્વરા ભાસ્કરે પહેલાં ફક્ત મુદ્દો ઊઠાવ્યો હતો કે બોલીવૂડમાં બધા એટલે ચુપ છે કે તેમને કામ નહીં મળે. તનુશ્રી દત્તાએ દસ વરસ પહેલાં પણ વિરોધ કર્યો હતો પણ તેનો અવાજ પહેલાં દાબવી દેવામાં આવ્યો હતો અને હમણાં પણ તેની પાસે સબૂત શું છે અને કેમ દસ વરસ બાદ ફરીથી બોલી જેવા સવાલો કરવામાં આવ્યા. જાતીય સતામણીમાં સ્પર્શના પુરાવા નથી હોતા, દરેક વખતે તેના સ્ક્રીન શોટ ન મળે.
પહેલીવાત તો સ્ત્રી જો બોલે તો અન્ય સ્ત્રીઓ પણ તેને વખોડી નાખશે કે લે અમારી સાથે તો આવું ન થયું એની સાથે જ કેમ થયું. એનું વર્તન જ કદાચ એવું હશે કે સામી વ્યક્તિને આગળ વધવાનું મન થાય, તેને ફાયદો જોઈતો હતો એટલે અત્યાર સુધી ચુપ રહી, સફળ થયા બાદ જ બોલી શકી વગેરે… સ્ત્રી પણ વ્યક્તિ છે તે ફ્લર્ટ કરી શકે, મિત્રતા રાખી શકે, બિન્દાસ ફરી શકે પણ તે જ્યારે ના પાડે છે ત્યારે પુરુષે અટકી જવાનું હોય છે. સ્ત્રીની ના એટલે હા ક્યારે હોય છે તે પુરુષને ન સમજાતું હોય તો ના એટલે હા માની લેવાની જરૂર નથી જ હોતી, પછી ભલેને લગ્ન થવાના હોય કે તેણે તમારી સાથે બિન્દાસ પીધું હોય કે તમારી સાથે તે બહાર ફરવા આવી હોય. સત્તાસ્થાને બેસેલા પુરુષનો અહંકાર ઘવાય છે જ્યારે સ્ત્રી ના પાડે છે. સ્ત્રી એવા પુરુષનો આદર કરતી હોય છે જ્યારે એ ના પાડે ત્યારે કોઈપણ ટોણા માર્યા સિવાય વિનમ્રપણે અટકી જાય છે. આજની સ્ત્રી જ્યારે ના પાડે છે ત્યારે એની પાસે પૂરતા કારણો હોય છે. આ જે મી ટુનો બીજો દોર શરૂ થયો છે તે કામના સ્થળે જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓનો છે. ભવરીદેવી કેસ બાદ વિશાખા ગાઈડલાઈન્સ સુપ્રીમ કોર્ટે બહાર પાડી છે. કામના સ્થળે જાતીય સતામણી રોકવા માટે કમિટીની રચના કરવાની પણ વાત છે, પરંતુ મોટી સંસ્થાઓમાં પણ આવી કમિટી હોતી નથી. કમિટી હોય તો પણ નામ પૂરતી જ વળી સ્ત્રીઓ પ્રત્યે સંવેદનશીલ હોતા નથી. તેમાં પણ સેક્સુઅલ હરેસમેન્ટ સાબિત કરવાની તકલીફો પડતી હોય છે. વિકાસ બહલ વિશે ફરિયાદ કરવામાં આવી હતી પણ અનુરાગ કશ્યપે તેના પર યોગ્ય પગલાં ન લીધા તે બાબત એણે જાતે જ માફી માગીને કબૂલાત બે વરસ બાદ કરી તો ખરી. ખેર, જો કે મી ટુ કેમ્પેઈન પુરુષોને માત્ર સજા કરવા માટે જ નથી પણ જે ભૂલો અત્યાર સુધી થઈ તે દોહરાવાય નહીં. પુરુષો પોતાના પર કન્ટ્રોલ રાખે અને દરેક સ્ત્રીને ફક્ત ઉપભોગની દૃષ્ટિએ ન જુએ એ આશયથી શરૂ થયો છે.
જ્યારે બાળકીની જાતીય સતામણી કરતી સમયે તેને ધમકાવવામાં આવતી હોય છે. એ બાળકીને સમજાય કે તેની સાથે શું બની રહ્યું છે તે પહેલાં નુકસાન થઈ ચૂક્યું હોય છે. અણગમતા સ્પર્શને તે પોતાના શરીર પરથી કે મનમાંથી ઘસી ઘસીને કાઢવાનો પ્રયત્ન કરે છે પણ નીકળી શકતા નથી. આશા રાખીએ કે હવે જે સ્ત્રીઓએ બોલવાની શરૂઆત કરી છે તે અટકે નહીં. તો જ ભવિષ્યમાં કેટલીય બાળકીઓ કે સ્ત્રીઓ બચી જશે. મી ટુ પુરુષોને ઉતારી પાડવા નથી પણ એ જણાવવા માટે છે કે તમે જ્યારે કન્ટ્રોલ ખોઈ બેસો છો તમારા પરથી ત્યારે સ્ત્રીની ચામડી ઉતરડી નાખો છો અને તે ઘાવ ક્યારેય રુઝાતો નથી. દેહનો વ્યાપાર કરનારી સ્ત્રીને પણ ના પાડવાનો અધિકાર હોય છે તે પુરુષે સ્વીકારવું જ રહ્યું. સ્ત્રીનું શરીર તેનું પોતાનું છે તે સમાજ જાણે ક્યારેય સ્વીકારતો જ નથી. તેણે શું પહેરવું, કેમ વર્તવું, કેમ ફરવા જવું કે તેનો ઉપયોગ કરવો એ બધું જ પુરુષ વિચારે છે. આઈટમ સોન્ગથી લઈને સ્ત્રીના શરીરનો ઉપયોગ ગાડી વેચવા કે દાઢીની બ્લેડ વેચવા માટે પણ કરવામાં આવે છે. ઓપરા વિન્ફ્રીથી લઈને બરખા દત્તે પણ પોતાની જાતીય સતામણીની વાત કહી છે. મોટાભાગે તો શરમની મારી કે બદનામીના ડરની મારી કે કોણ તેની વાત માનશે એવું વિચારીને સ્ત્રીઓ આવી સતામણીની વાત કરતી નથી.
શરમ કે ડર સતામણી કરનારને આવવી જોઈએ પણ આપણે ત્યાં પિતૃસત્તાક માનસિકતાએ એવો હાઉ ઊભો કર્યો છે કે સતામણીનો ભોગ બનનાર શરમાય છે, ગભરાય છે. સ્ત્રીઓ હવે પગભર થઈ રહી છે અને બોલવાની હિંમત કરી શકે છે. જો કે તેની પણ એણે કિંમત ચૂકવવી જ પડે છે. આપણા નોબલ પારિતોષિક વિજેતા પચૌરીની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તે સ્ત્રીએ ઘણું સહન કરવું પડ્યું. જે તપાસ સમિતિ બેઠી તેમણે પણ એ સ્ત્રીની ફરિયાદને સાચી માનવાનો ઈન્કાર કર્યો. એ સ્ત્રીએ નોકરી છોડવી પડી હતી અને અનેક માનસિક તાણમાંથી પસાર થવું પડ્યું હતું. ફરિયાદ કરનાર સ્ત્રીને નોકરીમાં રાખતા પહેલાં પણ લોકો વિચારતા હોય છે. તે છતાં જ્યારે તે સ્ત્રી પોતાની વાત કહેતી હોય છે ત્યારે તેમાં સત્ય હોય છે. પુરુષને પોતે નિર્દોષ છે તે પુરવાર કરવાનો મોકો મળતો હોય છે. પણ મોટેભાગેતો સ્ત્રી આવી બાબતોમાં ખોટું બોલતી નથી કારણ કે તેને ખબર હોય છે કે એક તો જાતીય સતામણીનો શારીરિક- માનસિક ત્રાસ અને ત્યારબાદ તેને સાબિત કરવાની વિટંબણાઓ આ બધાને લીધે જ મોટાભાગે સ્ત્રીઓ ચુપ રહેવાનું પસંદ કરે છે, અને આ બાબત શોષણ કરનારા પુરુષો સારી રીતે જાણતા હોય છે.
જો કે હજી પણ સત્યઅસત્યની લડાઈઓ ચાલશે. એકાદ કેસ ખોટો હોય તો સ્ત્રીઓને ફરી ચુપ કરવાનો કારસો રચાશે. પુરુષોનું પણ શોષણ થાય છે એવું કહેનારા ય છે. પુરુષોનું જો જાતીય શોષણ થતું હોય તો ભવિષ્યમાં પુરુષોએ પણ મી ટુ કેમ્પેઈન શરૂ કરવું જોઈએ.
0 comments