ખરા અર્થમાં શાંતિ શક્ય છે?

06:49









૨૦૧૨ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ડો. ડેનિસ મુકવેજ જે વક્તવ્ય આપ્યું હતું તેના શબ્દો હતા કે જે સ્ત્રી પર બળાત્કાર થાય છે તે સ્ત્રીને મારી વાઈફ સાથે સરખાવી શકું છું. તેને હું મારી માતા સાથે સરખાવી શકું છું અને મારી દીકરી સાથે પણ સરખાવી શકું છું. એટલે જ તેમની પીડા હું સમજી શકું છું. જ્યાં સુધી બળાત્કારને હથિયાર તરીકે યુદ્ધમાં વાપરવામાં આવશે ત્યાં સુધી સમાનતાની વાત થઈ શકે જ નહીં. બંધ કરો મહેરબાની કરીને આ સેક્સુઅલ હિંસા ફક્ત કોંગો જ નહીં, યમન અને સિરિયામાં પણ સ્ત્રીઓ અને બાળકો પર બળાત્કાર કરીને તેમને જીવતેજીવ મારી નાખવામાં આવે છે. 

૨૦૧૮ના વરસનું નોબેલ શાંતિ પુરસ્કાર આ વરસે બે વ્યક્તિઓને મળ્યો છે. એક ડો. ડેનિસ મુકવેજ અને બીજા છે નાદિયા મુરાદ. બન્ને વ્યક્તિઓ સ્ત્રી પર થતાં બળાત્કારને બંધ કરવા માગે છે. બન્ને વ્યક્તિઓ સ્ત્રી પર થતાં અત્યાચારથી દુખી થઈને જાત રેડીને બીજાની મદદ કરે છે. નાદિયા યઝદી સ્ત્રી છે જેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેને બળવાખોરોએ બંદી બનાવી હતી. ત્યાંથી છૂટીને તેણે અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે કામ કર્યું છે. આજે અહીં આ કોલમમાં આપણે ફક્ત ડેનિસની વાત કરીશું. 

ડો. ડેનિસ મુકવેજ આફ્રિકના કોંગો દેશમાં બકાવુમાં પોન્ઝિ હોસ્પિટલ ચલાવે છે. તેમણે અત્યાર સુધીમાં ૫૦ હજારથી ય વધુ સ્ત્રીઓના ઓપરેશન કરીને તેમને નવજીવન આપ્યું છે. એ દરેક સ્ત્રી પર સામૂહિક બળાત્કાર થયા હતા અને તેમના ગુપ્તાંગના ભાગોને કાપી નાંખવામાં આવ્યા હોય અથવા તેના પર હિંસક બળાત્કાર કરવામાં આવ્યો હોય. 

જે વાચકોને ખ્યાલ ન હોય તેમના માટે કોંગોમાં ૧૯૯૦ની સાલથી સિવિલ વોર ચાલે છે. યુદ્ધ જેવું વાતાવરણ પુરુષો દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં પૂર્વ કોંગો ખૂબ જ સમૃદ્ધ વિસ્તાર છે. ત્યાં કિંમતી ધાતુઓ અને ખનિજ મળી રહે છે. પૈસા માટે તે વિસ્તાર પર સત્તા જમાવવા માટે અનેક બળવાખોર, ખાસ કરીને કોંગોની આસપાસના વિસ્તારમાંથી એટલે કે રુવાન્ડા, યુગાન્ડા જેવા દેશોમાંથી પણ બળવાખોર કોંગોના સમૃદ્ધ વિસ્તારો પર કબજો જમાવવા આવી પહોંચે છે. કોંગોનું લશ્કર પણ ખરું જ અને યુએનનું શાંતિદળ પણ ખરું, તે છતાં એ વિસ્તારમાં બળવાખોરો અને લશ્કર વચ્ચે સતત લડાઈઓ ચાલતી રહે છે. જે તે પ્રદેશ પર કબજો જમાવવા માટે ત્યાંના રહિશોને ડરાવવા માટે તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેમના ગુપ્તાંગોને ઈજાગ્રસ્ત કરી દેવામાં આવે. કાપાઓ મૂકવામાં આવે... અહીં વર્ણવી ન શકાય તેવી હિંસા આચરવામાં આવે. મોટાભાગે તો આ બધું પતિ, બાળકો અને પડોશીઓની સામે જ કરવામાં આવે. જેથી લોકો પર ધાક બેસે. તો ઘણીવાર સ્ત્રીને બંદી બનાવીને સતત મહિનાઓ સુધી તેના પર બળાત્કાર કર્યા બાદ તેને મરવા માટે છોડી દેવામાં આવે છે. 

ડો. ડેનિસ હકીકતમાં તો પ્રસૂતિ સમયે યોગ્ય સારવાર ન મળવાનો કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓની સારવાર કરવા માગતા હતા. યોગ્ય પ્રસૂતિઘરના અભાવે અને ગરીબીને કારણે કોંગો સ્ત્રીઓ ઘરમાં જ પ્રસૂતિ કરતી હતી. તેમાં જ્યારે જીવનમરણનો સવાલ આવે તો જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવતી હતી. બકાવીમાં તેમણે પોન્ઝિ હોસ્પિટલ શરૂ કરી તેમાં સૌ પ્રથમ કેસ ૧૯૯૯ના સપ્ટેમ્બર મહિનામાં એક મહિલા પર અનેક પુરુષોએ બળાત્કાર કર્યો હતો અને તેનું ગુપ્તાંગ ખૂબ ખરાબ રીતે ઘવાયું હતું. ડો. ડેનિસે પહેલીવાર તે મહિલાનું ઓપરેશન કર્યું હતું તે આજે પણ ભૂલી શક્યા નથી. ત્યારબાદ ત્રણ મહિનામાં બીજા ૪૫ કેસ આવ્યા જેમાં બળાત્કારને કારણે મહિલા ખૂબ જ ઘવાઈ હોય. તેમને લાગ્યું કે આવું બસ તત્પુરતું જ હશે. કારણ કે તેઓ આ વિસ્તારમાં ઘણા સમયથી હતા પણ ક્યારેય સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ વિશે સાંભળ્યું નહોતું કે જોયું નહોતું. ધીમે ધીમે પોન્ઝિ હોસ્પિટલમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા વધવા લાગી. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓને પોન્ઝિ હોસ્પિટલમાં સારવાર મળે છે તેવી વાત સાંભળીને વધુને વધુ સ્ત્રીઓ સારવાર માટે અહીં પહોંચવા લાગી. ક્યારેક તો દિવસના દસ ઓપરેશન પણ ડો. ડેનિસે કર્યા છે. કોંગોમાં અનેક રિબેલ ગ્રુપ છે અને કોંગી સૈન્ય પણ ખરું જ. આ દરેક લોકો સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. સ્ત્રીઓ જ નહીં બાળકોને પણ તેઓ છોડતા નથી. બે વરસની બાળકીથી લઈને ૮૦ વરસની વૃદ્ધા ઉપર પણ બળાત્કાર કરવામાં આવે છે. ખૂબ હિંસક રીતે બળાત્કારનો ભોગ બનવાને કારણે મોટાભાગની સ્ત્રીઓના બ્લેડર અને વજાઈના વચ્ચેનો હિસ્સો ચીરાઈ ગયો હોય. તેને કારણે તેમને બીજી અનેક સમસ્યાઓ અને પીડાઓનો સામનો કરવો પડતો હોય. 

ડો. ડેનિસ રોજના દસેક ઓપરેશન કરીને આવી સ્ત્રીઓને નવજીવન આપતા હતા. તેઓ જાણતા હતા કે આવી સેક્સુઅલ હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ફક્ત શારીરિક પીડા જ નથી હોતી પણ માનસિક ઘાવ ઘણાં ઊંડા હોય છે. તેમની સામે પડકાર હતો આવી સ્ત્રીઓને ફક્ત શારીરિક સારવાર કરવામાં તો માહેર હતા જ પણ તેમના માનસિક ઘાવ રુઝાય તે માટે પણ પ્રયત્નો કરતા. ડેનિસે એક મુલાકાતમાં કહ્યું હતું કે હું તો ફક્ત પ્રયત્ન કરું છું. ખરેખર તો આ સ્ત્રીઓ ખૂબ હિંમતવાળી છે, આટલી પીડાઓ છતાં તેમનામાં જીવવાનું બળ ટક્યું હોય છે. આપણો સમાજ સ્ત્રીઓને ખૂબ અન્યાય કરે છે. તેમના ગુપ્તાંગોને જે રીતે ચીરી નાખવામાં આવે છે તે જોઈને હું ખૂબ વ્યથિત થાઉં છું, પણ દુનિયામાં કોઈને કોઈ જ ફરક નથી પડતો. જ્યારે એકવાર આ બળવાખોરોએ એક પુરુષની જનનેન્દ્રિય કાપી નાખી હતી ત્યારે હજારો પત્રકારો પુરુષો જ ચિંતિત થઈને સવાલો પૂછી રહ્યા હતા. અહીં હજારો સ્ત્રીઓ પર બળાત્કાર થાય તો એકાદ બે વાર લખાય અને સામાન્ય બાબતની જેમ તેની નોંધ લેવાય, કદાચ નયે લેવાય. 

સરકારને પણ આ વિશે કંઈ ન કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વખોડ્યા બાદ ડો. ડેનિસ પર ૨૦૧૨માં જીવલેણ હુમલો થયો હતો. તેમની દીકરીઓને બાનમાં લેવામાં આવી હતી. તેમના પર ગોળી ચલાવી તો તેમનો બોડીગાર્ડ મરી ગયો. ત્યારબાદ ડેનિસ કોંગો છોડીને જતાં રહ્યા હતા. પણ જે સ્ત્રીઓની તેમણે સારવાર કરી હતી અને જે સ્ત્રીઓને તેમની સારવારની જરૂર હતી તેમણે સરકારને અપીલ કરી કે ડેનિસને સલામતી પૂરી પાડીને પાછા લાવો. પણ સરકારે કોઈ દાદ ન દેતા રોજના ૫૦ રૂપિયા કમાતી આ સ્ત્રીઓએ બે પાંચ રૂપિયા ભેગા કરીને હોસ્પિટલને એટલી રકમ કરી આપી કે ડેનિસની રિટર્ન ટિકિટના પૈસા થાય. આ જોઈને ડોનું દિલ પીગળી ગયું ને તેઓ પરત વતન આવ્યા ત્યારે એરપોર્ટથી હોસ્પિટલ કિલોમીટરો સુધી આ સ્ત્રીઓ નાચતાગાતાં ડોકટરને આવકાર્યા. 

દિવસના લગભગ અઢાર કલાક કામ કરતાં અને રોજના દસેક ઓપરેશન કરતાં આ ડોકટરને કોંગી સ્ત્રીઓ ભગવાન જ માને છે. ડેનિસ તેમની સારવાર કર્યા બાદ તેમને ભણાવે, આર્થિક રીતે પગભર કરે અને જીવવા માટે પ્રેરણા આપે છે. તે છતાં ડેનિસ કહે છે કે હું તો આ લોકોની હિંમત જોઈને જ જીવું છું. બાકી સતત આવતી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓની સ્થિતિ જોઈને થાય કે આ હેવાન પુરુષો સુધરવાના નથી. તેઓ બસ એકબીજાને મારીને લોહી પીવા માટે જ સર્જાયા છે તો ગમે તેટલું કામ કરો કશો જ ફરક નથી પડવાનો, પણ જ્યારે આ સ્ત્રીઓની હિંમત જોઉં છું વળી આશા જન્મે છે. એટલે જ વિશ્ર્વમાં અપીલ કરું છું, અહીંની પરિસ્થિતિ દુનિયા સમક્ષ મૂકું છું જેથી કશોક ફરક પડે.

યુદ્ધમાં સ્ત્રીઓ પર બળાત્કાર કરવો એ જાણે આજની સદીનો શિરસ્તો થઈ ગયો છે. નાઝી, પેલેસ્ટાઈન, તાલીબાન, સિરિયન, યમની, કોંગોની સ્ત્રીઓએ યુદ્ધની કિંમત ચૂકવી છે. દુનિયાને કશી જ પડી નથી એ જોઈને ડેનિસનું હૃદય ચીરાઈ જાય છે. પણ પેલી શરીરથી અને મનથી રહેંસાઈ ગયેલી સ્ત્રીઓની જેમ હજી આશા સેવે છે કે એક દિવસ બદલાવ આવશે. 

ડો. ડેનિસને દુનિયાના દરેક મોટા એવોર્ડ મળી ચૂક્યા છે અને હવે નોબેલ પણ મળ્યો, પરંતુ ડેનિસને ત્યારે આનંદ વધુ થશે જ્યારે તેમના વિસ્તારમાં બળાત્કાર બંધ થશે. સ્ત્રીઓ પર થતાં અત્યાચારને દરેક દેશમાં અવગણવામાં આવે છે આવું એક પુરુષ જ કહી રહ્યો છે ખૂબ દુખ સાથે. સત્તા અને સંપત્તિ માટે પુરુષો સ્ત્રીનો ઉપયોગ કરે છે એ જોઈને ડો. ડેનિસ જેવા પુરુષોને દુખ થાય છે અને શક્ય તેટલું કામ કરે છે. જ્યારે તેમને એવોર્ડ મળે છે ત્યારે એમને આનંદ થાય છે અને આશા બંધાય છે કે વિશ્ર્વ હવે આ અત્યાચારનો ભોગ બનતી ગરીબ સ્ત્રીઓ માટે વિચારશે. આવા અત્યાચાર બંધ થાય તે માટે પ્રયત્નો કરશે. ડો. ડેનિસ આવી સ્ત્રીઓની વેદનાને વિશ્ર્વ સમક્ષ મૂકીને લોકોને વિચારતા કરી મૂકે છે પણ અત્યાચાર અટકાવી નથી શકતા કારણ કે સત્તા સ્થાને બેઠેલી દરેક વ્યક્તિઓ તેમાં પોતાનો નિહિત્ સ્વાર્થ જુએ છે. દુનિયાને જરૂર છે આવા અનેક ડો. ડેનિસ જેવા પુરુષોની.




You Might Also Like

0 comments