માનો કે ન માનો મને પણ …

10:53


સ્ત્રીને પોતાના પર થયેલા જાતીય સતામણીને બોલવાની મોકળાશ આપવામાં આવશે તો …



જ્યારે તેની માતા બહાર જાય કે એ પણ તેની સાથે બહાર જવાની જીદ પકડતી. તેને ઘરમાં એકલા રહેતા ડર લાગતો હતો. તેના પડોશમાં જ રહેતા તેના પપ્પાના મિત્ર તેનું જાતીય શોષણ કરવા આવી જતા. એકવાર તેણે પ્રયત્ન કર્યો હતો માતાને કહેવાનો પણ તેણે માન્યું જ નહીં. એ તો તને દીકરીની જેમ રાખે છે. તારું મગજ ખરાબ થઈ ગયું છે કે એવું વિચારે છે. ચુપ રહેશે. 
દરરોજ પોતાના ઘરે બેસવા આવતા એ પપ્પાના મિત્રની આંખો પણ ચિત્રાના શરીરની આરપાર ઉતરી જતી. એને થતું કે તેમની આંખોને ખોતરી નાખે કે પછી પોતાની ચામડીને ઉતરડીને નાખે. 
પ્રિયાએ નવી ઓફિસમાં હમણાં જ જોડાઈ હતી. તેનાથી સિનિયર પંડયાસાહેબની પાસે એણે કામ શીખવાનું હતું. પંડ્યા વારેવારે તેને અડી લેતા. તેણે ના પાડી કે અડ્યા વગર વાત કરો પણ પંડયાએ પછી તો ધમકી જ આપી કે તારે નોકરી કરવી હોય, ઘરની બહાર નીકળવું હોય તો આવું બધું સહન કરવું જ પડે. નહીં તો ઘરની બહાર જ નીકળવાનું નહીં. ઘરમાં જ રહેવું જોઈએ છોકરીની જાતને…બીજા કેટલાય પુરુષોને નોકરી નથી મળતી તમારા જેવા ને કારણે. ૨૨ વરસની પ્રિયા ગભરાઈ ગઈ. તેણે ઓફિસના બીજા માણસો સાથે વાત કરી તો પંડયાસર વિશે કોઈ ખરાબ બોલતું નહોતું. એણે નોકરી છોડી દીધી. 
માનો કે ન માનો પણ આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે સ્ત્રીઓ સાથે. બાળપણમાં, મોટા થયા પછી. દરેક વ્યક્તિ જાણીતી હોય છે. બળાત્કાર કરતાં પણ સતત જાતીય સતામણીના ભય નીચે જીવતી નારીએ દરેક પગલે જંગ ખેલવાની હોય છે. આ વરસનું શાંતિ માટેનું નોબલ પારિતોષિક મળ્યું તે નાદિયા મુરાદને આતંકવાદીઓએ સેક્સ સ્લેવ એટલે કે તેમની વાસના સંતોષવા માટે ગુલામ તરીકે બંદી બનાવીને રાખી હતી. નાદિયા જેવી અનેક યઝદી છોકરીઓને તેઓ આતંકવાદી બનવા માટે ઈનામમાં આપતા હોય છે. કોંગો ડોકટર ડેનિસ મકગેવ રોજના દસ ઓપરેશન કરે છે એવી સ્ત્રીઓના જેમના પર સામૂહિક તેમ જ હિંસક બળાત્કાર થયો હોય. નાદિયા જેમ તેમ કરીને આતંકવાદીના ઘેરામાંથી ભાગી છૂટી હતી અને પોતાની આપવીતી દુનિયા સમક્ષ મૂકી હતી. તે ઈચ્છે છે કે એ પુરુષોને સજા થાય. ડોકરટર ડેનિસ પણ ઈચ્છે છે કે બળાત્કાર બંધ થાય તો સ્ત્રીઓની વેદના તેમણે જોવી ન પડે. તેમણે અત્યારસુધીમાં ૫૦ હજાર સ્ત્રીઓની સારવાર કરી છે. બળાત્કારીઓએ હિંસક રીતે ચીરી નાખેલા ગુપ્તાંગોને ઓપરેશન થિયેટરમાં સીવતાં ક્યારેક દ્રવી ઊઠે છે. 
તો બીજી તરફ મી ટુ એટલે કે મને પણ જાતીય સતામણીનો અનુભવ છે કહીને અનેક સ્ત્રીઓ બહાર આવી રહી છે. કોઈ દસ વરસે તો કોઈ ૩૦ વરસે તો કોઈ ૫૦ વરસે. અને હજી લાખો સ્ત્રીઓ ચુપ છે. તેઓ મને પણ બોલવા માગે છે પણ અવાજ નીકળતો નથી. બાળકી જ્યારે દુનિયાને જરાતરા ઓળખતી થાય છે ત્યારે એને સારું ખોટું ખબર નથી હોતી. એ સમયે દાદા, કાકા, મામા, ભાઈ, પિતા કે પછી કોઈપણ એવો પુરુષ જેમને તે ઓળખતી હોય તે એના શરીર સાથે રમે છે. એ રમત તેને ગમતી નથી પણ કોને કહેવું તે એને સમજાતું નથી. શું કામ એની સાથે થાય છે તેની પણ એને ખબર નથી હોતી. ઓપરા વિન્ફ્રીએ વરસો પહેલાં પોતાના પર થયેલા જાતીય સતામણીની વાત કરી હતી. હાલમાં તનુશ્રી દત્તા ભારતમાં તો ડૉ ક્રિસ્ટીન ફોર્ડ દ્વારા વરસો પહેલાં થયેલા જાતીય સતામણીના અનુભવની વાત કરી. તનુશ્રીએ જ્યારે વાત કરી અને જાણીતા અભિનેતાનું નામ આવ્યું તો લોકોને આઘાત લાગ્યો. કોઈક કહ્યું કે ફિલ્મમાં કપડાં ઉતારતી વખતે વાંધો નથી આવતો. આવા કામ કરે તો આમંત્રણ આપતી હોય તેવું જ લાગે વગેરે વગેરે…. કોઈપણ સ્ત્રીને કામના સ્થળે કે ઘરમાં થતો જાતીય સતામણીનો અનુભવ આખી જીંદગી યાદ રહેતો હોય છે. એવી વાત જે કહી ન શકાય હોય અને લાગતું હોય કે સામી વ્યક્તિએ ગુનો કર્યો છે તો એને સજા મળવી જોઈએ. ત્યારે જે સમયે અવાજ નીકળે છે ત્યારે દબાવેલી ચીસ સંભળાય છે. બધા જ પુરુષો બળાત્કારની નથી હોતા પરંતુ, મોટાભાગની સ્ત્રીઓને જાતીય સતામણીનો અનુભવ થતો હોય છે. તેને માટે એણે બહાર જવાની જરૂર હોતી નથી. ઘરની ચાર દિવાલોમાં પણ સ્ત્રી સુરક્ષિત નથી. આપણે એવો સમાજ રચી શક્યા નથી જેમાં સ્ત્રી સલામતી મહેસૂસ કરે. 
હવે તો નાના છોકરાઓને પણ છોડાતા નથી. નાનો છોકરો કૂમળો હોય છે અને તેની પણ જાતીય સતામણી કોચ, શિક્ષકો અને નજીકની વ્યક્તિ દ્વારા થતી હોય છે. આવી વ્યક્તિઓને પોતાને ય ગુનાહિત ભાવ હોતો નથી અને તેમને ખબર હોય છે કે બાળક કે સ્ત્રી બોલશે નહીં. એવો સમાજ રચ્યો છે કે સ્ત્રીને જ પોતે ન કરેલા ગુના માટે પણ ગુનાહિતતાનો ભાવ અનુભવાય. જરા પણ આવા અનુભવની વાત શરૂઆતમાં જ જો કોઈ છોકરીએ કરી તો સૌ પ્રથમ તેની આઝાદી ખતમ થઈ જાય. સ્ત્રીના શરીર સાથે માતપિતાની અને સમાજની આબરૂનો ક્રોસ જડી દેવામાં આવ્યો હોય છે.

અમેરિકામાં  ક્રિસ્ટીન ફોર્ડે દુનિયા સામે ન્યાયાધીશ બ્રેવ કેવનોએ ૩૬ વરસ પહેલાં કરેલી જાતીય સતામણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અહીં લોકો એમ પણ કહેશે કે શું કામ આટલા વરસ ચુપ રહી. તનુશ્રીએ તો દસ વરસ પહેલાં પણ વિરોધ કર્યો હતો, ફરિયાદ કરી હતી. તે છતાં એનો અવાજ દાબવી દેવામાં આવ્યો. અમેરિકામાં ૨૮ વરસ પહેલાં અનિતા હીલ નામની મહિલાએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો જાહેરમાં તે છતાં એ ન્યાયાધીશને પ્રમોશન આપવામાં આવ્યું. આ વખતે પણ બ્રેવને પ્રમોટ કરાયા. જો શક્તિશાળી મહિલાઓને પણ ન્યાય ન મળતો હોય તો સામાન્ય છોકરીઓમાં બોલવાની હિંમત કઈ રીતે આવે. સમય સાથે બદલાઈને એવું થઈ શકે કે સ્ત્રીને સલામત સ્થળ આપીએ. જો ઘરમાં પણ તે સલામત ન હોય, ઓફિસમાં સલામત ન હોય તો એ શું કરે? 
જ્યાં જ્યાં પુરુષ છે ત્યાં એ સલામત નથી. પુરુષ સ્ત્રીની રક્ષા કરે છે તે માન્યતા છે. મેં જાતે જોયું છે કે પુરુષો સત્તા હોય ત્યારે સ્ત્રીની સાથે કઈ રીતે વર્તે છે. સ્ત્રીના શરીરને સ્પર્શ કરવાની પરવાનગી તેઓ લેતા નથી. એવું માની જ લે છે કે તેમને મન થાય તે સ્ત્રીની સાથે તેઓ છૂટ લઈ જ શકે છે. હા, કેટલીક સ્ત્રીઓ પણ પોતાના ફાયદા માટે સત્તાશાળી પુરુષોને લલચાવતી હશે પણ તેમની સંખ્યા ઓછી છે. સ્ત્રી ક્યારેય બોલતી નથી, કારણ કે આપણે ત્યાં દંભને પોષવામાં આવે છે એટલે તેના પર બળાત્કાર થાય તો પણ તેને ચુપ કરી દેવામાં આવે છે. એવો કેસ મેં જોયો છે જ્યાં પિતા દીકરી પર નજર બગાડતા હોય અને તે વાતને દાબી દેવા માટે તેના લગ્ન ફક્ત ૧૭ વરસની ઉંમરે કરી દેવામાં આવે. તે દીકરી બાદ બીજી બે દિકરીઓ હતી તેનું શું થયું મને ખબર નથી. જેની સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તે પતિ પણ તેની બહેનપણીઓ પર નજર બગાડતો હતો અને કહેતો કે જો તેનું ફિગર તારા કરતાં વધુ સારું છે. 
સ્ત્રીને થતી માનસિક પ્રતારણાનું એક ટકા પણ જો પુરુષને સહેવું પડે તો આખી દુનિયા માથે લઈ શકે છે. અમેરિકા હોય કે ભારત કે કોંગો કે સિરિયા દરેક જગ્યાએ પુરુષો સ્ત્રીને એક ઉપભોગના સાધન તરીકે જોતા હોય છે. વળી આપણે ત્યાં તો સ્ત્રીનું શરીર જ આબરૂ હોય તે રીતે વર્તીને તેના પર નિયમો લાદવામાં આવે છે. નિયમો પુરુષો માટે બનાવો. તેમને શીખવાડો કે સ્ત્રી સાથે કઈ રીતે વર્તવાનું હોય. પોતાના શરીરની માગને કઈ રીતે પુરી કરવાની હોય. વાસનાને કાબૂમાં કઈ રીતે રાખવી. સ્ત્રીનો આદર કેવી રીતે કરવાનો હોય. બંધનમાં પુરુષને રાખવાનો છે સ્ત્રીને નહીં. તેને મુક્ત રીતે બોલતા શીખાવાડો. ના પાડતા શીખવાડો, મિત્રતામાં કે સંબંધોમાં કોઈપણ વ્યક્તિને ક્યાં અટકવાનું તે શીખવાડો. આ બધું પુરુષને બાળપણથી શીખવાડવાની જરૂર છે. સ્ત્રી અને પુરુષને એકબીજા વિના ચાલવાનું નથી. કુદરતે બન્નેને પોતાનું અસ્તિત્વ આપ્યું છે. જેમ કપડાં બાબતે અન્ય બાબતે આપણે જીવનમાં બદલાવ લાવ્યા છીએ તેમ વિચારોમાં પરિવર્તન લાવવાની જરૂર છે. 




You Might Also Like

0 comments