એ દુશ્મનોને લીધે જ આજે હું અહીં છું

03:58






ઈમેજ દ્વારા જ્યારે શત્રુ વિશેનો લેખ લખવા માટે પત્ર આવ્યો તો ખરું કહું તો પત્ર મને શત્રુ લાગ્યો. વચ્ચે થોડીવાર હું પત્રને ભૂલી પણ ગઈ. જરૂરી લાગ્યું કે લેખ લખું. શત્રુ જેવું મારે ક્યાં કોઈ છે ...એવા વિચાર સાથે જાતને છેતરી પણ ખરી. સાચું લખવું હોય તો લખી શકાય ખરું? જાતને તપાસી પણ જોઈ. દીપક સાથે વાત કરતાં હસી લીધું કે મારે ક્યાં શત્રુ શોધવા જવું પડે,,, ખેર પણ  જ્યારે લખવા બેઠી તો આખીય જીંદગીને પાછું ફરીને જોવાનું બન્યું. શોધી રહી હતી મારા શત્રુઓને...એવું નહોતું કે જીવનમાં કોઈ મને મારું દુશ્મન લાગ્યું હોય. અનેકવાર જીવનમાં લાગ્યું હતું કે વ્યક્તિ કે સંજોગો   મારા દુશ્મન છે. પણ જ્યારે આજે જોઉં છું તો સ્વીકારવું રહ્યું કે દુશ્મનોને લીધે આજે હું અહીં છું. 
મારો જન્મ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં થવો કે જ્યાં બારીમાંથી એક ઝાડવું દેખાય, ગુજરાતી માધ્યમમાં ભણવું, નાનકડી ઓરડી અને વિસ્તરવા માટે નાનકડું આકાશ ગુંગળાવે. અમારી પૂર્વ તરફની એક બારીમાંથી જે આકાશનો લંબચોરસ ટુકડો દેખાતો તેમાંથી ચંદ્ર જોઈ શકાતો. કેટલાક તારાઓ પણ. આજે વિચારું છું તો લાગે છે કે ટુકડા આકાશમાંથી ચંદ્રને અને સૂરજને પસાર કરીને મને બન્નેનો લાભ આપ્યો તે પ્રિવિલેજ મને દેખાયો નહોતો. મોટા આકાશ માટે ઝંખતી રહી પણ જો ટુકડા આકાશમાંથી મને સૂરજ-ચંદ્ર મળતા હોય તો ટુકડો આકાશ આપનાર મારો શત્રુ હોય શકે તે સમજવા માટે પચાસ વરસ લાગ્યા. 
ગુજરાતી માધ્યમમાં અને તે પણ મ્યુનિસિપલ શાળામાં ભણવાનું નસીબ આપવા માટે ભગવાન પર અનેકવાર ખીજ કાઢી હશે. આજે  દરેક વર્ગની તકલીફો અને પીડા સમજી શકું છું. નાના નાના સુખ અને મોટા લાગતા દુખ હકિકતમાં તો મારા શત્રુ નહોતા પણ મારા ઘડતર માટે જરૂરી સંજોગો હતા.
બાળપણમાં માતાને છીનવી લેનાર ભગવાનને શત્રુ માનવાનું કદી મન નથી થયું તે નવાઈ લાગે એવું છે. મા વિના મોટા થતાં જીવનના અનેક પાઠ શીખવા મળ્યા, પણ કેટલાક પાઠ શીખવાના રહી ગયા. નાનકડી બારીમાં બેસીને અનેક પુસ્તકો દ્વારા હું પહોંચી શકાય એવી દુનિયામાં ફરી આવતી. મારી માનસિક દુનિયા વિસ્તરતી ગઈ પણ વાસ્તવિક દુનિયા તો સીમિત રહેતી. થતું કે જો મને પાંખો મળે તો મનગમતી દુનિયામાં ઊડી જાઉં. સપનાંઓ જોવા મને ગમતા એટલે વાસ્તવિકતામાં રહેવા કરતાં કલ્પનાઓની દુનિયામાં હું વધુ રહેતી. કલ્પનામાં મારી ઊંચાઈ ઓછી પડતી. એટલે ક્યારેય કલ્પનાઓને રંગીન સ્વરૂપ આપી કલામાં કંડારી શકી. મારો દેખાવ, મારી ઊંચાઈ, મારી અણઆવડત બધું મને દેખાતું હતું. ઊંચાઈ ઓછી હતી એટલે એનસીસીમાં એરફોર્સમાં સિલેક્ટ થઈ શકી. હજી આજે પણ ઊંચી છોકરીઓને જોઈને નિશ્વાસ મૂકી દેવાય છે. કેટલું બધું કરવું હોય પણ કોઈને કોઈ ક્ષમતા ઓછી પડતી. સંજોગોરૂપી  દુશ્મનોની કોઈ કમી નહોતી વર્તાતી. પણ હાર માનવાની મારી જીદ્દને કારણે રસ્તા નીકળતા રહ્યા. કેટલાય ડેડ એન્ડ પર માથા પછાડીને વળી પાછી નવી સફર શરૂ કરી છે તે જોઈ શકાય છે. ઊંચા કૂદકા મારવામાં મારી ક્ષમતા, આવડત અને અણસમજ નડતા. દુશ્મનો સામે લડવું કેવી રીતે હજી આજે પણ સમજાતું નથી. કહેવું સહેલું છે કે આવડત કેળવવી, ક્ષમતા કેળવી શકાય પણ સંજોગોએ આપેલી મર્યાદામાં અણસમજ પણ વારસામાં મળી હોય છે તે દેખાય છે. મધ્યમવર્ગમાં જન્મવાનુંને પછી પરિસર પણ હોય, માનસિકતા પણ મળે અને કોઈ રસ્તો દેખાય બહાર નીકળવાનો. ઊંચો કૂદકો મારું તો આકાશને આંબી શકું કે વાસ્તવિકતાને ઉલ્લંઘી શકું. મને ખબર હોય કે મારી ઊંચાઈ અને ક્ષમતા ઓછા છે ઊંચો કૂદકો મારવામાં પણ વિશેની સમજ મને મોડી આવી.  ક્યારેક ઘૂંટણ છોલાયા કે પગ પણ ભાંગ્યો છે. સમજણની દાઢ મને ડહાપણની દાઢની જેમ મોડી ઊગતી હોય એવું લાગ્યું છે. 
વ્યાવહારિક બનવું કે ખોટી વાહવાહી કરી શકવાની ક્ષમતા હું કેટલીય થપાટો ખાઈને શીખી શકી, એટલે કેટલીકવાર મિત્રોએ દુશ્મન માની લીધી હોય તેવું બન્યું હશે તે આજે દેખાય છે. જે અણસમજ મને શત્રુ લાગતી હતી તે આજે લેખ લખતાં લાગે છે કે સારું થયું કે મને એવી સમજણ નથી આપી ભગવાને કે હું કેળવી શકી જે મને અમાનવીય બનાવે. સંવેદનહીન બનાવે. પત્રકારત્વમાં પ્રવેશ થતા નવું વિશ્વ મળ્યું પણ જલ્દી સમજાઈ ગયું કે પત્રકારત્વના કેટલાક પાસાંઓ મારા માટે નથી. ત્યાં સુધીમાં એટલું સમજાયું કે મારી અણસમજ જે મારી દુશ્મન છે તેની સામે બાથ ભીડવા કરતાં તેનાથી દૂર રહેવું. લોકોની સાથે સહજતાથી વાત કરવાની અને કઢાવવાની મારી ક્ષમતા જોઈને મને પત્રકાર બનવા લોકો પ્રેરતા હતા પણ મેં મેગેઝિન વિભાગમાં માનવીય અભિગમવાળી સ્ટોરી લખવાનું નક્કી કર્યું. રિપોર્ટર બનવામાં લાભ વધુ હતા, પણ ઉંમર વધતા મારી ક્ષમતા અને શત્રુઓને ઓળખતા શીખી ગઈ હતી. કેટલાક નિર્ણયો મેં લીધા તેમાં જીવન અને કુટુંબને પ્રાધાન્ય આપવું. 
જે બીજા કરી શકે તે આપણે પણ કરવું કે વ્યવહારિક બનતા શીખવું. શત્રુ વિશે કોઈ પૂછે તો સૌ પ્રથમ આપણાથી વધુ સફળ (વ્યવારિક રીતે) વ્યક્તિઓ દેખાય. આપણે ત્યાં પહોંચી શક્યા તેમાં આસપાસની એવી વ્યક્તિઓ દેખાય જે વ્યવહારિક રીતે વર્તી શકતી હોય અને તેમ કરવામાં આપણને હડસેલો મારવો પણ સ્વાભાવિક ગણાતો હોય. જ્યારે તમે અમુક ઉંમરે પહોંચો અને તમને સમજાય કે જીવનમાં શેનું મહત્ત્વ હતું ત્યારે ખાતરી થાય કે આપણે આપણા શત્રુ હોઈએ છીએ.  આપણે  હંમેશા બીજાની સાથે હરિફાઈ કે સરખામણી કરતા રહેવામાં સમય અને શક્તિ વેડફીએ છીએ. પ્રસિદ્ધિ કે પૈસો સુખ અને સંતોષ આપી શકતા નથી. ધરમપુરમાં એક ભાઈ મળ્યા હતા તેમની આવક હતી ફક્ત 3000 રૂપિયા પણ તેમને કોઈ ઓળખતું  નહોતું સિવાય કે ગામના લોકો. તેમના મોઢા પર સંતોષ અને શાંતિનું હાસ્ય હતું. તેમને કોઈ ફરિયાદ નહોતી. તે સમયે લાગ્યું કે ભાઈ મારા શત્રુ છે જે મારી મહેચ્છાઓ અને ઈચ્છાઓની નગ્ન તસવીર બતાવી ગયા. 
ક્યારેક લાગતું કે લગ્નસંસ્થા પણ મારી દુશ્મન છે પણ લગ્ન, કટુંબ તમને સતત તમારી સાથે વિકસવાનો મોકો આપે છે,પણ શરત છે કે જો આપણે આપણા શત્રુ હોઈએ. વળી બે વ્યક્તિઓ લડતી ઝઘડતી હોય અને તેને દૂરથી જોઈએ તો સમજાય કે કેટલા વાહિયાત કારણો છે અને છતાં જીવ ઉપર આવીને એકબીજાને દુશ્મન માનીને તેઓ લડતા હોય છે. તેને જરા ધ્યાનથી જોઈએ તો બન્ને પોતાના અહંકાર નામના શત્રુની સામે હારી ગયા હોવાથી લડતા હોય છે. સમજણ જ્યારે પાંગરે છે ત્યારે શત્રુનો નાશ થઈને સમજણની સંવાદિતા પાંગરતી હોય છે. કારણ કે કોઈ બીજું તમારું દુશ્મન બની શકતું નથી જો તમે ઈચ્છો તો.  
આજે મહિનાઓથી વિચારું છું શત્રુ વિશે ત્યારે એટલું સમજાય છે કે જીવવા માટે જરૂરી છે ફક્ત ટુકડો આકાશ. દરેકનું પોતાનું આકાશ હોય છે. કોઈ કોઈનું આકાશ છીનવી શકતું નથી કે તો આપી શકે છે. હા સમજણની બારી કોઈ જરૂર ખોલી આપી શકે જો આપણે આપણા દુશ્મન હોઈએ. બાકી બારી હોય, આકાશ હોય પણ આપણે આંખ ખોલીએ તેવું પણ બને ત્યારે કોને દોષ દઈશું?  



You Might Also Like

0 comments