આ વેકેશનમાં જાણીએ આપણા વાતાવરણને
20:27
દર વેકેશન બાળકોને ફરવા લઈ જવા કે શિબિરમાં મોકલી દેવા સિવાય પણ કંઈક જુદુ થઈ શકે
બાળકોનું વેકેશન શરૂ થાય એટલે દરેક માતાપિતાને ચિંતા રહે કે હવે તેમને કેમના બિઝી એટલે કે વ્યસ્ત રાખીશું. પ્રૌઢ દાદાદાદી કહેશે કે અમારા જમાનામાં કોઈ ચિંતા નહોતી. વેકેશન આવે એટલે બાળકો નાના-નાની કે મામા-મામીના ઘરે જાય. કેટલાક વળી પોતાના ગામ દાદા-દાદી પાસે જાય. ગામડામાં વેકેશન એટલે એડવેન્ચર જ હોય. ઉનાળો હોય એટલે તારા મઢ્યા આકાશને ઓઢીને બહાર વરંડામાં કે ઉપર ધાબે જઈને સૂવાનું. જે શહેરમાં કરવા ન મળે એ દરેક બાબત ઉત્સાહપૂર્વક કરવાની. ધૂળમાં રમવાનું, કેરીઓ તોડવાની, ચોરવાની. નદીમાં કે તળાવમાં ધૂબાકા લેવાના. કાચી કેરીના ઘરે બનાવેલ શરબત પીવાના બરફની તમા વિના. ધોમધખતા તડકામાં કાળા પડવાની ફિકર વિના રખડવાનું. જાતજાતના પક્ષીઓ અને ખિસકોલીઓની હિલચાલ બસ તાક્યા કરવાની કલાકો સુધી. રાતના તારાઓને ઓળખવાના ક્લાસ ભાભુઓની સાથે લેવાય. ખેર, હવે આ બધું ખોવાઈ ગયું છે આધુનિક શહેરીકરણના ઝાંવામાં. તે છતાં ટેકનોલોજીના ય ફાયદા છે. બાળકોને તમે દેશવિદેશ ફરવા લઈ જઈ શકો પણ તેને આપણી પૃથ્વીના વૈવિધ્યની ખરી ઝાંખી નહીં કરાવી શકો.
આ વેકેશન વાઈફાઈ સાથે બાળકોને દોસ્તી કરાવો અને શક્ય હોય તો તમે પણ રજા લઈને તેમની સાથે નેટફ્લિક્સનો આનંદ લો.
લ્યો ભવાં ચઢ્યાના તમારા કે બાળકોને ઘરમાં ગોંધી રાખવાની અને તે પણ ટીવીના સ્ક્રીન સામે ખોડાઈ જવાની સલાહ આપું છું. હા, બળબળતા ઉનાળામાં બપોરના બહાર જવું એ યોગ્ય નથી જ અને દરેકને દેશવિદેશમાં મહિનાઓ સુધી ફરવા જવું પોસાય નહીં. વળી જો પોસાય પણ ખરું તો ય અવર પ્લેનેટ અને કુદરતની ઓળખ કરાવતી અનેક ડોક્યુ સિરિઝોમાં જે રીતે કુદરતના ખરા રૂપરંગની ઓળખ કરાવવામાં આવે છે તે આપણાથી શક્ય બનવાનું નથી. કારણ કે તેમાં અઢળક સમય અને રૂપિયાની જરૂર પડે. વેકેશનમાં બાળકોને સવાર,સાંજ બહાર રમવા મોકલી શકાય કે લઈ જઈ શકાય. સાથે જ વાંચનની આદત પણ કેળવી શકાય. તમારા ગામની કે શહેરની લાયબ્રેરીમાં બાળકોને મેમ્બર બનાવી દો. શરૂઆતમાં તમે એની સાથે જઈ નિત નવા વિષયની ચોપડીઓની શોધ કરો અને તેને વાંચવાનો રસ કેળવવામાં બાળકોની મદદ કરો. તમને પણ રસ ન હોય તો તે કેળવો, જીવનમાં નવું શીખવાથી મગજ તંદુરસ્ત રહે છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. સાથે તમારું પણ જ્ઞાન વધશે. ભણવાના ક્લાસ કે ટ્યુશન મહેરબાની કરીને વેકેશનમાં ન કરાવો. વિવિધ વિષયનું વાંચન એ તમારા બાળકની મેધામાં ઉમેરો જ કરશે. બીજું કે અનલિમિટેડ વાઈફાઈ અને નેટફ્લિક્સમાં પૈસા રોકો. નેટફ્લિક્સમાં ફક્ત સેક્સ અને હિંસા જ દર્શાવવામાં નથી આવતી. તેમાં અનેક ધારાવાહિકો છે જે તમારું અને તમારા બાળકનું જ્ઞાન વધારી શકે છે. વળી આ ધારાવાહિકો ખૂબ રસપ્રદ રીતે બનાવવામાં આવે છે. હાલમાં જ પ્લેનેટ અર્થના મેકરો દ્વારા અવર પ્લેનેટ નામની ધારાવાહિક નેટફ્લિક્સ પર મૂકી છે. ડેવિડ એટનબરોનો સ્પષ્ટ ધીમો અવાજ જ્ઞાન સાથે જ હ્રદયને સ્પર્શી જાય છે. ડેવિડ એટનબરો એટલે ગાંધી ફેમ રિચર્ડ એટનબરોના ભાઈ તેમ જ પર્યાવરણશાસ્ત્રી અને ઈગ્લીશ બ્રોડકાસ્ટર છે.
અવર પ્લેનેટમાં વિઝ્યુલ જેટલો જ તેમનો અવાજ મહત્ત્વનો બની રહે છે. એ સાંભળવાથી અંગ્રેજીના ઉચ્ચારો અને બંધારણનો થોડો ખ્યાલ આવી શકે તે વધારાનો ફાયદો. અવર પ્લેનેટ ડોક્યુમેન્ટી સિરિઝ તૈયાર કરવા પાછળ જે જહેમત ઉઠાવવામાં આવી છે તેના કેટલાક આંકડા જોઈએ. તેને બનાવવામાં ૪ (ચાર) વરસ લાગ્યા. ૩૩૭૫ દિવસ તેનું શૂટિંગ ૬૦ દેશોમાં જઈને કરવામાં આવ્યું. આ ધારાવાહિક માટે ૪ લાખ કલાક તો કેમેરાનું રેકોર્ડિંગ મોનિટર કરાયું. કુદરતી દૃશ્યો અને પ્રાણીઓની હિલચાલ નોંધવા માટે વિવિધ સ્થળે કેમેરા ગોઠવવામાં આવતા તેને સતત મોનિટર કરવા પડે. ચેક કરવું પડે કે કંઈક મળ્યું કે નહીં. અને તે પણ અત્યંત ઠંડા પ્રદેશોમાં ઝાડ પર ચડીને કે પાણીમાં ઉતરીને. સાઈબિરિયામાં તો ક્રૂએ એક નાનકડી કેબિનમાં દિવસો સુધી બેસી રહેવું પડતું હતું. કુલ ૬૦૦ જેટલા ડ્રોન વાપરવામાં આવ્યા. ૯૧૧ દિવસતો સમુદ્રમાં રહીને ફિલ્મ ઉતારવામાં આવી. તે માટે ૨૦૦૦ કલાકનું ડાઈવિંગ દરિયાના પેટાળમાં કરવામાં આવ્યું. ૬૦૦ જેટલા કેમેરામેન, કોમપ્યુટર ઓપરેટર, અન્ય મદદનીશ તેમ જ એક્સપર્ટ્સ દ્વારા લગભગ ૨૦૦ વખત પ્રવાસ કરવામાં આવ્યો. લાખો રૂપિયાના ખર્ચ કર્યા છતાં જે હાડમારી તેમણે વેઠી છે તેનો પણ એક જુદો એપિસોડ તૈયાર કરાયો છે.
અવર પ્લેનેટ એટલે કે આપણી પૃથ્વીમાં કેટલી વિવિધ જાતની પ્રજાતિઓ એકબીજા પર કેવી રીતે અવલંબિત છે તેની સુંદર ફોટોગ્રાફી અને નેરેશન દ્વારા આપણી સુધી પહોંચે છે. પર્યાવરણમાં થતો જરાક અમથો ફેરફાર તેમના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે તે આપણે આ પહેલાં જાણી શક્યા નથી. ખૂબ જ સુંદર રીતે તેમ જ ખૂબ જ ઝીણવટપૂર્વક દરેક એપિસોડ તૈયાર કરાયા છે. પર્યાવરણમાં થતા સહેજ ફેરફારથી કેટલું બધું નુકસાન જીવ સૃષ્ટિને અને આપણી પૃથ્વીને થાય છે તે જાણી શકાય છે. આપણે જે રીતે ઉપભોક્તાવાદને અપનાવીને જીવીએ છીએ તેથી સૂક્ષ્મ ફેરફારો વાતાવરણમાં થાય છે અને તેની અસરથી ઉત્તરધ્રુવમાં બરફની શીલાઓ તૂટે છે. સમુદ્રનું તાપમાન સહેજ અમથું વધે કે તેમાં રહેતા જળચર પ્રાણીઓ અને વનસ્પતિ પર અસર કેવી રીતે થાય છે તેની માહિતી સહજતાથી આપણી સમક્ષ આવે છે. કેટલીક બાબતો આપણે વ્યથિત કરી શકે છે. ઈંગ્લેડમાં તો જેટલા યુવાનોએ આ ધારાવાહિક જોઈ ત્યારબાદ તેમણે જીવનમાં ધરખમ ફેરફાર અપનાવ્યા. પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત કરી નાખ્યો. માર્કેટમાં પણ તેને લીધે અસર થઈ. કુદરતી વાતાવરણમાં બદલાવ આવતો હોય છે તે અલગ વાત છે અને માનવ દ્વારા જે શહેરીકરણ થઈ રહ્યું છે તેની અસરને કારણે પર્યાવરણને આપણે ખોઈ રહ્યા છીએ. જંગલો નષ્ટ થતા તેમાં રહેતાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ નષ્ટ થાય છે. સાથે જ વાતાવરણ પણ બદલાય છે. જંગલો નહીં હોય તો વરસાદ ઓછો થશે અને જમીનનું વધુ ધોવાણ થશે. તેમાં મિનરલ નહીં રહે. કુદરતમાં દરેક બાબત મહત્ત્વની કામગીરી કરતું હોય છે તેને આ ધારાવાહિકમાં ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. બાળકોને દરરોજ એક એપિસોડ બતાવો, સમજાવો અને તેના વિશે વિચારવાની, લખવાની પ્રેરણા આપો. આ ધારાવાહિકમાં જે દૃશ્યો લેવાયા છે તે માટે હજારો કલાકોની મહેનત કરવામાં આવી છે. વળી તે વિશેની સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે જે આપણને એક એપિસોડમાંથી જ મળી રહે છે. આપણે ગમે તેટલું ફરવા જઈએ તો પણ દરિયાના પેટાળમાં રહેતાં જીવ અને તેમનો સંસાર કદી પણ જાણી શકવાના નથી. જંગલમાં રહેતાં પ્રાણીઓના જીવન વિશે આ પહેલાં પણ આપણે જોયું હશે પણ તેના વિશેની સુસંગત માહિતી અહીં મળી રહે છે અને તે પણ એટલી સરસ રીતે કે આપણને ઝકડી રાખે છે. બાળકોને આ નવી સૃષ્ટિનો પરિચય કરાવી શકો.
શક્ય છે આપણું જ કોઈ બાળક પર્યાવરણશાસ્ત્રી બને કે પર્યાવરણને કેમેરામાં કેદ કરનાર કેમેરામેન બને. આવી અનેક ધારાવાહિકો નેટફ્લિક્સ પર છે જે મનોરંજન સાથે જ્ઞાનમાં પણ વધારો કરે છે. રશિયામાં એક શહેર હતું ચર્નોબિલ જેને ન્યુક્લિઅર રેડિએશનને કારણે ખાલી કરી દેવામાં આવ્યું છે જે આજે ઘોસ્ટ ટાઉન તરીકે ઓળખાય છે. એ શહેરમાં આજે જંગલ ઊગી નીકળ્યું છે અને પ્રાણીઓ પણ રહેવા માંડ્યા છે. આ ડોક્યુમેન્ટરી સિરિઝમાં માણસની ક્રૂરતાની વાત નથી પણ કુદરત કેવી રીતે નવું વિશ્વ રચે છે તેની પણ વાત છે. હા ફક્ત પર્યાવરણ જ નહીં તમે શોધશો તો ઈતિહાસ, ભૂગોળ અને અન્ય અનેક વિષયો સાથેની ડોક્યુમેન્ટરી મળી રહેશે. કોમપ્યુટર ગેમની લતમાંથી બાળકોને છોડવવા બહુ અઘરા નથી તેમની સાથે બેસીને તેમને રસ પડે એવી પ્રવૃત્તિઓ શોધો. તેમને મોબાઈલ નહીં માતાપિતાનું યોગ્ય માર્ગદર્શન આપો. તમે પણ મોબાઈલમાં ચેટ કરવાને બદલે આવું જોવાની, વાંચવાની શરૂઆત કરશો તો બાળકોની ચિંતા વધુ નહીં કરવી પડે.
0 comments