ગાંધી ચીંધ્યા વિકાસની વાત
21:57ગાંધીબાપુ માટે વ્યક્તિગત વિકાસ નહીં પણ સમાજનો વિકાસ મહત્ત્વનો હતો. મૂલ્ય આધારિત વિકાસ એ જ ખરો વિકાસ.
ગયા અઠવાડિયે વિકાસને જે સામાન્ય રીતે આપણે સમજીએ છીએ તેના વિશે વાત કરી. એ જ સમજ સાથે આજે માર્કેટિંગ આધારિત વિકાસની વાતો આપણે કરીએ છીએ. ખરીદી વધે તો ઉત્પાદન વધે. ખરીદી વધે એ માટે ઉપભોક્તાવાદની માનસિકતા પેદા કરવી પડે. ખર્ચ કરવાની માનસિકતા વિકસાવવી પડે. લોકોની ખર્ચ કરવાની શક્તિ વધે તો ખરીદી વધે અને તો જ ઉત્પાદન વધુ થાય, નફો વધુ થાય અને વળી પાછી એ નફો બજારમાં આવે તો જ ચક્ર ચાલુ રહે. ઈકોનોમિની વાત સાદી ભાષામાં કહીએ તો સપ્લાય અને ડિમાન્ડ એ બે પલડાં ભારી હોવા જોઈએ. આજે ટેલિવિઝન પર ફિલ્મ જુઓ કે ક્રિકેટ જુઓ કેટલી જાહેરાતો તમારા માથે મારવામાં આવે છે. ક્રિકેટરના ટીશર્ટ અને બેટ ઉપર, મેદાનની ફરતે અને મેદાન ઉપર પણ જેમણે પૈસા આપ્યા હોય તે કંપનીની જાહેરાતો જોવા મળે છે. થોડો સમય પહેલાં કારનું વેચાણ વધુ થાય તે માટે યોજના બનાવાઈ હતી. જે લોકો પાસે કાર ખરીદવાના પૈસા ન હોય પણ કાર ખરીદવી છે તો કંપનીની જાહેરાતો કાર પર લગાવવા દો તો તેની આવકમાંથી કારનો ઈએમઆઈ નીકળી જાય. એ શરતો સાથે અનેકે અપની ભી એક દિન મોટરકાર હોગી વાળું સપનું પૂરું કર્યું હતું. આજે લોકોને પરવડે કે ન પરવડે પણ માર્કેટિંગ કરેલી દરેક સગવડો જોઈતી હોય છે તેથી લોકો લોન લઈને પણ વસ્તુઓ ખરીદતા હોય છે. લોન પૂરી ન કરી શકતા તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ચૂકવતા હોય છે. ખેર, બાપુની વિકાસની વાત આનાથી તદ્દન જુદી હતી. તેઓ સાદાઈ અને મૂલ્ય આધારિત વિકાસની વાત કરતા હતા.
ગાંધીજીને તે સમયે પણ ઈન્ડસ્ટ્રલાઈઝેશનની ઈકોનોમીમાં વિશ્વાસ નહોતો. તેમને લાગતું હતું કે તેનાથી ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ ઓર વધુ પહોળી થશે. માર્કેટિંગમાં મૂલ્યોનું ધોવાણ થઈ શકે છે. શહેરીકરણ અને ઉપભોક્તાવાદમાં સામાન્ય વ્યક્તિ ઘસડાશે તો એને ઉઝરડા જ પડે તે વાત ખૂબ સારી રીતે સમજતા હતા. આજે સાર્ધ શતાબ્દી નિમિત્તે આપણે ગાંધીજીનું પણ માર્કેટિંગ કરી રહ્યા છીએ પણ તેમના વિકાસ માટેના વિચારોને આપણે ભૂલી જવા માગીએ છીએ. ગાંધીજી ઈચ્છતા હતા કે ગામડાંઓ સ્વાવલંબી બને જેથી ગામડું છોડીને શહેર તરફ લોકો આંધળી દોટ ન મૂકે. કુદરતી સ્ત્રોતનો આદર થાય, જાળવણી થાય. કુદરતી ઉપચાર અને સ્વસ્થ તન, મનના તેઓ ખૂબ જ આગ્રહી હતા. જો એવું બને તો હોસ્પિટલના ખોટા ખર્ચાના મારથી સામાન્ય વ્યક્તિ બચી જાય. આજે તમે નાના શહેરો અને ગામડાંઓમાં જાઓ તો સૌથી વધુ હોસ્પિટલના બોર્ડ જોવા મળશે. દરેક ડોકટરોના ઘરે ગાડી, બંગલા હશે જ્યારે હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર ગરીબ ખેડૂત ખુવાર થઈ જાય એવું પણ બને. હોસ્પિટલનું બીલ ન પરવડે તો તે માટે વીમો લ્યો, વીમાની રકમ ભરવા માટે તમે વધુ કમાઓ અને સ્ટ્રેસ લઈને વધુ બીમાર પડો. દવાની કંપનીઓના માલિકો પણ ગરીબ નથી જ હોતા તેનું કારણ જણાવવાની જરૂર નથી. ખેર, ગાંધીજી રાજકીય કામોની વચ્ચે પણ કુદરતી ઉપચારો દ્વારા લોકોને મદદરૂપ થતા. તેઓ ગ્રામસેવકોને ખાસ બે વાત પર ભાર દઈને શીખવતાં એક તો સ્વચ્છતા અને બીજું કુદરતી ઉપચાર. સ્વસ્થ તન,મન હોય તો વિકાસની વાત પછી થઈ શકે. ત્યારબાદ ગ્રામ્યપ્રજા માટે જરૂરી ઉદ્યોગ વધુ સરળતા અને સારી રીતે કામ કરી શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની શોધ કરવી. ચરખામાં પણ સતતત સુધારાઓ તેમણે કરાવ્યા છે.
સ્વાવલંબન વ્યક્તિ, ગામ અને દેશ બને તે માટે તેમનો આગ્રહ લોકોને ત્યારે પણ કઠતો હતો. ગાંધીજી કોંગ્રેસના નેતાઓ સાથે દેશના ભવિષ્યની ચર્ચાઓ કરવાની સાથે રસોઈના કામકાજને પણ એટલું જ મહત્ત્વનું ગણતા હતા. ઘઉં વીણવા, શાક સમારવું, કપડાં ધોવા, વાસણ ઘસવા અને જમવાનું સુદ્ધાં બનાવવું તેમનો નિત્યક્રમ હતો. કોચરબ આશ્રમમાં આજેપણ જઈને જુઓ તો બે ઓરડીઓ છે તેની બહાર શિસ્ત અને કામના નિયમો લખેલા છે. ગાંધીજી ત્યાં જાતે રસોઈ બનાવતા. ગાંધીજી જો આજે હોત તો ટેકનોલોજીનો વિરોધ ન કરત પણ તેના દ્વારા વધુ સારી રીતે કામ કઈ રીતે થઈ શકે તે જરૂર કરત. ટેકનોલોજીનો રચનાત્મક અને યોગ્ય ઉપયોગની રીત તેઓ શોધી કાઢત. તે છતાં સ્વાવલંબનની વાત તેમણે છોડી ન હોત. બીજું સાદું ભોજન અને શિસ્તમય જીવનધોરણ માર્કેટિંગ વિરોધી જરૂર લાગે પણ તેનાથી આમ આદમી એટલે કે સામાન્ય માનવીને તણાઈ જવું ન પડે. પૈસાદારોને પણ સાદાઈથી જીવવાનો આગ્રહ તેઓ કરતા જેથી શ્રીમંતાઈનું વરવું પ્રદર્શન ન થાય તેમ જ પૈસાનો સદુપયોગ થઈ શકે. મણિભવન, મુંબઈના વરિષ્ઠ અધિકારી તેમ જ સ્કોલર ડૉ. ઉષા ઠક્કર એક લેખમાં શ્રી ઘોષના ગાંધી અને ડેવ્હલપમેન્ડના અભ્યાસી લેખનો ઉલ્લેખ કરતાં લખે છે કે ગાંધીજીના મતે વિકાસ એટલે માનવીય ગુણોનો વિકાસ જે દેહ, મન અને આત્માના વિકાસ સુધી લઈ જાય જેથી શારિરીક અને માનસિક મજુરીને એક જ કક્ષાએ લાવીને મૂકે. ગરીબી દૂર કરવાની બાબતને મહત્ત્વ આપે તેવા મૂલ્યોની વાત તે વિકાસ. સમાજિક ન્યાય, માનવીય અધિકાર અને સ્વતંત્રતા એ વિકાસના પાયામાં હોય તે જરૂરી ગણતા. ગાંધીજીના હરિજનમાં લેખો વાંચીએ તો ખ્યાલ આવે કે તેઓ વારંવાર એક જ વાત કરતા કે કેટલીક વ્યક્તિઓના હાથમાં વધુ પૈસા અને સત્તા ન હોવી જોઈએ. સત્તાનું વિકેન્દ્રીકરણના તેઓ હિમાયતી હતા. કુદરતી સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેનો વધુ પડતો ઉપયોગ વિનાશ તરફ દોરી જાય છે. સંયમી અને સાદગીપૂર્ણ જીવન વ્યવસ્થા હોવી જોઈએ. જરૂરી હોય તેટલું જ લેવું, ખરીદવું કે પેદા કરવું.
આજના માર્કેટિંગલક્ષી ઈકોનોમીથી તદ્દન વિરુદ્ધની વાત ગાંધીજીએ કરી છે. જો ગાંધી ચીંધ્યા માર્ગે આપણે ચાલીએ તો અનેક સમસ્યાઓ હલ થઈ શકે એમ છે. એક જ સામાન્ય વાત કરીએ તો કારનું ઉત્પાદન વધ્યું છે. વાહનવ્યવહાર જરૂરી છે પણ લકઝરી કાર તેમ જ એક કુટુંબમાં એકથી કારની જરૂર ખરી? વધુ કાર માટે, વધુ પેટ્રોલનો વપરાશ, વધુ કાર માટે મોટા રસ્તાઓ કરવા પડે તે માટે વૃક્ષોને કાપવા પડે. સામે એવું ય કહેવાય કે કારનો ઉદ્યોગ ફુલેફાલે તો વધુ લોકોને નોકરી મળે. પણ નોકરી કરનાર ખેતી કે ગૃહઉદ્યોગ છોડીને શહેરમાં મજૂરી કરવા આવે છે. તેની સ્થિતિ સુધરતી નથી પણ કાર બનાવનાર માલિકોની સ્થિતિ જરૂર સુધરે છે. શ્રીમંત પરિવારો દ્વારા લગ્નોમાં થતાં ખર્ચાઓનો પણ ગાંધીજી વિરોધ કરતા હતા. તેમણે અનેક શ્રીમંત પરિવારોને સાદાઈથી લગ્ન કરવાની અને પૈસાને સમાજના કાર્યમાં વાપરવાની પ્રેરણા આપી હતી. ગાંધીજીના વિચારોને આજે કદાચ જેમ ને તેમ અપનાવી ન શકાય તે માન્યું પણ તેમણે આપેલા વિચારોને સમાજના હિતમાં ઉપયોગમાં લેવાય તો ય સાચો વિકાસ થઈ શકે. આજે ગામડાંઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરો મોંઘા, ગંદા તેમ જ માનવવસ્તીથી ગીચ બની રહ્યા છે. શહેરમાં રહેવા માટે ઘર બનાવવું એક સામાન્ય માણસ માટે મુશ્કેલ બની રહ્યું છે જ્યારે કરોડોના અનેક ફ્લેટ શ્રીમંત વ્યક્તિઓ પાસે હોઈ શકે. રજવાડાં ગયા પણ દરેક શહેરમાં કેટલાક વિસ્તારો ખાસ શ્રીમંતોના હોય છે ત્યાં રાજાશાહીથી જ શ્રીમંત વ્યક્તિઓ રહેતી હોય છે. જ્યારે એમના ઘરે કામ કરતાં મજૂરોને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. ગાંધીજી હોય તો આ વિકાસના સખત વિરોધી હોત. વિકાસના નામે ઝઘડવાને બદલે ગાંધીજીના વિકાસની વ્યાખ્યાને જો થોડીપણ અપનાવીએ તો અનેક સમસ્યાઓ હલ થઈ શકે છે અને સાચો વિકાસ સાધી શકીએ.
0 comments