અફવાઓ અને ફેકન્યુઝનું ગરમા ગરમ બજાર

03:35






ટાઢા પહોરનાં ગપ્પાં જેવા સમાચારો સેન્શેશનલ રીતે રજૂ કરવામાં આવે ત્યારે લોકોને એમાં રસ પડે છે. સોશિયલ મીડિયામાં તે આગની માફક જગતભરમાં ફેલાય છે





આજે ગુજરાત વોટિંગ કરશે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ખોટા સમાચારો રસપ્રદ રીતે ફોરવર્ડ કરવામાં આવશે. જો કે છેલ્લા બે મહિનામાં ચૂંટણીએ ફેક ન્યુઝનું બજાર ધમધમતું રાખ્યું છે. બન્ને મોટા પક્ષોના ચાહકો તેમના પક્ષ વિશેની સારી વાતો અને વિરોધી પક્ષ વિશેની ખરાબ વાતોને તોડીમરોડીને સોશિયલ મીડિયામાં વહેતી કરી રહ્યા છે કે પછી તદ્દન ફેક ન્યુઝ વહેતા કરી રહ્યા છે. 
યાદ છે નોટનું વિમુુદ્રીકરણ થયા બાદ અનેક સમાચાર અફવાઓનું બજાર ગરમ રાખી રહ્યા હતા. તેને ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચારો પણ કહી શકાય. સમાચારો ટાઢા પહોરના ગપ્પાં જેવા હોય છે પણ લોકોને ગપ્પાં હાંકવાની અને સાંભળવાનીય મજા આવતી હોય છે. ૧૯૪૭ની સાલમાં ગોર્ડન ઓલપોર્ટ અને લિઓ પોસ્ટમેને સાયકોલોજી ઓફ રુમર નામે પુસ્તક લખ્યું હતું. તે સમયે રુમર એટલે કે અફવાઓનું બજાર ખૂબ ગરમ હતું. અફવા અને પંચાત બન્નેમાં ફરક હોય છે. પંચાત અંગત હોય છે જ્યારે અફવા સમાજના જીવનને સ્પર્શતી સમસ્યાને લગતી હોય છે. અફવાઓ સમાચારો બનીને હવે અખબારો અને વેબસાઈટ્સ પર છપાઈ રહી છે. તમને યાદ હોય તો ચારેક વરસ પહેલાં મીઠું અને સાકર નહીં મળે તેવા ફેક ન્યૂઝ કહો કે અફવા ફેલાઈ અને આખાય દેશમાં ૧૦ રૂપિયાની મીઠાની થેલી ૪૦૦ અને ૮૦૦ રૂપિયામાં વેચાવા લાગી હતી. લોકોએ મીઠું લેવા માટે મોલમાં અને દુકાનોમાં લાંબી લાઈન લગાવી એટલું નહીં કેટલાક સ્થળોએ તો દુકાનોમાં  લૂંટ ચલાવી હતી.

ફેક ન્યૂઝ કે અફવાઓના ગપગોળા ફેલાવનારાઓનો એક આખો વર્ગ હોય છે. અનેક વખત  અભિનેત્રી કે અભિનેતાના મૃત્યુના સમાચારો અફવા રૂપે ફેલાતા હોય છે.  દિલિપકુમાર, રેખાના મૃત્યુની અફવાઓ અનેકવાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી છે. 

ગપગોળા સમાચારોની શરૂઆત બ્લોગથી થઈ હતી. જોકે હવે આવા ફેક સમાચારો દ્વારા પ્રસિદ્ધિ મેળવવાનું નવું ચલણ શરૂ થયું છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં તેની ઘણી બોલબાલા છે.બે એક વરસ  પહેલાં રજૂ થયેલી દિલ હૈ મુશ્કિલ ફિલ્મની પબ્લિસિટી આવા અનેક ફેક સમાચારો દ્વારા થઈ હતી. તેમાં ઐશ્વર્યા રાયના ઘરમાં તેના લવસીનથી નારાજગી જેવા સમાચારો પણ હતા. નોટના વિમુદ્રીકરણ બાદ દરરોજ નાના-મોટા અનેક ફેક સમાચારો સવાર સાંજ અફવાના બજારને ધમધમતું રાખી રહ્યા હતા.  ફેક ન્યૂઝ આપતી વેબસાઈટ આજે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થઈ રહી છે તે દર્શાવે છે કે લોકોને અફવાઓ એટલે કે ગપગોળા સાંભળવા ગમે છે અથવા આવા સમાચારો વધુ સનસનાટી સર્જાવતા હોવાથી લોકોનું ધ્યાન તુરત ખેંચાતું હોય છે. આવા સનસનાટીભર્યા સમાચાર આપણને ગમ્યા કે બે ઘડી રોમાંચ જગાવી ગયા તો બીજાને પણ ગમશે એવું માનીને ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં હવાની ઝડપે ફરવા લાગે છે. ફેસબુક અને ગુગલ અમેરિકાની ચૂંટણીમાં ફેક ન્યૂઝ તેમના દ્વારા વધુ ફર્યા તેને કારણે પરેશાન છે. ફેસબુક ઝકરબર્ગે કૉલેજમાં લોકોને એકબીજા વિશે જાણવા માટે સોશિયલ સાઈટ તરીકે નાના પાયે શરૂ કરી હતી. માનવી સામાજિક પ્રાણી છે તે ફેસબુકની વિશ્વભરમાં થયેલી પ્રસિદ્ધિ દ્વારા ફરી એકવાર સાબિત થઈ ચૂક્યું છે. 
ફેસબુક પણ ઓછું પડ્યું તે ટ્વીટર, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવી અનેક સોશિયલ સાઈટ્સ શરૂ થઈ. તેમાંથી કેટલીક ચાલી તો કેટલીક લંગડાતી ચાલી પણ ઝકરબર્ગના સારા નસીબે ફેસબુક આજે ગ્લોબલ દુનિયા બની ગયું છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ફેક ન્યૂઝે મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. અફવાઓ જે સામાન્ય માણસોની સાયકોલોજીને અસર કરે છે તેના પર લગામ તાણવાની ફેસબુક અને ગુગલને જરૂર પડી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે પહેલાં તો ફેસબુક અને ફેક ન્યુઝ હોઈ શકે કહી વાત ઉડાવી દીધી હતી પણ છેવટે કહેવું પડ્યું કે ફેક ન્યૂઝ માટે તેઓ ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે. અમારી જવાબદારી પણ છે. તે છતાં ફેસબુક વાપરનારાઓએ ફેક ન્યૂઝ માટે અમારું ધ્યાન દોરવું જોઈએ. હવે ફેસબુક આવા ફેક ન્યૂઝ પોષ્ટ કરતી વેબસાઈટ્સને ઓળખીને તેને બ્લોક કરવાના કામે લાગી ગઈ છે.

સામાજિક સાયકોલોજિસ્ટ ગોર્ડન અને લિઓએ કરેલા અભ્યાસ મુજબ અનેક કારણસર અફવાઓ ફેલાય છે તેમાના કેટલાક મુખ્ય કારણો -

. જ્યારે અનિશ્ચિતતાનો માહોલ હોય - જેમ કે હાલ ભારતમાં કઈ સરકાર ચૂંટાઈને આવશે તે ખબર નથી પડતી. જ્યારે નોટ બંધીની જાહેરાત બાદ લોકો નવેમ્બરના રોજ રાતના રસ્તા પર દોડી ગયા હતા પાસે હતી એટલી નોટોનો નિકાલ કરવા માટે અને તે સમયથી અનેક ફેક સમાચારો સોશિયલ મીડિયા પર હજી આજે પણ ફરી રહ્યા છે જેમ કે ૨૦૦૦ની નોટ બંધ થઈ શકે છે.  તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અનેકવાર તેમના મૃત્યુ વિશે ફેક સમાચારો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા. જેમ કે તેમનું મૃત્યુ થઈ ગયું છે પણ અંધાધૂંધી ફેલાય એટલે જાહેર નથી કરવામાં આવતું વગેરે

. જ્યારે લોકોમાં ચિંતાનો માહોલ હોય છે - અનિશ્ચિતતાને લીધે લોકોમાં ચિંતા શરૂ થાય છે વળી કંઈક ખરાબ થઈ રહ્યું છે કે થવાનું છે એવી નિરાશાવાદી કે નકારાત્મક અફવાઓ હકારાત્મક વાતો કરતાં વધુ ઝડપથી ફેલાય છે.

. માણસો ફેક ન્યૂઝ ત્યારે ફેલાવે છે કે જ્યારે માહિતીની સૌથી વધુ જરૂર હોય છે. વળી તમે જેની સાથે સંકળાયેલા હો તે બાબતે અફવાઓ કે ફેક ન્યૂઝ જલદી અસર કરે છે. ઉદાહરણ તરીકે તમે જે કંપનીમાં કામ કરી ચૂક્યા હો તેના વિશે કોઈ સમાચાર આવે તો તમને વધુ રસ પડે છે. માણસો ફેક ન્યૂઝ આગળ ફેલાવે છે કારણ કે તેમાં માહિતી સાચી હોવાની શક્યતા જણાય છે. જેમ કે ૨૦૦૦ની નોટ પણ આગળ જતાં બંધ કરી દેવામાં આવશે કે ૧૦૦ રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે કે હવે બૅન્કમાં પૂરતી નોટો નથી વગેરે વગેરે

બધા ઉપરાંત સેન્શેનલ અને તેમાંય ખાસ કરીને કોઈ સેલિબ્રિટીઝના લફરાંની વાત હોય કે અંગત વાતો હોય તો તરત લોકો વાંચે છે અને તેને આગળ ફેલાવે છે, એટલે મોટા ભાગનાં અખબારો અને મેગેઝિનો જે હોય તેવા સેન્શેનલ હેિડંગ આપે અને વાચકોને ખેંચે. તો એક વેબસાઈટે થોડો સમય પહેલાં એક સમાચાર છાપ્યા હતા કે એક વ્યક્તિએ ડેટિંગ સાઈટ પર કેસ કર્યો કારણ કે સભ્ય બન્યા છતાં તેને એક પણ છોકરી સાથે મિત્રતા કેળવવા મળી. સમાચાર તદ્દન ફેક હતા. ફેક સેન્શેનલ સમાચારો લખવા માટે કેટલાક લેખકોને સારા એવા પૈસા મળે છે, કારણ કે આવા સમાચારોને વધુ ક્લિક મળે છે. રસપૂર્વક ફેક સમાચાર લખવા પણ એક વ્યવસાય થઈ પડ્યો છે. પછી તે ટેલિવિઝન હોય કે વેબસાઈટ હોય કે પ્રિન્ટ મીડિયા કેમ હોય.

You Might Also Like

0 comments