પૌરુષીય માનસિકતાની પ્રતારણા

23:02











 સમાજનો પ્રવાહ બદલાઈ રહ્યો છે તેનો સ્વીકાર પણ છે અને નકાર પણ છે. પિતૃસત્તાક માનસિકતા પુરુષને પીડતી હોય છે. 





એક પુરુષ બીજા પુરુષને કિસ કરતો સીન પરદા પર જોવાની આદત નથી, એટલે શું થાય કે હવે સહજતાથી એવું દૃશ્ય આવે ત્યારે ચેનલ ફેરવી નાખવાનું કરીએ કે તેને  જોવાનું ટાળીએ પણ ખરા.  આર્ટિકલ ૩૭૭ની કલમ નાબૂદ કરવામાં આવતા  સજાતીય સેક્સુઅલ સંબંધો હવે  ગુનો નથી બનતા પણ તેનો સ્વીકાર સહજતાથી સમાજમાં હજી પણ થતો નથી. માન્યતાઓ બદલાતા સમય લાગશે પણ તેના વિશે વાતો થવા લાગી છે અને ફિલ્મો તેમ સિરિયલ પણ બનવા લાગી છે. જાતીય ભેદભાવ આપણા સમાજમાં એટલો દ્રઢ છે કે અત્યાર સુધી તેનો સ્વીકાર કરી શકાતો નહોતો. ભારતીય સમાજમાં કામસૂત્રમાં સજાતીય સંબંધોની વાત છે અને મંદિરો પર કેટલાક શિલ્પોમાં પણ તેને કંડારવામાં આવ્યા છે તે છતાં અંગ્રેજોની હકૂમત આવ્યા બાદ સંકૂચિત માનસિકતા આપણા ભારતીય સમાજમાં પણ પ્રવેશી. અંગ્રેજોના જમાનાના કાયદાઓને હજી આપણે અનુસરતા આવ્યા હોવાથી માનસિકતાની તકલીફો ઊભી થઈ. કાયદાઓ સમાજને શિસ્તમાં રાખવા માટે ઘડાય છે અને શિસ્ત સમાજની સંસ્કૃતિ આધારિત હોવાથી સમાજની માનસિકતા કાયદામાં પ્રતિબિંબિત થાય. કાયદામાંથી નીકળી જવા છતાં સમાજની માનસિકતામાંથી શિસ્તને દૂર થતાં સમય લાગે છે. 
જેમ મંગળસૂત્ર કે ચાંદલો કરવો કોઈ કાયદો નથી પણ સમાજની પ્રથા છે જે માનસિકતા બની ગઈ છે. મંગળસૂત્ર પહેરેલી સ્ત્રી પરિણીત છે તે માની લેવામાં આવે છે. ફેશન ખાતર કોઈ મંગળસૂત્ર પહેરે તેવું માની કે સ્વીકારી શકાતું નથી. છેવટે તો તે પણ એક ઘરેણું છે. રીતે પુરુષ હોવા માત્રથી તેણે ચોક્કસ રીતે વર્તવું જોઈએ તે માની લેવામાં આવે છે. એમાં જો કોઈ પુરુષ જરા જુદી રીતે વર્તે તો તેનો સ્વીકાર થઈ શકતો નથી. જેમ કે પુરુષ જો સ્ત્રીના કપડાં પહેરે કે તેને પુરુષને પુરુષ સાથે પ્રેમ કરે. પુરુષમાં સ્ત્રૈણ વ્યક્તિત્વનો સ્વીકાર નથી થતો પણ સ્ત્રી ગુણોનો સ્વીકાર સહજતાથી થાય છે. પુરુષોને પણ સ્ત્રી જેવા કાળજી લેનારા ગુણ ધરાવતો પુરુષ ગમે છે. પૌરુષ્યમાં રહેતો અને ક્રૂરતા દર્શાવતાં પુરુષને પ્રેમી તરીકે સ્ત્રી નથી જોઇ શકતી. સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ, નમ્રતાપૂર્વક વર્તન કરતો પુરુષ સ્ત્રીને આકર્ષે છે. પણ સ્ત્રૈણ પુરુષ સ્ત્રી કદીય નથી ઇચ્છતી. એટલે ક્રોસ ડ્રેસિંગ પણ વિવાદો ઊભા કરે છે
સ્ત્રૈણ રીતે વર્તતો પુરુષ જે સમાજમાં સતત હાંસીનું પાત્ર બને છે. પરંતુ, તેની માનસિકતાને પણ સમજવાની જરૂર હોય છે. જાણીતા સાયકોલોજિસ્ટ મુકુલ ચોક્સી જણાવે છે કે આમાં ચાર પ્રકારની કેટેગરી હોય છે. પહેલી ક્રોસ ડ્રેસિંગ તરીકે ઓળખાય છે તે જેના વિશે આપણે ગયા અંકના લેખમાં વિસ્તૃતરૂપે સમજ્યા. તેને ટ્રાન્સવેસ્ટિસિઝમ પણ કહેવાય છે. મુકુલભાઈ વિગતે આના વિશે જણાવતાં કહે છે કે ક્રોસ ડ્રેસિંગ સ્ત્રી/પુરુષ બન્નેમાં હોય છે. પરંતુ, પુરુષોમાં ક્રોસ ડ્રેસિંગમાં મોટેભાગે સેક્સ્યુઅલ અરાઉઝલનો સંદર્ભ હોય છે. તેમાં પુરુષ ખાનગીમાં સ્ત્રીના કપડાં પહેરીને આયના સામે ઊભો રહીને પોતાને જોતાં જાતીય આવેગ અનુભવે છે. તેને સેક્સ્યુઅલ વિકૃતિ પણ ગણી શકાય જે નોર્મલ નથી હોતી. જોકે આવા પુરુષોમાંય બે જાત હોય છે એક તેઓ ક્યારેક આવી ક્રિયા કરતાં હોય અને પત્ની સાથે નોર્મલ સંબંધ બાંધી શકતા હોય, બીજું તેઓ ફક્ત રીતે ક્રોસ ડ્રેસિંગથી ઉત્તેજના અનુભવે અને પત્ની સાથે પર્ફોર્મ કરી શકતા હોયબીજી જાતિ છે તે ટ્રાન્સજેન્ડર કહેવાય છે. જેમાં પુરુષનું શરીર હોવા છતાં તેને લાગે છે કે પોતે સ્ત્રી છે. અને સ્ત્રી તરીકે જીવવા માગે છે. વરસો પૂર્વે ૧૯૫૦ની આસપાસ આવી વ્યક્તિઓને અનેક સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ અપાતી, શોક થેરેપી પણ અપાઈ વૃત્તિ બદલવા માટે. કારણ કે આપણો સમાજ પુરુષને સ્ત્રીના હાવભાવ કે સ્ત્રીત્વને અપનાવતો જોવા કે સ્વીકારવા ટેવાયેલો નથી. પણ કોઇ રીતે આવા પુરુષને સ્ત્રી બનવાના વિચારમાંથી ચલિત કરી શકાતા. ૧૯૬૦-૭૦ના દાયકામાં આખરે આવા પુરુષોની સર્જરી કરીને સ્ત્રીમાં પરિવર્તિત કરવાનો વિચાર કર્યો
મહાભારતમાં આવતું શિખંડીનું પાત્ર અંગે પણ અનેક વાતો પ્રચલિત છે એમાં એક વાત એવી છે કે તે પુરુષ છે પણ તેનામાં સ્ત્રૈણ ગુણો જણાય છે જે તેના આગલા જન્મમાં અંબાનો અંશ છે. કહેવાનું તાત્પર્ય કે સ્ત્રીના ગુણો ધરાવનાર પુરુષ હોવું તે પુરુષ માટે પણ ગર્વની બાબત હોય છે. પંડિત બીરજુ મહારાજે એક મુલાકાતમાં મને કહ્યું હતું કે તેઓ જ્યારે નૃત્ય કરે છે ત્યારે કૃષ્ણને સામે અનુભવે છે. તેમના માટે કૃષ્ણ પ્રેરણા પુરુષ છે જેમનામાં લાસ્ય અને લાલિત્ય ભારોભાર છે
કૃષ્ણ મસ્ક્યુલિન નહીં પણ નમણાં અને સુંદર કલ્પાય છે. તે રાસ રમી શકે, વાંસળી વગાડી શકે અને રુકમણીનું હરણ પણ કરી શકે. સ્ત્રીની છેડછાડ કરે છે પણ તેમનું સન્માન અને શીલની રક્ષા પણ કરે છે. અને એટલે તેમને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવાય છેઅર્ધનારીશ્વર શિવને આપણે પૂજીએ છીએ. એટલે પુરુષના સ્ત્રી ગુણોનો સ્વીકાર આપણા ધર્મમાં પણ છે
સ્ત્રીની જેમ સહજતાથી ફિલ્મ જોતાં કે સુંદર દૃશ્ય જોતાં આંખો ભરાઈ આવે તેવા પુરુષો સહૃદયી હોય છે. અત્યાર સુધી સમાજે વિદિત કરેલા સ્ત્રીના કામો પુરુષ કરે તો નાનપ મનાતી કે તે પુરુષને બાયલો કહીને ચીડવવામાં આવતો. પણ આજે તે બાબતોને સૌજન્યતાનું નામ આપવામાં આવે છેપુરુષમાં સ્ત્રીત્વ હોવું અમુક હદ સુધી આવકાર્ય છે. પણ જો પુરુષ પોતે સ્ત્રી બનવા માગતો હોય કે સ્ત્રીત્વ અનુભવતો હોય તો પણ સ્વીકાર્ય હોવું જોઇએ. તેની મજાક ઉડાવવાને બદલે તેના પ્રત્યે અનુકંપા થવી જોઇએ. તેના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ, કારણ કે દરેક પુરુષને સેક્સ પરિવર્તન કરાવવું પરવડે નહીં કે દરેક પુરુષ જાતિ પરિવર્તન કરાવવા માગતો હોય એવું પણ નથી. 
જાતિ પરિવર્તનનો આજે  ધીમે ધીમે સહજતાથી સ્વીકાર થઈ રહ્યો છે પણ સ્ત્રીમાંથી પુરુષ બનતી સ્ત્રીનો જેટલો સહજતાથી સ્વીકાર થાય છે એટલો પુરુષમાંથી સ્ત્રી બનતા કે બનવા માગતા પુરુષનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર નથી થતો. 
પુરુષ એટલે કે જેને સ્ત્રીનો સાથ ગમે, જે ખડતલ અને રફટફ દેખાય અને વર્તે પણ રફટફ. દાઢી ધરાવતો પુરુષ બીજા પુરુષને ચુંબન કરતો હોય તે આજે સહજતાથી ફિલ્મો અને ધારાવાહિકોમાં દર્શાવવામાં આવે છે તે દર્શાવે છે કે સમાજમાં ધીમો પણ બદલાવ આવી રહ્યો છે. એનો અર્થ કે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓનો પણ સમાજમાં સ્વીકાર થઈ રહ્યો છે. મોટાભાગનાને એની સામે સખત વાંધો હોય કારણ કે તેઓ એવું માનતા હોય છે કે જોવાથી બાળકો બગડી શકે કે પછી તેઓ સામાન્ય સમજ પ્રમાણે બીજાને મુલવે. દરેક વ્યક્તિનું બંધારણ જુદું હોઈ શકે અને તેની પસંદગી પણ એટલે જુદી હોય છે તે સમજવા કે સ્વીકારવા તૈયાર નથી હોતા. 
 જાતીય ભેદભાવ સાથે વ્યક્તિને જોવાય છે એટલે ઘર્ષણ થતા હોય છે. સ્ત્રીનો  વ્યક્તિ તરીકે સ્વીકાર કરવામાં આવે તો પુરુષોનો પણ વ્યક્તિ તરીકે સ્વીકાર કરવો પડે. પુરુષને પણ બાંધેલા માન્યતાઓના માળખામાંથી મુક્ત કરવો પડે. પુરુષની પણ પોતાની પસંદગી હોઈ શકે, વાળ લાંબા રાખવા કે ટૂંકા, કપડાં કેવા પહેરવા કે પછી જાતીય સંબંધ  કોની સાથે બાંધવો. દરેક વ્યક્તિને સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે તેનો સ્વીકાર થાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય. પુરુષને પણ પૌરુષિય માળખામાંથી મુક્ત કરવામાં આવે તો હિંસા ભલે બંધ થાય પણ  ઓછી થઈ શકે છે. મને ખ્યાલ છે કે એવી કલ્પના પણ કરવી કેટલાક માટે મુશ્કેલ છે પણ લાગે છે સમાજ બદલાય રહ્યો છે.  પુરુષોને પણ પિતૃસત્તાક સામાજિક માનસિકતાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પુરુષે અમુક રીતે વર્તવું તેવો આગ્રહ પુરુષને માનસિક પ્રતારણા આપતો હોય છે. જેને કારણે પુરુષોમાં હતાશા એટલે કે ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. 

You Might Also Like

0 comments