તાંજોર ટિફિન - ચેટ્ટિનાડ મસાલાનો સ્વાદ અને સોડમ

22:07







તમે સાઉથ ઈન્ડિયન ફૂડના ફૅન હો અને ઈડલી-ઢોસા વડાંને બદલે કંઈક જુદું ટ્રાય કરવા માગતા હો તો તામિલનાડુના થાંજાવુર પ્રદેશનું ક્વીઝિન ટેસ્ટ કરવું જોઈએ. જો કે મરી-મસાલાથી ભરપૂર આ ફૂડ બમ્બૈયા સ્વાદથી ટેવાયેલાઓ માટે નથી 






તાંજોર ટિફિન વર્સોવામાં આવેલી ફાઈન ડાઇનિંગ કક્ષાની દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટમાં તમે જાઓ અને એનો એટમોસ્ફિયર તમને કોઈ જુદી દુનિયામાં લઈ જાય તો સ્વાદ અને મનને હૃદયને પહોંચે છે.  ટિફિન શબ્દ આપણને છેતરામણું લાગે છે. તાંજોર ટિફિન શબ્દ સાંભળતા ટિફિન શબ્દ માટે થોડી ઉત્સુકતા ઉદ્ભવી. એટલે તાંજોર ટિફિનમાં જમવા જતા પહેલા થોડું રિસર્ચ કર્યું.   કેપ્ટન થોમસ વિલિયમ્સને ઈસ્ટ ઈન્ડિયા વડે મેકુમ નામના પુસ્તકમાં લખ્યું છે કે ટિફિન એટલે વહેલું લેવાતું ડિનર એટલે કે એક કે બે વાગે  ખાવામાં આવે ભારત સ્વતંત્ર થયું બ્રિટિશરો ના પંજામાંથી છૂટયો ત્યાં સુધી શબ્દ ટિફિંગ તરીકે ઓળખાતો જે. સિપિંગ માં થી ટિફિંગ બન્યો અને કાળક્રમે  ટિફિન શબ્દ  આપણને મળે છે.  
ટિફિન  મેમરી એન્ડ રેસીપી ઓફ ઇંડિયન વેજિટેરિયન ફુડ - રુકમિનિ શ્રીનિવાસનું  પુસ્તક હાથ લાગ્યું, જેમાં ટિફિન શબ્દ વિશે વાંચવા મળ્યું. આપણને લાગે કે શબ્દ એંગ્લો-ઇન્ડિયન હોઈ શકે. પણ ૧૭૮૫ની સાલમાં કેપ્ટન ફ્રાન્સિસ ગ્રોસે ટિફિગ  શબ્દ નોંધ્યો છે એનો અર્થ કર્યો છે ઈટિંગ ડ્રિંકિંગ આઉટ ઓફ મીલ ટાઈમ અર્થાત ભોજનના સમયે ખાવું કે પીવું. મુંબઈમાં ટિફિન સર્વિસ ઘણી ફેમસ છે.  પરંતુ અહીં ટિફિન નો અર્થ જમવું એવું થાય એવું કહી શકાય.    ૧૮૭૮માં આર એસ મેર દ્વારા પ્રકાશિત   મેડીકલ ગાઈડ ઓફ એંગ્લો ઇન્ડિયનમાં  બહુ ભારે નહીં હળવું નાસ્તા જેવું ભોજન ને ટિફિન કહેવાયું છે.  ભારે ભોજન લેવાથી સુસ્તી આવે છે અને કામ થઈ શકતું નથી એટલે હળવું ભોજન જે ડબ્બામાં ઘરેથી  લાવવામાં આવ્યું હોય. કે.ટી. આચાર્યએ હિસ્ટોરિકલ  ડિક્શનરી ઓફ ઈન્ડિયન ફુડ. ૧૯૯૮માં લખ્યું છે કે બ્રિટિશ ફેમિલિ જે ભારતમાં રહેતા હતા તેઓ રાતનું ડિનર લેતાં નહીં અને બપોરે હળવું ભોજન લેતા તેને ટિફિન કહેવાતું. પહેલીવાર શબ્દ ૧૮૦૭ની સાલમાં એંગ્લો ઈન્ડિયન જાહેરાતમાં વપરાયો હતો. શબ્દ ચેન્નાઈ વિસ્તારમાં ખૂબ વપરાય છે. જેમાં બપોરનો નાસ્તો ઉપમા, ઢોસા અને વડાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં કેટલીક રેસ્ટોરાંના નામ ટિફિન હોય છે. ટિફિનરૂમ એટલે કે જ્યાં હળવો નાસ્તો કે ભોજન કરી શકાય તેવું સ્થળ. 
ખેર, મુંબઈની તાંજોર ટિફિન રેસ્ટોરાંમાં જમ્યાં બાદ તમને ખૂબ ખાધું હોય તેવું લાગે. સિવાય કે તમે ઓવર ઈટિંગ કરો. મુંબઈના સાત બંગલા ગાર્ડનની બાજુમાં આવેલ રેસ્ટોરાં જો ધ્યાનથી જુઓ કે મેપમાં ખોળો તો ચૂકી જવાય. બાહ્ય કોઈ આડંબર નહીં. અંદર પ્રવેશો કે તમને કોઈ જુદી દુનિયામાં આવી ગયા હોય તેવો અનુભવ જરૂર થાય. જગ્યા ખૂબ વિશાળ નથી. નોન એસી અને એસી એરિયા છે. એમ્બિઅન્સ આછા ડાર્ક લીલા રંગને કારણે કોલોનિઅલ છતાં બોહેમિઅન ચીક જેવી અસર ઉપજાવે છે. અમે વર્કિંગ દિવસે બપોરે ગયા હતા એટલે પ્રમાણમાં શાંતિ હતી કારણ કે બહુ ઓછા ટેબલ ભરેલા હતા. સાંભળ્યું છે કે વીક એન્ડ પર અહીં રિઝર્વેશન કરીને આવવું પડે નહીં તો જગ્યા મળે.  તાંજોર એટલે કે થાંજાવુર તમિળનાડુમાં આવ્યું. અહીંનું ચેટ્ટીનાડ ભોજન મશહુર છે. ચટ્ટીયાર જાતિ મૂળે તો શાકાહારી પણ અન્ય એશિયાઈ દેશોમાં  વ્યવસાય અંગે સ્થાયી થયા બાદ તેમના ભોજનમાં માંસાહાર પણ ભળી ગયું છે. પણ આપણે તો શાકાહારી ભોજનની વાત કરીશું. પહેલાં કહ્યું એમ તાંજોર ટિફિન ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાં હોવાને કારણે અહીં આલ્કોહોલ તેમ માંસાહારી ભોજન પણ મળે છે. પરંતુ, શાકાહારીઓ માટે પણ ઘણી પસંદગી છે. ફાઈન ડાઈનિંગ હોવાને કારણે બહુ ચોઈસ નથી પણ તમને તમારો સ્વાદ પસંદ કરવાની છૂટ મળી રહે છે. તમિળનાડુ પ્રદેશનું ભોજન કરવાનું હોવાથી ટિપિકલ ઢોસા અને ઈડલી મળે. ચેટ્ટિયાર જાતિના લોકો મરીમસાલાના વેપારી હોવાને કારણે તેમના ભોજનમાં તાજા મસાલા વાટીને નાંખવામાં આવે છે.
તાંજોર ટિફિનમાં પહેલીવાર જાઓ તો તમારી સામે નાની નાની વાટકીઓમાં દરેક કરી ચાખવા માટે મૂકી દેવામાં આવે. અહીં બેઠા પછી આજુબાજુ નજર ફેરવો તો ચેટ્ટિયાર ફેમિલિના જૂના ફોટાઓ સરસ રીતે ફ્રેમ કરીને લગાવેલા જોવા મળશે. એવું લાગી શકે કે તમે કોઈના ઘરે જમવા આવ્યા છો. અહીંનો સ્ટાફ પણ તમને એવો અહેસાસ કરાવી શકે. નાની નાની પિત્તળની વાટકીઓમાં તમને કરીમાં એટલે કે રસ્સામાં શું નાખ્યું છે તે પણ સમજાવવામાં આવે. કોકોનટ કરી, કોકોનટ સ્ટ્યુ, કાજુ કરી, ટેમરિન્ડ કરી, ચેટ્ટિનાડ કરી, ટેમરિન્ડ રાઈસ, કોકોનટ રાઈસ, લેમન રાઈસ. તમે મનગમતી કરીમાં શાકભાજી કે પનીર નખાવી શકો. સાથે મલબારી પરોઠા કે અપ્પમ કે નીર ઢોસા મગાવીને ખાઈ શકાય. સ્ટાર્ટરમાં યમ કટલેટ, જેકફ્રુટ કટલેટ પરુુપ્પુ વડા કે મીની ગન પાવડર ઈડલી, પનીર ચેટ્ટીનાડ મગાવી શકો. આપણને ગુજરાતીઓને ટેમરિન્ડ એટલે કે આમલી જેમાં હોય તે કરી થોડી ખાટી લાગે. પણ જુદો સ્વાદ જીભને ચખાડી શકાય. સારું છે કે તેઓ ટેસ્ટર આપે છે. કટલરીની પસંદગી તેમની પરંપરિત છે. પિત્તળ અને સિરામિક્સમાં કેળના પાન પર મૂકીને વાનગીઓ પીરસાય. વચ્ચે નાની ડિશમાં થોડી મોગરાની કળીઓ આકર્ષક વાતાવરણ ઊભું કરે. ભોજન કરતી સમયે તમને આનંદ આવે તેવું વાતાવરણ ઊભું કરવામાં તાંજોર ટિફિન સફળ રહ્યું છે. 
મલબારી પરોઠા વીથ કોકોનટ વેજીટેબલ  સ્ટ્યુ કે પછી  જેકફ્રુટ કરી સાથે ટ્રાય કરી શકાય. ચેટ્ટીનાડ કરી થોડી વધુ સ્પાઈસી એટલે કે તીખી હોય છે એટલે જો તમે ઓછું તીખું ખાતા હો તો ધ્યાન રાખજો. તેમાં તાજા તેજાના મસાલા હોવાથી તીખાશ વધુ હોય છે. જો કે અહીં દરેક મસાલા તાજા બનાવીને વપરાય છે એવું કહે છે. તમે જો ફુડી હો અને કંઈક હટકે ઓથેન્ટિક ખાવું હોય તો અહીં તમને ગમશે. પણ જો તમે ટિપિકલ બમ્બૈયા સ્વાદથી ટેવાયેલા હો તો અહીં જતા. ડેઝર્ટમાં ફક્ત બે  વસ્તુ મળશે પાયસમ અને મૈસુર પાક. પાયસમ કોકોનટ મિલ્ક અને ગોળ નાખીને બનાવેલી ખીર હોય છે. તમે જો વેગન હો તો તમારે માટે અહીં ઘણી વસ્તુ છે. ઘી નાખવાની ના તમે પાડી શકો નહીં તો ઈડલી વીથ ગન પાવડરમાં ઘી અને મલબારી પરોઠા પણ ઘીમાં બનાવી આપવામાં આવે છે. મેનુની ડિઝાઈન પણ મહેંદી ગ્રીન રંગમાં સુંદર ડિઝાઈન કરવામાં આવી છે.  પાયસમ કે મૈસુર પાક પછી ફિલ્ટર કોફી પણ વરસાદી માહોલમાં પી શકાય. પિત્તળના  ટિપિકલ વાટકામાં કોફી પીરસાય છે.  તાંજોર ટિફિનની મુલાકાત  પોકેટને થોડી મોંઘી પડી શકે કેમ કે અહીં બે જણનું ભોજન રૂપિયા ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલું થાય. 
ફાઈન ડાઈનિંગમાં તમારે માહોલ, મિત્રો કે કુટુંબીઓ સાથે ફુડને માણવાનું હોય છે. બૂમો પાડીને વાત કરતાં ભોજન કરવાનું નથી હોતું. એટલે તમારે ફુડ અને કંપની બન્ને એન્જોય કરવા હોય તો માહોલમાં શાંતિ બરકરાર રાખો. રેસ્ટોરાંમાં આછું સંગીત તમને ડિસ્ટર્બ નથી કરતું પણ ફ્રેશ માહોલ બરકરાર રાખે છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા છે. સ્ટાફ સારો છે. બીલમાં સર્વિસ ચાર્જ લગાવી દેવામાં આવે છે. દક્ષિણ ભારતીય ફાઈન ડાઈનિંગ માટે અહીં ચોક્કસ જઈ શકાય.  


You Might Also Like

0 comments