ચાલો જઈએ ફેન્ટસી અને રિયલ ફુડની દુનિયામાં
22:09અંધેરી યારી રોડના ખૂણામાં આવેલી લિપિંગ વિન્ડોઝ તમને કોમિક તેમ જ કોન્ટિનેન્ટલની દુનિયામાં લઈ જાય છે. રચનાત્મક સમય વીતાવવો હોય તો અહીંનો માહોલ માણવા જેવો.
મુંબઈ શહેરમાં વરસતો વરસાદ અને બસ મિત્રો સાથે કે લેપટોપ સાથે કે પછી કોમિક વાંચતા સમય પસાર કરવો હોય તો એક એવી ક્રિએટિવ જગ્યા છે જ્યાં મુંબઈના ક્રિયેટિવ ભેજાઓ બસ મળે છે કે મિટિંગ કરે છે. મુંબઈ વિશે પેલી કહેવત યાદ છે ને કે અહીં રોટલો મળે પણ ઓટલો ન મળે… બસ એ જ તમારે કલાકો મિટિંગ કરવી હોય કે પછી રચનાત્મક વિચારોની આપલે કરવી હોય પણ જગ્યા ક્યાં છે દોસ્ત ? કેફૅ ખરા પણ ત્યાં કેટલા અવાજો હોય અને ક્રિએટિવ પ્રેરક વાતાવરણ ન પણ હોય. મુંબઈના પરાંના એક ખૂણામાં લિપિંગ વિન્ડોઝ નામની એક અનોખી જગ્યા છે. જ્યાં વાંચવા બેસી શકાય, લખવા બેસી શકાય અને ખાવું હોય તો ખાઈ પણ શકાય.
અંધેરી વેસ્ટમાં, યારી રોડ પર ડૉ અશોક ચોપરા રોડના એક ખૂણા પર લિપિંગ વિન્ડોઝ ચૂપચાપ પોતાના અસ્તિત્વ જાળવે છે. આખો વિસ્તાર રહેણાંક એટલે શાંત અને ગ્રીનરીથી ભરપુર. કોર્નર પર બહારથી પણ આગવું અસ્તિત્વ ધરાવતી લિપિંગ વિન્ડોઝની દિવાલો પર કોમિક્સના પોસ્ટર લગાવેલા છે. અંદર પ્રવેશ કરતાં જ વરંડા જેમ અર્ધ વર્તુળાકાર સિંગલ ટેબલ ગોઠવેલા જોઈ શકાય. ટેબલ પર એકલા-બેકલા લોકો બેઠા છે. તરત જ નજર પુસ્તકોના ઢગલા પર પડે. અંગ્રેજી નવલકથાઓના આ પુસ્તકો અહીં એમ જ લોકો મૂકી જાય છે. એને તમે ૫૦ રૂપિયામાં ખરીદી શકો. એ રૂપિયા સમાજસેવી સંસ્થાને દાનમાં અપાય છે. આ કોર્નર સમાજસેવી સંસ્થાએ જ શરૂ કર્યું છે. અમે પ્રવેશ કર્યો કે પહેલાં જ ટેબલ પર કોમ્પ્યુટર પર કામ કરતું બેસેલું કપલ દેખાયું. મેનેજર તેમની તરફ લઈ જઈ કહે છે બિદિશા બાસુ અને ઉત્સા શોમ જેમણે આ લિપિંગ વિન્ડોઝ ભાગીદારીમાં શરૂ કર્યું છે. ઉત્સાહિત આંખોવાળી બિદિશાના મનમાં આ કેફેનો જન્મ થયો હતો. બિદિશાનો જન્મ અને ઉછેર કોલકોતામાં. લિપિંગ વિન્ડોઝનો અર્થ થાય કે જ્યાંથી મનગમતી છલાંગ લગાવી શકાય. પિટર પેનની વાર્તાઓમાં પણ બારીમાંથી ફેન્ટસીના વિશ્વમાં છલાંગ લગાવવાની વાત આવે છે. બિદિશાએ પણ અનેક છલાંગ લગાવી છે. બિદિશા શૅફ નથી કે ન તો તેણે ક્યારેય વિચાર્યું હતું કે તે કેફૅ ખોલશે. અમેરિકા જઈને જર્નાલિઝમની ડિગ્રી મેળવ્યા બાદ તે મુંબઈ આવી અને પ્રતિષ્ઠિત વાઈલ્ડ લાઈફ મેગેઝિનમાં કામ શરૂ કર્યું. વિયેતનામી કૉફી પીતાં અને બ્રુસેટા ખાતાં બિદિશાએ લિપિંગ વિન્ડોઝ કઈ રીતે શરૂ કર્યું તેની વાત ચાલી. તે સફરની વાત સાથે જ લિપિંગ વિન્ડોઝના માહોલને અને વાનગીઓને માણવાનો રોમાંચ વધી ગયો. બિદિશાને નોકરીઓ કરવાનો કંટાળો આવ્યો. ફ્રિલાન્સ ફિલ્મ માટે પણ લખ્યું ને ત્યારબાદ બે વરસ જાપાન અંગ્રેજીની શિક્ષિકા બનીને ગઈ. જાપાનમાં તે મંગા કાફૅનો કોન્સેપ્ટ જોયો અને થયું કે ભારતમાં જઈને આવી લાયબ્રેરી કેફૅ શરૂ કરવી જોઈએ. જાપાનમાં પૈસા બચાવીને ભારત પાછી આવીને મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું કારણ કે તેના મિત્રો પણ અહીં હતા અને તેને આ શહેર ગમવા માંડ્યું હતું.
૨૦૧૦ની સાલમાં મિત્રો સાથે મળીને કેફૅ માટે જગ્યા જોવાનું શરૂ કર્યું. બાન્દરાથી શરૂઆત કરી પણ ગજવાને પરવડે તેમ ન હોવાથી શોધ જારી રાખી. તેવામાં એક મિત્રે કહ્યું કે યારી રોડ પર લાયબ્રેરી બંધ થઈ રહી છે. બિદિશાને લાયબ્રેરી કેફૅ તો શરૂ કરવી હતી. બસ તેણે આ જગ્યા જોઈ. કોર્નર પર હોવાથી તેને એમાં પોતાનું સપનું દેખાયું. ૨૦૧૦ની સાલમાં તેણે ફક્ત લાયબ્રેરી શરૂ કરી. ઓનલાઈન પુસ્તકો લોકોને મોકલતી. ૨૦૧૨ની સાલથી તેમણે અહીં ચા-કોફી અને મેગી, સેન્ડવિચ આપવાની શરૂઆત કરી. એણે નક્કી કર્યું કે એક જ જાતના પુસ્તકો રાખવાના જેથી આગવી ઓળખ ઊભી થાય. એટલે તેણે કોમિક્સ રાખવાની શરૂઆત કરી.
સોરી, ગુજરાતીઓ અહીં ફક્તને ફક્ત અંગ્રેજી ભાષામાં લખાયેલા દરેક કોમિક બુક વાંચવા મળી શકે. કોફી, સેન્ડવિચ અને મેગીને એટલો પ્રતિસાદ મળ્યો કે તેણે રિતસરનું લાઈવ કિચન શરૂ કરવાનો વિચાર આવ્યો. કોન્ટિનેન્ટલ અને અમેરિકન વાનગીઓ અહીં રાજ કરે છે. યારી રોડ એટલે ફિલ્મ અને ટેલિવિઝનની અનેક હસ્તીઓ અહીં આવે. રાજકુમાર રાવથી લઈને બાજુમાં જ રહેતો નવાઝુદ્દીન સિદ્દીકીની પણ આ ફેવરિટ જગ્યા છે. આ કેફૅ મિત્રો સાથે ચીઅલ્લ કરવાની જગ્યા છે. મિત્રો કોઈપણ ઉંમરના હોઈ શકે. લિપિંગ વિન્ડોઝમાં પણ તમારે માટે ચોઈસ છે. એક તો બહાર બેસો પેસેજમાં બીજું અંદર એસીમાં, ત્રીજું દાદર ચઢીને લોફ ઉપર બેસો કે પછી દાદર ઉતરી બેઝમેન્ટમાં જઈને લાયબ્રેરીમાં બેસો. લાયબ્રેરીમાં એક કલાક બેસવાના પ૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. તમે કોઈપણ કોમિક બુક લઈને વાંચી શકો અથવા લખવાનું કે પછી કોઈપણ તમારું કામ કરી શકો. કેટલીય ફિલ્મો અને ધારાવાહિકો અહીં લખાઈ હશે. લાયબ્રેરીમાં તમે ચા, કોફી, જ્યુસ મંગાવી શકો છો. વરસતા વરસાદને જોતા ઉપર કેફૅ એરિયામાં બેસીને અર્લગ્રેથી લઈને મસાલા ચાય કે કપચીનો, લાટે કે પછી આઈસ કોફી કે પછી જ્યુસ કે મિલ્કશેક તમને ગમે તે પી શકો. વિયેતનામી કોફીમાં ડબલ એક્સપ્રેસો કન્ડશન્ડ મિલ્ક શૉટ સાથે પીરસાય છે. સેન્ડવિચિઝ અહીં અમેરિકન અને ફ્રેન્ચ સ્ટાઈલથી મળે. ખરા અર્થમાં કોન્ટિનેટલ મેનુ છે. જો તમારે બમ્બૈયા સેન્ડવિચ ખાવી હોય તો અહીં ન જતા. સેન્ડવિચ સાથે સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાયઝ મળે. સેન્ડવિચ અને બર્ગર ફ્રેન્ચ સ્પ્રેડ રોકેટ સાથે મળે. ફ્રેન્ચ અને અમેરિકન સ્વાદ માણવો હોય તો ચોક્કસ સેન્ડવિચ ખાઓ. એક સેન્ડવિચ કે બર્ગર અને ચા કે કોફી મગાવો તો પાંચસો રૂપિયા સહેજે થાય. એની સાથે તમે કલાક બે કલાક ત્યાં બેસી શકો. મેક્સિકન નાચોઝ અહીં ચોક્કસ ખાવા જોઈએ. સિનેમા હોલમાં મળતાં નાચોઝ નહીં પણ સોફ્ટ સ્વાદિષ્ટ નાચોઝ સાથે પીઝ ગ્વાકામોલ અને ચીઝ સૉસ, સૉર ક્રિમ, સાલસા અને જેલોપીનો અને બીન્સ સાથે પીરસાય છે. નાચોઝ ઈનહાઉસ બનાવાય છે તે મોંઢામાં મૂકતાં જ ખ્યાલ આવે. લાઈટ ખાવું હોય તો બ્રુસેટા ઓર્ડર કરી શકો. મકાઈ, સાલસાઅને મોઝરેલા ચીઝ સાથે પીરસાય છે. મશરૂમ રિસોતો, ખિમચી સુપ વીથ પનીર, માર્ડી ગ્રાસ, ફીબો ગ્નોચી સિકવન્સ, બેસિલ ઈન્સ્ટિકન્ટ, રેડ હોટ ચીલી પેપર મેઈન કોર્સ માટે ઓપ્શન છે. આ દરેક ડીશમાં શું પીરસાય છે તેનું વર્ણન મેનુમાં છે. અને હા, મેનુ જોઈને તમને લાગશે કે આ કોમિક મેગેઝિન તો નથીને…મેનુની રચનાત્મકતા પર વારી જવાય. છેલ્લે ડેઝર્ટમાં જો ખાવું હોય તો વેનિલા વીથ એસપ્રેસો શૉટ ટ્રાય કરી શકાય પાય, કેક પણ મળી શકે. દર મહિને અહીં મેનુ બદલાતું હોય છે પણ સ્વાદ તો કોન્ટિનેન્ટલ જ રહે છે. ટૂંકમાં આ વિન્ડોઝ તમને ખરા અર્થમાં કોન્ટિનેન્ટલ સ્વાદની દુનિયામાં લઈ જશે. અહીં નોનવેજ મળે છે પણ વિગન માટે પણ પસંદગીને અવકાશ છે. ચા અને કોફીમાં સોયા મિલ્ક મળી શકે.
બે વ્યક્તિના ભોજનનો ખર્ચ ૧૦૦૦થી ૧૫૦૦
0 comments