ચક્ક ઝણઝણીત મસાલેદાર મિસળ

22:39





મુંબઈમાં મહિલાઓ દ્વારા સંચાલિત એવી બે અનોખી જગ્યા છે જે તમારી મોન્સૂનમાં ચટાકેદાર અને તીખી તમતમતી તરીવાળી આ વાનગી ખાવાની ઈચ્છા તૃપ્ત કરી શકે છે.  ચાલો આજે લટાર મારીએ પાર્લા ઈસ્ટના 'છાન ચવદાર' અને અંધેરી વેસ્ટના 'સ્વાદ મહારાષ્ટ્ર ચા' માં





ધોધમાર વરસાદ પડે એટલે મુંબઈગરાને સ્વાદના ચટકા કરવાનું મન થાય. ગુજરાતી મુંબઈગરો પણ  ચોમાસામાં મહારાષ્ટ્રિયન બની જાય તેમાં નવાઈ લાગે કારણ કે મરાઠી સ્વાદ જીભ પર અડી ગયો હોય તો પછી તેને ભૂલવો અશક્ય છે એટલું નહીં દિલ માગે મોરવરસાદમાં પલળ્યા પછી તીખું તમતમતું લાલચટક કાંદા, ફરસાણથી ભરપૂર મિસળ ખાઓ તો  ઠંડી ચોક્કસ ઊડી જાય. તેલમાં તરતું મરચાનો મસાલો જેને તરી કહેવાય તે કદાચ સ્વાસ્થ્ય જાગૃત ગુજરાતીને ખટકે કે પછી મરચાં ચટકે તો હવે કમ તીખા મિસળ પણ મળી જાય અને તેલ જેમાં નહીંવત હોય તેવું મિસળ પણ મળે. 
ઉસળ અને મિસળ વચ્ચે કેટલાંકને સમજવામાં ગરબડ લાગતી હોય છે તો સૌ પહેલાં તેનો ભેદ જાણીએ. ઉસળમાં મટકી એટલે કે મઠની સાથે  લીલા કે સૂકા વટાણા, ચણા, મગ, મસુર હોય અને તેમાં ફરસાણ નાખવામાં આવે. ઉસળ પણ પાઉં સાથે ખવાય. ઉસળમાં કાંદા, ટમેટાં અને કોપરું, કોથમીર ભભરાવીને ખવાય. તો મિસળમાં ફક્ત મઠ, મગ અને ચણા પણ નાખવામાં આવે. તેમાં રસ્સો મહત્ત્વનો હોય છે.  રસ્સામાં ફરસાણ, કાંદા અને કોથમીર, લીંબુ નાખીને પાઉંની સાથે પીરસવામાં આવે છે. 
મુંબઈમાં મિસળ અનેક ઠેકાણે મળી રહે પણ કેટલાક લોકો ખાસ મિસળ ખાવા પુણે અને નાસિક પણ જતા હોય છે. જે લોકો મુંબઈ બહાર નથી જઈ શકતા તેમને માટે કેટલાંક ટેસ્ટી સ્થળની મુલાકાત અમે લીધી. મુંબઈમાં પાર્લા તેમાં પણ પાર્લા ઈસ્ટ કહો એટલે મરાઠીઓનો વિસ્તાર. પાર્લા ઈસ્ટમાં સાઠે ઉદ્યાનની બહાર શાંત ગલીમાં ગાર્ડનની બહાર એક નાનકડી કેબિન જેવું. તમારે ઓર્ડર આપીને બહાર રોડ પર પ્લાસ્ટિકના ટેબલ પર બેસવાનું. આજુબાજુ અનેક વૃક્ષ એટલે ઉનાળામાં કોયલની કૂક પણ સાંભળી શકાતી હશે એવી કલ્પના કરતાં અમે મિસળ પાંઉની રાહ જોતાં હતાં. લાલઘુમ, કાંદા, કોથમીર સાથે ગરમાગરમ મિસળ પાંઉ આછા વરસાદને માણતાં અમે મોંઢામાં મૂક્યું ને આહાહા... છાન ચવદાર બોલાઇ ગયું. મરાઠી શબ્દ છે. સરસ, સ્વાદિષ્ટ, દાઢે વળગે એવું તેનો અર્થ થાય. પાંચ જાતના ફણગાવેલાં કઠોળ અને મરાઠી તાજા પિસેલા મસાલાની સોડમ માટે અહીં મિસળ પાંઉ ખાવા જવું પડે. અહીંના મિસળ પાંઉ એટલા ફેમસ છે કે ફાઇવ સ્ટાર હોટલ ઓર્કિડના માલિક વિઠ્ઠલ કામત પણ અહીં ઘણીવાર ગાડી લઇને ખાવા માટે આવે છે, તો ક્યારેક સચિન ખેડેકર, મનોજ જોશી, વિક્રમ ગોખલે કે પછી અન્ય ટીવી કલાકારો પણ જોવા મળે. જોઇન્ટ પૌલોમી મહિલા સંગઠન સંચાલિત છે. તેનાં એક કાર્યકર નીતા રાંગણેકરે અમને માહિતી આપતાં કહ્યું કે સ્ટોલનો પ્રોફિટ નો લોસઉપર ચલાવવામાં આવે છે. અહીં કામ કરતી બહેનો અને માણસોને આની આવક વહેંચી દેવામાં આવે છે. જોઇન્ટનું રસોડું જોઇને અમે છક્ક થઈ ગયાંએકદમ સ્વચ્છ... મસાલાના ડબ્બા પણ સ્વચ્છ વ્યવસ્થિત ગોઠવેલાં... વાસણ ધોવાની ચોકડી પણ ચોખ્ખી. એટલે કે અહીં ખાનાર બેફિકર થઇને ખાઇ શકે છે. ચાલીસ રૂપિયાનું મિસળ કે ઉસળ ખાઇને પેટ ભરાય તો મગની દાળનાં ભજિયાં... એકદમ જૈન આઇટમ. એમાં લીલા મગની દાળ અને અડદની દાળને અધકચરી પીસીને મસાલો કરીને કરકરા ભજિયાં સૂકી અને ભીની ચટણી સાથે પીરસવામાં આવે છેકાંદાપોહે અને સાબુદાણા ખીચડી કે પછી વડા પાંઉ જે ખાવું હોય તે ખાવ પણ દરેક વસ્તુ તાજી બનીને આવશે એટલે થોડી રાહ જોવાની તૈયારી રાખશો. તમે ઓર્ડર આપશો પછી અહીં વસ્તુ તળવામાં આવે છે
મિસળ પણ દર બે કલાકે નવું બનાવવામાં આવે છે. દરેક વસ્તુ તાજી બનતી હોવાથી તે ચવદાર તો હોય .  તમે પાર્લામાં રહેતા હો તો હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે, પરંતુ પાર્લાની ગલીમાં બેસીને મિત્ર સાથે તાજું મિસળ કે ભજીયાં ઝાપટવાની જે મજા છે તે દોસ્તો બીજે ક્યાંય નહીં અને હા, તેના ઉપર તાજી મોળી છાશ  પંદર રૂપિયામાં અને  કોકમનું શરબત પચ્ચીસ રૂપિયામાં પી શકાય. પાંઉને બાદ કરતાં અહીં દરેક વસ્તુ હેલ્ધી છે. વળી પીણાં પણ આરોગ્યપ્રદ.  છાન ચવદાર સવારે સાડા આઠથી લઇને રાતના સાડા આઠા સુધી સોમથી શનિવાર છાન ચવદાર ખુલ્લું રહે છે. તમને રવિવારે બહાર ખાવા જવાની આદત છે પણ સોરી, રવિવારે છાન ચવદાર બંધ રહે છે તેની નોંધ લેશો. 


મેગી મિસળ અને જૈન મિસળ ખાવું હોય તો અંધેરી વેસ્ટમાં જવું પડે. 
સ્વાદ મહારાષ્ટ્રા ચા નામે શીતલ ઝામ્બ્રેએ અંધેરી વેસ્ટ લિન્ક રોડ પર નાનકડું જોઈન્ટ શરૂ કર્યું છે. તેની ટેગ લાઈન છે અસ્સલ મહારાષ્ટ્રીઅન રેસ્ટોરન્ટ. સબ ટીવીની સામે કુબેર કોમ્પલેક્સમાં અનેક દુકાનોમાં એક નાનકડી દુકાન સોરી રેસ્ટોરા છે. રસ્તા પર ઊભા રહીને પણ ખાઈ શકો અથવા ઉપર દસ-બાર જણા એસીમાં  બેસીને મિસળનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા પણ ખરી. વિસ્તારમાં મીડિયા ઈન્ડસ્ટ્રીઝની અનેક ઓફિસ અને સ્ટુડિયો આવેલા હોવાથી સેલિબ્રિટિઓ માટે પણ અહીંથી મિસળ જાય કે પછી તેઓ જાતે પણ ક્યારેક ખાવા આવે. શીતલ પહેલાં મિસળ મહોત્સવમાં પોતાનો સ્ટોલ લગાવતી હતી. તેમાં એને જે પ્રતિસાદ મળતો તેને લીધે પતિ સુહાસે તેને કાયમી જોઈન્ટ શરૂ કરવાનું કહ્યું. ગ્રાફિક ડિઝાઈનર શીતલને હોટલ લાઈનનો કોઈ અનુભવ નથી પણ તેને મસ્ત ખાવાનું બનાવવાનો અને ખવડાવવાનો શોખ છે.  બસ આજે તો અનેક લોકો અહીં કાયમી ગ્રાહક બની ગયા છે. 
પાર્લામાં રહેતા  ગુજરાતી બિઝનેસમેન દુષ્યંત ખોના અઠવાડિયામાં ત્રણેક વાર વિસ્તારમાં કામ નિમિત્તે આવે ત્યારે અચૂક અહીં જમે છે. અહીં મિસળ પણ બીજી જગ્યાઓ કરતા જરા જુદી રીતે પીરસાય છે. એક ડિશમાં મટકી, ફરસાણ અને કાંદા, પાઉં અથવા ભાકરી સાથે આવે. મિસળનો રસ્સો જુદા પવાલામાં આવે. તેલ લેવામાં વપરાય તેવી ચમચી દ્વારા જોઈએ તેટલો રસ્સો કઠોળ અને ફરસાણ પર નાખીને ખાવાનો. રસ્સો બે ત્રણ જાતનો આવે. તીખો, ઓછો તીખો અને જૈન પણ, એટલે કે કાંદા, લસણ વિનાનો. તેના પર તરી એટલે કે મસાલાવાળું તેલથી ભરપૂર  અસ્સલ કોલ્હાપુરી રસ્સો જોઈએ તો પણ મળે. જૈન મિસળનો સ્વાદ પણ એટલો સરસ કે કાંદા-લસણ નથી તેનો ખ્યાલ પણ આવે. એટલું નહીં બાળકો માટે શીતલની દીકરીએ મેગી મિસળ તૈયાર કર્યું છે.
 મેગીમાં મટકી અને મગ હોય એટલે પ્રોટીનથી ભરપુર બાળકોને ઓછું તીખું મિસળ મળી શકે. બટાટા વડાં પર રસ્સો નાખીને સ્પેશિયલ કોલ્હાપુરી મિસળ પણ મળે. અને તમે હેલ્થ કોન્સિયન્સ હો અને પાઉં નથી ખાતા તો નો પ્રોબલેમ. ભાકરી એટલે કે જવારનો રોટલા સાથે તમે મિસળ ખાઈ શકો છો. જુવારના રોટલા સાથે મિસળ ખાવાથી અસ્સલ મહારાષ્ટ્રીઅન ભાકરી અને શાક જમતાં હોઈએ તેવો અનુભવ થાય અને હેલ્ધી ખાધાનો સંતોષ પણ થાય. વળી સ્વાદમાં તો કોઈ કોમ્પ્રોમાઈઝ હોય ને. તીખું લાગે તો સાથે આમ પન્હો કે કોકમ સરબત જરૂર પીજો. આમ પન્હાનો સ્વાદ અહીં જરા હટકે છે. લોકો કાચી કેરીને છાલ સાથે છીણીને પન્હો બનાવે. વળી સાકર તેમાં નહીંવત હોવાથી હેલ્ધી ડ્રિન્ક પીધાનો આનંદ લઈ શકાય. અહીં સોડાવાળા ઠંડા પીણા મળતા નથી કારણ કે શીતલ અને સુહાસ આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં માને છે. શીતલ કહે કે મારી દીકરીઓને કોલા આપું તો હું બીજાને કેવી રીતે પીવડાવું? અમે બધું ચાખી રહ્યા હતા તે સમયે દુષ્યંત ખોના જમીને જઈ રહ્યા હતા તેઓ કહે કે હું અહીં વરસથી આવું છું એક દિવસ પણ ખરાબ ખાવાનું મળે. મિસળતો તેમની સ્પેશિયાલિટિ છે પણ તમારે મરાઠી થાળી ખાવી હોય તો પણ મળે.  ડેઝર્ટમાં ઉકડી ચે મોદક મારે ખાસ ચાખવું તેવો આગ્રહ દુષ્યંતભાઈ જતાં જતાં કરી જાય છે. પણ અફસોસ મોદક ત્યારે તૈયાર નહોતા.  પુરણપોળી તૈયાર હતી. ગરમાગરમ શુદ્ધ ઘી લગાવેલી પુરણપોળીમાં ગળપણ એકદમ માપસર એટલે તમારું મોઢું ભાંગે. હેલ્થ કોન્સિઅન્સ લોકોને ધ્યાનમાં રાખીને અહીં દરેક વાનગીઓ પીરસાય છે. મિસળની ભેળ પણ અહીં મળે છે. જેમાં કઠોળ, ફરસાણ અને કાંદા માત્ર હોય છે. જૈન માટે કાંદા નાખે. એની એક ચમચી મોઢામાં નાખતા વાહ બોલાય તો  નવાઈ. મોદક, ખર્વસ અને પુરણપોળી નજીક આવેલી અંબાણી હોસ્પિટલમાંથી ડોકટરો પણ મંગાવે છે એવું સુહાસ જણાવે છે. બીજીવાર મોદક ખાવા આવવાનો વાયદો કરીને અમે મિસળને મમળાવતા બહાર નીકળીએ છીએ કે મરાઠી કેસરી સાફો પહેરીને સેલ્ફી લેવાનો લ્હાવો પણ લઈએ છીએ, 
શીતલને મિસળ માટે અનેક એવોર્ડ મળી ચુક્યા છે. અને અનેક સેલિબ્રિટિઓ ખાસ મિસળ મંગાવે છે. થાળી સાથે કે જુવારની ભાકરી સાથે તમને જોઈએ તો ઠેચા મરાઠી ચટણી જે મરચાં, લસણની પથ્થર પર પીસીને બનાવાય છે.   મિસળ ૯૯ રૂપિયા, પુરણપોળી ૧૧૦માં બે નંગ, કોકમ સરબત કે પન્હા કે છાશ ૫૦ રૂપિયા. મિસળ ભેળ ૮૦ રૂપિયા. સિવાય કાંદા પોહા, વડાં પાવ, ભજીયા, ભરલી વાંગી વગેરે વગેરે અનેક મરાઠી વાનગીઓ મળે છે. મુંબઈના બન્ને ફેમસ મિસળ તાજા અને ચટાકેદાર છે. બીજા મિસળ વિશે વધુ વાત ફરી કોઈવાર

You Might Also Like

1 comments

  1. આભાર મેડમ, વડોદરામાં મંગળબજારની મંનોરંજન હોટલમાં અને નંદરબારમાં અસલ મરાઠી તીખા તમતમતા સેવઉસળ ખાધા હતા. ઉસળ અને મિસળ અલગ છે તે તમારી પોસ્ટથી જાણ્યુ. પાર્લા તો જવાનૂં થાય જ છે તો સાઠે ગાર્ડનની મુલાકાત પાક્કી. એનાં માટે આપનો ડબલ આભાર!

    ReplyDelete