પ્રવાસ ભય અને વિષાદનો
07:38
માનવને કશોક નવો અહેસાસ જોઈતો હોય છે એટલે જ પ્રવાસો પણ તે અનુભવ માટે કરે છે જે તેને શોક ટ્રીટમેન્ટ આપે.
હાલમાં બહુચર્ચિત ઘટના દુનિયાના સમાચારોમાં ચમકી છે અને તે છે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર કે જ્યાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માટે ઘણા બધા લોકો ગેરકાનૂની રીતે પ્રયત્નો કરતા હોય છે. તેમાં પણ મેક્સિકો ની બોર્ડર પર ટ્રમ્પભાઈ દિવાલ ચણવાના છે કારણ કે સૌથી વધુ લોકો ત્યાંથી અમેરિકામાં પ્રવેશવા માટે પ્રયત્ન કરતા હોય છે. કેટલાક ભારતીયો પણ ત્યાંથી ગેરકાયદે પ્રવેશ કરતાં હાલમાં જ પકડાયા છે. હવે તમને કોઈ કહે કે ચાલો એ બોર્ડર ની મુલાકાતે જઈએ અને ગેરકાયદે પ્રવાસી તરીકે અમેરિકામાં ઘુસવાનો અનુભવ લીએ. તો કહેશો કે પાગલ છો કે આવું તે કંઈ કરાય? પરંતુ આવા પ્રવાસોનું આયોજન પણ થતું હોય છે. પ્રવાસીએ ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરતી સમયે પડતી તકલીફોનો સામનો કરવાનો હોય છે એટલે કે ભૂખ્યા રહેવું, માફિયાઓ અને પોલીસ દ્વારા અપમાનિત થવું, માર પણ ખાવો પડે કે સામાન ચોરી પણ થઈ જાય. જો કે પછી પાછો પણ મળે. વળી લાંબો સમય પગપાળા ચાલવાનું આ બધું કરવાનું તે પણ પોતાની મરજીથી આવો એક અનુભવ લેવા માટે. વળી તેને માટે પૈસા પણ ચૂકવવા પડે. આને કહે છે ડાર્ક ટુરીઝમ. યુદ્ધ, હોલોકાસ્ટ, કુદરતી હોનારતના સ્થળો પર આવું ડાર્ક ટુરિઝમ વિશ્વમાં લોકપ્રિય થઈ રહ્યું છે. આવો પ્રવાસ કરનારા હજારો લોકો છે.
કેટલાક લોકો એવા હોય છે કે તેમને એકધારા જીવનનો કંટાળો આવે, જીવનમાં કશુક નવું કશું જુદું કરવા ઇચ્છતા હોય છે. નવા નવા સ્થળોએ પ્રવાસ કરવા જવાનું આજે લોકોને ખૂબ ગમે છે. એવરેસ્ટ ઉપર એટલેસ્તો કેટલી બધી ભીડ થઈ હતી. એવરેસ્ટ સર કરવાનું સાહસ કરવા માટે કેટલાક લોકો તૈયાર હતા કે નહીં એ બીજો પ્રશ્ન છે કારણકે એવરેસ્ટ ઉપર ઘણા લોકો આ વખતે મૃત્યુ પામ્યા છે કે ઘણાએ હાથ, પગ કપાવવા પડ્યા છે. ટ્રેકિંગ કરવું કે પછી બંજી જમ્પિંગ, સ્કાય ડાઈવિંગ જેવા સાહસો કરવા એ પણ કેટલાક માટે ઘણું અઘરું કામ હોય છે. તો કેટલાક લોકો પોતાની શક્તિઓ તપાસવા માટે નાના-મોટા સાહસો કરવા પ્રયાસો કરે છે. હાલમાં જ એક નવી સીરીઝ જોવાનું બન્યું ડાર્ક ટુરિઝમ. જેમાં ન્યૂઝીલેન્ડનો જર્નલિસ્ટ ડેવિડ ફેરિઅર એવી જગ્યાઓ પર જાય છે કે જ્યાં ક્યારેક કુદરતી હોનારત થઈ હોય કે પછી ન્યુક્લિઅર બ્લાસ્ટ થયા હોય કે અણુ બોમ્બ ફાટ્યો હોય કે પછી માફિયાઓએ એક જમાનામાં કત્લેઆમ કરી હોય, ખાલી શહેરો કે જેના કારણો જાણી ન શકાયા હોય કે પછી મૃત્યુ સાથે સંકળાયેલી આદિવાસીઓની વિધિઓ કે જેમાં મૃત્યુ પામેલા સ્વજનને બે વરસ સુધી ઘરમાં રાખવામાં આવે વગેરે
નવાઈ લાગે કે લોકોને આવું બધું કરવાનો શોખ શુ કામ હોય છે આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં જ્યારે સીરીયલ જોઈ ત્યારે સમજાયું કે કંઈક જુદું કરવાનો જોખમ લેવાનું સાહસ કરવાનું માણસનું મન તેને આવું બધું કરવા પ્રેરે છે. ડેવિડ એક માત્ર એવો વ્યક્તિ નથી કે જે આવા પ્રવાસો કરે છે બીજા અનેક લોકો છે કે જે આવી અનુભતિ માટે જોખમ ખેડવા તૈયાર હોય છે. ડેવિડ આવા જ એક પ્રવાસે નીકળે છે અને તેનું ડોકયુમેન્ટેશન કરે છે. જો વર્લ્ડ કપ જોતા હોવ તો પછી વચ્ચે આવતી જાહેરાતોમાં નેટફ્લિક્સ પર નાર્કો સિરિઝની બીજી સિઝન શરૂ થયાની જાહેરાત જોઈ હશે. કોલંબિયા નો ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર એના જીવન પરથી સિરીઝ બનાવવામાં આવી છે. એ એસ્કોબારનો જમણો હાથ પોપઆઈ જેણે ૨૫૦થી વધુ લોકોના મર્ડર કર્યા છે ક્રૂર રીતે તેણે પોતાના ગુનાઓની સજા ભોગવી લીધી છે અને હાલમાં ટુર ગાઈડ તરીકે માફિયા વર્લ્ડની મુલાકાત કરાવે છે. શૂટઆઉટનું લાઈવ ડેમોસ્ટ્રેશન ડ્રામ પણ બતાવે.
લન્ડન થી થોડે દુર પેડોક વુડ ગામમાં દર વર્ષે ૮૦ હજાર પ્રવાસીઓ આવે છે ડાર્ક ફેસ્ટિવલ ઉજવવા માટે. અહીં દુનિયાભરના લશ્કર એકબીજા સાથે લડે એવું મોક યુદ્ધ થાય. એટલે એવું કહી શકાય કે યુદ્ધની રમત રમાય એમાં તમે ભાગ પણ લઈ શકો. કીચડમાં આર્મી ડ્રેસ પહેરીને બંદૂક લઇને લડવાનું નાહ્યા ધોયા વગર યુદ્ધના મેદાનમાં રહેવાનું બધી હાડમારી સહેવાની. અહીં પણ નાઝીઓ સાથે મળવા કે નાઝી બનવા માટે કોઈ તૈયાર થતું નથી. પણ ધીમે ધીમે બધું જ થાળે પડતું જાય છે ઇતિહાસને લોકો ભૂલી શકતા નથી તે પણ જણાઇ આવે છે. આપણી માનસિકતા કેવી રીતે કામ કરે છે તે આ સીરીઝ જોતા જણાય છે. ક્રૂરતા પ્રત્યે આપણી કરુણા પણ અહીં દેખાઇ આવે છે. નાઝી બનનારા લોકો એક્ટિંગ જ કેમ કરતા ન હોય પણ માફ કરી શકતા નથી નાઝી નો ડ્રેસ પહેરવા માત્રથી લોકોને તેમના તરફ એક અભાવ કે ઘૃણાની લાગણી ઉભી થતી જોવા મળે છે. ધારો કે આપણે ત્યાં પણ આવો એક પ્રવાસ શરુ થાય ભારત -પાકિસ્તાનના ભાગલા સમયની હિંસાઓની તો ચોક્કસ એ માનસિકતા કદાચ હિંસક પણ બની શકે ને કદાચ લોકોની પોતાના તરફ તેમજ બીજા તરફ જોવાની દ્રષ્ટિકોણનો ફરક પણ પાડી શકે. અમૃતસરમાં પાર્ટિશન મ્યુઝિયમ અને જલિયાંવાલા બાગનો પ્રવાસ ડાર્ક ટુિરઝમ કહી શકાય. ડાર્ક ટુરીઝમ માં વિષાદ તેમજ ગુનાહિતતા જેવા અનુભવ લેવાનો પ્રવાસ હોય છે. સાચું યુદ્ધ ન હોવા છતાં લોકોમાં એડ્રેનાઈલ હોર્મોનલ એટલે કે રોમાંચના, ભયના હોર્મોન પેદા કરે છે.
સાહસ કરવાનું લોકોને ગમે છે કારણ કે ભયની લાગણી આપણામાં હોર્મોનલ સ્ત્રાવ એક રોમાંચ પેદા કરે. એકવિધ રીતે જીવાતી જિંદગી નો કંટાળો લોકોને આવતો હોય છે એટલે જિજ્ઞાસા અને રોમાન્સ તેમને સાહસ કરવા પ્રત્યે લઈ જાય છે. ડાર્ક ટુરિઝમને બ્લેક ટૂરિઝમ પણ કહેવાય છે. તેમાં યુદ્ધ થયું હોય એવી જગ્યાઓએ અથવા તો જ્યાં ખૂબ બધી કતલ થઈ હોય કે એવી કોઈ ટ્રેઝેડી ત્રાટકી હોય એવા સ્થળોની મુલાકાત. કોન્સન્ટ્રેશન કેમ્પ કે જ્યાં લાખો યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. કે પછી સુનામી જ્યાં સમુદ્રના વિકરાળ મોજાઓ ગામના ગામ ગળી ગયા હતા કે પછી એટોમિક બ્લાસ્ટમાં એકરોની જમીન વેરાન થઈ ગઈ હોય જ્યાં જીવન આજે પણ શક્ય ન બને. એવી જગ્યાએ લોકો જવાનું પસંદ કરે છે તેનું કારણ કદાચ એવું હોઈ શકે કે મૃત્યુ સાથે સંકળાયેલો રહસ્યવાદ આપણને તેના તરફ દોરી જાય છે. જરૂરી નથી કે આ બધી જગ્યાઓ ભૂત પ્રેત ની કથાઓ સાથે સંકળાયેલી હોય પણ એમાં આખી જાતિ કે વંશનો કે પછી ગામોનું શહેરોનું નિકંદન નીકળી ગયું હોય કે ભૂતિયા થઈ ગઈ હોય. સાયપ્રસ નજીક આવેલું એક આખુ શહેર ખાલી પડયું છે. જો કે એના ઉપર લશ્કરનો કબજો છે શું કામ છે અને શા માટે એ જગ્યા નથી જવા દેતા તે હજી પણ લોકો માટે રહસ્ય જ છે ઊંચા ઊંચા ટાવરોમાં રહેતા લોકોએ એમ જ ચાલુ ઘર મૂકીને જતા રહેવાની ફરજ પડી હતી પચાસ વરસ પહેલાં. ન્યુક્લિઅર ગળતરને કારણે જાપાનમા આખા ને આખા ગામ જેમના તેમ ખાલી થઈ ગયેલા ભેકાર ઉભા હોય ને એવા ગામ કે શહેરમાંથી પસાર થતી વખતે જે લાગણી અનુભવાય તે કંઈક જુદો જ અનુભવ આપી જતી હોય છે તેની કલ્પના ત્યાં ગયા વગર થઈ શકતી નથી. આવી કંઇક જુદી જ રહસ્યમયી લાગણીઓને અનુભવવા માટે તમારે એવા સ્થળોએ જવું પડે અને એની લાગણીઓ સુખદ નથી હોતી. આવી લાગણીઓ ઊંડો વિચાર આપી જતી હોય છે, વિષાદનો પણ રોમાંચ હોઈ શકે છે અને એની પણ આપણને જાણે જરૂરત હોય તેવું લાગે છે. મુંબઈ પર થયેલા આતંકી હુમલા વખતે જ્યારે બરાબર આતંકીઓ જ્યાં હતા એ છાબડા હાઉસની સામે આવેલા એક ખાલી મકાન માં આખો દિવસ વિતાવ્યો રિપોર્ટિંગ માટે તે સમયે થયેલી લાગણી ની અનુભૂતિ આજે પણ વિસરી શકતી નથી. આવા અનુભવ તમારામાં એક ઇતિહાસ મૂકી જતા હોય છે. આપણને નવેસરથી આપણા વિશે અને જગત વિશે વિચારતા કરી મૂકે છે ને એટલે જ આવા ભય ઊભા કરતા સાહસો કરવા લોકોને ગમે છે. દુનિયાભરમાં એવા અનેક સ્થળો છે કે જ્યાં આવો વિનાશ નો ઇતિહાસ વેરાયેલો પડ્યો છે. જે લોકો વિનાશમાંથી ક્યારેય પણ પસાર થયા નથી હોતા એ લોકો માટે આ એક સાહસ ની અનુભૂતિ હોય છે. આવા સાહસો કદાચ માનવતા માટે પણ જરૂરી હોય છે કદાચ. આપણને આપણા અસ્તિત્વ વિશે અને આપણી માનસિકતા વિષે વિચારતા કરી મૂકે છે. તમે જો આવા સ્થળોએ જઈ શકતા ન હો તો આવા પ્રવાસોની ધારાવાહિકો આપણને એવા પ્રવાસની અનુભૂતિનો અહેસાસ કરાવે છે.
0 comments