ખાઉ ગલ્લી જાઓ તો ખાલી પેટ જજો.

00:02







મુંબઈમાં અનેક ખાઉગલ્લી છે પણ એક દિવસે દરેક ખાઉગલ્લીની વાત કરીને  સ્વાદની મજા નથી બગાડવી. વિલેપાર્લા વેસ્ટ એટલે દરિયો, પૃથ્વી થિયેટર અને સેલિબ્રિટિ. પાર્લા એટલે કંઈક નવીન હોય તો નવાઈ. વિલેપાર્લે વેસ્ટ સ્ટેશનથી મિનિટ દૂર આવેલ ખોખામાર્કેટ પછીના કોર્નર પર આખો દિવસ ઢોસા, સેન્ડવીચ અને જ્યુસ તો મળશે પણ સાંજ પછી તો અહીં મેળો લાગે. ખરા અર્થમાં ખાઉ ગલ્લી. અહીં મળતી દરેક વાનગી મજેદાર તો છે પણ તેને ખાવા માટે સેલિબ્રિટિઝ પણ રાત્રે આંટા મારે. ખેર હવે તો હોમ સર્વિસ આપતી માર્કેટિંગ એપ્પનો જમાનો છે તે છતાં અહીં ઊભા રહીને ભીડમાં ખાવાની મજા કંઈ ઓર હશે નહીં તો આટલી ભીડ અહીં થાય. 
ટિપિકલ બમ્બૈયા સ્ટ્રીટ ફુડ અહીં મળે  પણ પાઉંભાજીની લારીની ખોટ હોવા છતાં પણ વિસરાઈ જાય પાઉંભાજી ઢોસા ખાઈને.  લક્કી સેન્ડવીચની મસાલા ચીઝ ટોસ્ટ કે ગ્રીલ સેન્ડવીચનો પોતાનો આગવો સ્વાદ છે જેને ખાધા સિવાય સમજી શકાય નહીં. સ્વાદ ભારે તો તેની પ્રાઈઝ પણ ભારે છે. અનેક વેરાયટીની સેન્ડવીચીઝ તમને ગમે તે ખાઓ પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીમાં. હેલ્થ કોન્સિયન્સ હો તો બ્રાઉન બ્રેડ, પનીર ચીલી ટોસ્ટ પણ ટ્રાય કરી શકાય. તેની સાથે ફ્રેન્કી વાળો પણ છે. અને સ્વામી સમર્થ ઢોસાવાળો પણ પચાસેક જાતના ઢોસાની વરાયટી છે અને એકસાથે ચારથી પાંચ તવા પર ફટાફટ ઢોસા ઉતરે છે. તેની બરાબર બાજુમાં ભેલપુરી અને ચાટવાળો.  ખાઉગલ્લીમાં અમને જે હટકે લાગ્યું તેના વિશે વધુ વાત થશે સ્વાભાવિક છે. 
આપણા ભારતીયોની બે ખાસિયતો નોંધનીય છે એક તો ચેટિંગ એટલે વાતો કરવી અને બીજું ચાટ ખાવું. ચિટ ચેટ કરતાં કરતાં ખાધેલુ ચાટ સ્વાદિષ્ટ હોય કે હોય તો પણ ચાલે. ગલીના નાકે ઊભા રહીને ભૈયા ઓર ચટણી ડાલો, ની બૂમો સહજ પડાઈ જાય.પણ ભલા માણસ તીખું તમતમતું એક સ્વાદ ખાવાનો શું અર્થ. લ્યો ચેટ ચાટની વાત આવી કે હું તમારી સાથે ચેટિંગ કરવા બેસી ગઈ તો ચાટની વાત ભૂલાઈ ગઈ.  ગોપાલ કૃષ્ણ ભેલપુરી વાળાને ત્યાં  સાંજે મોડેથી કે રવિવારે રાતના જશો નહીં ગરદીમાં ખાવાની મજા શું ?  પણ આતો અમારો મત છે.તમે રાતના દશ વાગ્યા સુધી ક્યારેય પણ વરસના 365 દિવસમાંથી કોઇપણ દિવસ જઈ શકો.  બપોરના ચાર વાગ્યાથી તેની લારી લાગી જાય છે. છેલ્લા પચાસ વરસથી અહીં  તે અહીં બેસે છે. લારીની ખાસિયત છે તેની ચાટ,ચટણીઓ, રગડા પેટિસ .... ભેલ માટે જુદી આમલીની ચટણી. પાણી પુરી, ચાટ માટે ખજુરની  જુદી ચટણી.  પણ ભેલ-પાણીપુરી તો આપણે ઘણીવાર  ખાઈએ... અહીં જઈને તમે દહીં ચાટ અને રગડા પેટીસ ખાજો. દહીં ચાટમાં  અડદની દાળના વડા,બટાટા,કાંદા, પુરી , તીખી મીઠી ચટણી,સેવ અને મોળું ઠંડુ દહીં. મોંઢામા ચમચી ભરીને ચાટ ખાતા ચેટિંગ બંધ ફક્ત  ઊમમમમ... હમમમ અવાજો નીકળે.  કોઈપણ ભોજનનો સ્વાદ માણવો હોય તો ચેટિંગ બંધ કરીને ધીમેથી કોળિયો મોઢામાં મૂકી તેના સ્વાદને દરેક રીતે માણવો જોઇએ, બાકી ખાવાનું ઝાપટી જઇએ તો તેનો સ્વાદ ઝપટમાં ઊડી જાય. ચાટને જો કોઈ ફાઈવસ્ટાર હોટલમાં પીરસવામાં આવે તો તેની ડેલીકેસી બેવડાઈ જાય. ખટમીઠો,આછો તીખો છતાં મુલાયમતાનો સ્વાદ મોઢામાં જઇને ચટદઈને  ઓગળી જાય.  અહીં રગડા પેટિસ ખાઈને અમને ખૂબ નવાઈ લાગી.. રસ્તા પર મળતી રગડા પેટિસમાં પેટિસનો સ્વાદ કંઈ નથી હોતો પણ અહીં પેટિસ શુધ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. રગડા પેટિસ ખાતાં અમને એક જમાનામાં તારદેવ, નવજીવન સોસાયટી પાસે આવેલ ગીતા રેસ્ટોરન્ટની છોલે પેટિસ અને મરિન લાઈન્સ પારસી ડેરીની બાજુમાં આવેલ ગીતા રિફ્રેશમેન્ટની રગડા પેટિસ યાદ આવી ગઈ. વાચકોની જાણ ખાતર  બન્ને ફુડ જોઇન્ટ બંધ વરસોથી બંધ થઈ ગયા છે અફસોસ. પણ ગુપ્તાજીની રગડા પેટિસે જુનો અસલી સ્વાદ યાદ કરાવ્યો. કાંદા ,ચટણી,રગડો અને પેટિસ વરસાદમાં ગરમાગરમ રગડા પેટિસ વાહ ક્યા બાત હૈ...રગડા પેટિસ આમ તો દિલ્હી, પંજાબની છોલે પેટિસનું મુંબૈયા વર્જન છે. રગડાવાળી પાણી પુરી સાથે રગડા પેટિસ પણ મળે . પણ શુધ્ધ ઘીની પેટિસનો સ્વાદ અસલી સ્વાદ હોય છે. ચાટ ચેટની વાતે અમને બીજો વિચાર આવ્યો કે મુંબઈમાં નહીં ભારતભરમાં ભેલ વેચનારા ઉત્તર પ્રદેશના ભૈયાજી હોય છે આમ કેમ ? ગુપ્તાજી પાસે સવાલનો જવાબ પણ નથી અને ચેટ કરવાનો સમય પણ નથી.  એટલે અમે ચાટ તથા રગડા પેટિસનો સ્વાદ મમળાવતા વિદાય લઇએ છીએ. તીખું તમતમતું ખાધા પછી બાજુમાં ઊભેલા જ્યુસવાળા પર નજર ગઈ. 
જુલાઈમાં પણ ગરમી લાગે છે એટલે ગરમીમાં પાણી અને પ્રવાહી પીણા પીવાની ઇચ્છા થાય સ્વાભાવિક છે. એટલે  હરિઓમ જ્યુસ સેન્ટર પાસે જઇને ઊભા રહ્યા. તેનું મેનુ કાર્ડ જોઇને દશ મિનિટ સુધી ઓર્ડર આપી શકાયો.૬૦જાતના જ્યુસ અને 13 જાતના મિલ્કશેક .અને બ્લોસમ્સ એટલે કે ફળની સાથે વેનિલા આઈસ્ક્રિમની મજા..  મન તો થયું સાદો  અને સસ્તો જો કહી શકાય તો મોસંબી જ્યુસ કે વોટર મેલન (કલિંગર) પી નાખીએ... પણ સમર (ડિલાઈટ) કુલ અને ગ્રીન કુલ શું છે  તે પુછી જોઇએ... ત્યાં તો પિન્ક રંગના ડ્રેગન ફ્રુટ પર નજર પડી. થાઈલેન્ડનું પિતાયા નામે ઓળખાતું ડ્રેગન ફ્રુટ મુંબઈમાં કીવીની જેમ દેખા દે છે. દેખાવમાં તે કાપ્યા પછી આકર્ષક લાગે છે  સફેદ પારદર્શક ગરમાં કાળા કાળા તલ જેવા બી..પણ તેનો સ્વાદ થોડોક તાડગોળા જેવો પણ ગળ્યો નહીં ન્યુટ્રલ હોય છે. તરત પુછાઈ ગયું ભૈયા...ઇસકા જ્યુસભી કૈસે બનાતે હૈ ? સુરેશ ગુપ્તાએ જ્યુસ બનાવવાનું પોતાનું કામ અવિરતપણે ચાલુ રાખતા જવાબ આપ્યો ,ગ્રીન ડિલાઈટ (કુલ)કિવી કે સાથ મિક્સ કરકે બનાતે હૈ..... મૈડમ ફ્રુટ ડેન્ગ્યુમાં ફાયદેમંદ છે. અમારી પાસે એક ગ્રાહક ફળ ખરીદવા આવ્યો કારણ કે તેને પોતાના કોઈ સગા માટે ડોકટરે ખાવાનું કહ્યુ હશે. ગ્રીન ડિલાઈટ ઓછી સાકર સાથેનો ઓર્ડર આપ્યો ત્યાં કોઇએ ગ્રીન કુલ વગર સાકરનો ઓર્ડર આપ્યો. એટલે તેને પણ ચાખવાનું નક્કી કર્યું  અને તેની ખાસિયત પુછી.... સરળતાથી પોતાની ટ્રેડ સિક્રેટ કહી દેતા સુરેશ ગુપ્તા બોલે છે, લીલી દ્રાક્ષ, ફુદીનો, આદુ અને લીંબુ .... કુઉઉઉલ કહીને અમે તે ચાખ્યો અંદર બહાર ઠંડક પ્રસરી ગઈ. મિક્સરની ગરગરાટી વચ્ચે મોટેથી બોલતા ગુપ્તાજી કહે છે કે સબ નેચરલ હૈ... પેટ કે લિએભી યહ અચ્છા હૈ.... હમને બતાયા વોહ ઘરપેંભી બના શકતે હો... સારો જ્યુસ બનાવવો હોય અને પીવો હોય તો  ફળની ગુણવત્તા સારી વાપરવી જોઈએ. વાશી જઈને હું સારામાં સારા ફળો લઈ આવું છુ. ભલે મોંઘા હોય....હમણાં આફુસ મોંઘી છે પણ મારે ત્યાં મળશે...દરેક સીઝનના ફ્ળ બજારમાં મળે તે લાવવાનાપણ ગ્રાહક નિરાશ થઈને પાછો જવો જોઈએ. લગભગ ત્રીસ વરસથી હું જ્યુસ બનાવું છું. આજે મારું નામ છે. કહેતાં તેણે ગ્રીન કુલનો ગ્લાસ અમારા હાથમાં મુક્યો... કીવી મને ભાવતા નથી પણ કીવી અને ડ્રેગન ફ્રુટનો સ્વાદ જુદી જાતનો લાગ્યો, ભાવ્યો.... એક ગ્લાસ પીતા હ્રદય અને પેટ ભરાઈ ગયા. સન સેટ,ગોલ્ડન ગ્લો, સમર કુલ, પિન્ક પેમ્પર વગેરે નામો વાંચીને જ્યુસ પીવાનું મન થાય.. પ્લાસ્ટિકના નાના કપમાં જો જ્યુસ તૈયાર હોય તો શોટ ગ્લાસમાં ચાખવા પણ મળે. ૬૦ રુપિયાથી લઈને ૩૨૦રુપિયા સુધીના જ્યુસ અને મિલ્કશેક મળે છેલીચી અને જાંબુની સિઝનમાં  લીચીજાંબુનો જ્યુસ પીવા આવવાની તેણે ભલામણ કરી...ગુપ્તાજી કહે છે કે , અમારા જ્યુસમાં લીચી અને જાંબુ બન્નેનો સ્વાદ જુદો જુદો અનુભવાશે....ડાયાબિટિશવાળા અનેક લોકો તે પીવા આવે છે. પાર્લા છે તો કોઇ સેલિબ્રિટી આવે છે ? પુછતાં આછું હસતાં ગુપ્તા કહે છે કે બહોત ...પણ તેઓ મોડા આવે અને કાળા કાચની ગાડીમાં આવે એટલે ઓળખાય નહીં. સિરિયલોના તો અનેક કલાકારો આવે છે. અમે તો ઓળખતા નથી પણ લોકો વાતો કરે છે. 
અને હા ડ્રેગન ફ્રુટમાં ભરપુર વિટામીન સી હોય છે. અને તે સહેલાઈથી પચી જાય છે. એટલે માંદા માણસ માટે પણ તે ખાવું સારું
ખાઉ ગલ્લીમાં ચા અને ભજીયા પણ મળે છે પણ બધું અમે ખાઈએ તે કેમ ચાલે તમે પણ એક્સપ્લોર કરો તમારા સ્વાદઅનુસાર. 




You Might Also Like

0 comments