પુરુષોની વચ્ચે જ્યારે ખરા અર્થમાં મિત્રતા બંધાય છે ત્યારે ઈતિહાસ રચાતો હોય છે.
વોટ્સ અપ બ્રો, બે આજના પુરુષો જ્યારે વાત કરે ત્યારે આવા શબ્દો જરૂર સંભળાશે. ગુજરાતી પ્રૌઢ પુરુષોમાં જરા જુદું જ સાંભળવા મળે …જેમ કે શું છે ભાઈ, દોસ્ત, શેઠ, બોસ વગેરે વગેરે……આજે બે પુરુષોની વાત કરીએ કે તરત જ મનમાં એક જ વિચાર આવે, સજાતીય સંબંધનો. તેનું કારણ છે કે બે સ્ત્રીઓની મિત્રતા વિશે તરત જ સજાતીય સંબંધનો વિચાર નથી આવતો પણ બે પુરુષો લાગણીથી એકબીજા સાથે બંધાય જ નહીં તે માન્યતા છે વાસ્તવિકતા નહીં. પુરુષોની વચ્ચે સજાતીય સંબંધ સિવાય પણ ઈમોશનલ બોન્ડિંગ એટલે કે લાગણીના તાણાવાણા વણાઈ શકે છે. પુરુષોને લાગણી વ્યક્ત કરતા આવડતું નથી એ માન્યતા છે સાચું નથી. સાચું તો એ છે કે મનમેળ બે પુરુષો વચ્ચે વાતો દ્વારા સધાય છે. બે પુરુષો એકબીજાની સાથે વાતો કરી શકે છે કારણ કે બન્નેને પુરુષોની માનસિકતાના એક એવા સ્ટેજ પર ઊભા રહીને વાત કરતા હોય છે કે તે વિશ્વમાં સ્ત્રીનો વિરોધ નથી હોતો. તે બન્ને સજાતીય ન હોવાને કારણે વિજાતીય વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ અને જરૂરિયાત બન્નેને સમજાતી હોય અને તેનો સ્વીકાર પણ હોય છે.
આપણે ત્યાં બે પુરુષોની મિત્રતા યાદ કરીએ તો સૌ પ્રથમ કૃષ્ણ અને અર્જુનને યાદ કરવા પડે. એ બન્ને વચ્ચેનો સંવાદ તે ગીતારૂપે આજે આપણી પાસે છે. પુરુષોનો અહમ એટલો આળો હોય છે કે વાતચીતમાં પણ તેઓ ઘવાઈ જઈ શકે છે. શબ્દ પણ તેમને બાણની જેમ વાગી શકે છે. પુરુષને આ વાત સમજાતી હોય છે, એટલે જ્યારે તેને એવો પુરુષ મળે જે તેના અહમને તોડે પણ નહીં અને સાચવવાની પરવા કર્યા વિના સાચી સલાહ આપે ત્યારે મિત્રતાનો સંબંધ પુરુષને સંપૂર્ણ કરતો હોય છે. પશ્ચિમમાં તેને બ્રોમેન્સ નામ આપવામાં આવે છે. આપણે ત્યાં એવું ય કહેવાય કે સગાભાઈઓ જેવો તેમનામાં પ્રેમ છે. એ રીતે જોઈએ તો રામ અને લક્ષ્મણ વચ્ચે પણ દોસ્તી હતી એવું કહી શકાય. ઉપનિષદ, વેદ તેમજ મહાભારત, રામાયણમાં બે પુરુષો વચ્ચેના સંવાદો જોવા મળે છે. સંવાદ જ્યાં શક્ય હોય છે ત્યાં જ મૈત્રી પાંગરે છે. પછી તે બે પુરુષ વચ્ચે હોય કે બે સ્ત્રી વચ્ચે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે. કૃષ્ણ અને અર્જુનની વાત કરીએ તો બન્ને આમ તો મામાફોઈના દીકરા એટલે પિતરાઈભાઈનું પણ સગપણ અને બન્નેની ઉંમર લગભગ એકસરખી હોવાને કારણે બન્ને વચ્ચે સખ્યનો ભાવ સહજ આવે તે સ્વાભાવિક હતું. મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થતો હોય છે તે જ સમયે ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે પણ સંવાદ ચાલી રહ્યો હતો. આમ તો સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે મૈત્રી શક્ય નહોતી, પણ ધૃતરાષ્ટ્ર અંધ હતા અને તેમણે બીજા પર નિર્ભર રહેવું જ પડે. એટલે જ્યારે તેમને યુદ્ધની દરેક ગતિવિધિ જાણવી હતી ત્યારે દિવ્ય દૃષ્ટિ ધરાવનાર સંજયનો સાથ જરૂરી હતો. સંજયને દિવ્ય દૃષ્ટિ આપનાર ધૃતરાષ્ટ્રને પણ તો દૃષ્ટિ આપી જ શકત? આ તો જીવનના રંગમંચ પર ભજવાતું નાટક હતું તેમાં સંવાદ વિના કામ ચાલી જ ન શકે. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી પતિપ્રેમમાં અંધ બને છે એટલે સંવાદની શક્યતાઓ કુંઠિત થઈ જાય છે. ધૃતરાષ્ટ્રને સંજયની મૈત્રી દિવ્ય દૃષ્ટિરૂપે મળી તે કહી શકાય. કૃષ્ણની દિવ્ય દૃષ્ટિ અર્જુનને મળી કારણ કે તેમની વચ્ચે મૈત્રીભાવ હતો.
મહાભારત અને રામાયણની વાત જવા દઈએ તો સામાન્યપણે પણ બે પુરુષની મિત્રતામાં બન્ને મિત્રોને નવો પ્રકાશ સાંપડતો હોય છે. બન્ને વચ્ચે સંવાદ શક્ય બનતો હોય છે. પુરુષોની મિત્રતાને સાહિત્યમાં અને ફિલ્મોમાં અનેકવાર વિષય બનાવાયા છે. શોલે, ધરમવીર અને કરણ-અર્જુન તરત જ યાદ આવે. બે પુરુષોની મિત્રતા કેવી હોય તે સમજવું હોય તો બે એક વરસ પહેલાં એક અંગ્રેજી ફિલ્મ આવી હતી ધ અપ સાઈડ એ જોવી જોઈએ. તેમાં બે તદ્દન જુદી પ્રકૃતિના પુરુષો, ખૂબ જ અહમ ધરાવનાર, એક ગરીબ તો એક અમીર, એક પ્રસિદ્ધ તો એક જેલ જઈ આવેલો. છતાં બન્ને એકબીજા સાથે સંવાદ કરી શકે છે એટલે બોસ અને નોકરમાંથી મિત્રો બની જીવે છે. આ ફિલ્મની વાત સત્ય ઘટના પરથી લેવામાં આવી છે. બે પુરુષોની મિત્રતાનો વિચાર આવ્યો આ ફિલ્મને જ્યારે ફરીથી વરસેક પછી જોઈ. આ ફિલ્મ અબ્દેલ સેલોએ લખેલી યુ ચેન્જડ માય લાઈફ અ મેમોઈર પુસ્તક જે બેસ્ટસેલર બન્યું હતું તેના પરથી બની છે. ફિલ્મના રિવ્યુ સારા નથી આવ્યા પણ બે પુરુષ કે જેમનું જીવન અધુરું હતું, ખંડિત હતું તેમને એકબીજાની જરૂર હતી. પુરુષને બીજાની જરૂર પડે ત્યારે સૌથી વધુ તેનો ઈગો વચ્ચે આવતો હોય છે. અમીર ફિલિપનો પેરાગ્લાયડિંગ કરતાં અકસ્માત થયો હોય છે અને ગરદન નીચેનું તેનું અંગ પેરેલાઈઝ્ડ થઈ જાય છે. તેને કેરટેકરની જરૂર પડે છે રોજિંદા કામ માટે. જ્યારે ફિલ્મનો ડેલ અને વાસ્તવિકતાનો અબ્દેલ બીજાને છેતરવાના ગુનામાં જેલ જઈ આવ્યો હોય છે. તેને કામની જરૂર હોય છે જે સહજતાથી તેને મળે એમ નથી અને ફિલિપને કેરટેકરની જરૂર હોય છે જે પૈસા ખર્ચતા મળી શકે તેમ છે. ફિલિપને કંટાળાજનક માણસો નથી જોઈતા. આમ પણ તે પોતાની ચેર અને બેડ સાથે બંધાઈ ગયો હોય છે. બીજાની સહાય વિના તે કોઈ જ કામ જાતે કરી શકે તેમ નથી. સતત સાહસ કરનારી વ્યક્તિ જ એવો નિર્ણય લઈ શકે કે જેને જવાબદારી ઉઠાવતા કે બીજાની કાળજી લેતા ન આવડતી હોય તેને કેરટેકર તરીકે રાખે. અબ્દેલને પણ નવાઈ લાગી હતી, પણ ફિલિપ સાહસિક તો હતો જ પણ કલાપારખુ હતો. તેને અબ્દેલમાં છુપાયેલો માનવીય અભિગમ દેખાયો, સાથે જ તેને આ બંધિયાર વાતારણમાંથી મુક્ત કરી શકવાની શક્યતા પણ અબ્દેલમાં દેખાઈ. આમ બન્ને વ્યક્તિએ એકબીજાની કુંઠિતતાને તોડી, જીવનને પીડા અને બંધિયારતામાંથી મુક્ત કરી આનંદ અને અજવાસ તરફ લઈ ગયા. ફિલિપ પક્ષઘાતવાળા શરીર સાથે ફરીથી પેરાગ્લાઈડ કરી શક્યો અને લગ્ન પણ કર્યા. જ્યારે અબ્દેલ પણ પરણ્યો અને પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે. બન્ને સાથે દસ વરસ રહ્યા. બન્ને લગ્ન બાદ જુદાં થયા પણ મિત્રતા રહી. ફિલિપે અબ્દેલને કામ પર રાખવા પહેલાં ૯૦ જણાના ઈન્ટરવ્યું લીધા હતા. અબ્દેલને રાખ્યો કારણ કે તે ડરતો નહોતો. એટલે જ જીવનને જોખમી પણ નવા વળાંકો તરફ લઈ જઈ શકવાની શક્યતા તેનામાં ફિલિપને દેખાઈ એટલે જ તેની પાસે કેરટેકર તરીકેનું કોઈ ક્વોલિફિકેશન ન હોવા છતાં કામ પર રાખ્યો હતો.
સજાતીય સંબંધ સિવાય પણ પુરુષને સંવાદ માટે પુરુષની જરૂર જણાતી હોય છે. પુરુષો જેમ સામે આવતી દરેક
સ્ત્રીઓને તપાસતાં હોય છે કે તેની સાથે શારિરીક સંબંધ બાંધી શકાય કે નહીં એ જ રીતે દરેક પુરુષને પણ તપાસતાં હોય છે કે તેની સાથે મિત્રતા કેળવી શકાય કે નહીં.
બે પુરુષોની વચ્ચે સહજતાથી મિત્રતા બંધાતી નથી પણ એકવાર જો એ મૈત્રી પાંગરે છે તો તેને સહજતાથી તોડી શકાતી નથી. સ્ત્રીઓને આ મૈત્રીનો ડર લાગતો નથી. તેમને પણ સમજાતું હોય છે કે એ મૈત્રીને કારણે પુરુષ સંવેદનશીલ બનતો હોય છે. હા, ફક્ત દારૂ પીવા માટે ભેગા થતાં મિત્રોની વાત અહીં નથી. કોઈપણ જાતના વ્યસનને કારણે બંધાયેલી મિત્રતામાં સંવાદિતા હોય તેવું ભાગ્યે જ બની શકે. વ્યસનના બહાના સિવાય પણ જો બે પુરુષો સંવાદ કરી શકતા હોય તો તે પુરુષ જીવનના દરેક કુરુક્ષેત્રને જીતી શકે છે. પરેલાઈઝ્ડ શરીર સાથે પણ જીવનને જીવી શકાય છે. ફિલિપે પણ પોતાની વાત પુસ્તક રૂપે લખી છે. તેણે કહ્યું છે કે અબ્દેલનું જીવન બદલાયું હશે મને મળવાથી પણ તેને મળ્યા બાદ મારું પણ જીવન બદલાયું છે. નહીં તો મેં એકવાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો જ હતો. પુરુષનું આ વિશ્વ અનોખું છે અને સંવેદન, સંવાદ તેમજ સમજણથી ભરપુર હોય છે.
- 21:38
- 0 Comments