ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ ભારતીય નારીની કથા ...

00:40


         


થેક્યુ બલ્કી અને ગૌરી શિંદે... ભારતીય નારીની વ્યથા અને કથા પર અદભૂત ફિલ્મ બનાવવા માટે. આ ફિલ્મનો પ્રોમો જોઇએ તો લાગે કે ઊચ્ચ મધ્યમવર્ગિય ઘરની ગૃહિણી જે અંગ્રેજી માધ્યમમાં ભણી નથી તે મોટી ઊંમરે અંગ્રેજી શીખવાના વર્ગમાં જાય છે તેની કથા છે. પણ આખી ફિલ્મ જોયા પછી સમજાય કે આ અંગ્રેજી ભાષા અને અમેરિકાનો ઉપયોગ અહીં લેખક ડાયરેકટરે મુક્તિના સંદર્ભે કર્યો છે. ફક્ત એક જ વાક્યમાં કહેવું હોય તો આ ફિલ્મની કથા લાખો ભારતીય મહિલાઓની વાત છે જેમના વ્યક્તિત્વની કે કામની કદર ક્યારેય ઘરમાં થતી નથી. ઘરમાં જ નહીં આપણા ભારતીય સમાજમાં પણ થઈ શકે એમ નથી. આ મહિલાઓ પોતે પણ એ જ રીતે વિચારે છે જે રીતે સમાજ ઇચ્છે છે. એટલે જ ફિલ્મમાં એ મહિલાને પોતાના વ્યક્તિત્વની સાથે ઓળખ કરાવવા માટે જ એકલી અમેરિકા મોકલવાનો વિચાર આવ્યો હશે. કારણ કે જો તે અહીં ભારતમાં જ રહેશે તો પોતાના સુખી સંસારમાં બીજાને ખુશ રાખવાના વિચારોમાં પોતાના વ્યક્તિત્વને , વિચારોને હંમેશા કચડતી રહેશે. તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી શકાય તેનો વિચાર પણ તેને નહીં આવે. આખીય ફિલ્મમાં નાના પ્રસંગો અને સંવાદો ધ્વારા સુક્ષ્મ રીતે ભારતીય નારીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. વાર્તામાં સૌથી સરસ બાબત એ છે કે ક્યાંય નેગેટિવીટીનો ઉપયોગ હિંસક રીતે નથી કરવામાં આવ્યો. પતિ સારો, પ્રેમાળ હોય. સાસુ પણ સમજદાર છે, બે હોશિંયાર બાળકો, ઘર ,ગાડી બધું જ છે.  અને છતાં તે વારે વારે ઘવાય છે. ભારતીય નારી છે એટલે તેને ફરિયાદ પણ નથી કે ન તો એ ઝઘડે છે ક્યારેય. એ બુધ્ધુ ય નથી સામાન્ય બુધ્ધિ અને પોતાની રીતે વિચાર કરવાની તેનામાં ક્ષમતા છે ફક્ત તેની એ બાબતને ક્યારેય કોઇએ એટલે કે તેની નાનકડી દુનિયાના તેના કુટુંબીઓએ નજર અંદાજ કરી છે. તેની કદર કોઇએ કરી નથી. પણ એને જ્યારે એકલા બહારની દુનિયામાં જવાનો મોકો  મળે છે ત્યારે એની પ્રતિભા , આત્મવિશ્વાસ અને ક્ષમતા ખીલી ઊઠે છે.  અંગ્રેજી ભાષા સારી રીતે આવડતી હોય તે બુધ્ધિશાળી અને ન આવડતી હોય તે ગમાર ગણાય છે. ભારતીયો સિવાય બીજા અનેકને અંગ્રેજી નથી આવડતી હોતી તે બાબત પણ ફિલ્મમાં સહજ રીતે કહેવાઇ છે. અનેક દ્રશ્યોમાં શ્રીદેવી અને ફ્રેન્ચ કુક જે ક્લાસમાં તેની સાથે અંગ્રેજી શીખવા આવતો હોય છે તેમને સંવાદ કરતા દર્શાવ્યા છે. શ્રીદેવી હિન્દીમાં બોલે અને પેલી વ્યક્તિ ફ્રેન્ચમાં બોલે અને છતાંય તેમની વચ્ચે સંવાદ થાય છે. કારણ કે બન્નેને એકબીજા માટે માન અને આદરની લાગણી છે. એક જ ભાષામાં વાત કરો તોય સંવાદ ન થયો હોય તેવું શક્ય છે. એ બાબત પણ આ ફિલ્મમાં ખૂબ જ સહજતાથી દ્રશ્યો દ્વારા સમજાવી છે. ટુંકમાં આ ફિલ્મમાં ક્યાંય કોઇ જ રીતે લાઉડલી લાગણીઓની વાત નથી અને છતાંય સુક્ષ્મરીતે આપણે પોતાની વ્યક્તિઓની હિંસા કઈ રીતે કરીએ છીએ તે દર્શાવ્યું છે. આપણા સમાજની માનસિકતાને પણ આ ફિલ્મમાં કોઇપણ રીતના બૂમબરાડા પાડ્યા સિવાય દર્શાવી શકાઇ છે. ભારતીય સ્ત્રીની સ્થિતિ, માનસિકતા અને વ્યક્તિત્વનું આલેખન આ ફિલ્મમાં ખૂબ જ સહજતાથી દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મ જોયા બાદ લાગ્યું કે આપણે ત્યાં ફિલ્મોથી લઈને દરેક જગ્યાએ સ્ત્રીઓની ક્ષમતાને નજરઅંદાજ કરવાનો કે તેને વધુ મહત્ત્વ ન આપવાનો ચીલો છે જ. શ્રીદેવી હોય કે કાજોલ, ઐશ્વર્યા હોય લગ્ન અને બાળકો બાદ તેમની કારકિર્દી બદલાઈ જાય છે. જ્યારે પુરુષ પતિની કારકિર્દી નથી બદલાતી.જ્યારે હોલીવૂડમાં આજે ય મેરિલ સ્ટ્રીપ, એન્જલિના જોલી, સેન્ડ્રા બૂલોક (પચાસ વરસની છે) નિકોલ કિડમેને વગેરે અનેક હિરોઈનો માટે ફિલ્મો બને છે. તેમની કારકિર્દીનો અંત ઉંમર કે લગ્ન કરવાથી કે બાળકો પેદા કરવાથી નથી આવતો. મિડિયામાં પણ ચાલીસ વરસથી મોટી ઊંમરની સ્ત્રીઓને નોકરીએ નહી રાખવાનો અને મોટી ઊંમરની સ્ત્રીઓનો ઇન્ટરવ્યુ નહીં કરવાનું કહેવામાં આવી રહ્યું છે. રવિવારની કે બુધવારની પૂર્તિઓમાં મુખ્ય આર્ટિકલો પુરુષો જ લખે છે. સ્ત્રીઓની પૂર્તિમાં તમને ફિડબેક માટે ઇમેઇલ આઇડી પણ નહીં જોવા મળે. આવી અનેક બાબતો છે જો સુક્ષ્મ રીતે જોઇએ તો ભારતમાં નારીને પૂજનીય ગણવી તે કહેવા પૂરતું રહી ગયું છે. ત્યાગમૂર્તિ કહીને તેની પાસે બલિદાન કરાવવાનું તેના વ્યક્તિત્વનું અને ક્ષમતાનું. તેને અબળા જ રાખવાની જેથી તેના પર આડકતરી રીતે રાજ થઈ શકે. હેટસ ઓફ્ફ ટુ બલ્કી જેને આવા સંવેદનશીલ વિષય પર નારીપ્રધાન વાર્તા પર સરસ ફિલ્મ બનાવી.
        

You Might Also Like

1 comments