પ્રિય તને .... 26-2-14

04:09

પ્રિય તને ....  


હમને સનમ કો ખત લિખા, ખતમેં લિખા... હવે આવા કોઈ ગીત લખાશે નહીં. કારણ કે પત્ર લખવાનું જ બંધ થઈ ગયું છે.થોડો સમય પહેલાં તાર સેવા બંધ થઈ ત્યારે તેની યાદો અનેકે અખબારોમાં અને ફેસબુક પર લોકોએ વાગોળી હતી. ફેસબુક પર પત્રલેખનનું ગ્રુપ પણ શરૂ થયું છે પરંતુ, પત્ર ધ્વારા જ સંવાદ કરવાનો હોય તે અનૂભુતિ કંઇક જુદી છે.  યાદ કરો તમે છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો. હવે ઇમેઇલ, ફેસબુક  અને વ્હોટ્સ એપના  જમાનામાં પ્રેમી પ્રેમિકાઓ જ નહીં માતાપિતા પણ પોતાના બાળકોને ટેક્સ્ટ કરે છે. બીજાની ક્યાં વાત કરું હું ને મારો દીકરો પણ વ્હોટ્સ એપથી વાત કરીએ છીએ. યાદ કરો એ દિવસો ટપાલીની રાહ જોવાનીને પત્ર આવે ત્યારે તેના પરના અક્ષરો જોઇને કોનો હશે તે પરખાય. પત્ર જ નહીં પરબિડીયું પણ રોમાંચ જગાવી શકતું. તમારું નામ એ પરબિડિયા પર  વાંચતા કેવોક આનંદ થાય. અને આપણે જ્યારે લખીએ ત્યારે પણ તે વ્યક્તિ વિશે વિચારીએ. અને જો ખાસ વ્યક્તિ હોય તો  કાગળ પણ ખાસ પસંદ કરીએ.
પ્રેમ પત્ર હોય તો પત્રમાં સુકાયેલું ફુલ કે અત્તર છાંટીને મોકલીએ. શું લખવું તે વિશે લાંબા વિચાર કરીએ. ઇમેઇલમાં ગમે તેટલા મીઠી લાગણીઓ લખાઈ હોય પણ તે અંગત સ્પર્શ ક્યાંથી મળે ?  યાદ કરો તમને છેલ્લે ક્યારે કોઇ પત્ર મળ્યો હતો કે તમે ક્યારે છેલ્લો પત્ર લખ્યો હશે. શક્ય છે બે ચાર વરસમાં તો પોષ્ટ ઓફિસ અને ટપાલી શોધ્યા નહીં જડે. આજે ટપાલી આવે છે ખરો પણ તે શેરના કાગળિયાં કે કામકાજી પત્રો લાવે છે.
આજે ય કેટલાક લોકો વિશ્વમાં પત્ર લખવાની કળાને જીવંત રાખે છે. ન્યુયોર્કમાં રહેતી પાંત્રીસેક વરસની હાન્નાહ બ્રેન્ચર અજાણી વ્યક્તિઓ માટે પ્રેમ પત્ર લખે છે. વાત જાણે એમ છે કે એ જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે આખીય કોલેજમાં તે એકમાત્ર છોકરી હતી કે જેણે દરરોજ સાંજે પોષ્ટબોક્સમાં કોઇ કાગળ આવ્યો છે કે નહીં તે જોવા જવું પડતું હતું. કારણ કે તેની માતા પત્રો ધ્વારા જ સંપર્ક કરતી હતી. તે સમયે બીજા બાળકો બીબીએમના મેસેજ ધ્વારા સંપર્કમાં રહેતા હતા ત્યારે એની માતા ફોન કે મેઇલનો ઉપયોગ નહોતી કરતી. એ પત્રો તેણે સાચવી રાખ્યા છે. એ જ્યારે કોલેજ પૂરી કરીને ન્યુયોર્ક સ્થાયી થવા ગઈ. માણસો અને વાહનોથી ધમધમતા શહેરમાં ય એકલતા હોવાના અહેસાસે તેને હતાશામાંધકેલી દીધી ત્યારે તેને માના પત્રો વાંચીને રાહત થતી.
પીડામાં તમને હંમેશા બીજાના વિચાર આવે છે. હાન્નાહને પોતાની એકલતાની પીડામાં પત્રો વાંચતાં વિચાર આવ્યો કે દુનિયામાં અનેક લોકો હશે જેમને ક્યારેય કોઇ પ્રેમથી પત્ર નહીં લખતું હોય. એકલતા અને હતાશા તેમને પણ ઘેરી લેતી હશે. બસ તેને આવા લોકોને માટે પ્રેમ પત્ર લખવાનો વિચાર આવ્યો. તેણે અનેક પ્રેમ પત્રો લખ્યા અને કોફી શોપ,લાયબ્રેરી,ગાર્ડન વગેરે અનેક જાહેર સ્થળોએ મૂકી દીધા. ત્યારબાદ એણે ઓનલાઈન લોકોને જાહેરમાં લખ્યુ કે તમારે હાથે લખેલો પ્રેમપત્ર જોઇતો હોય તો કહો.... બસ અનેક એકલા, દુખી લોકોએ પ્રેમપત્ર માગ્યા.
અહીં પ્રેમપત્ર એટલે લાગણીસભર, પ્રેરણાત્મક પત્રો.આ વરસના અંત સુધીમાં તો તેણે લગભગ 400થી વધુ પત્રો લખ્યા હશે.તેનું માનવું છે કે પત્રો તમને હુંફ આપે છે. પીડામાં, એકલતામાં, નિરાશામાં તમારી સાથે કોઇ વ્યક્તિ છે તેવો અહેસાસ કરાવે છે. તમે  પોતાનામાંથી  શ્રધ્ધા ખોઇ બેઠા હો છો ત્યારે કાગળ પર પેન ધ્વારા લખેલો પત્ર શ્રધ્ધા જગાવે છે. ઇમેઇલ કે મેસેજીસમાં એક નિર્જીવ મશીનનો અહેસાસ હોય છે. જ્યારે હાથે લખેલા પત્રમાં વ્યક્તિના સ્પર્શની હુંફ અનુભવાતી હોય છે. શબ્દો પણ જીવંત લાગે છે. હાન્નાહ એકવાર પત્રો ભરેલી ક્રેટ લઇને જઈ રહી હતી ત્યારે સબવે માં એક વ્યક્તિએ તેને કહ્યું કે આટલું વજન ઊપાડવા કરતા તું ઇન્ટરનેટનો ઉપયોગ કેમ નથી કરતી. તો હાન્નાહે કહ્યું કે હું સ્ટ્રેટેજીસ્ટ નથી કે સ્પેશિયલીસ્ટ પણ નથી હું માત્ર સ્ટોરી ટેલર છું. તમે વિચારો કે એક સ્ત્રી પોતાના પતિના વિરહમાં વરસો વિતાવતી હોય અને તે જ્યારે પાછો આવે ત્યારે એ જુએ કે ઘરની ભીંતો પર કાગળો ચિટકાડ્યા હોય તેમાં તે પત્નિએ પોતે કેટલી આતુરતાથી તેની રાહ જુએ છે તે લખ્યું હોય. શબ્દો ન કરી શકે તે કામ એ પત્રો કરે છે. એક માતા પોતાના પરદેશ ગયેલા દીકરાનો કાગળ આંસુભરી આંખે જુએ કે સ્પર્શે ત્યારે દીકરાને સ્પર્શ્યાનો અહેસાસ કરતી હોય છે. કોઇ વ્યક્તિ ફેસબુક પર પોતે આત્મહત્યા કરવાનો છે એવું લખીને લોગઆઉટ કરે અને પછી જ્યારે તે આવો પ્રેરણાત્મક લાગણીસભર પત્ર વાંચે અને મરવાનો વિચાર માંડી વાળે ત્યારે .... નવી શરુઆત થતી હોય છે.
જો કે આજે ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવન સાથે એ રીતે સંકળાયો છે કે તેની બાદબાકી કરવી સહેલી નથી. હાન્નાહ પણ પોતાની વેબસાઈટ પર પત્રો મૂકે છે ખરી. દરરોજ જીવવા માટે તમને ખોરાક, પાણી સિવાય સુંદર વિચારની જરૂર હોય છે. હકારાત્મક મેસેજીસનો રાફડો છે ઇન્ટરનેટ પર પણ પત્રો રૂપે લખાયેલ વિચારો તમને અંગતતા મહેસૂસ કરાવે છે. દરેક સુધી તેનાથી પહોંચવું સહેલું નહોતું. એટલે હવે તે હાથે લખેલા પત્રોતો પોષ્ટ કરે છે કે મૂકે જ છે પણ ઇન્ટરનેટ ધ્વારા પણ અનેક લોકો તેના પત્રો મેળવી રહ્યા છે. તેની પાસે હવે વોલિન્ટિયર પણ છે.

હાન્નાહની જેમ ભારતીય મહિલા લક્ષ્મી પ્રચુરી પાસે તેના પિતાએ મરણ પહેલાં બે વરસ સુધી લખી રાખેલી નોટબુક છે. અને તે પણ માને છે કે  પોતાના હાથે લખેલા પત્રોનો વારસો આપણે બાળકોને ન આપીને તેમને પ્રેમનો અહેસાસ આ રીતે પણ થઈ શકે તે અનુભૂતિથી વંચિત કરી રહ્યા છીએ. આ લોકો આપણને કહે છે કે ફેસબુક,એસએમએસ, મેસેજીંગ, ઇમેઇલથી નહીં પણ હાથે કાગળ પર લખીને કોઇનો આભાર માનીએ, કોઇને લાગણી દર્શાવીને તેને જીવનને ભરપૂર જીવવા માટે પ્રેરિત કરીએ. 

You Might Also Like

1 comments

  1. Divyasha, very nice article again. I have specially soft corner for hand written letters. When I was dating my husband some 20 yrs back and He was moved to USA we decided to write letter to each other every Thursday and we continued doing that for almost 5 yrs till I moved to USA. That memory is still with me with 2 bags full of love letters...so precious for us!! :)

    ReplyDelete