માનસિકતા બદલે બદલાપુર 3-3-15

22:01



હાલમાં રજૂ થયેલી ફિલ્મ બદલાપુર જોઈ ? જોવા જેવી છે ડાર્ક ચોકલેટ... મિત્રએ વાપરેલા આ શબ્દોએ કુતૂહલ જગાડ્યું. તો વળી બીજાએ કહ્યું કે હટકે ફિલ્મ છે જોવા જેવી. ફિલ્મનું નામ સાંભળતાં જ ગૈંગ ઑફ વાસીપુરની યાદ તાજી થાય. ગૈંગવોરની સ્મૃતિઓ તાજી થાય, પણ જ્યારે આ ફિલ્મ જોઈએ ત્યારે સમજાય કે રિવેન્જ - બદલાની આ સ્ટોરી બદલો લેવાની આપણી વૃત્તિ પર આધારિત છે. સવાલ એ પણ થાય કે આટલી હદે માણસ બદલો લેવા માટે જીવી શકે ખરો ? બદલો લેવાથી શું મળે ? રિવર્ડ એટલે કે સારા કામના બદલામાં મળતી બક્ષિશ અને વેરયુક્ત બદલાની વાતમાં આસમાન જમીનનો ફરક છે તે સુજ્ઞ વાચકો જાણે જ છે. અંગ્રેજીમાં રિવર્ડ અને રિવેન્જ એ બે શબ્દો છે, જ્યારે આપણે ત્યાં બદલો બન્ને અર્થમાં વપરાય છે. વેરયુક્ત બદલાની અહીં વાત કરવી છે. 

કેટલાંક વરસો પહેલાં સ્વીસ સંશોધનકારોએ એક પ્રયોગ કર્યો હતો. તેમણે કેટલીક વ્યક્તિઓના મગજની હિલચાલને મોનિટર કર્યું. આ વ્યક્તિઓ પોતાના પાર્ટનર દ્વારા આર્થિક રીતે છેતરાઈ હતી. એ વ્યક્તિઓના ભાગીદારે લાલચમાં આવીને તેમનો ભાગ પચાવી પાડ્યો હતો. તેમને એ પાર્ટનરની સાથે એક મિનિટ માટે બદલો લેવાની તક આપવામાં આવી અને તે સમયે તેમના મગજનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમને જાણવા મળ્યું કે મગજના રિવર્ડ આપતા ભાગમાં એક્ટિવિટી જોવા મળી હતી. આ પહેલાંના સંશોધનમાં કોકેન અને નિકોટન લીધા બાદ મગજના આ જ ભાગમાં એક્ટિવિટી જોવા મળી હતી. અર્થાત્ બદલો લીધા બાદ વ્યક્તિને સંતોષ જ નહીં આનંદની પણ લાગણી થતી હશે. અને એટલે જ બદલો લેવાની ભાવના ખૂબ સહજતાથી લોકોમાં જોવા મળે છે. બદલાની ભાવનાથી જ વંશ પરંપરાગત દુશ્મનીઓ આકાર લેતી હોય છે. તો ગૈંગવોર કે માફિયારાજના પાયામાં પણ બદલો લેવાની ભાવના જ હોય છે. મહાભારત કાળથી બદલાની ભાવનાએ યુદ્ધ થતાં આવ્યા છે. દ્રૌપદીએ આંધળાના દીકરા આંધળા કહીને મજાક ઉડાવી તેની સાથે બદલાનું બીજ વવાઈ ગયું જે જુગારમાં દ્રૌપદીને જીત્યા બાદ ચીરહરણથી લઈને કુરુક્ષેત્રના લોહિયાળ યુદ્ધના વૃક્ષ સમું વિકસ્યું. બદલાના આ વૃક્ષથી ક્યારેય કોઈને પણ લાભ થતો નથી. તે છતાં ય સદીઓથી માનવજાત તેને ઉછેરે છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારવા પાછળ પણ બદલાની જ ભાવના તો હતી. અને આઈએસઆઈએસ, અલકાયદા દરેક સંગઠનો પણ બદલાની ભાવનાને ઉછેરીને જેહાદની જય બોલાવે છે. 

રાજકારણમાં પણ સીધી નહીં તો આડકતરી રીતે બદલાની ભાવના પોષવામાં આવે છે. હવે યુદ્ધ સોશિયલ મીડિયાના મેસેજો દ્વારા પ્રસરી રહ્યું છે. જોક અને મેસેજ દ્વારા આ લોકસભાઓ અને ચૂંટણીઓમાં એકબીજા સાથે રાજકીય પાર્ટિઓએ બદલો લેવામાં કોઈ મણા નહોતી રાખી. અધૂરામાં પૂરું બુદ્ધિજીવી વર્ગ પણ તેના અંગે ટિકાટીપ્પણી કરી પોતાની રીતના બદલાઓ લઈ રહ્યા હતા. 

સૌથી વધુ ફિલ્મો અને ધારાવાહિકોની વાર્તા આ બદલાના બીજની આસપાસ જ ફરે છે. અને એવી વાર્તાઓમાં માનવને સૌથી વધુ રસ પડે છે, કારણ કે ક્યાંક તેના મનમાં પણ કોઈક પ્રકારની બદલાની ભાવના સંતોષાતી હશે! નકારાત્મકતા ન આવે તો સફળ વાર્તા બને જ નહીં તેવી માન્યતાઓ પણ મીડિયામાં પ્રવર્તી રહી છે. દેશ, રાજકારણ, સમાજ વચ્ચે જ નહીં કુટુંબો અને વ્યક્તિઓ વચ્ચે પણ બદલાની ભાવનાને લીધે ટ્વિસ્ટ આવતું હોય છે. કહેવાય છે કે બદલો લઈ લેવાથી દુભાયેલી લાગણીઓના જખમ ભરાય છે. બદલો એ એક પ્રકારનું લાગણીઓને વિસર્જિત કરવાની ભાવના છે, પણ હકિકતે આ સાચું નથી એવું સંશોધનોમાં સાબિત થયું છે. બદલો લેનારની આક્રમકતા બદલો લઈ લીધા બાદ ઓછી થતી નથી. ઊલટાનું બદલાની ભાવનાને નહીં પોષનારની આક્રમકતા ઓછી થતી હોય છે. ૨૦૦૨ની સાલમાં પર્સનાલિટી અને સોશિયલ સાયકોલૉજીકલ બુલેટિનમાં ઓહાયો યુનિવર્સિટીના બ્રાડ બુશમેને લખ્યું છે કે આક્રમક બનીને બદલો લેનાર વ્યક્તિ કરતા બદલો નહીં લેનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય છે. 

યુનિવર્સિટી ઑફ વર્જિનિયાના ટીમોથી વિલ્સન અને હાર્વર્ડ યુનિવર્સિટીના ડેનિયલ ગિલ્બર્ટે અનેકવાર કરેલા અભ્યાસ દરમિયાન નોંધ્યું છે કે બદલો લેવાની ભાવનાથી વેરવૃત્તિને પોષનાર ક્યારેય શાંતિથી નથી જીવી શકતો, કારણ કે તે સતત પોતાની વેરવૃત્તિના જખમને ખોતરી ખોતરીને તાજો રાખ્યા કરશે. તો જે વ્યક્તિ વેરની આગને હવા નથી નાખતી સમય જતાં તે વ્યક્તિના જખમ ભરાઈ જતાં હોય છે. તેમણે અનેકવાર કરેલા સંશોધનમાંથી તારણ કાઢ્યું કે વ્યક્તિઓ એવું માને છે કે જો તેઓ બદલો લેશે તો તેમને સારું લાગશે, પરંતુ બદલો લેવાની વૃત્તિ સૌ પ્રથમ એ વ્યક્તિને જ નુકસાન પહોંચાડે છે. એટલે બદલો લીધા છતાં તે વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી ઊલટાનું ગુનાહિત ભાવનો ઉમેરો થાય છે. ભારત પાકિસ્તાનની મેચ વખતે આપણે જોઈએ છીએ કે રમતને બદલે એ બદલાની ભાવનાથી થતું યુદ્ધનું મેદાન બની જાય છે ખાસ કરીને દર્શકોના મનમાં. તેનું ટેન્શન ખેલાડીઓ ઉપર પણ વર્તાતું હોય છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ એટલે જ ખાસ બની જાય છે. દુનિયાના દરેક યુદ્ધમાં બદલાના બીજ હોય છે. 

સંશોધન અને અભ્યાસ તો સાયકોલૉજીસ્ટ અને બિહેવિયરલ એનાલિસ્ટો કરતાં રહે છે, પરંતુ આપણે પણ જોતાં આવ્યા છે કે સદીઓથી બદલો લેવાની વૃત્તિને કારણે નુકસાન જ થયું છે ક્યારેય લાભ થતો જણાયો નથી છતાં પણ માનવી આ દ્રષ્ટાંતોમાંથી કશું જ શીખતો નથી. તે નવાઈ લાગે એવી બાબત નથી? જો કે, બદલો લેવાથી જ શાંતિ કે સંતોષ મળશે તેવી લાગણીને માણસ જો સ્વીકારે નહીં તો શક્ય બને કે બદલાની ભાવનાથી રેડાતા લોહી ઓછા થાય, પણ રોજબરોજના જીવનમાં નાના નાના બનતા બનાવોમાં પણ બદલાની વૃત્તિ હોય છે. અને તેમાં એક સંતોષ, આનંદનો અનુભવ થતો હોવાને કારણે માણસને જ્યારે કોઈ તરફથી મોટા આઘાતો મળે છે ત્યારે ખૂનખરાબા કરતાં પણ તે અટકતો નથી, કારણ કે તેનાથી એને દેખીતી રીતે ન સહી પણ થોડીઘણી રાહતનો અહેસાસ થતો હોય છે તે પણ એટલું જ સાચું. એટલે જ બદલાની ભાવનાથી કરેલા ખૂનામરકી બાદ આપણને કેટલાયના ચહેરા પર અફસોસની જગ્યાએ ગર્વની છાંટ જણાતી હોય છે. 

જર્મન સાયકોલૉજીકલ સાયન્ટિસ્ટ મારિયો ગોલવિટ્ઝે આ અંગે ખાસ્સુ સંશોધન કર્યું છે. તેણે બે શક્યતાઓ જોઈ જેમાં વેર લીધા બાદ ફિલગૂડ ફિલિંગ થતી હોય છે. એક તો જેના પર વેર લેવાનું છે તેને પોતાની જેટલું જ સહન કરવાનું આવ્યું તે જોઈને બદલો લેનારને સારું લાગતું હોય છે. તેમાં પણ જો ભોગ બનનાર વ્યક્તિએ જાતે વેર ન લીધું હોય તે છતાં જુલ્મ કરનાર દુખી થતો હોય તો બદલો લેવા માગતી વ્યક્તિને સારું લાગતું જ હોય છે. ફક્ત પોતાને પીડા આપનાર પીડા ભોગવી રહ્યું હોય તે જોઈને જ બદલો લેવા માગતી વ્યક્તિને સારું લાગે છે. તો વળી બીજી થિયરીમાં એવું પણ જણાયું કે જો બદલો લેવા ઈચ્છતિ વ્યક્તિનો આડકતરો પણ હાથ ન હોય ને સામી વ્યક્તિ દુખી હોય તો તેમાં પૂરતા પ્રમાણમાં ફિલગૂડ ફિલિંગ નથી આવતી. અફસોસની કણી ખૂંચ્યા કરતી હોય છે. આમ તો બદલો લેવામાં જાતીય ભેદભાવ હોતો નથી. બન્ને જાતિ બદલાની આક્રમકતા એટલી જ તીવ્રતાથી અનુભવે છે ફક્ત તેને વ્યવહારમાં મૂકવામાં ફરક હોઈ શકે.

આપણે ત્યાં ક્ષમાપનાનું મહત્ત્વ અદકેરુ છે, કારણ કે વેરવૃત્તિથી હિંસા વધે છે અને તેમાં ગર્વ લઈ શકાય તેવો લાભ નથી જ થતો. એટલે જ્યારે બદલો લેવાની વૃત્તિ જોર કરે ત્યારે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ યાદ કરી લેવા જેવું છે. ક્ષમાથી બદલાની પરંપરા તૂટે છે.

You Might Also Like

0 comments