કળિયુગમાં રાવણને દશ માથાં નથી (mumbai samachar)

00:06
સદીઓ પહેલાં રાવણ સીતાને ઉપાડી ગયો હતો પણ તેની મરજી વિના સ્પર્શ નહોતો કર્યો. સ્ત્રીની હા કે ના પૂછ્યા  પહેલાં જ તેના શરીરને સ્પર્શી લેતા પુરુષો વગદાર અને મોટી ઉંમરના હોય છે. 

૧૦ વરસની અનીતા શાળાએથી આવી તો ઘર મહેમાનોથી ભરેલું હતું. તેમાં દૂરના કાકા પણ હતા. બધાએ અનીતાને પ્રેમથી બાથ ભરી તો પેલા કાકાએ તો તેને ખોળામાં જ બેસાડી દીધી અને તેના શરીરને જે રીતે સ્પર્શ કર્યો તે અનીતાથી સહન ન થતાં ગમે તેમ પોતાની જાતને છોડાવી તે અંદરના રૂમમાં ભાગી ગઈ. 

તેર વરસની મીતાને ધરમાં સૂતાં બીક લાગતી હતી કારણ કે અંધારામાં કોઈ હાથ તેના શરીરને પસરવાતો હતો જે તેને ગમતું નહોતું. 

પંદર વરસની સંજનાને તેના ટ્યુશન સર જે રીતે તેના શરીરને જોતા તે સહન ન થતું. તો ૩૦ વરસની નીલિમાને રાતના મોડું થતાં તેના બોસે લિફ્ટ આપી ત્યારે ખબર નહોતી કે તે એને બાથમાં ભરીને અણછાજતું વર્તન કરશે. 

આવી અનેક ઘટનાઓ કોઈને કોઈ રીતે મોટાભાગની સ્ત્રીઓના જીવનમાં બની હોય છે. પુરુષ મોટેભાગે સ્ત્રીને ફક્ત શરીર તરીકે જુએ છે તેમાં ય નાની વયની બાળકીઓને કે નબળી સ્ત્રીઓને વગદાર કે મોટી ઉંમરના પુરુષો ગમે ત્યારે ગમે તેમ રીતે જાતીય સતામણી કરી લેતા હોય છે. આવી માનસિકતામાં અમેરિકાના પ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાછળ નથી. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં આ વખતે ટ્રમ્પ વિરુદ્ધ હિલેરી છે. અમેરિકાના ઈતિહાસમાં પુરુષ વિરુદ્ધ સ્ત્રી પહેલીવાર ચુંટણીમાં આમને સામને છે. ચૂંટણીના જંગ જીતવા માટે અનેક કાદવ ઉલેચાતા હોય છે તેમાં નવી વાત નથી, પણ ગયા અઠવાડિયે ટ્રમ્પનો ઈતિહાસ જે રીતે સામે આવ્યો તેને કારણે દુનિયાભરની સ્ત્રીઓ અવાક રહી ગઈ. અમેરિકામાં સ્ત્રીઓએ ટ્રમ્પનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. ટ્રમ્પે ૨૦૦૫ની સાલમાં સ્ત્રી વિશેના તેના વિચારોની ટેપ બહાર પડી છે. તેમાં ટ્રમ્પ કોઈને કહે છે કે તમે વગદાર હો તો સ્ત્રીઓ તમને ના પાડતી નથી. (સુજ્ઞ વાચકો ટ્રમ્પે કહેલા ખરા શબ્દો સહન નહીં કરી શકે એટલે એ મતલબનો અર્થ જ અહીં રજૂ કરું છું. ટ્રમ્પે એમ પણ કહ્યું કે સ્ત્રીને પકડી લેવાની હોય છે. તેમની હા કે ના પૂછવાની પણ ટ્રમ્પને જરૂર નથી લાગતી. જો કે ટ્રમ્પ ખોટા નથી તેવું અનેક અમેરિકન સ્ત્રીઓએ કહેતાં ટ્વીટ કર્યું કે સત્તાનો ફાયદો મોટાભાગના પુરુષો ઉઠાવતા હોય છે અને સ્ત્રીનું અપમાન કરતા અચકાતા નથી હોતા. 

સાયકોલોજિસ્ટ તમારા ગ્રીનબર્ગે લખ્યું કે થેન્ક યુ ટ્રમ્પ તમે બળાત્કારની સંસ્કૃતિને રાષ્ટ્રિય સંવાદનો વિષય બનાવ્યો તે માટે. અમને ખબર છે કે સત્તાશાળી પુરુષો કેટલા નાના મનના હોય છે કે તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સ્ત્રીના માનવીય અધિકારનું હનન કરે છે. કેનેડિયન લેખિકા કેલી ઓક્સફર્ડે શુક્રવાર રાત્રે ટ્વિટર લિન્ક શરૂ કરી. તેણે સ્ત્રીઓને આહ્વાન આપ્યું કે તેમના જીવનમાં અનુભવેલા પહેલી જાતીય સતામણી વિશે કહો. તેણે શરૂઆત પોતાના જ અનુભવથી કરી. એ જ્યારે બાર વરસની હતી ત્યારે બસમાં એક વૃદ્ધે મારી જાતીય સતામણી કરીને મારી સામે હાસ્ય કર્યું હતું તે અસહાય, અપમાનિત સ્થિતિ ક્યારેય ભુલાય નહીં. તેણે ટ્વિટ કર્યાના થોડા જ સમયમાં હજારો સ્ત્રીઓએ ટ્વિટ કરીને પોતાના અનુભવ લખ્યા. કેલીએ નોંધ્યું કે દર સેક્ધડે એક ટ્વીટ થતી હતી. કોઈને પિતાએ અબ્યુઝ કરી હતી તો કોઈને શાળામાંથી ચાલીને આવતા રસ્તામાં બાઈકરે અબ્યુઝ કરી હતી. એ સ્ત્રીએ લખ્યું કે ત્યારબાદ તે કેટલાય વરસો સુધી સ્કર્ટ પહેરતા ડરતી હતી. 

શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સફાઈ આપતા કહ્યું કે તે બસ ડીંગ મારતો હતો, ખરેખર આવું વિચારતો નથી. અહીં ફરી કહેવાનું મન થાય કે ભાઈ ડીંગ મારવા માટે પણ તને સ્ત્રીનું અપમાન કરવાની શું જરૂર પડી? ડીંગ પણ મારતો હોય તો પણ તેની મેલી માનસિકતા જણાઈ આવે છે. 

જાણીતા પત્રકાર બરખા દત્તે પણ પોતાની સાથે થયેલી જાતીય સતામણી વિશે વાત કરી છે. એ જ્યારે દશ વરસની પણ નહોતી ત્યારે તેની સાથે જાતીય સતામણી થઈ હતી. બરખાએ એક વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે તે ગમે તેટલું ભૂલવા માગે છે પણ એ પ્રસંગ ભૂલી શકાતો નથી. સતત તે સ્મૃતિ વાગ્યા કરે છે. પ્રખ્યાત ટોક શો ચલાવનાર ઓપરા વિન્ફ્રીએ પણ બાળપણમાં થયેલી જાતીય સતામણી વિશે વાત કરી છે. હોલીવૂડનો એકટર, ડિરેકટર વુડી એલનની દીકરી ડાયલને પોતાના પિતાએ કરેલી જાતીય સતામણી વિશે બે વરસ પહેલાં જાહેરમાં વાત કરી હતી. અભિનેત્રી કલ્કી કોચીએ પણ બાળપણમાં થયેલા ખરાબ અનુભવની વાત કરી હતી. અનેક પ્રસિદ્ધ સ્ત્રીઓએ જાહેરમાં બાળપણમાં પોતાને થયેલ જાતીય સતામણીની વાત કરી છે, પરંતુ સામાન્ય સ્ત્રીઓ માટે આ રીતે પોતાના અનુભવની વાત કરવી સહેલી નથી હોતી એટલે તેઓ કડવા અનુભવો પોતાના મનમાં ભરી રાખે છે. જેને કારણે અનેક માનસિક સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. કોઈને પણ આવી વાત કરવી સ્ત્રી માટે ખૂબ મુશ્કેલ હોય છે. મનના ખૂણામાં ભરાઈ રહેતી આ બાબતો સતત તેમની સતામણી કરતી રહેતી હોય છે. એકવાર પચાસેક વરસના એક બહેને મને કરેલી વાત કરું, બાળપણમાં તેમના એક સગાંએ તેમની જાતીય સતામણી કરી હતી તે વાત તેમને રોજ દુસ્વપ્નની જેમ કનડે છે. તેમણે લગ્ન કર્યા છતા પતિના સ્પર્શનો આનંદ પણ તેઓ વરસો સુધી માણી નહોતા શક્યા. મારી સામે પહેલીવાર બોલ્યા બાદ તેમને હળવાશનો અનુભૂતિ કરી હોવાનું કબૂલ્યું હતું. 

બાળપણમાં થયેલી આવી સતામણી હંમેશાં પોતાના કુટુંબીઓ મારફત જ થતી હોવાથી તેની પીડા ખૂબ દુખકર હોય છે. જ્યાં સુધી આ રીતે સ્ત્રીઓની સતામણી થતી રહેશે ત્યાં સુધી રાવણનો નાશ થતો નથી. ટ્રમ્પની આવી કબૂલાત જાહેર થઈ પણ આપણી આસપાસ અનેક એવા પુરુષો હશે જેમણે જાતીય સતામણી કરી હશે પણ તેમનું નામ જાહેર નહીં થાય. રાવણ સીતાને જબરદસ્તીથી ઉપાડી ગયો હતો પણ આ રાવણો તો જબરદસ્તીથી નિર્બળ બાળકીઓ કે નારીને જીવનભરની પીડા આપી બેસે છે. તેને નાથવાનો ઉપાય તો માનસિકતા બદલવાથી જ શક્ય છે.

You Might Also Like

0 comments