નિવૃત્તિનું વધાર્યું ‘ગૌરવ’ (mumbai samachar)

01:34

       





સાઈઠ વરસની ઉંમર બાદ કામમાંથી નિવૃત્તિ લીધા બાદ મોટાભાગના લોકો મિત્રો સાથે હરવા ફરવા અને બાળકોનાં બાળકોને સાચવવાના કામ કરતા હોય છે. તો વળી કોઈ બસ ટેલિવિઝનની સામે ધામા નાખીને બેસી રહેશે તો કોઈ મંદિર અને બગીચાઓમાં સિનિયર સિટિઝન્સ મંડળોમાં જોડાઈ જશે. હરિયાણાના ગુરગાવ વિસ્તારમાં રહેનારાં સ્નેહલત્તા હુડાએ નિવૃત્તિ બાદ વધુ પ્રવૃત્ત થવાનું નક્કી કર્યું પણ જરા જુદી રીતે. 

ગૌરવ મા તરીકે ઓળખાતાં સ્નેહલતા હુડાના અવાજમાં ઉત્સાહનો રણકો તમને અડ્યા વિના ન રહે. બે મહિના બાદ ૭૫ વરસની ઉંમરે પહોંચનાર ગૌરવ મા કહે છે કે સમાજ સેવા મારા લોહીમાં જ હતી. મારાં માતાપિતા પણ તેમનાથી શક્ય તેટલી લોકોને મદદ કરતાં અને ૪૦ વરસ મેં શિક્ષિકાની નોકરી કરીનેય ગરીબ બાળકોને ભણાવવાનું કર્યું છે. દિલ્હી એડમિનિસ્ટ્રેશનની શાળામાં મેં નોકરી કરી છે. હું પંદર વરસ પહેલાં નિવૃત્ત થઈ ત્યારે જ નક્કી કર્યું હતું કે હવે મારે સમાજ માટે જ જીવવું છે. આપણી આસપાસ કેટલાંય ગરીબ બાળકો હોય છે જે પૈસાના અભાવે ક્યારેય શાળામાં નથી જઈ શક્યાં. હું શિક્ષિકા હતી અને આ કામ એવું છે કે તે માટે પૈસાની જરૂર ન પડે. મારી પાંચ દીકરીઓ છે જે બધી જ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત છે. મારું પેન્શન આવ્યું તેનાથી જ મેં કામની શરૂઆત કરી દીધી. મારા ઘરની નજીકમાં એક ઝાડ નીચે મેં રસ્તા પર રહેતાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આસપાસનાં મકાનો બાંધવા માટે જે મજૂરો આવે તેનાં બાળકો અને ઝૂંપડપટ્ટી કે રસ્તા પર રહેતાં બાળકોને ભેગા કરીની તેમને અક્ષર જ્ઞાન આપવાનો યજ્ઞ શરૂ કર્યો. રવીન્દ્રનાથ ટાગોરે પણ વૃક્ષ નીચે જ શાળાની શરૂઆત કરી હતીને? ગુરુદેવ મારી પ્રેરણા બન્યા. આસપાસથી પસાર થતા લોકોને લાગ્યું કે આ નવું જોણું છે થોડા દિવસમાં બંધ થઈ જશે. પણ મારામાં જોશ અને ઉમંગ આજેય નથી ખૂટ્યા. આ જે શરીર છે તે શું કામનું... એ કામ કરતાં કરતાં જ ખતમ નથી જાય તો જ સારું. ક્યારેય પગવાળીને બેસવું મને પસંદ નથી. એમ કરતાં ચોમાસું આવ્યું, વરસતા વરસાદમાં પણ મારી શાળા બંધ ન થતી. હું ભીંજાતા ભીંજાતા પણ ભણાવતી. ટાઢ, તડકો કે વરસાદમાંય મારું ભણાવવાનું ચાલુ રહેતું જોઈને લોકો પૂછવા લાગ્યા કે અમે તમને શું મદદ કરી શકીએ. મેં તેમને કહ્યું કે હું ટાઢ, તડકો ખમી શકું છું પણ વરસાદ નહીં એટલે એક છાપરું બાંધી આપો. આમ એ જંગલ જેવી જગ્યાને અમે સાફ કરીને શેડ એટલે કે છાપરું બાંધ્યું. વરસો વીતતાં એ છાપરું થોડું મોટું થયું છે પણ હજી અમારી શાળા ઓપન છે. તેને દીવાલો નથી. લગભગ બસોએક છોકરાઓ બાલમંદિરથી આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કરે છે. મજદૂરોના બાળકો હોય એટલે તેમનું કામ ખતમ થતાં માતાપિતા સાથે જતાં રહે. એટલે સંખ્યા ક્યારેય એક સરખી ન હોય. તે છતાં તેમને અંગ્રેજી માધ્યમમાં જ શીખવાડવાનો પ્રયત્ન કરું છું. સાથે તેમને હોર્મોન તેમ જ સંસ્કારોનું શિક્ષણ પણ આપું છું. 

સ્નેહલત્તાજીએ શરૂઆતમાં ચાર વરસ સુધી એકલે હાથે બાળકોને ભણાવ્યાં. પછી તો લોકો તેમની લગન જોઈને જોડાતા ગયા અને કામ વધવા માડ્યું. આજે ગુરગાવમાં બે થી ત્રણ જગ્યાઓએ ગૌરવનિકેતન શાળા ચાલી રહી છે. તેમની શાળાનું સો ટકા પરિણામ આવે છે. ડિસેમ્બર મહિનામાં તેમને એપીજે અબ્દુલ કલામ એવોર્ડ મળ્યો છે. એ સિવાય અનેક નાના મોટા એવોર્ડ અને માનસન્માન થયાં છે. ગૌરવ માના હુલામણા નામે ઓળખાતાં સ્નેહલત્તાજીને શિક્ષિકા તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પણ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવોર્ડ અનેકવાર મળ્યો છે. તેઓ પોતે શાળામાં ભણતાં હતાં ત્યારે રમતગમતમાં તેમણે મેડલો મેળવ્યા હતા. હવે ૭૦ પ્લસ સિનિયર સિટીઝન્સ માટેની સ્પર્ધાઓમાં પણ તેમણે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે વર્લ્ડ માસ્ટર ગેમમાં ભાગ લેવા માટે આ વરસે જ ન્યૂઝિલેન્ડ જઈ આવ્યાં છે અને તેમાંય ૩૦ દેશોના સ્પર્ધકોમાં તેઓ ચોથા નંબરે આવ્યાં છે. આ રમતગમતમાં ડિસ્ક થ્રો, સો મીટર રેસ અને ૧૫૦૦ મીટર ચાલવાની સ્પર્ધા હોય છે. 

હાલમાં તેઓ વૃદ્ધાશ્રમ શરૂ કરવા માટે કામ કરી રહ્યાં છે. તેમનું પ્લાનિંગ છે કે એ વૃદ્ધાશ્રમમાં લોકો ફરીથી જીવતાં થાય. બેસીને આરામ કરે એવું નહીં પણ તેઓ આ પહેલાં જેવું જીવતાં હતાં તેવું સક્રિય જીવન જીવે. ગૌરવ મા કહે છે કે જો ભારતના એક ટકા નિવૃત્ત લોકો પણ સમાજને ઉપયોગી કામ કરે તો ય દેશની પ્રગતિ વધે. તેઓ કહે છે કે દરેક સિનિયર સિટીઝન્સ જો આસપાસના બેથી ચાર ગરીબ બાળકોને અપનાવીને તેમનું જીવન બદલી નાખે તો તેમના સમયનો સદુપયોગ તો થાય પણ આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. દરેક નિવૃત્ત વ્યક્તિ પોતાના વિસ્તારમાં ય જો કશુંક કામ કરે તો ભારત ચોક્કસ જ પ્રગતિમાં બીજા દરેક દેશને પાછળ રાખી દઈ શકે છે. 

ગૌરવ મા આજે ય સતત કામ કરે છે. તેમનું કહેવું છે કે ૪૦ વરસ મેં કામ કર્યું શિક્ષિકા તરીકે જેમાં મને પૈસા મળ્યા પણ સંતોષ તો છેલ્લાં પંદર વરસથી આ બાળકોને ભણાવવાથી જ મળે છે. આ કામ કરતાં આજે મને લાગી રહ્યું છે કે મારા જીવનમાં હવે સાર્થક કામ કરી રહી છું. આ ઉંમરે હવે જીવનમાં કોઈ જ તકલીફ નથી. હજી વધુ કામ કરવું છે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી. હું તો માનું છું કે સાઈઠ વરસ બાદ ઘરની બહાર નીકળીને દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ સમાજ માટે. હેટ્સ ઓફ્ફ સ્નેહલત્તાજી અમારા વાચકો ચોક્કસ તમારી પાસેથી પ્રેરણા લેશે.

You Might Also Like

1 comments