બ્લેડ રનર (મુંબઈ સમાચાર)

02:31


    


પરપલ રંગે રંગેલા પગના નખ સામે જોતાં શાલિનીએ આછો નિશ્ર્વાસ નાખ્યો હતો. મનોમન કહ્યું કે તમે સુંદર છો. આભાર મને અત્યાર સુધી ઊભી રાખી, ચલાવી. બસ ત્યારબાદ આંખો પર અંધારું છવાયું અને જ્યારે ફરી આંખોએ અજવાળું જોયું ત્યારે ઘૂંટણની નીચેના પગ કપાઈ ગયા હતા. હાથની જેમ જ...

પાંચ વરસ પહેલાં શાલિની સરસ્વથીને ખબર હતી કે તેનું જીવન બદલાવાનું છે. તે મા બનવાની હતી. વ્યવસાયે એન્જિનિયર શાલિનીને ટૂંક સમયમાં નોકરીમાં પ્રમોશન મળવાનું હતું. ૩૨ વરસની શાલિની હજી લગ્નની તિથિ પતિ પ્રશાંત સાથે કમ્બોડિયામાં ઊજવીને પાછી જ ફરી હતી કે અચાનક તેને વાયરલ ફીવરે પટકી. આ વાયરલ કંઈક જુદા જ પ્રકારનો હતો. ડોકટરોએ પણ પહેલાં ફક્ત ભણવામાં જ વાંચ્યો હતો. સામાન્ય જેવો ગણાતો તાવ શાલિની માટે જીવન મરણનો પ્રશ્ર્ન બની ગયો. તેણે કેટલાક મહિના હોસ્પિટલના આઈસીયુમાં જ વિતાવ્યા લગભગ કોમાની દશામાં. ડોકટરોએ તો શાલિનીના પતિ અને કુટુંબીઓને ફક્ત પાંચ ટકા બચવાના ચાન્સીસ હોવાનું ય કહી દીધું હતું. 

સદાય હસતી અને જીવંત સ્વભાવવાળી શાલિનીના અનેક મિત્રો હતા. દરેકે તેના માટે દિલથી પ્રાર્થના કરી. શાલિની તેના બ્લોગમાં લખે છે કે કદાચને આ પ્રાર્થનાઓની જ અસર છે કે હું જીવું છું. 

થોડો સમય માંડ વિત્યો કે શાલિનીને ગેંગરીન થયું. તેનો ડાબો હાથ કોણીની નીચેથી કાપી નાખવો પડ્યો. વળી થોડો સમય બાદ તેનો જમણો હાથ તેની મેળે જ ખરી પડ્યો. તેને ક્યાંક ખાતરી થઈ ગઈ હતી કે પગ પણ કપાવવા પડશે. ૩૨ વરસ સુધી સામાન્ય રીતે જીવતી અચાનક અપંગની દશામાં જીવવાનું કેવી રીતે વિચારી શકે ? સહેલું નહોતું તેના માટે આ પરિસ્થિતિ સ્વીકારવી. શાલિની જ કેમ આપણા કોઈના માટે સહજતાથી અપંગ દશા સ્વીકારી ન જ શકાય. શાલિનીને ગુસ્સો અને અસહાયતા એક સાથે અનુભવાતા હતા. શું કામ મને? મેં શું પાપ કર્મો કર્યા હશે? ના મેં જાણીજોઈને ક્યારેય કોઈને પીડા નથી આપી. તો પછી શું કામ? આવા સવાલોના કોઈ જવાબ હોતા નથી. જીવન તો જીવવાનું જ હતું. અને સૌથી તકલીફદાયક તો હતું કે તેનો ગર્ભ આકાર લઈને જન્મ લે પહેલાં જ ખરી પડ્યો. પહેલીવાર માતા બનવાની કોઈપણ યુવતીને કેટલી હોંશ હોય. મોટા પેટ સાથે ફોટા પડાવવાના સપનાંઓ જોયા હતા. મા બનવાનો ડર અને આનંદ બન્ને અનુભવ્યા હતા. પણ મા બનવાનું સપનું તૂટી પડ્યાનું દુખ તેના માટે હાથપગ કપાવવા કરતાં ય વધુ દુખદ હતું. ખેર, તેને સમજાયું કે જીવન તો તેણે જીવવાનું જ છે. રડીને જીવે કે હસીને. તેણે પોતાની સામે જોયું અને નક્કી કર્યું કે તે મૃત્યુ પહેલાં નહીં મરે. હાથ-પગ કપાઈ ગયા પણ તે પોતે તો એની એ જ છે. તેનાં ગમા અણગમા, તેની પસંદ નાપસંદ, સુખદુખને અનુભવવાની સંવેદનાઓ કશું જ બદલાયું નથી. બસ, તેણે નક્કી કર્યું કે તે જીવશે સામાન્ય રીતે જેમ પહેલાં જીવતી હતી. કદાચ તેનાથી વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે. તે હવે બીજાઓથી જુદી હતી. અલગ હતી. તે સામાન્ય નથી. 

બસ, આ વિચાર સાથે તેણે દરેક ક્ષણને માણવાનું નક્કી કર્યું. એટલે જ જ્યારે તેના પગ કપાવાના હતા તે દિવસે એણે બ્રાઈટ રંગની નેઈલ પોલીસથી નખ રંગ્યા હતા. જો પગને વિદાય આપવાની જ હોય તો સ્ટાઈલમાં આપવાની. તેણે પ્રોસ્થેટિક પગની મદદ વડે ડિસેમ્બર ૨૦૧૪થી ફરી ચાલવાનું શરૂ કર્યું. શાલિનીને ચાલવાથી સંતોષ ન થયો. જો કે પગમાં પહેરેલાં વિદેશથી આયાત કરેલી બ્લેડ પણ લોન પર લેવી પડી, કારણ કે તે મોંઘી હતી. તેણે આઈટી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. શક્ય તેટલું સામાન્ય જીવન જીવવા લાગી. લોકો તેને જોઈ રહેતા. સવાલો પૂછતા. તેણે એ દરેક બાબત સ્વીકારવા માંડી. સાથે જ તેને સમજાયું કે હજી તેણે પોતાની જાતને પુરવાર કરવા માટે વધુ પ્રયત્ન કરવો પડશે. બીજા માટે નહીં પણ પોતાના સંતોષ માટે એટલે તેણે દોડવાનું નક્કી કર્યું. સખત મહેનત કરીને તેણે છ મહિના પહેલાં દસ કિલોમીટરની દોડમાં ભાગ લીધો. જો કે તે નક્કી કરેલાં સમયમાં દોડ પૂરી ન કરી શકી, પરંતુ એ પહેલાં છ મહિના તેણે જે મહેનત કરી હતી તે જોતાં તેને પૂરા માર્ક આપવા પડે. શાલિનીએ હવે મા ન બનવાનું નક્કી કર્યું છે કારણ કે તેના માટે જીવન એક જંગ છે જેમાં સતત લડતાં રહેવાનું છે. તે ક્યારેય તેમાં હારવા નથી માગતી. તેની ઈચ્છા છે કે તે અનેક મેરેથોનમાં દોડતી રહે. શાલિનીએ પોતાની વાત બ્લોગમાં લખીને હળવા થવાની પ્રક્રિયા શરૂ કરી છે. તે એક જગ્યાએ લખે છે કે જીવનમાં દરેક ક્ષણને જીવો. વરસાદમાં હાથ પહોળા કરીને ચાલો. જીભથી ચાખો. પગ નીચે ઘાસના સુંવાળા સ્પર્શને અનુભવો. નાચો, ગાઓ જે કરવાનું મન થાય તે કરો. કારણ કે બીજી ક્ષણે શું થશે તેની આપણને કલ્પના જ નથી હોતી. એટલે જ આજે હું દરેક ક્ષણમાં જીવું છું કારણ કે જીવનને ક્ષણભરમાં બદલાતું મેં અનુભવ્યું છે.
You Might Also Like

0 comments