રાજાને ગમે તે રાણી

04:16
૩૯ વરસના હેન્ડસમ ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના પ્રમુખપદના દાવેદાર છે એ તો મોટા સમાચાર ખરા પણ તેઓ આજકાલ દુનિયાભરમાં તેમની પત્નીને કારણે ચર્ચામાં છે. ૩૯ વરસના મેક્રેાનની પત્ની બ્રિજિટ ટ્રોનેક્સ હાલ ૬૪ વરસના છે. બન્ને વચ્ચે વયનો ભેદ ૨૪ વરસનો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેની પત્ની મિલાના વચ્ચે પણ ૨૪ વરસનો ફરક છે. ફક્ત ફરક એટલો જ છે કે ટ્રમ્પની પત્ની તેનાથી નાની છે અને મેક્રોનની પત્ની તેનાથી મોટી છે. અને એટલે જ લોકોને નવાઈ લાગી રહી છે તેમ જ ચર્ચાઓ થઈ રહી છે. 

મેક્રોન જ્યારે ૧૫ વરસના હતા તે સમયે પોતાની ૪૦ વરસની શિક્ષિકા બ્રિજિટને મળ્યા હતા. ૧૭ વરસની વયે તેમણે બ્રિજિટને કહી દીધું હતું કે તે એની સાથે જ લગ્ન કરશે. જો કે તે સમયે બ્રિજિટ પરણીત હતાં અને ૩ બાળકોની માતા પણ હતાં. બ્રિજિટની દીકરી મેક્રોનની સાથે જ ભણતી હતી. એક અખબારને આપેલી મુલાકાતમાં બ્રિજિટે કહ્યું છે કે તે શાળામાં શીખવાડતી હતી. તે સમયે પહેલી વાર મેક્રોનને જોયો હતો. મેક્રોન પોતાની ઉંમર કરતાં ઘણો મેચ્યોર્ડ હતો. તેની હાજરીમાં કંઈક કરિશ્મા હતો જેથી તે એને અવગણી શકતી નહીં કે બીજા વિદ્યાર્થીઓની જેમ તેની સાથે વર્તી શકતી નહીં. ઈમેન્યુઅલ મેક્રોન - અ પરફેક્ટ મેન નામના પુસ્તકમાં બ્રિજિટે કહ્યું છે કે અમારી પ્રેમ કહાની ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ તે રહસ્ય જ રહેશે. અને તે કોઈ જાણી નહીં શકે કારણ કે તે અમારી અંગત બાબત છે. જ્યારે મેક્રોને એક ચેનલને મુલાકાત આપતાં કહ્યું કે જો સ્ત્રી મારાથી ૨૪ વરસ નાની હોત તો કોઈને અમારા સંબંધોને સ્વીકારતાં બહુ તકલીફ ન થઈ હોત. તે છતાં અમારી વચ્ચે જે સંબંધ છે તે પ્રામાણિકતા તથા સચ્ચાઈથી ભરેલો છે. હા અમારું કુટુંબ પરંપરિત રીતે જેવું હોવું જોઈએ તેવું નથી. પણ અમારા કુટુંબમાં પ્રેમની કમી નથી. બ્રિજિટે પોતાના પતિને છૂટાછેડા આપીને મેક્રોન સાથે ૨૦૦૭ની સાલમાં લગ્ન કર્યા છે. બ્રિજિટ માને છે કે મેક્રોન તેને માટે પરફેક્ટ મેન છે. મેક્રોન જો પ્રમુખપદની ચૂંટણી જીતી જશે તો બ્રિજિટ ફ્રાન્સની ફર્સ્ટ વિમેન બનશે. 

મોટેભાગના પુરુષોને વીસ વરસની ક્ધયાઓ વધુ ગમતી હોય છે. પણ જ્યારે અભ્યાસ થયો ત્યારે એવું સાબિત થાય છે કે વીસ વરસના પુરુષને પોતાનાથી મોટી વયની સ્ત્રી પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. આપણે ત્યાં આવા અભ્યાસ થયા નથી પણ પશ્ર્ચિમમાં જ્યાં આવા અભ્યાસ થયા છે તેમાં પુરુષોએ કહ્યું છે કે તેમનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ ગ્રેસફુલ અને મેચ્યોર્ડ હોવાને કારણે તેમના પ્રત્યે આકર્ષણ થાય છે. તેમની ઉંમરની કે નાની ઉંમરની છોકરીઓમાં પુખ્તતા નથી હોતી. તેમનું વર્તન એમને બોજારૂપ લાગતું હોય છે. વળી નાની ઉંમરની છોકરીઓ પાસે વાત કરવા માટે અનેક વિષયો પણ નથી હોતા. મોટી વયની સ્ત્રીઓ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી હોવાને કારણે તેઓ સતત તેમના ગળે વળગેલી નથી રહેતી. સંવાદ એ સ્ત્રી પુરુષના સંબંધોમાં મુખ્ય કડી હોય છે જે એકબીજા સાથે જોડી રાખે છે. સંબંધોમાં સેક્સ સિવાય સંવાદ એ ખૂબ અગત્યની બાબત હોય છે. પુરુષોને જે સ્ત્રી સાથે સંવાદ કરી શકાય છે તે સ્ત્રી પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. 

મેક્રોન પહેલો એવો પુરુષ નથી કે જે પોતાનાથી ઘણી મોટી ઉંમરની સ્ત્રીની સાથે પ્રેમમાં પડ્યો હોય. ભૂતકાળમાં પણ અનેક સેલિબ્રિટીઓએ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો છે. સૌ પ્રથમ ભારતીય પુરુષની વાત કરીએ તો ફરહાન અખતરે પોતાનાથી ૬ વરસ મોટી વય અધૂના સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તેઓ જુદાં થયાં છે. સચિન તેંડુલકરે પણ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. તેમની વચ્ચે પણ છ વરસનો વય ભેદ છે. સૈફ અલીખાને પોતાનાથી ૧૨ વરસ મોટી અમ્રિતા સિંહ સાથે લગ્ન કર્યા હતા તે સમયે ખાસ્સી ચર્ચાઓ થઈ હતી, પરંતુ એ લગ્ન ટક્યા નહીં તેનું કારણ કહે છે કે પુરુષોને નાની વયની સ્ત્રીનું આકર્ષણ રહે જ છે. તે છતાં મેક્રોન અને બ્રિજિટ જેવા અનેક વ્યક્તિઓ છે જેમને વયના વિરોધો નડતા નથી. હોલીવૂડના અભિનેતા એસ્ટન કૂચરે પોતાનાથી ૧૬ વરસે મોટી બ્યુટીફુલ ડેમી મુર સાથે પ્રણય સંબંધ બંધાયા બાદ લગ્ન પણ કર્યા હતા. એસ્ટન ત્યારે ૨૫ વરસનો હતો અને ડેમી મુર ૪૧ વરસની. બે વરસ ડેટિંગ બાદ તેઓ પરણી ગયાં હતાં અને છ વરસના લગ્નજીવન બાદ તેમણે ડિવોર્સ લીધા હતા. એસ્ટને ડેમીને છેતરી હતી તેણે બીજી યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા એટલે તેમની વચ્ચે તિરાડ પડી અને છેવટે જુદા થવાનું નક્કી કર્યું. 

બહુ ચર્ચિત અને ભારતમાં રિલીઝ ન થનારી ફિલ્મ ફિફ્ટી શેડ ઑફ ગ્રેની ડિરેકટર સેમ અને અવેન્જર ફિલ્મનો એકટર આરોન ટેલર-જોન્સન વચ્ચે ૨૪ વરસનો વય ભેદ છે. આરોન જ્યારે સેમને મળ્યો ત્યારે એ ફક્ત ૧૮ વરસનો હતો અને સેમ ૪૨ની હતી. છ વરસના લગ્નજીવન અને બે બાળકના જન્મ બાદ આરોનને વય ભેદ જણાતો નથી કારણ કે તે પોતે ઉંમરના પ્રમાણમાં ઘણો મેચ્યોર્ડ છે. સેમ ૨૦૦૯માં નો વ્હેર બોયઝ નામની બીટલ્સ પરની બાયોપિક ડિરેક્ટ કરી રહી હતી તે વખતે આરોન ટેલર ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. તે સમયે જ બન્ને એકબીજાની નજીક આવ્યા. ૨૦૧૨ની સાલમાં તેમણે લગ્ન કર્યા અને બન્ને આજે પણ હેપ્પીલી મેરિડ છે. આરોન તો બાળકીઓને ઉછેરવા માટે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દેવાનું વિચારી રહ્યો છે. આરોન વય ભેદ વિશે વિચારવા માગતો જ નથી. તે પોતાના લગ્નજીવનથી બસ ખુશ છે. 

અમેરિકન પ્રસિદ્ધ ગાયિકા ટીના ટર્નરે પણ પોતાનાથી ૧૬ વરસ નાના એરવિન બાક સાથે વરસો સુધી લિવ ઈન રહ્યા બાદ ચાર વરસ પહેલાં લગ્ન કરી લીધા છે. હોલીવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સેન્ડ્રા બુલોકે પણ પોતાનાથી ૧૬ વરસ નાના રાયન ગેસલિંગ સાથે પ્રણય સંબંધ બાંધ્યો હતો. આવાં તો અનેક નામો છે જેમાં પુરુષે પોતાનાથી વધુ વય ધરાવતી મહિલા સાથે પ્રણય સંબંધ બાંધ્યો હોય.

જો કે આ વાત આપણે ત્યાં એટલે કે ભારતમાં હજી પણ સમાજમાં સ્વીકાર્ય બનતી નથી. મોટી વયની સ્ત્રી માટે ક્રશ એટલે કે આકર્ષણ પણ હોય તો ય માતાપિતા સહન કરી શકે તેમ નથી. દિલ ચાહતા હૈ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા સાથે અક્ષય ખન્નાનો ક્રશ દર્શાવવામાં આવ્યો હતો. તેમાં પણ અક્ષય ખન્નાની માતાને અને મિત્રોને પસંદ નહોતું. આપણો સમાજ પરંપરાથી હટીને બનતી કોઈપણ ઘટના સ્વીકારવા માટે ઓપન નથી. જ્યાં સરખી ઉંમરના યુવાન અને યુવતીના પ્રેમ સંબંધમાંય ઓનર કિલિંગ થતું હોય ત્યાં ઉંમરમાં અનેક ગણી મોટી સ્ત્રી સાથેના સંબંધો સ્વીકારી શકવાની ક્ષમતા તો ન હોય તેમાં નવાઈ ન જ  લાગે. એટલે જ બોલીવૂડમાં પણ હોલીવૂડની જેમ આવા સંબંધો શક્ય નથી બનતા, પરંતુ ક્રિકેટર શિખર ધવન પોતાનાથી દશ વરસ મોટી આયેશા મુખર્જી સાથે ૨૦૧૨ની સાલમાં જોડાયો હતો. તેની લવસ્ટોરી પણ કંઈક હટકે છે. ફેસબુક પર તેમની મિત્રતા થઈ અને ચેટિંગ કરતાં એકબીજાના પ્રેમમાં પડ્યા. ઉંમરનો તફાવત જ નહીં આયેશાના આગલા લગ્નથી થયેલાં બે બાળકો પણ તેની સાથે આવ્યા છે. તેમના આવા લગ્ન વિશે ચર્ચાઓ અને વિરોધો પણ થયા જ પણ રાજાને ગમે તે રાણી એ કહેવત પ્રેમ લગ્નમાં સાબિત થાય છે. શિખર ૩૧નો છે અને આયેશા ૪૧ની છે 

પણ તે ગજબની સુંદર છે તથા કિક બોક્સર છે. બન્નેને સ્પોર્ટસ ઉપરાંત ટેટુ ચિતરાવવાનો શોખ 

પણ છે. 

જો કે હોલીવૂડમાં પણ જે સેલિબ્રિટીએ પોતાનાથી મોટી વયની મહિલા સાથે સંબંધ બાંધ્યો છે તે મોટાભાગે તો લાંબો સમય સુધી ટક્યો નથી. અને જે કેટલાક અપવાદ રૂપ ટક્યા છે તેમાં બન્ને વચ્ચે પ્રેમ અને સમજદારીની કેમેસ્ટ્રીનો હાથ છે. ખરેખર તો સંબંધમાં એકબીજાની ઉંમર કરતાં એકબીજા સાથેનો સંવાદ અને સમજદારી જ મહત્ત્વના હોય છે. આ બધું જોતાં એટલું તો કહી જ શકાય કે પુરુષોને ફક્ત યુવાન શરીરમાં જ રસ હોય છે એવું નથી જ. પુુરુષોને બુદ્ધિશાળી, સમજદાર અને સફળ સ્ત્રીઓ વધુ ગમે છે.

You Might Also Like

1 comments

  1. I would say I am impressed by the in depth research done for this blog!

    It ignites the spark in your thoughts. Am sure you would connect it with one or other attraction/crush of yours which you have faced in your real life...

    ReplyDelete