નબળાઈઓ હોવા છતાં ફિલ્મ રેવા જોવા જેવી છે

23:52
ધ્રુવ ભટ્ટની તત્વમસિ નવલિકા પરથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ખરેખર ખૂબ સારો છે. નવનીત સમર્પણમાં આ નવલકથા પ્રતિગચ્છતિના નામે છપાઈ રહી હતી ત્યારે હપ્તાવાર વાંચ્યા બાદ પણ આખું પુસ્તક હાથમાં લઈને વાંચવું પડ્યું હતું. નાની હતી ત્યારે મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં જતાં મમ્મી અચુક નર્મદાના પુલ પરથી પસાર થતાં દસ પૈસાનો સિક્કો નાખતી. મોટી થઈને હું પણ નાખતી થઈ. શ્રદ્ધા વિશે ક્યારેય સવાલો નથી થયા. ખેર, નવલકથામાં આવી શ્રદ્ધાથી તરબતર વાતો છે. નદી જે વાર્તામાં મુખ્ય પાત્ર હોય તેના પરથી ફિલ્મ બનાવવી અને તે પણ ગુજરાતીમાં તે દાદ માગી લે એવું કામ જરૂર છે. ગુજરાતી ફિલ્મો નાટકિય બનીને રહી જતી હોય છે. રેવા ફિલ્મ જોઈ ત્યારે એમાં પણ નાટ્યાત્મકતા ખટકી. સહજ અભિનય અને કુદરતી લાગણીઓને મેકઅપમાં દબાઈ જતા જોયા.
તે છતાં સરસ સિનેમેટોગ્રાફી અને વાર્તાના નાવિન્યને કારણે આ ફિલ્મ એકવાર જોવી જોઈએ. એડિટિંગ થોડું ક્રિસ્પ હોત તો ફિલ્મ શરૂઆતમાં જે લાંબી લાગી છે તે ન લાગત. મૂળ વાર્તામાં થોડો ફેરફાર ક્યારેક જરૂરી હોય છે પણ અહીં તેની જરૂર  નહોતી. એકંદરે સારો પ્રયાસ છે. જો ગુજરાતી ફિલ્મ અહીં સુધી પહોંચી છે તો હજી તેનો વિકાસ થઈ શકશે તેવી આશા જન્મે છે. ગુજરાતી લેખકો, , સંગીતકાર અને નિર્માતાઓ વરસોથી બોલીવૂડમાં રાજ કરી રહ્યા છે તો ગુજરાતી ફિલ્મ પણ સારી બનશે જ. આપણી પાસે સારી વાર્તાઓનો તોટો નથી. હા, નાટકિય અભિનયમાંથી બહાર નીકળવાની જરૂર લાગે છે. અભિનય થોડો સબળ હોત તો આ ફિલ્મ સો ટકા અદભૂત હોત. તે છતાં એકવાર સૌએ જોવી જોઈએ.

You Might Also Like

2 comments

  1. સ્મુન્દ્રન્તિકે હોય કે અકુપાર કે તત્વમસી, શ્રી ધ્રુવ ભટ્ટના પુસ્તકો વાંચતા કાયમ એ ખ્યાલ આવતો કે આના પરથી ગુજરાતી ચિત્ર બનવું જોઈએ પણ ક્રિસ્ટોફર નોલન, ફોર્સ કોપોલા, સ્પીલબર્ગ શ્યામ બેનેગલ જેવા બરનો ડાયરેકટર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં છે ખરો? જોઈએ આ ફિલ્મ કેવી બને છે? વર્ષા બહેનની અણસાર, કાપડીયા મેડમની સાત પગલા... વગેરે ગુજરાતીમાં અદભુત વાર્તાઓ છે પણ એને વફાદાર રહીને હીટ ચિત્ર બનાવવું એક પડકાર છે.

    ReplyDelete