પરપોટાની રાજનીતિ

09:29   જ્ઞાનના પરપોટા ગુગલ પરથી મેળવવાના અને એકો ચેમ્બરમાં ફોડવાના

આજથી અઢાર વરસ પહેલાં એટલે કે ૨૦૦૦ની સાલમાં ઈન્ટરનેટ દુનિયા બદલવા માટે ઝડપભેર કૂચ કરી રહ્યું હતું અને લોકો સુવર્ણયુગની રાહ જોઈ રહ્યા હતા તે સમયે અમેરિકન લીગલ સ્કોલર કાસ સન્સટેઈને કડક શબ્દોમાં વાઈલ્ડ વેસ્ટને ચેતવણી આપતા કહ્યું હતું કે, શક્ય છે કે ઈન્ટરનેટ દ્વારા આપણે લોકો વચ્ચેના કેટલાક ભૌગોલિક અને સામાજિક અંતરાયો દૂર કરી શકીશું, જેથી આપણે આસપાસના જગત સાથે સમદ્ગષ્ટિ કેળવી શકીશું, પરંતુ એ પણ શક્ય છે કે આપણે નવા વાડાઓ ઊભા કરીએ. જેમાં એક સરખી વિચારધારા ધરાવતા લોકો પોતાનો નવો વાડો એટલે કે સંપ્રદાય કે ગ્રુપ ઊભું કરે અને એ બધાની માહિતીનો સ્રોત એક જ હોય.
લાખો કરોડો લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાના વિશ્વનો વિસ્તાર કરે છે,તેમાંથી  કેટલાક લોકો એવા પણ હોય કે તેનાથી તદ્દન વિરુદ્ધનું કાર્ય કરે જેમકે તેઓ દરરોજ પોતાને રસ પડે એવું કે પસંદગીની માહિતીનું સર્જન કહો કે ઉત્પાદન કરે જેના દ્વારા તેમને લાભ થાય. એ લોકો દેશમાં પોલરાઈઝડ રાજકારણ ઊભું કરે. એમ કહી શકાય કે સરખી વિચારધારાનો પડઘો પાડતા લોકોનો વાડો એટલે કે એકો ચેમ્બર્સ ઊભો કરે.
કાસની આ ચેતવણી આજે હકીકત બની ગઈ હોય એવું નથી લાગતું. આ જ બાબત આપણી ભાષામાં કહીએ તો લોકો સંકુચિત વાડાના ગુલામ બની રહ્યા છે. કોઈ એક પક્ષનો ભક્ત છે તો કોઈ વ્યક્તિનો ભક્ત છે, તો વળી દરેક બાબતનો વિરોધ કરનારો પણ વર્ગ છે. સોશિયલ મીડિયામાં આવા જક્કી વિચારધારા ધરાવતા વાડાઓ તરત જ દેખાઈ આવશે. રાજકીય પક્ષો અને તેના કાર્યકરો, માનનારાઓ પોતાને બીજાથી જુદા માનીને સતત વિરોધીઓ પર વાર કરવા તૈયાર હોય. તમે જો સામેની વ્યક્તિ સાથે સહમત ન થાઓ કે તેમની વિચારધારાને સ્વીકારો નહીં તો તમે એમના દુશ્મન ન થાઓ તો પણ તેમના મિત્ર નથી રહેતા. સંબંધો વિચારધારા એટલે કે તમે કયા રાજકીય પક્ષને સપોર્ટ કરો છો તેના પર નિર્ભર હોય છે. તમે સામી વ્યક્તિની વિચારધારાનો પડઘો પાડો તો જ એમનો અહમ સંતોષાય.એને જ સામાજિક મનોવિજ્ઞાન એકો ચેમ્બર્સ કહે છે. આ થિયરી આમ તો પશ્ચિમી દેશોની રાજનીતિના અભ્યાસ પરથી ઘડવામાં આવી છે, પરંતુ એ જ બાબત આપણા દેશમાં પણ લાગુ પડી શકે એમ છે. સોશિયલ સાયન્ટિસ્ટસ કહે છે કે આપણે ખૂબ સંકુચિત માનસના બની રહ્યા છીએ. કટ્ટર સંપ્રદાયોના ભાગ બની રહ્યા છીએ. નાત,જાત,જ્ઞાતિ, ધર્મ,પ્રદેશ, દેશ, રાજકીય પક્ષના મુદ્દે કટ્ટર વિચારધારાને અપનાવી રહ્યા છીએ. બીજાના મતને સાંભળવાની કે સ્વીકારવાની સહિષ્ણુતા ખતમ થઈ રહી છે. ચર્ચા કરવાનો માહોલ જ નથી રહ્યો કારણ કે કોઈ બીજાનો મત કે ભિન્ન મત સાંભળવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર આ બદલાવ માટે આરોપ મૂકવામાં આવે છે. આપણે જેની સાથે સહમત નથી થતા એવા લોકોને આપણે અનફ્રેન્ડ કરીએ છીએ કે ટ્રોલ એટલે કે ટપલાં મારીએ છીએ. ટૂંકમાં આપણી સાથે સહમત ન થતી વ્યક્તિ ઉપર ખાર રાખીએ છીએ, વખત આવે તેને જુદી વિચારધારા અપનાવવા બદલ દુશ્મન માનીને દરેક રીતે તેને હેરાન કરવાના રસ્તા અપનાવીએ છીએ. પટેલ, દલિત જાતિના આંદોલન થયા ત્યારબાદ અન્ય જ્ઞાતિ-જાતિના લોકો પણ એકજૂટ થવા માટે હાકલા પડકારા નાંખી રહ્યા છે. સાંપ્રદાયિક અને ધર્મના વાડાઓ પણ આપણે ત્યાં કટ્ટરતા વધારી રહ્યા છે. એનો ફાયદો ઉઠાવી અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને રાજ કરી ગયા એટલું જ નહીં આપણા દેશના ભાગલા થઈ ગયા. ભાગલાનું રાજકારણ હજી પણ આપણને સમસ્યાગ્રસ્ત રાખી રહ્યું છે. મેચ હોય કે કાશ્મીર હોય કે પછી કલાક્ષેત્ર હોય સતત આપણે પાકિસ્તાનના હોવાથી તકલીફ થાય છે. જેટલી સહજતાથી ચીન કે શ્રીલંકા ફરવા જવાય છે એટલી સહજતાથી પાકિસ્તાન ફરવા જવાનું વિચારી શકતા નથી. આપણા જ દેશમાં નદીના પાણી મુદ્દે હુલ્લડો થઈ શકે છે. ભાષાના મુદ્દે પણ ઝઘડા અને રાજકારણ થઈ શકે છે. શું આ સંકુચિત માનસિકતામાંથી આપણે બહાર ન નીકળી શકીએ? શું કામ આપણે સંકુચિતતામાં જીવીએ છીએ.
સી થી જુએન અમેરિકાની ઉટાહ વેલી યુનિવર્સિટીમાં ફિલોસોફી ભણાવે છે, તેમનું કહેવું છે કે હાલમાં વધી રહેલી આ બધી સંકુચિતતાનું કારણ ફક્ત એકો ચેમ્બર્સ નથી. કેટલીકવાર માહિતીઓ  કે ફિલ્ટર બબલ્સ(પરપોટા) આપણા પર જુદી રીતે કામ કરે છે. જુએનનો અભ્યાસ કહે છે કે આ ફિલ્ટર બબલ્સ એકો ચેમ્બર્સ જેટલા ખતરનાક નથી હોતા કારણ કે તે ફુટી જઈ શકે છે. આમાં તમારી પાસે તારવેલી  માહિતીઓ આવે છે કે તેનું મૂળ તમને ખબર હોતી નથી. વોટ્સ એપ્પ પર તમને એવા હજારો સંદેશાઓ ફોર્વડ થતા હોય છે જેમાં તમારી વિચારધારાને બદલવાનો કે તેને અસર કરવાનો છુપો પ્રયાસ હોય છે. આ સંદેશાઓ પોલિટીકલ મોટિવેટેડ એટલે કે રાજકીય પક્ષો દ્વારા આડકતરી રીતે મોકલાવાતા હોય છે. તમારી વિચારધારાને આંદોલિત કરીને તેને ચોક્કસ દિશા તરફ લઈ જવાનો પ્રયાસ હોય છે. તેને સંકુચિત દાયરામાં લઈ જવાનો પ્રયાસ કરે છે. આમાં સામો પક્ષ હોતો નથી. આ ફેક ન્યુઝની જ ફક્ત વાત નથી. તમારી પાસે ચોક્કસ પ્રકારના સંદેશાઓ ફિલ્ટરથઈને ન્યુઝરૂપે કે માહિતી રૂપે પહોંચે, ખાસ કરીને ચૂંટણીના સમયે.
આ બાબત સમજવી આપણા માટે અઘરી નથી કારણ કે આવા અનેક ન્યુઝ અને વ્યુઝનો મારો સોશિયલ મીડિયા પર ચાલતો હોય છે. જેમની પોતાની કોઈ વિચારધારા કે વ્યક્તિત્વ નથી હોતું તેઓ આવા કોઈ વિચારધારા ધરાવતા જૂથની સાથે જોડાઈ કે ભળી જવાનું પસંદ કરે છે. જ્યારે એકો ચેમ્બર્સમાં તમે સામી વિચારધારાના લોકોનો વિશ્વાસ જ નથી કરતા. આપણી આસપાસના પરપોટાઓ એટલે કે બબલ્સની અસર હેઠળ આપણે આપણી સાથે સહમત ન થતા લોકોને અનફ્રેન્ડ એટલે કે મિત્રતાની લિસ્ટમાંથી બાકાત કરીએ છીએ. એવી જ વેબસાઈટ વાંચીએ જે આપણી વિચારધારાને અનુકૂળ આવે. આપણું મિત્રવર્તુળ એવું જ રાખીએ જે આપણા જેવી જ વિચારધારા ધરાવતું હોય. આપણી વિચારધારાથી વિરુદ્ધના કોઈ સમાચાર કે માહિતીથી દૂર જ રહેવાનું પસંદ કરીએ. ઉદાહરણ રૂપે ફેસબુકમાં ચાલી રહેલો પ્રવાહ આપણી સામે જ છે. એટલે કે આપણે સંકુચિત દાયરામાં રહેવાનું પસંદ કરીએ છીએ. આ બબલ્સ એટલે કે પરપોટાઓ આપણને વધુ પડતો આત્મવિશ્વાસ આપે છે. જેમ કે જુઓ આ વેબસાઈટ પણ એ જ કહે છે જે હું કહું છું, ફલાણા લેખક પણ એ જ લખે છે જે હું માનું છું. જુએન કહે છે કે આમાંથી બહાર આવવા માટે તમારી માન્યતાથી જુદા વ્યુઝ, વિચારોને વાંચો, સાંભળો, સમજવાનો પ્રયત્ન કરો. તમે ગુફામાં રહેતા હો પણ બહાર સૂર્યનો પ્રકાશ છે તેનો ઇનકાર નથી જ કરતા. બહાર જુઓ છો અને પ્રકાશ દેખાય છે. પણ આપણે તો ગાંધારીની જેમ મગજ પર ચોક્કસ વિચારધારાની પટ્ટી બાંધી દીધી છે. બબલ્સમાં આપણે વિરોધી વિચારોને બાકાત કરીએ છીએ,  જ્યારે એકો ચેમ્બર્સમાં વિરોધીઓનો વિરોધ કરવા માટે લોકોને ઉશ્કેરીએ છીએ. જેમ કે સૂરજએ કોન્સપરસી છે હકીકતમાં તો એ ગરમ ગેસનો ગોળો માત્ર છે. એકો ચેમ્બર્સ અંદરના અને બહારના એવા ભેદ પાડે છે. બહારના, બીજાઓ હમેશાં મલીનવૃત્તિનાલ જ છે, એમનો વિશ્વાસ થઈ શકે જ નહીં તેમની દરેક વાત કે કામ પાછળ ખરાબ હેતુ જ હોય. આમ સતત વિરોધ અને વેરભાવને જીવંત રાખવાનું કામ થતું રહે એવું રાજકારણ રમાડાતું હોય છે. એકો ચેમ્બર્સ ઘડનારા સત્ય હકીકતને કાઢી નથી નાંખતા પણ તેને પોતાની રીતે મેનીપ્યુલેટ કરીને પ્રહાર કરે છે. આપણે એકો ચેમ્બર્સના ભાગ છીએ તેની આપણને ખબર નથી પડતી. જુએન કહે છે કે એકો ચેમ્બર્સને તોડી પાડવું સહેલું નથી હોતું. બધું જ ભૂસીને નવેસરથી લોકોને રિબૂટ કરી શકાતા નથી. આજે આપણી આસપાસ કેટલાક બબલ્સ છે તો કેટલાક એકો ચેમ્બર્સ પણ છે જ.તો કેટલાક જાગૃત પણ છે જે આવા કોઈ જૂથ, વાડા કે એકપક્ષી સંકુચિત વિચારધારાના ભાગ નથી બનતા.

 

You Might Also Like

0 comments