પૈસા વિના જીવી શકાય

09:22






પૈસા સિવાય મુક્તિ હોઇ શકે તેવા જીવનની શોધ તેણે આદરી..તદ્દન મુક્ત જીવનની શોધમાં તે થાઈલેન્ડ બુદ્ધ મોનેસ્ટ્રીમાં ગયો, ત્યાંથી તે ભારત આવ્યો અને સાધુઓ સાથે રહ્યો

સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી

આપણે ત્યાં સાધુજીવન એટલે કોઇપણ વસ્તુ કે પૈસાની માલિકી સિવાયનું માનવામાં આવતું. પણ હવે તો સાધુઓ પાસે પણ સંપત્તિઓ હોય છે. સંસારનો ત્યાગ એટલે દરેક વસ્તુ કે વ્યક્તિની માલિકીભાવમાંથી મુક્તિ. એવી મુક્તિ સાથે જીવવાની કલ્પના તો આજનો સાધુ સમાજ પણ નથી કરી શકતો. તેમની રોજબરોજની જરૂરિયાતનું ધ્યાન સમાજ ઊપાડી લેતો હોય છે. પણ વ્યક્તિ જો કોઇની ય પાસેથી કશું જ લીધા વિના જીવવા માગતી હોય તો શું તે શક્ય છે ? વિચાર કરીએ તો અઘરું લાગે એવી બાબત છે પણ એક અમેરિકન એવું જીવન જીવી રહ્યો છે આજે પણ. એક ફિલ્મ યાદ આવે છે. અંગ્રેજી ફિલ્મ ઇન ટુ ધ વાઈલ્ડ ૨૦૦૭ની સાલમાં બની હતી. એક છોકરાએ લખેલી ડાયરીમાંથી આ ફિલ્મ બની હતી. સત્યઘટના પર આધારિત. એ છોકરાએ પોતાની બધી જ ઓળખ ભૂંસી નાખી સમાજથી દૂર અલાસ્કાના જંગલોમાં એકલો રહે છે. આસપાસ ઊગતી વનસ્પતિ ખાય છે, ઝરણામાંથી પાણી પીએ છે.... વગેરે પણ અહીં વાત ફિલ્મની નહીં ડેનિયલની કરવાની છે. ફિલ્મ અદ્ભુત હતી એટલે અહીં ઉલ્લેખ કર્યો છે.

ડેનિયલ જેમ્સ શેલાબર્જર ઊર્ફે સુએલોના નામે જાણીતો એક અમેરિકન છેલ્લા ચૌદ વરસથી વગર પૈસે જીવે છે. જો કે આ વાત સાંભળીને આપણને ભારતીયોને નવાઈ ન લાગે કારણ કે આપણે ત્યાં કેટલાય સાધુઓ એવું જીવન જીવી ગયા છે. પણ ભૌતિકવાદમાં માનતા અને ઉપભોક્તાવાદમાં જીવતા દેશ અમેરિકામાં સુએલોએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તેના કેટલાય અમેરિકન મિત્રો પૈસા વગર જીવી શકાય તે માનવા તૈયાર નહોતા. પૈસા તેમના માટે હવા જેટલા જ અગત્યના છે જો કે હવે તો ભારતમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે સુએલોના જીવનસંદેશ પર નજર નાખવા જેવી છે.

૧૯૬૧ની સાલમાં અમેરિકાના ડેનેવરના પરા અર્વાડામાં જન્મેલા સુએલોએ કોલોરાડો યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીસ્ટની ડિગ્રી લીધી છે. તેણે ડોકટર બનવાનું પણ વિચાર્યુ હતું. ૧૯૮૭માં તેની પાસે નોકરી હતી , બેંકમાં અકાઉન્ટ હતું. લેબ આસિસ્ટન્ટ તરીકે વરસો સુધી કામ કર્યા બાદ તે પીસ કોર્પમાં જોડાયો હતો ત્યાં આદિવાસી ગામડાઓમાં લોકોને પોષક આહાર મળે , ફર્સ્ટ એઇડ શિખવાડવું અને દવાઓ મળી રહે તેનો ચાર્જ તેને સોપાયો હતો. તેણે પ્રથમ બે વરસમાં જ નોંધ્યું હતું કે ગામડાઓમાં લોકો કૃષિ પેદાશ વેચીને વધુ પૈસા મેળવતા હતા અને તે પૈસા વડે તેઓ તેમને અત્યાર સુધી જરૂરી નહોતી એવી દરેક વસ્તુઓ ખરીદતા હતા જેમકે ટીવી, ઠંડા પીણાઓ, જંક ફુડ વગેરે ... તેઓ પહેલાં કરતાં વધુ બિનઆરોગ્યપ્રદ જીવન તરફ ગતિ કરી રહ્યા હતા.પહેલાં કરતાં તેઓ વધુ માંદા પડી રહ્યા હતા. તેને દેખાઈ રહ્યુ હતું કે પૈસા આવવાને કારણે લોકોના જીવન દેખીતી રીતે સુધરી રહ્યા હતા પણ તેમનું જીવન અને સ્વાસ્થય કથળી રહ્યું હતું.

તેને પૈસા બાબતે અનેક પ્રશ્ર્નો થયા પણ હજી તેને કેટલાક સવાલોના જવાબો નહોતા મળતા તેથી તે મોઆબ વિસ્તારમાં શિફ્ટ થયો.એક મહિલા સેલ્ટરમાં તે કામ કરવા લાગ્યો. તે લોકોને મદદરૂપ થવા માગતો હતો. પણ મદદ કરવા માટે પૈસા લેતા તેનું હૈયુ ડંખતુ હતું. તેને લાગતું કે કોઇની સેવા કે મદદ કરવાના ભાગરૂપે બદલામાં પૈસા મેળવવા તે અપ્રામાણિક લાગતું હતું. તેને બાળપણમાં શીખેલા ક્રિશ્ર્ચિયાનિટીના પાઠ યાદ આવતા હતા. દરેક વસ્તુ મફત હોવી જોઇએ. કોઇ કોઇના જ ઉપકાર હેઠળ કે દેવામાં ન હોય. કોઇની પણ વસ્તુ માટે માલિકીભાવ ન હોય. ગુનાહિત લાગણી વિના કે કોઇના વિશે અભિપ્રાય કે ભેદભાવ રાખ્યા વિનાનું જીવન હોય...તેને લાગતું કે આપણે પૈસાના ગુલામ બની રહ્યા છીએ.

પૈસા સિવાય મુક્તિ હોઇ શકે તેવા જીવનની શોધ તેણે આદરી..તદ્દન મુક્ત જીવનની શોધમાં તે થાઈલેન્ડ બુદ્ધ મોનેસ્ટ્રીમાં જઇ રહ્યો. ત્યાંથી તે ભારત આવ્યો અને સાધુઓ સાથે રહ્યો. તેણે જોયું કે આ સાધુઓ પૈસા વગર ચિંતા મુક્ત જીવન જીવતા હતા. તેને સાધુ જીવન જીવવું હતું પણ તેણે વિચાર્યું કે ભારતમાં સાધુ જીવન જીવવું સહેલું હશે. ખરી કસોટી તો જ થાય જો એ ભૌતિકવાદ અને પૈસાને જ સર્વસ્વ માનતા દેશમાં જઇને સાધુજીવન જીવી શકે. એટલે તે અમેરિકા પરત ફર્યો. ૨૦૦૦ની સાલથી તેણે દરેક પ્રકારની માલિકીનો ત્યાગ કર્યો. પૈસા, ક્રેડિટ કાર્ડ ,બેંક અકાઉન્ટ, ઘર બધું જ ત્યાગીને તે ઉટાહ વિસ્તારમા આવેલ એકાદ ગુફામાં જઇને રહેવા લાગ્યો.

કોઇની પાસેથી પણ તે કોઇ મદદનો સ્વીકાર નથી કરતો. આસપાસમાંથી જે કંઇ સહજતાથી મળે તે ખાય, પીએ છે. તેણે ૨૦૦૯ની સાલમાં નજીકમાં આવેલ માઓબ શહેરની લાઈબ્રેરીમાંથી પોતાનો બ્લોગ નામે લિવિંગ વિધાઉટ મની પણ શરૂ કર્યો જેના ઉપર પૈસા વગર જીવી શકાય કે નહીં ?... પૈસા કઇ રીતે છોડવા.?.. વગેરે લોકોના મનમાં ઊઠતા પ્રશ્ર્નોના પોતાના અનુભવ પરથી જવાબો લખે છે. તેણે બ્લોગ પર કબૂલ્યું છે કે જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તેને હંમેશાં કશાકને કશાકની ખોટ સાલતી હતી. આજે તેને પૈસા વગર જીવવામાં કશાયની ખોટ સાલતી નથી કારણ કે તે દરેક ક્ષણમાં જીવે છે. ગઈકાલની કે આવતીકાલની ચિંતા કરતો નથી. માંદો થાય તો શું તેની પણ ચિંતા કરતો નથી. દેશનું અર્થશાસ્ત્ર કે માર્કેટની મંદી,ચડતીની તેને કોઇ અસર થતી નથી. તેણે બ્લોગ પર લખ્યું છેકે પૈસા તમને સતત ઓછપનો અનુભવ કરાવે છે. પૈસા ગઇકાલ (દેવુ) અથવા આવતીકાલ (ઉધાર) દર્શાવે છે પણ ક્યારે ય તમને વર્તમાન દર્શાવી નથી શકતો.

ડેનિયલ સુએલોની ફિલોસોફી આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલી છે. આપણે તેને અનુસરી ન શકીએ તોય આપણી રોજિંદી ચિંતાઓને કંઇક અંશે સમજીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ.

You Might Also Like

0 comments