કિતાબ કથા બેઠક ૭

04:50

   





 


 


 


આ વખતે બેઠકમાં સૌથી વધારે સંખ્યામાં સખીઓ ભેગી થઈ ચૌદ જણી. પહેલીવાર મિંટિંગમાં ભાગ લેનારા બે જણાં હતાં. એક નેહલ વૈદ્ય અને યામિની પટેલ. બંગાળી સાહિત્ય વાંચીને મળવાનું હતું અને બધાં જ વાંચીને આવ્યાં હતાં. સંખ્યા વધારે હોવાથી અર્ધો કલાક વહેલાં મળ્યાં એટલે બપોરે ૩.૩૦ ચર્ચા શરૂ થઈ. તે વગર અટક્યે સાડા પાંચે ચા પીવા સમયે પણ બે જણાં પોતે વાંચેલાં પુસ્તક વિશે બોલવાના બાકી હતાં. બધાં ભેગાં થયાં ત્યાં સુધી બંગાળી ફિલ્મ “કાંદબરી”નું ‘ભરા બાદર, મહા બાદર બાદલ શૂન્ય મંદિર મોર...’ ગીત સાંભળ્યું. ત્યારબાદ રવિન્દ્રનાથની વાર્તા તો હોય જ પણ બીજા બંગાળી લેખકોની દુનિયા પણ કિતાબ કથામાં ઊઘડી. ખેવના દેસાઈએ મહાશ્વેતા દેવીની બ્રેસ્ટ સ્ટોરીઝ વાંચી હતી તેના વિશે વાત કરી, તો સેજલ શાહે સુભાષ ચંદ્ર બોઝે એમિલીને લખેલા પત્રોનું સંકલન જે શિશિરકુમાર બોઝ અને અને સુગ્રતા બોઝ નું લેટર્સ ટુ એમિલિ સેન્કી તેમજ એક સચ્ચી પ્રેમકથા એમિલી ઔર સુભાષ જેના લખેક છે કૃષ્ણા બોઝ અનુવાદક શ્રીકાંત અસ્થાના છે એના વિશે વિગતે વાત કરી. મેં નબનીતા સેનની ધ પેરટ ગ્રીન સારી વાંચી હતી. તેનો અંગ્રેજી અનુવાદ તુતુલ મુખર્જીએ કર્યો છે. ફક્ત ૮૨ પાનાંની નોવેલનું ફલક ખૂબ મોટું છે. અહીં લખવા બેસું તો હજાર શબ્દો તો ઓછામાં ઓછા થાય. ખરું કહું તો આ વખતની બેઠકમાં બધાંને ખૂબ આનંદ આવ્યો. ભરપૂર હોવાની અનુભૂતિ થઈ. વાંચવું અને તેને બીજા સાથે શેઅર કરવાનો આનંદ અનેરો હોય છે તેની અનુભૂતિ દરેકને થાય છે. દર મહિને બેઠક થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. બે કલાકમાં એક સાથે દસથી બાર પુસ્તકો વિશે વાત થાય એ માહોલ અવર્ણનીય છે. દર વખતે હું વિગતે લખું છું પણ આ વખતે બે કલાકનો અહેવાલ લખવો અઘરું કામ છે. એટલે ફક્ત પુસ્તકના નામ આપીશ. જાગૃતિ ફડિયાએ ચિરકુમાર સભા - રવિન્દ્રનાથ ટાગોર લિખિત હાસ્ય નવલકથા ગુજરાતી અનુવાદ સ્વ. રમણલાલ સોની વિશે વાત કરી તો પિન્કી દલાલે ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ સંપાદક અને અનુવાદક પ્રસાદ બ્રહ્મભટ્ટનું પુસ્તક વાંચ્યું હતું. પ્રીતી જરીવાલાએ સર્વને મારા નમસ્કાર નાયિકા-ગાયિકા કાનનદેવીની આત્મકથા વાંચી હતી. બંગાળી આલેખન સંધ્યા સેન ગુજરાતી અનુવાદ ચંદ્રકાંત મહેતા, સંકલન- નિરુપમા શેઠ. તો જ્હાનવી પાલે લિવિંગ એન્ડ ધ ડેડ શોર્ટ સ્ટોરીઝ બાય રવિન્દ્રનાથ ટાગોરની એક અદભૂત વાર્તા વિશે વાત કરી. હેતલ દેસાઈએ સુબીમલ મિસ્રાની વાઈલ્ડ એનીમલ્સ પ્રોહિબિટેડ પુસ્તકની વાત કરી. તેનો અંગ્રેજી અનુવાદ વી. રામસ્વામીએ કર્યો છે. આ શોર્ટ સ્ટોરીનું પુસ્તક હતું. એ વાર્તાઓ તમને ઝંઝોળી નાખે એવી એબ્સર્ડ કહી શકાય એવું સૌને લાગ્યું. આધુનિક લેખક તરીકે સુબીમલની ગણના થાય છે. ખેવનાએ વાંચેલી મહાશ્વેતાદેવીની વાર્તાઓ પણ તમને શોકિંગ ઈફેક્ટ આપી ગઈ.એમ સ્ત્રીના સ્તનને કેન્દ્રમાં રાખીને વાર્તાઓ હતી. નેહલ વૈદ્યએ પણ મહાશ્વેતાદેવી લિખિત અને ચંદ્રકાંત મહેતા અનુવાદિત નવલકથાની વિગતે વાત કરી. નીપા ભટ્ટે ધ મિસ્ટ્રી ધેટ ઈઝ વુમન આશાપૂર્ણા દેવી થ્રુ હર સ્ટોરીઝ જેને રુમા ચક્રવર્તીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે એ વિશે વાત કરી. નંદિની ત્રિવેદીએ અરણ્યમાં દિન-રાત - સુનીલ ગંગોપાધ્યાય અનુવાદક અનિલા દલાલ વિશે વાત કરી. માનસી સોનિકે મૃણાલિની - બંકિમચન્દ્ર ચટોપાધ્યાયની વિશે વાત કરી. મેપલ પ્રકાશનનું પુસ્તક વિશે વાત કરી. માનસીને એ વાંચવાની મજા ન આવી એની નિખાલસ કબૂલાત કરી. 


આવતી બેઠક ધરમપુરમાં ૨૯ જુલાઈએ થશે. રોમેન્ટિક વાર્તાઓ ગુજરાતી સિવાયની ભાષામાં વાંચીને મળીશું.


 






You Might Also Like

0 comments