કિતાબ કથા બેઠક - ૮

09:42


 




કિતાબ કથાની આ બેઠક બે તબક્કે મળી. એક ધરમપુરમાં અને બીજી મુંબઈમાં. ધરમપુરમાં હિમાંશી શેલત, બકુલા ઘાસવાલા અને આશા વીરેન્દ્રને મળવાનો આનંદ તો હતો જ પણ હિમાંશીબહેને અમને વાંચવાને માટે ભેગા થવા બદલ શુભેચ્છા આપી. એમણે સૂચન કર્યું કે તમે એકાદ વખત કવિતા વિશે પણ બેઠક રાખી શકો. બકુલા ઘાસવાલાએ પદમા  દેસાઈની આત્મકથાની વાત કરી.  હિમાંશીબહેન એમના પરિવારને ઓળખતાં હતાં એ વિશે થોડી વાત કરી. અર્થશાસ્ત્રી પદમા દેસાઈ મૂળ સુરતના પણ પછી અમેરિકા સ્થાયી થયાં હતાં.  એ જમાનામાં તેમની સિદ્ધિ અનોખી ગણાય. બ્રેકિંગ આઉટ નામે એમણે આત્મકથા લખી છે એ વિશે બકુલાબહેને ઉલ્લેખ કર્યો. હિમાંશીબહેન તે સમયે મણીપુરની ઘટનાઓથી વ્યથિત હતાં. એમણે હુબનાથની સ્ત્રીઓ વિશે આક્રોશપૂર્ણ  હિન્દી કવિતા સંભળાવી. એનો વિડિયો આ સાથે મૂક્યો છે. ત્યારબાદ સિતાંશુભાઈની એતદમાં છપાયેલી કવિતા પણ અમારી સમક્ષ વાંચી.  

આ વખતે પ્રતિમા પંડ્યાએ 'જિણં આમુચં'- બેબીતાઈ કાંબળેની આત્મકથા વાંચી હતી. ૧૯૨૯માં જન્મેલા બેેબીતાઈ દલિત સમાજના હોવાથી તેમનું જીવન અનેક એવા પાસાં ઉજાગર કરે છે જે અન્ય લોકો કલ્પી પણ ન શકે. આ વિશે વાત કરતાં બધાંએ દલિત સમાજ અને દલિત નારી સાહિત્ય વિશે પણ અછડતી વાતો કરી. એ વાત કરતાં ભવિષ્યમાં દલિત નારી સાહિત્ય વાંચનની બેઠક પણ રાખી શકાય એવું નક્કી થયું. 

પ્રીતી જરીવાલાએ ભારતીય લેખિકાની વાર્તાઓના સંપાદન 'સંવાદ'માંથી ત્રણેક વાર્તાઓ વિશે વાત કરી. સંવાદનું સંપાદન ડૉ નૂતન જાનીએ કર્યું છે. પુસ્તકમાં ભારતની ૨૦ ભાષાઓમાં ભારતીય લેખિકાઓએ લખેલી વાર્તાઓના ગુજરાતી અનુવાદ છે. સ્ત્રી જીવનને સ્પર્શતી અનેક બાબતો આ વાર્તાઓમાં વણી લેવાઈ છે. ભારતીય સમાજમાં સ્ત્રીની સ્થિતિ અને એનું સાહિત્યમાં નિરૂપણ બન્ને બાબતો આ સંપાદનના કેન્દ્રસ્થાને છે. 

સેજલ શાહે મૃણાલ પાંડે લિખિત 'દેવી- ટેલ્સ ઓફ ગોડેસ ઈન અવર ટાઈમ' દેવીના સ્વરૂપની વાત અને આજની સ્ત્રીના જીવનની વાતને બહુ સરસ રીતે આ પુસ્તકમાં ગૂંથીને સરળ ભાષામાં આલેખાઈ છે. સેજલે વાત પણ સરસ રીતે રજૂ કરી. એ વિષે વિગતે કિતાબ કથા ગ્રુપમાં મુકાશે. 

નીપા ભટ્ટ અને નેહલ વૈદ્યે જુમ્પા લાહરીને વાંચ્યા હતાં. જુમ્પા લાહરીએ ઈટાલિયન ભાષા શીખ્યા બાદ તે ભાષામાં નવલકથા લખી છે એનું અંગ્રેજી ભાષાંતર  નેહલે વાચ્યું.  એનું નામ છે, 'વ્હેર અબાઉટ્સ'  એમાં એક અજાણ્યા કથક દ્વારા કહેવાતી એક વરસની વાત છે. એ નેરેટર 'કથક'  ઈટલીના કોઈ એક સ્થળે છે જેનું નામ પણ આપણને જાણવા નથી મળતું. પણ નેહલના કહેવા મુજબ જુમ્પા લાહરીનું કથન એટલું સબળ છે કે તેને વાંચવાનું બંધ કરવું કે વચ્ચેથી ગુપચાવવું શક્ય ન બન્યું.  જ્યારે નીપાએ જુમ્પાની  'ધ લો લેન્ડ' વાંચી હતી.  અમેરિકા અને કોલકોતામાં આકાર લેતી આ નવલકથામાં બધું જ છે.  બે ભાઈઓ, કુટુંબની, બલિદાન, વેર વગેરે લાગણીઓથી તરબતર લોકપ્રિય નવલકથા રહી છે. 

પિન્કી દલાલે ઈન્દુ સુન્દરસનની  'ધ ટ્વેન્ટીએથ વાઈફ' વાંચી હતી. એમાં મહેરુનિસ્સાના જન્મથી મરણ સુધીની વાત છે. મહેરુનિસ્સા એ જ જહાંગીરને પરણીને નૂરજહાં બને છે. ઈતિહાસને રસ પડે એ રીતે કથામાં વણી લેવાયો છે. 

મેં  અનિતા દેસાઈ લિખિત 'બામગાર્ટનર્સ બોમ્બે' વાંચી હતી. હ્યુગો બામગાર્ટનર જર્મન યહુદી છે. વાર્તા ૧૯૩૦થી શરૂ થાય છે. હિટલરનું શાસન આવતાં હ્યુગોના પિતા ત્રાસીને આત્મહત્યા કરે છે. માતા કોન્સર્નટ્રેસન કેમ્પમાં જાય છે. હ્યુગો ભાગી છુટવામાં સફળ થાય છે.  ઈન્ડિયા આવે છે. કલક્તા અને પછી છેલ્લે મુંબઈમાં કોલાબામાં રહેતો હોય છે. વૃદ્ધ હ્યુગોનું કોલાબામાં તેના ફ્લેટમાં જર્મન હિપ્પી દ્વારા જ ખૂન થાય છે. હ્યુગોનું જીવન સતત દુખમય અને એકલતાભર્યું રહ્યું. એ બધે જ વિદેશી, શરણાર્થી અજાણ્યો બનીને જીવ્યો. ગ્રીક ટ્રેજેડીની સાથે આ નવલકથાની સરખામણી થઈ છે. 

આવતી મિટિંગ સપ્ટેમ્બરમાં યોજાશે અને હિન્દી સાહિત્ય વાંચવાનું છે. 

You Might Also Like

0 comments