પ્રાઉડ ટુ બી ગુજરાતી !
21:27દળદાર પુસ્તક ‘ધ ગુજરાતીસ- એ પોટ્રેઈટ ઓફ કોમ્યુનિટી’નાં પાનાં ઉથલાવતાં વંચાય છે -
વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી. - ખલીલ ધનતેજવી
પ્રસ્તાવનાની શરૂઆતમાં જ ગુજરાતીપણાને ઉજાગર કરતાં સલિલ ત્રિપાઠી લખે છે, આવો મારી સાથે, આવો બેસો. શું લેશો, ઠંડુ-ગરમ? નાસ્તોપાણી? અને પછી શરૂથાય ગુજરાતીપણાનો પ્રવાસ. તેમાં અનેક વળાંકો, ઉતાર-ચઢાવ, ખાણીપીણી, રહેણી કરણી, વિચારધારા બધું જ છે.
મોટેભાગે ગુજરાતી લખતી વખતે અંગ્રેજી શબ્દોને બને તેટલો ટાળવાનો પ્રયત્ન કરું છું. પણ ગઈકાલે જે સાંજ વિતાવી ગુજરાતીના ઘરે, ગુજરાતીઓ સાથે અને ‘ધ ગુજરાતીસ અ પોટ્રેઈટ ઓફ કોમ્યુનિટી’(અંગ્રેજી પુસ્તક) લેખક સલિલ ત્રિપાઠી સાથે ત્યારે ગ્લોબલ ગુજરાતીપણાનો સાંગોપાંગ સ્વીકાર કરવો જ રહ્યો. આ પુસ્તક દળદાર છે. કવર ચઢાવેલાં જાડાં પુઠાંની વચ્ચે ૭૩૦ પાનાં છે. દુબઈ અને મુંબઈ વચ્ચે આંટાફેરા મારતાં સાહિત્યના પ્રેમી જયેશ વોરાના ઘરે અમેરિકા નિવાસી સલિલ ત્રિપાઠીને મળવાનું ગોઠવ્યું છે એટલો જ મેસેજ થોડા દિવસો પહેલાં વ્હોટ્સ એપ્પ પર મળે છે. જયેશ વોરા વિશે ફરી ક્યારેક વિગતે વાત લખીશું પણ ટૂંકમાં ખૂબ દિલદાર અને નમ્ર માણસ. ફક્ત જયેશ વોરા નહીં, તેમનના પત્ની ફાલ્ગુની ગાંધી પણ સાહિત્ય તેમ જ ભોજનને સરખો પ્રેમ કરી શકે એવા ગુજરાતી દંપતી છે. એટલે જ એમણે આ પુસ્તક વિશે ગુજરાતીઓ વચ્ચે ખુલ્લા દિલે વાતચીત થઈ શકે એવું સરસ આયોજન કર્યું હતું. અમે જયેશ વોરાના ઘરે જવા તેમના મકાનમાં પ્રવેશ્યા તો લિફ્ટ તરફ જવાના કોરીડોરની બન્ને બાજુ પર ફુલોની રંગોળી અને દિવડાંની હાર અને સામે જ એક પોસ્ટર જેમાં 'ગુજરાતીસ વેલકમ સલિલ ત્રિપાઠી' જાણે કોઈ સરસ મજાના પ્રસંગમાં જઈ રહ્યા હોય એવું વાતાવરણ સ્વાગત કરી રહ્યું હતું. થોડા જ મિત્રો હતા છતાં ઘરની એક ભીંત પર પુસ્તકનું મોટું બેનર અને તેની આગળ સલિલભાઈના પુસ્તકોનું ટેબલ અને લેખક પોતે. પોસ્ટરની ડિઝાઈન અને કલ્પના પ્રતિક ગાંધીના ભાઈ પુનિત ગાંધીએ કર્યા હતા. પુસ્તક અને લેખકને આટલી સરસ રીતે વધાવી શકાય એ જોઈને આનંદ તો થયો જ પણ જલસો પડ્યો એવું ગુજરાતી તરીકે કહી શકાય.
હાજર મિત્રોમાં પ્રબોધ પરીખ(કવિ-લેખક), નૌશિલ મહેતા(લેખક-પ્રકાશક), ઉદયન ઠક્કર (કવિ), અસિત મહેતા(ઈન્વેસ્ટમેન્ટ બેંકર) મનોજ શાહ(નાટ્ય દિગ્દર્શક-નિર્માતા) પ્રતિક ગાંધી(એકટર), સચ્ચિત (લેખક-એકટર) ઉદય મઝમુદાર, પ્રણવ ત્રિપાઠી (લેખક-નાટ્યકાર) ગોપિકા જાડેજા( એડિટર-લેખક, કવિ) વેગેરે નામોલ્લેખ રહી ગયો હોય તો માફ કરશો. ઈશાન દોશી, મંથન જોશી, જનમ શાહ વગેરે યુવાનો પણ હાજર હતા. દરેક જણ ગુજરાતી હતા પણ કેવળ ગુજરાતી માત્ર નહોતા એવું ચોક્કસ કહી શકાય. ગુજરાતીઓ એવું કહેતા ફક્ત થેપલા, ફાફડા,ઢોકળા,ગરબા અને અંબાણી-અદાણી નહીં. ગુજરાતીપણાને સલિલભાઈએ ધારણાઓથી પર થઈને વાચકોની સામે કથા માંડી છે.
ઉપર ઉપરથી જોતાં ખ્યાલ આવે કે ‘ધ ગુજરાતીસ’ પુસ્તકમાં ગુજરાતીઓ વિશેની લગભગ સઘળી માહિતી ખૂબ રસાળ રીતે લખાઈ છે. મેં આખું પુસ્તક નથી વાંચ્યું પણ ચોક્કસ વાંચીશ. આનંદ એ વાતનો છે કે મારા દીકરા ઈશાને ગઈકાલે એ પુસ્તક પર સલિલભાઈની સહી ગુજરાતીમાં લીધી. બાય ધ વે, અંગ્રેજી પુસ્તક 'ધ ગુજરાતીસ' માં સલિલભાઈ લેખક તરીકે ગુજરાતીમાં જ સહી કરવાનું વધુ પસંદ કરે છે. ગઈકાલે જે વાતો થઈ, જે વંચાયું એના પરથી ખ્યાલ આવે છે કે માહિતીઓને રસાળ રીતે કથામાં ઢાળી શકાઈ છે. ગુજરાતી ન વાંચી શકતા યુવાનોને પણ રસ પડે એટલી સ્વસ્થતાથી આ પુસ્તક લખાયું છે. ઉમાશંકર જોશીના શબ્દોમાં કહેવું હોય તો એ તો કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી એ રીતે સલિલભાઈ ગુજરાતી હોવા છતાં કેવળ ગુજરાતી નથી. વરસોથી વિદેશ વસે છે છતાં ગુજરાતના દરેક સ્પંદનો તેઓ ઝીલે છે. અને પોતાના પ્રતિભાવ પણ વ્યક્ત કરતા હોય છે.
પુસ્તકના કવર પર કચ્છનો એક માણસ ઊંટ પર પોતાના પરિવારને રણમાંથી પસાર કરીને જઈ રહ્યો છે ક્યાંક. સલિલભાઈને જ્યારે પૂછ્યું કે તમારા સંશોધન દરમિયાન તમને શું લાગે છે કે કેટલા ગુજરાતીઓને પરદેશ જવું છે?
સલિલભાઈ કહે છે, “દરેક ગુજરાતીને ગ્રો થવું છે. એમની ઈચ્છા છે પોતાના પરિવારને સારું જીવન આપે. આ કવરપેજ જુઓ તો આ ભાઈ કચ્છના દરિયેથી નીકળીને બીજે કશે પણ જવા તૈયાર છે. આફ્રિકા- ઝાંઝીબાર વગેરે એની દીકરી છે તે ભણીને ડોકટર થશે. એનો દીકરો ભણીને બિઝનેસ કરશે. આપણે વસ્તુને કઈ રીતે જોઈએ છીએ તે મહત્ત્વનું છે. ”
આ પુસ્તકની શરૂઆત કઈ રીતે થઈ તે વિશે વાત કરતાં સલિલભાઈ કહે છે કે દિલ્હીમાં ડેવિડ દાવેદાર(લેખક-પ્રકાશક) સાથે બેઠો હતો ત્યારે એમણે કહ્યું કે બંગાળીઓ વિશે પુસ્તક થયું છે પણ ગુજરાતી સમાજ વિશે આજની પેઢીને જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? એમણે મને લખવાનું કહ્યું ત્યારે વિચાર્યું કે મારા પુત્રો જે અમેરિકામાં ઉછર્યાં છે, તેમને ગુજરાતી કે મરાઠી નથી આવડતું. જો કે તેમાં મારો જ વાંક છે એવું સહજ સ્મિત સાથે કહે છે. સલિલ ત્રિપાઠીના પત્ની મરાઠી હતાં. સલિલભાઈ વિશે જે નથી જાણતાં એના વિશે ટૂંકમાં તેઓ ગોવર્ધનરામ ત્રિપાઠીના કુળના છે. મુંબઈમાં ભણ્યા અને ઉછર્યાં. તેઓ કવિ, લેખક અને એડિટર છે. એમણે અંગ્રેજીમાં ત્રણ પુસ્તકો લખ્યા છે. ફોરેન પોલિસી, ધ વોલ સ્ટ્રીટ જર્નલ, ઈન્ડિયા ટુડે, મિન્ટ વગેરે અનેક પ્રસિદ્ધ અખબાર અને મેગેઝિનોમાં તેમના લેખો છપાતા રહે છે.
ધ ગુજરાતીસ વિશે પુસ્તક લખવા માટે એમણે સંશોધન કર્યું જ છે પણ મળતી માહિતીને પણ ખૂબ બેલેન્સ રહીને તપાસી છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર શશી થરુર અને સુકેતુ મહેતા, શોભા ડેના પુસ્તક વિશેના અભિપ્રાય છે. દરેક અભિપ્રાયમાં એકવાત ચોક્કસ છે કે માહિતીઓને ગુજરાતીપણાના રસમાં તરબોળ કરીને એવી રીતે મૂકી છે કે શીરાની જેમ ગળે ઉતરી જાય. સલિલભાઈ કહે છે કે ગુજરાતીની વાત હોય ને ફુડ, ગરબા અને પૈસાની વાત ન કરીએ તો કેમ ચાલે?
પુસ્તકની અનુક્રમણિકા વાંચીને મજા આવી. આપણે કોણ છીએ?, ક્યાંથી આવ્યા? ક્યાં રહીએ છીએ? આપણે કઈ રીતે કમાઈએ છીએ? પૈસા વિશે કઈ રીતે વિચારીએ છીએ ? રાજકારણ ? આપણે જે વાતાવરણ ઊભું કરીએ- વાતોથી, સંસ્કૃતિથી, ટેવોથી વગેરે વગેરે, આપણે કઈ રીતે પ્રાર્થના, પૂજા કરીએ છીએ. અફકોર્સ એમાં બાપુઓનો ઉલ્લેખ પણ છે જ. આપણે શું ખાઈએ છીએ? કઈ રીતે ખાઈએ છીએ? રમત ગમત એમાં લવ, સેક્સ એન્ડ ઢોકળા પણ છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ ધ વે વી કિલ.
પ્રબોધ પરીખ, નૌશિલ મહેતા, ઉદયન ઠક્કર,હેમંત શાહ, મનોજ શાહ વગેરે અનેકે પુસ્તક વિશે સવાલો પૂછ્યા અને જવાબો સાંભળ્યા. એ બધું બે કલાક ચાલ્યું. એટલું બધું યાદ રાખવું અને લખવું શક્ય નથી. પણ એનો સાર એટલો જ કે સલિલભાઈએ આ પુસ્તક લખતાં પહેલાં અનેક વ્યક્તિઓ સાથે વાત કરી. સંશોધન કર્યું, પણ લખતી વખતે તેને તટસ્થતાપૂર્વક વાચકો સમક્ષ મૂકાય તેનું ઘ્યાન રાખ્યું. છેલ્લે એમણે લાંબી સંદર્ભ ગ્રંથોની યાદી પણ આપી છે. અંબાણી-અદાણીની ન તો આરતી ઉતારી છે કે ન તો વખોડ્યા છે, પત્રકાર અને લેખકના સમન્વય દ્વારા તેમણે માહિતી સાથે આકલન કર્યું છે. રિલાયન્સના શેર થકી અનેક મધ્યમવર્ગે ઘર બાંધ્યાં છે તે વિગતને યોગ્ય રીતે બિરદાવી છે. ગુજરાતીઓ માટે અને જે ગુજરાતીઓ નથી એમને માટે ય આ પુસ્તકમાં અનેક ઉઘાડ છે. હાલ તો આ પુસ્તક અંગ્રેજીમાં જ છે. તેની કિંમત વધુ છે એવું લાગી શકે પણ ગુજરાતીઓ હોટલમાં જઈને સહજતાથી પાંચેક હજારનું બિલ દર વીક એન્ડ પર ચૂકવે છે એની સામે ૧૫૦૦ રૂપિયાનું આ પુસ્તક મોંઘું ન કહેવાય. આ પુસ્તક હમણાં અંગ્રેજીમાં જ છે, કદાચ ટૂંક સમયમાં એ ગુજરાતીમાં પણ આવે.
0 comments