સ્ત્રીઓ સંબંધમાંથી શું ઇચ્છે છે ?3-4 -12

23:02


 


પુરુષો વાતે વાતે ભલે કહેતા હોય છે કે  સ્ત્રીઓને સમજવી અઘરી છે. સ્ત્રીઓ પુરુષ પાસેથી શું ઇચ્છે છે ? એ પ્રશ્નનનો જવાબ જાણવા માટે પુરુષો હંમેશા તત્પર હોય છે. મોટાભાગના એવું માને છે કે સ્ત્રીઓને કિંમતી ભેટ આપવામાં આવે તો બસ... તેઓ ખુશ રહે છે કે કોઈ ફરિયાદ નથી કરતી. જો કે ગાંઠના ગોપીચંદન કરવા છતાં સ્ત્રી ખુશ ન થાય તો ?  બસ એક જ વાત કે ભાઈ સ્ત્રીઓને સમજવી કે ખુશ કરવું અઘરું છે. પરંતુ, એવું જરાય નથી. સ્ત્રીઓને ખુશ રાખવી હોય તો પુરુષે તેમની લાગણીઓને સમજતાં શીખવું પડશે. તેમાંય સ્ત્રી ક્યારે ખુશ હોય છે તે નહીં પરંતુ, સ્ત્રી ક્યારે નાખુશ કે ગુસ્સામાં છે તે જો પુરુષ સમજી જાય તો તે સ્ત્રીને ગમે છે. આમ આજની નારીને સમજવા અને સંતોષવા માટે થઈ રહેલા આ સંશોધન આજના પુરુષને ઉપયોગી થઈ શકે છે.
 તાજેતરમાં આ વિષયે હાવર્ડ મેડિકલ સ્કુલમાં ડૉ શિરી કોહેને કરેલા સંશોધનને ફેમિલિ સાયકોલોજીના જરનલમાં વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોહેને કરેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જીવનસાથી તરીકે સાથે રહેતા દંપતીજો એકબીજાની લાગણી સમજી શકે અને તેની જાણ જો એકબીજાને હોય તો તેમનું લગ્નજીવન સુખી અને સંતોષી હોય છે. પુરુષો માટે વાત એકદમ સરળ હોય છે તેઓ પોતાની પત્નિ ખુશ હોય તો પોતે પણ ખુશ હોય છે. જ્યારે સ્ત્રીઓને સુખમાં કે ખુશીમાં સંતોષ નથી થતો. તેમને ગમે કે પરુષ તેમની નકારાત્મક લાગણી સમજી શકે  અને  પોતે પણ  પુરુષ સાથીની નકારાત્મક લાગણીઓને જાણી શકે તો સંતોષ થાય છે.   એટલે કે  જ્યારે તેમનો પતિ તેમના ગુસ્સાને કે નારાજગીને સમજી શકે અથવા સમજવાનો પ્રયત્ન પણ કરે તો તેમને લાગે છે કે તેમનું લગ્નજીવન સાર્થક થયું છે. વળી પુરુષો હંમેશા ઝઘડામાં કે જ્યારે પણ તેઓ નારાજ હોય કે નાખુશ હોય તો બહાર દેખાડવાનું પસંદ નથી કરતાં. ખાસ કરીને પત્નિની સાથે પોતાની નારાજગી, નાખુશી કે હતાશાની વાત કરવાનું ટાળે છે કે તેમનાથી દૂર થઈ જાય છે તો તે  પણ સ્ત્રીને ગમતું નથી. તેને આનંદ થાય જો પુરુષ પોતાની નકારાત્મક લાગણીઓને પોતાની જીવનસંગીની સામે વ્યક્ત કરે.
આપણે આસપાસની સ્ત્રીઓના મોઢે સાંભળતા જ હોઈએ છીએ કે એમને તો મારી કશી પડી જ નથી. તો એમને એટલે કે પતિને લાગે છે કે પત્નિની કાળજી લેવી કે તેને એકાદી ખરીદી કરાવવાની વાત છે. હકિકતમાં સ્ત્રીને પોતાને પણ ખરેખર સમજાતું નથી હોતું કે તેને જોઈએ છે શું ? પણ જો પતિ ખરેખર પત્નિના મનની વાત સમજી ન શકે અને છતાંય જો તેને કહે કે તને શેનું દુખ છે તે મને કહે, અથવા હું તારું દુખ જોઈ નથી શકતો ... તો બસ એ જ ક્ષણે પત્નિને લાગે છે કે સ્વર્ગ મળી ગયું. આ સંશોધનમાં બીજી વાત એ જાણવા મળી કે જ્યારે પતિપત્નિ વચ્ચે ઝઘડો કે અણબનાવ થાય અને જો પતિ તે બાબતે ચર્ચા કરવાને બદલે વીથ ડ્રો સિમટમ એટલે કે ( બસ મને કંઈ જ પડી નથી કે મારે તારું કંઈ જ સાંભળવું નથી ) એવું જતાવે તો પત્નિથી સહન નથી થતું પણ જો પતિ ઝઘડા દરમિયાન કે બાદમાં પણ એવું જતાવે કે તારી પીડા કે દુખ હું સમજી શકું છું તો પણ સ્ત્રીને સંતોષની લાગણી થાય છે. અને પુરુષ પ્રત્યેની ફરિયાદ પણ ઓછી થાય છે. ટુંકમાં સ્ત્રીઓની લાગણીને સમજવાનો પ્રયત્ન કરતો પુરુષ પોતાની પાર્ટનરને ખુશ રાખી શકે છે. 

You Might Also Like

0 comments